Back કથા સરિતા
વર્ષા પાઠક

વર્ષા પાઠક

સમાજ (પ્રકરણ - 32)
સમાજમાં બનતી ઘટનાઓ પર આગવી દૃષ્ટિથી જોતાં અને કડક મિજાજે લખતાં વર્ષા પાઠક નીવડેલાં નવલકથાકાર પણ છે.

મેથીપાક જમાડતી મમ્મી સંતાનનું ભવિષ્ય બગાડે છે?

  • પ્રકાશન તારીખ22 May 2019
  •  

તાજેતરમાં એક મિત્ર અમદાવાદથી મુંબઈ આવી રહ્યા હતા. ટ્રેનના કમ્પાર્ટમેન્ટમાં એમની સામે એક મહારાષ્ટ્રીયન પરિવાર હતો. મમ્મી-પપ્પા અને બે બચ્ચાં. એકની ઉંમર લગભગ પાંચ અને બીજીની અઢી ત્રણ વર્ષની લાગતી હતી. પ્રવાસ શરૂ થયાના થોડા જ સમયમાં બંને જણ તોફાને ચઢ્યાં. સીટ પરથી ઉપર-નીચે કૂદકા મારે, એક ઘડીએ પાણી પીવાની તો બીજી ઘડીએ ટોઇલેટમાં જવાની ડિમાન્ડ કરે, એકમેક સાથે મારામારી કરે. મમ્મી ખિજાય, પણ પપ્પા થોડા નરમ હતા અને દીકરીઓ એમને નચાવતી હતી.
બાળકોના શોરબકોરથી આખો કમ્પાર્ટમેન્ટ ગાજતો હતો અને રાતનો વખત એટલે લોકો કંટાળ્યા પણ હશે, પરંતુ બધાએ ધીરજ જાળવી રાખેલી, પણ છેવટે પપ્પાજી નાની દીકરીને લઈને ટોઇલેટમાં ગયા, ત્યારે મમ્મીજીના ધૈર્યનો સ્ટોક ખૂટી ગયો. ઘોંઘાટ મચાવી રહેલી દીકરીના ગાલ પર એણે સટાક દઈને એક લાફો રસીદ કરી દીધો. છોકરી પહેલાં તો ચૂપ થઇ ગઈ, પછી દબાયેલા અવાજે ધમકી આપી કે પપ્પાને કહી દઈશ, પણ ચંડીસ્વરૂપ ધારણ કરી ચૂકેલી મમ્મીએ સુણાવી દીધું કે હા, કહી દેજે અને પપ્પાજી પાછા આવ્યા ત્યારે એણે જ સામેથી ગોળ ખાઈ લીધો કે આ તોફાનીને તમાચો મારી દીધો છે. પપ્પા શું બોલે? છોકરીઓને પણ લાગ્યું હશે કે બહુ થયું, હવે નહીં ચાલે. તોફાન શાંત પડી ગયાં. અમારા મિત્રના શબ્દોમાં કહીએ તો તમાચાની ગુંજ પછી વાતાવરણમાં સન્નાટો ફેલાઈ ગયો. કોચમાં સહપ્રવાસીઓ સુખેથી પોઢી ગયા.
આ કિસ્સો કહેનાર મિત્રને અને એ સાંભળનાર મારા જેવા બે-ત્રણ લોકોને લાગ્યું કે મમ્મીએ કંઈ ખોટું નહોતું કર્યું. લાતો કે ભૂત ઘણી વાર બાતોં સે નહીં માનતે અને આપણે સહુ જાણીએ છીએ કે દેવદૂત ગણાતાં બાળકો ઘણીવાર તોફાની, આઉટ ઓફ કંટ્રોલ ભૂતની જેમ વર્તતાં હોય છે. આ કોલમ વાંચનારા લગભગ દરેક જણે નાનપણમાં કોઈવાર તો બીજાના નાકે દમ આવી જાય એવાં તોફાન કર્યાં હશે અને સોમાંથી કમ સે કમ એંસી જણે તો મમ્મી કે પપ્પાના હાથની પ્રસાદી ચાખી લીધી હશે. પેલી ટ્રેનમાં બની ગયેલો કિસ્સો જોઈને આજથી પાંત્રીસ ચાલીસ વર્ષ પહેલાં કોઈને અજુગતું તો છોડો, ધ્યાન આપવા જેવુંયે નહીં લાગ્યું હોય, પણ હવે આવી ઘટના ઘણીવાર ચર્ચાનો વિષય બની જાય છે, કારણ કે ઘણા લોકોને લાગે છે કે બાળકો પર હાથ ઉપાડાય જ નહીં. હું તો મારી બેબીને એક ટપલી પણ નથી મારતી, એવું બહુ ગર્વથી કહેવાય છે. બાળઉછેર અને ચાઈલ્ડ સાઇકોલોજીમાં એક્સપર્ટ ગણાતા લોકો કહેવા લાગ્યા છે કે આદર્શ મા-બાપ એ જ કહેવાય જે ક્યારેય બાળકને શિક્ષા ન કરે. મારવાનું તો બાજુએ રહ્યું, બાળકને દુઃખ થાય એ રીતે એમને ખિજાય પણ નહીં. અહીં એક્સપર્ટ એટલે માત્ર ડિગ્રીધારી ડોક્ટર અને મનોવૈજ્ઞાનિકો નહીં. ઇન્ટરનેટ આવ્યું છે અને ન્યૂઝપેપર્સમાં વિદેશી સર્વેક્ષણો અને અભ્યાસ ટાંકવાનું ચલણ વધ્યું છે ત્યારથી આપમેળે જ્ઞાન મેળવનારા અને જ્ઞાન બાંટનારાની સંખ્યા કૂદકે ને ભૂસકે વધી રહી છે.
હવે જ્ઞાન મળે એ સારું છે, પરંતુ જ્ઞાન ક્યાંથી આવે છે અને ચોક્કસ સંજોગોમાં, વાતાવરણમાં એ કેટલી હદે લાગુ પડે છે, એ પણ જોવું જોઈએ ને? બસ, કોઈએ કહ્યું એટલે વગર વિચાર્યે માની લેવાનું? કહેનાર ભલે બહુ હોશિયાર હોય, પરંતુ તમારા પોતાના પણ વિચાર, અનુભવ અને અભિપ્રાય હોય કે નહીં? પણ ના, આપણે તો કોઈ અમેરિકને કહ્યું એ માની લેવાનું. આ મૂર્ખાઈ માત્ર સામાન્ય જનતા નહીં, પોતપોતાના ક્ષેત્રમાં નિષ્ણાત ગણાતા અને આપણને સલાહ આપતા દેશીઓ પણ કરે છે. સીંગતેલને બદલે ઓલિવ ઓઇલ વાપરો, ઘઉંને બદલે કિનોઆ ખાવ વગેરે વગેરે. આ જ લોકો હવે કહે છે કે બાળકોને મારવાથી, અરે એમને અપમાનજનક બે શબ્દ બોલવાથી પણ એમનાં મન અને દિમાગ પર ખરાબ અસર પડે છે, માનસિક વિકાસમાં અવરોધ આવે છે, એમના ભવિષ્ય પર પણ ગંભીર અસર પડી શકે છે વગેરે વગેરે. અપરાધ કરીને અદાલતમાં હાજર થનારા બદમાશો પોતાને નાનપણમાં થયેલા અનુભવોને બચાવ તરીકે રજૂ કરે છે. હવે બાળકોને રોજેરોજ વિના વાંકે ઝૂડી નાખવાં એ સારું ન કહેવાય, પણ એનો અર્થ એવો કે વારતહેવારે એકાદ બે ફટકા મારી લેનાર મમ્મી એના બાળકના ભવિષ્ય સાથે જોખમી રમત રમે છે? અરે! નાનપણમાં માર ખાનારાં બાળકોનો માનસિક વિકાસ અટકી જતો હોય તો અત્યારે દુનિયાની અડધાથી વધુ પ્રજા ગાંડી કે અર્ધ ગાંડી હોત. હું એવા ઘણા લોકોને ઓળખું છું જેમણે બચપણમાં ભયાનક તોફાનો કરીને મમ્મીના હાથનો પુષ્કળ માર ખાધો છે, પણ અત્યારે બહુ સક્સેસફુલ કરિયર બનાવીને સુખી છે અને કોઇકોઇવાર પોતાનાં બાળકોને પણ ફટકારી લેતા અચકાતા નથી. બાળકોને પ્રેમ કરતા હો એનો અર્થ એવો કે એમને પંપાળ્યા જ કરવાનાં? ઊલટું આવી આળપંપાળથી તો બાળકો ભવિષ્યમાં જિદ્દી અને વેવલાં બને છે. નાનપણથી એમના દિમાગમાં ઠસી જાય છે કે એમની કોઈપણ ભૂલની સજા થવી જ ન જોઈએ.
એક દલીલ એવી થાય છે કે બાળકને ફટકારતી મમ્મી હકીકતમાં બીજા કોઈનો ગુસ્સો માસૂમ પર ઉતારે છે, પોતાનું ફ્રસ્ટ્રેશન કાઢે છે. કોઈ કોઈ કિસ્સામાં એવું હશે, પણ અમારા મિત્ર કહે છે કે એવું હોય તોયે શું છે? આપણી આસપાસ તો રોજ એવું થાય છે કે કોઈનો ગુસ્સો કોઈ પર ઊતરે. ભલેને બાળકને એનું ભાન વહેલાસર થઇ જતું. મોટા થયા પછી આપણે વારંવાર શારીરિક નહીં તો માનસિક લાફા ખાવા માટે તૈયાર રહેવું પડે છે. બાળપણમાં તો મેથીપાક આપ્યા પછી મમ્મી વહાલ પણ એટલું જ કરે છે, પરંતુ મોટા થયા બાદ ઓફિસમાં ભૂલ થાય તો બોસ સમજાવતા નથી, ધોઈ નાખે છે અને પછીયે ખોળામાં બેસાડીને ચૂમી નથી ભરતા. વૉર્નિંગ આપે છે કે બીજીવાર આવું કર્યું તો વધુ કડક શિક્ષા થશે. એવા સમયે આપણાં બાળકો એવું કહેશે કે મને તો મારાં મમ્મી-પપ્પા પણ નથી ખિજાયાં, તો તમે કોણ?
અંતે એટલું કહેવાનું કે જેમણે કોઈપણ સંજોગોમાં પોતાના સંતાન પર હાથ નહીં જ ઉગામવાની કસમ ખાઈ લીધી હોય એમને એમની પેરેન્ટિંગ સ્ટાઇલ મુબારક, પણ આને કોઈ બણગા ફૂંકવાલાયક મહાનતા નથી દાખવી એ યાદ, પણ એમણે પેલા ‘હવે વધુ તોફાન કર્યું છે તો ધોઈ નાંખીશ’ એવી ધમકી આપતા અને ધમકીને અમલમાં મૂકતા વડીલોને ઉતારી પાડવા નહીં. એ કડક ગણાતા વડીલો ઘણીવાર પોતાનાં બાળકોના તોફાનથી હેરાન થતા બીજા લોકોનો પણ વિચાર કરે છે. કોલમની શરૂઆતમાં જેની વાત કરી એ મમ્મીએ તોફાની દીકરીને માત્ર એક તમાચો મારીને ટ્રેનમાં કેટલા બધા લોકોને રાહત આપી દીધી.
viji@msn.com

x
રદ કરો

કલમ

TOP