આપણી વાત- વર્ષા પાઠક / મફતમાં ફિલ્મ જોઈને દેશપ્રેમ જાગી ઊઠે?

article by varsha pathak

Divyabhaskar.com

Jul 31, 2019, 03:30 PM IST

આપણી વાત- વર્ષા પાઠક
કોણ જાણે કેમ પણ આપણી સરકારને લાગે છે કે ભારતવાસીઓમાં પૂરતો દેશપ્રેમ નથી. અને એ ભાવના જગાવવાની જવાબદારી સરકારની છે. એટલે એ બિચારા જાતજાતના પ્રયાસ કરે છે. થિયેટરોમાં ફિલ્મ શરૂ કરતા પહેલાં રાષ્ટ્રગીત વગાડવાની સૂચના આપે છે, વાતેવાતે નાગરિકોને ભારતીય સેનાનાં પરાક્રમો અને બલિદાનની યાદ દેવડાવાય છે, રાજકારણીઓ પ્રાચીન ભારતના ઇતિહાસની સાચી-ખોટી ગૌરવગાથાઓ કહેતા ફરે છે, દેશની ઊજળી છબી દેખાડતી ફિલ્મોને ટેક્સફ્રી જાહેર કરે છે, વગેરે વગેરે. કમનસીબે, તોયે આપણા લોકો સુધરતા નથી એટલે પછી મહારાષ્ટ્ર સરકારે એક ડગલું આગળ ભરીને રાજ્યભરનાં થિયેટરોને આદેશ આપ્યો કે 26 જુલાઈ, શુક્રવારના દિવસે 18થી 25 વર્ષની વય ધરાવતાં છોકરા-છોકરીઓને ‘ઉરી- ધ સર્જિકલ સ્ટ્રાઇક’ નામની ફિલ્મ મફતમાં બતાવો. પાકિસ્તાને ઉરી પર કરેલા નાપાક હુમલાનો બદલો લેવા માટે ભારતીય સેનાએ જે સર્જિકલ સ્ટ્રાઇક કરી એની આ કથા હતી.
વાસ્તવિકતામાં એ સ્ટ્રાઇક વિશે જે અનેક સવાલો ઊઠેલા એનો હજીયે કોઈ સ્પષ્ટ જવાબ આપણી સરકારે નથી આપ્યો. ઊલટું પૂછનારાની રાષ્ટ્રનિષ્ઠા, દેશદાઝ પર સામે સવાલ ઉઠાવાયેલા. આમ જનતાને આજે પણ ખબર નથી કે એ સ્ટ્રાઇકમાં પાકિસ્તાનને કે ત્યાં ચાલતાં આતંકવાદી કેન્દ્રોને ખરેખર કેટલું નુકસાન થયું. પાકિસ્તાનવાળા તો હજીયે ‘અમને કંઈ નથી થયંુ’નું રટણ કરે છે. જે હોય તે, પણ ફિલ્મ સુપરહિટ ગઈ, બોક્સઓફિસ પર ટંકશાળ પાડી, એનો હીરો વિકી કૌશલ રાતોરાત બિગ ટાઈમ સ્ટાર બની ગયો. ફિલ્મ સાથે સંકળાયેલા બધા લોકો ખૂબ કમાયા, દર્શકોને મનોરંજન મળ્યું. વાત પૂરી થઈ, પરંતુ મહારાષ્ટ્ર સરકાર માને છે કે ફરીવાર અને એ પણ થિયેટરમાં જઈને મફતમાં આ ફિલ્મ જોવાથી દેશના યુવાનોમાં દેશભક્તિનો દીવો જ નહીં, મસમોટી જ્વાળા ભભૂકી ઊઠશે. આ ઉંમરના યુવાનો ભલે એક દિવસ ભણવામાંથી કે કામકાજમાંથી ગુટલી મારે, પરંતુ આ ફિલ્મ જુએ અને એ પણ 26 જુલાઈના દિવસે, તો ભારતનો ઉદ્ધાર થઇ જશે એવી એમને અપેક્ષા છે.
આમ તો છાપાં, ટીવી અને સોશિયલ મીડિયા દ્વારા ભારતના નાગરિકોને ઘણા દિવસથી યાદ દેવડાવાઈ રહ્યું હતું કે 26 જુલાઈ કોઈ સામાન્ય દિવસ નથી. વર્ષ 1999માં આ દિવસે ભારતીય સેનાએ પાકિસ્તાન સાથે ચાલેલી 60 દિવસની લડાઈના અંતે કાશ્મીરના કારગિલ સેક્ટરમાંથી ઘૂસણખોરોને સંપૂર્ણપણે મારી હટાવ્યા. એમાં આપણા 527 જવાનો શહીદ થઇ ગયા, પણ આપણી જમીન પર કબજો જમાવી બેઠેલા શત્રુઓનો સફાયો થઇ ગયો. ત્યારથી એ દિવસ કારગિલ વિજય દિન તરીકે ઊજવાય છે. સ્વાભાવિક રીતે આપણને એ ઘટના, એ દિવસ બદલ ગૌરવ થાય. પરંતુ પછી શું? હજી સુધી તો કોઈ ઓવર ઉત્સાહી રાજ્ય સરકારે એને પબ્લિક હોલિડે જાહેર નથી કર્યો, પરંતુ આગળ કહ્યું તેમ દેશભક્તિનું પ્રદર્શન હવે આપણે ત્યાં હરીફાઈનો મુદ્દો બની ગયું છે. દિનબદિન આવા દિવસોની ઉજવણીમાં રાજ્યસરકારો દ્વારા થતા ભપકા, ખર્ચમાં વધારો થતો જાય છે. મહારાષ્ટ્ર સરકારને વળી લાગ્યું હશે કે બેરોજગાર યુવાનોને નોકરી તો આપી નથી શકતા, પણ આ નિમિત્તે ફોકટમાં ફિલ્મ બતાવીએ તો એમની દેશભક્તિ ટકી રહે. એક દાવો એવો થાય છે કે આ ફિલ્મ પહેલીવાર થિયેટરમાં રિલીઝ થઈ ત્યારે દેશના યુવાનોમાં લશ્કરમાં ભરતી થવાનો જુવાળ આવેલો. સાચું-ખોટું ખબર નથી, કારણ કે આ બાબતમમાં કોઈ નક્કર, સત્તાવાર આંકડા ઉપલબ્ધ નથી. બાકી જે કારગિલ વોરમાં આપણા આટલા જવાનો શહીદ થઇ ગયા, એમાં પછી શબપેટીઓ પૂરી પાડવામાં જંગી ભ્રષ્ટાચાર થયાની બૂમો પડેલી.
માત્ર દેશભક્તિની ફિલ્મો જોવાથી, દેશપ્રેમનાં ગીતો ગાવાથી લોકોમાં રાષ્ટ્રનિષ્ઠા વધી જતી હોય તો ભારત જેટલા દેશપ્રેમી નાગરિકો દુનિયામાં બીજે ક્યાંય જોવા ન મળત. દેશના, માતૃભૂમિનાં ગુણગાન ગાતાં ગીતો આપણાથી વધુ બીજા કોઈ દેશમાં નથી ગવાતાં. દરેક 15 ઓગસ્ટ, 26 જાન્યુઆરીએ આવાં ગીતો સાંભળીને, ટીવી પર મનોજકુમારથી માંડીને અક્ષયકુમારની મેરા ભારત મહાન ટાઇપની ફિલ્મો જોઈને લોકો આર્મીમાં ભરતી થવા દોડતા હોત . સ્વતંત્રતાનાં આટલાં વર્ષો પછી ભારત દુનિયા પર રાજ કરતું હોત. હકીકતમાં એવું નથી થતું. કદાચ કોઈ ફિલ્મ જોઈને ઘડીભર આપણી અંદર દેશ માટે, સેના માટે ગૌરવ જાગી ઊઠે, પણ ઘરે ગયા પછી બધું વિસરાઈ જતું હોય છે.
અને છેલ્લે એક સવાલ- કારગિલ વિજય દિને આ ખાસ ફિલ્મ શું કામ? 1999માં થયેલા કારગિલ વોરને કેન્દ્રમાં કે બેકગ્રાઉન્ડમાં રાખીને આપણે ત્યાં કમ સે કમ અડધો ડઝન ફિલ્મો બની ચૂકી છે- એલઓસી, લક્ષ્ય, ધૂપ, ટેન્ગો ચાર્લી, સ્ટમ્પ્ડ, મૌસમ વગેરે, પરંતુ વીસમા કારગિલ વિજય દિને, એમાંથી કોઈ નહીં ને હજી ગયા જાન્યુઆરી મહિનામાં થયેલી સર્જિકલ સ્ટ્રાઇક પરની ફિલ્મ શું કામ સરકારી ધોરણે આટલી પ્રમોટ થઈ? એટલા માટે કે ભારતીય સૈનિકોએ કરેલી સર્જિકલ સ્ટ્રાઇકનો યશ આપણી સેના કરતાં વધુ વર્તમાન કેન્દ્ર સરકાર અને વડાપ્રધાને લીધેલો, પણ વિપક્ષોમાં વિરોધનો આછો ગણગણાટ કરેલો? કોઈને કદાચ આ નકામી શંકા લાગે, પણ લોકશાહીમાં પ્રશ્નો પૂછવાનો અધિકાર તો હોવો જોઈએ, ભલેને મફત ફિલ્મ જોવા માટેની ઉંમર વીતી
ગઈ હોય.
[email protected]

X
article by varsha pathak

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી