Back કથા સરિતા
વર્ષા પાઠક

વર્ષા પાઠક

સમાજ (પ્રકરણ - 34)
સમાજમાં બનતી ઘટનાઓ પર આગવી દૃષ્ટિથી જોતાં અને કડક મિજાજે લખતાં વર્ષા પાઠક નીવડેલાં નવલકથાકાર પણ છે.

સતત આગમાં ઇંધણ નાખ્યા કરનારા લોકો શોષિતો, પીડિતોની સેવા કરે છે?

  • પ્રકાશન તારીખ08 Aug 2019
  •  

આપણી વાત- વર્ષા પાઠક
તાજેતરમાં અમદાવાદમાં બની ગયેલો કિસ્સો આપણે વાંચ્યો. એક દલિત મહિલાએ રમણભાઇ પટેલ અને એમના પરિવાર સામે એસસીએસટી એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી. એના કહેવા પ્રમાણે એ પોતાનો સામાન ફેરવતી હતી ત્યારે રમણભાઈ અને એમના ઘરના લોકોએ ફરિયાદીની જાતિ માટે અપમાનજનક શબ્દો વાપરીને એના પર હુમલો કર્યો. આવી ફરિયાદ થાય એટલે પોલીસ તરત આરોપીની ધરપકડ કરે, પણ અહીં પ્રોબ્લેમ એ હતો કે મુખ્ય આરોપી રમણભાઈનું તો બાર વર્ષ પહેલાં અવસાન થઇ ગયેલું. ઘરના લોકોએ કહ્યું પણ એમના કહેવા મુજબ પોલીસે સાંભળ્યું નહીં. ફરિયાદ મુજબ અત્યાચાર હમણાં થયેલો, મતલબ રમણભાઈ પરલોકથી દલિત બહેનને પરેશાન કરવા આવેલા. બીજા સામાન્ય માણસની નજરે જોઈએ તો ફરિયાદ બોગસ હશે. થોડા વર્ષ પહેલાં કોલકાતા હાઇકોર્ટે એની સામે આવેલા એક કેસનો ચુકાદો આપતાં કહેલું કે પછાત જ્ઞાતિની વ્યક્તિને કોઈ સવર્ણ દ્વારા ખોટા કેસમાં ફસાવવાની કોશિશ થાય તો બોગસ ફરિયાદ નોંધાવનાર સામે એટ્રોસિટીને લગતો કેસ દાખલ થઇ શકે. અમદાવાદમાં આનાથી ઊંધું થયું, પરંતુ આ પ્રકારના કેસમાં ખોટી ફરિયાદ કરનાર સામે કાનૂનની કઈ કલમ હેઠળ કેસ થઇ શકે? હા, અહીં પટેલ પરિવાર ચાંદખેડા પોલીસવાળાને હાઇકોર્ટમાં ઘસડી ગયા અને ત્યાં કોર્ટે પોલીસને ખખડાવ્યા, પણ કેસની તપાસ ચાલુ રાખવાનું સૂચન આપ્યું. મતલબ પટેલ પરિવારની મુસીબત હજી પૂરી નથી થઇ. આગળ શું થશે એ ખબર નથી.
થોડા વર્ષ પહેલાં ગાંધીનગર ગયેલી ત્યારે કાનૂનતંત્ર સાથે સંકળાયેલા એક બહુ સિનિયર અને જવાબદાર વ્યક્તિએ એની સામે ઘણીવાર આવતા આ પ્રકારના કેસીસની વાત કરેલી. એમના કહેવાનુસાર કેટલાક લોકોએ આને ધંધો બનાવી દીધો છે અને એમાં માત્ર કોઈ એક જ્ઞાતિ કે વર્ગને દોષી ઠરાવવાનું શક્ય નથી. કાનૂની પ્રોસિજર જાણતા અમુક બદમાશો અનુ. જાતિની વ્યક્તિને ચઢાવે કે અમુકતમુક જ્ઞાતિના માણસ સામે હેરાનગતિ થયાની ફરિયાદ નોંધાવો. ફરિયાદ થાય, નિયમાનુસાર પોલીસ આરોપીની ધરપકડ કરે. પછી આખીયે ઘટનાનો સૂત્રધાર વચ્ચે પડીને આઉટ ઓફ કોર્ટ માંડવાળીની દરખાસ્ત મૂકે. આરોપી નિર્દોષ હોય તોયે એ બાપડાને જલદી છૂટવું હોય, મને કમને પૈસા આપીને ફરિયાદ પાછી ખેંચાવે. ફરિયાદી અને વચેટિયો આપસમાં પૈસા વહેંચી લે. પોલીસથી માંડીને મેજિસ્ટ્રેટ સુધીના લોકો આ રેકેટ વિશે જાણતા હોય તોયે કંઈ કરી નથી શકતા, કારણ કે ફરિયાદ વિશે દુર્લક્ષ કરવાનું ભારે પડી શકે.
અહીં ભારપૂર્વક કહેવાનું કે આમાં સમાજના કોઈ પણ વર્ગને ઉતારી પાડવાનો કે બીજાની તરફેણ કરવાનો કોઈ ઈરાદો નથી. કડવી વાસ્તવિકતા છે કે આજેય આપણે ત્યાં ઊંચનીચનો ભેદ સાવ ભૂંસાયો નથી. ઘણી જગ્યાએ, ખાસ કરીને નાનાં શહેરો અને અંતરિયાળ ગામોમાં પછાત, દલિત ગણાતા વર્ગ સાથે અન્યાય થાય છે. સ્વતંત્રતા મળ્યા પછી ભારતીય સરકારે એમના રક્ષણ માટે ખાસ કાયદો ઘડવો પડ્યો. એમાંયે સમયાંતરે સુધારાવધારા કરીને વધુ કડક બનાવાયો છે. દરેક સમજુ, જવાબદાર નાગરિક આ કાયદાની તરફેણ કરે, પરંતુ બીજી તરફ આ પ્રકારના કાયદાનો દુરુપયોગ થાય છે એ પણ ગમે કે ન ગમે, પરંતુ સ્વીકારવું તો પડે ને? પરંતુ તકલીફ એ છે કે જાહેરમાં આવું કંઈ બોલવા જાવ તો તમે દલિતવિરોધી, ગરીબવિરોધી, જ્ઞાતિપ્રથાના ટેકેદાર, ટૂંકમાં સાવ જંગલી ગણાઈ જાવ. દહેજ અને જાતીય સતામણીની બાબતમાં સ્ત્રીઓને ન્યાય મળે એ માટે સરકારે કડક કાયદા બનાવ્યા છે, પરંતુ એનો પણ ઘણીવાર દુરુપયોગ થતો હોવાનું ખુદ અદાલત કબૂલે છે, પણ ત્યાં ચર્ચા ઉપાડનાર પર સ્ત્રીવિરોધી કે મૂર્ખ જેવા લેબલ લાગતા નથી. હમણાં તો એવી પિટિશન પણ થઇ કે જાતીય સતામણીની ફરિયાદ થાય ત્યારે પીડિતાનું નામ ખાનગી રખાય છે એવી રીતે આરોપીની ઓળખ પણ ગુપ્ત રાખવી જોઈએ, કારણ કે ઘણા કિસ્સામાં ફરિયાદ ખોટી પુરવાર થાય છે, પણ ત્યાં સુધીમાં આરોપીનું જીવન બરબાદ થઇ ગયું હોય છે. કોર્ટે પણ આ પિટિશન સાંભળવાની હા પાડી છે, પરંતુ દલિત પર અત્યાચારનો કેસ થાય ત્યારે ‘સામેવાળાનું સાંભળો તો ખરા’ એટલું બોલો તોયે માથે માછલાં ધોવાય છે. ‘તમને સવર્ણોને, ખાસ કરીને બ્રાહ્મણોને દલિતની પીડા નહીં સમજાય’ એવું મેણું સાંભળ્યું છે. આવા વખતે પ્રશ્ન પણ થાય કે કોઈની જાતિને ઉતારી પાડવી એ ગુનો હોય તો અહીં પણ એ લાગુ પડવો જોઈએને? બામણા કે ભામટા જેવા શબ્દ ઓછા અપમાનજનક છે?
અને જોવાનું એ કે આવાં મેણાંટોણાં પેલી ખરેખર શોષિત, પીડિત કોમના લોકો તરફથી નહીં, પણ બૌદ્ધિક મનાતા અપર કાસ્ટ લોકો તરફથી મળે છે. મારા ખુદના પરિવાર, મિત્રો, પરિચિતોમાં આવા અનેક લોકો છે જે દૃઢપણે માને છે કે આપણા દેશમાં દલિતો સાથે અન્યાય જ થાય છે. ઉપર જણાવ્યું એવા કેસ સાંભળતી વખતે પણ એમની દલીલ આ જ છે કે વર્ષો, સદીઓ સુધી જેમણે અત્યાચાર સહન કર્યો એ હવે પોતાનો રોષ ઉતારવામાં ક્યાંક ખોટું કરી નાખે તોયે બીજાઓએ સમજવું જોઈએ. મતલબ પૂર્વજોએ કરેલાં પાપનું ફળ વર્તમાન પેઢીએ ભોગવવું જ રહ્યું. આ એ લોકો છે જે સતત દલિતોને, બીજી લઘુમતીઓને યાદ દેવડાવતા રહે છે કે તમને હજીયે પહેલાં જેટલો જ અન્યાય થાય છે. એક જમાનામાં સમજના અભાવે હું પણ આ કથિત પ્રોગ્રેસિવ ગેંગની સભ્ય હતી. ત્યારે લાગતું હતું કે આપણે સમાજના શોષિત, પીડિત વર્ગમાં જાગૃતિ લાવવાનું મહાન કાર્ય કરીએ છીએ, પણ હવે લાગે છે કે જાગૃતિ લાવવી, ખરેખર કોઈ વ્યક્તિ કે વર્ગના વિકાસ માટે કામ કરવું અને માત્ર શબ્દો દ્વારા આગ ચાંપવી, એ બંને વચ્ચે મોટો ફરક છે. આ તો ઊલટું સમાજના જુદા-જુદા વર્ગ વચ્ચે કડવાશ જીવિત રાખવાનો, વધારવાનો ધંધો થયો. જરા કહો કે, આમાં લોજિક ક્યાં આવ્યું? કઈ સમાજસેવા થઇ?
[email protected]

x
રદ કરો

કલમ

TOP