મલ્ટિપ્લેક્સ- શિશિર રામાવત / ડિજિટલ યુગમાં હીરો તો લેખક જ હોવાનો

article by shishir ramavat

Divyabhaskar.com

Dec 09, 2019, 02:52 PM IST
મલ્ટિપ્લેક્સ- શિશિર રામાવત
‘હું મૂળ પદ્યનો જ માણસ છું, ગદ્ય પણ મૂળભૂત રીતે પદ્યમાંથી જ પ્રગટે છે એવું મારું માનવું છે.’
આયુષ્યમાન ખુરાનાની ‘બાલા’ જેવી દોઢસો કરતાં વધારે કરોડ કમાઈ ચૂકેલી ફિલ્મનું ‘ગદ્ય’ લખનારા નીરેન ભટ્ટ જ્યારે આવી વાત કરે ત્યારે સહેજ નવાઈ તો લાગે. ‘બાલા’નું ગદ્ય એટલે સ્ટોરી-સ્ક્રીનપ્લેનું સહલેખન અને સંવાદોનું સંપૂર્ણ લેખન. અગાઉ ‘મેઇડ ઇન ચાઇના’, ‘બે યાર’, ‘રોંગસાઇડ રાજુ’ જેવી ગુજરાતી અને હિન્દી ફિલ્મોનું સહલેખન પણ નીરેન ભટ્ટના બાયોડેટામાં બોલે છે. સાથે સાથે ગયા રવિવારે નોંધ્યું હતું એમ, ‘વાલમ આવો ને’, ‘ગોરી રાધા ને કાળો કાન’ જેવાં કેટલાંય સુપરહિટ ગુજરાતી ફિલ્મી ગીતો તેઓ લખી ચૂક્યા છે. આંકડાબાજી જ કરવી હોય તો સાંભળી લો કે એમણે 28 ગુજરાતી ફિલ્મોનાં આખેઆખાં આલ્બમ્સ લખ્યાં છે. છૂટક ગીતો તો અલગ. ફિલ્મના સ્ક્રીનપ્લે અને ડાયલોગ્ઝ લખવા કરતાં ગીતો લખવામાં નીરેનને વિશેષ મોજ પડે છે.
‘હું કવિ નહીં, પણ ગીતકાર છું,’ મુંબઇની એક કોફી શોપમાં ગ્રીન ટીની ચૂસકી લઈને નીરેન ભટ્ટ વાત આગળ ધપાવે છે, ‘મારાં કેટલાંય ગીતો ઓલા-ઉબર ટેક્સીની બેકસીટ પર લખાયાં છે! મુંબઇમાં આમેય મિટિંગ માટે કે બીજા કોઈ કામ માટે તમારે ટ્રાવેલિંગમાં પુષ્કળ સમય પસાર કરવો પડતો હોય છે. મારાં ગીતો પણ સ્ક્રીનપ્લેનો જ એક ભાગ હોય છે. જેમ કે, ‘વાલમ આવો ને... આવો ને’ ગીતમાં પ્રતીક ગાંધી અને મલ્હાર ઠાકરનાં પાત્રોના જે મનોભાવ વ્યક્ત થયા છે તે સંવાદ સ્વરૂપે પણ વ્યક્ત થઈ શક્યા હોત. એ જ રીતે ‘બાલા’માં યામી ગૌતમ પોતાના માટે બાહ્ય દેખાવ શા માટે મહત્ત્વનો છે તે વિશે આક્રોશપૂર્વક જે લાંબો ડાયલોગ બોલે છે તે ગીતમાં પણ વણી શકાયું હોત.’
નીરેને સ્કૂલ-કોલેજમાં પુષ્કળ થિયેટર કર્યું છે. કંઈકેટલાંય નાટકોનું લેખન અને ડિરેક્શન જ નહીં, એમાં એક્ટિંગ પણ કરી છે. અમુક નાટકો મ્યુઝિકલ હોય એટલે એમાં ગીતોની ભરમાર હોય. એમણે લખેલું ‘ભવાઈ – ખેલદિલીનો ખેલ ઉર્ફ મેચ ફિક્સિંગનો વેશ’ નામનું નાટક તો આખેઆખું છંદોબદ્ધ છે. એની કોમેડી પણ છંદમાં.
‘મારા પપ્પા બેન્કમાં જોબ કરતા હતા અને મમ્મી સાઇકોલોજીની પ્રોફેસર હતી,’ ભાવનગરમાં જન્મેલા અને ઉછરેલા નીરેન ભટ્ટ કહે છે, ‘મમ્મી પોતાની કોલેજમાં યૂથ ફેસ્ટિવલના કો-ઓર્ડિનેશનની જવાબદારી ઉપાડતી. હું નાનો હતો ત્યારે મમ્મી સાથે જતો અને નાટકોને એવું બધું રસથી જોયા કરતો.’
નીરેનનાં દાદી પણ એમના જમાનામાં સંસ્કૃત અને ગુજરાતીનાં પ્રોફેસર હતાં, વિદૂષી હતાં. નીરેનને વાંચનની ટેવ પડે તે માટે બાળપણથી ઘરમાં પૂરેપૂરો અનુકૂળ માહોલ ઊભો થયો હતો. ઇતર પ્રવૃત્તિઓમાં રસ લેનાર નીરેન ભણવામાં પણ ખૂબ હોશિયાર. ભાવનગરની દક્ષિણામૂર્તિ સ્કૂલમાં ભણ્યા પછી શાંતિલાલ શાહ એન્જિનિયરિંગ કોલેજમાંથી તેઓ સિવિલ એન્જિનિયર થયા. પછી વડોદરાની એમ.એમ. યુનિવર્સિટીમાંથી એમ.ઇ. કર્યું, જેમાં ડિઝર્ટેશનના ભાગરૂપે સરદાર સરોવર નર્મદા નિગમના સહયોગથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝ્ડ કેનલ ગેટ ઓટોમેશન મોડલ બનાવ્યું. 1997થી 2000ની સાલ દરમિયાન નીરેને વડોદરામાં ખૂબ થિયેટર કર્યું. જોવાની વાત છે કે થિયેટરમાં પ્રવૃત્ત હોવા છતાં એમણે એમઈમાં ગોલ્ડમેડલ પણ મેળવ્યો. પછી વડોદરાની પોલિટેક્નિક કોલેજમાં એક વર્ષ માટે લેક્ચરર તરીકે જોબ કરી.
‘મને સમજાયું કે કરિયરને ગતિ આપવા માટે એમબીએ કરવું જોઈએ. આથી મુંબઇની આઇબીએસ કોલેજમાં બે વર્ષનો એમબીએનો ફુલ ટાઇમ કોર્સ કર્યો. તે પછી મુંબઇસ્થિત આઇબેક્સી નામની ફર્મમાં બિઝનેસ ઇન્ટેલિજન્સ કન્સલ્ટન્ટ તરીકે કામ કર્યું. બસ, આ સમગાળામાં મને સમજાયું કે મારે તો લખવું છે, લેખન એ મારું પેશન છે. હું કંઈ આખી જિંદગી જોબ ન કરી શકું. દરમિયાન મારાં લગ્ન થઈ ચૂક્યાં હતાં. મારી પત્ની પલક, કે જે શિલ્પી છે, એણે મને જોબ છોડવા માટે પ્રોત્સાહિત કર્યો. છ મહિના ચાલે એટલું સેવિંગ એકઠું થયું એટલે મેં નોકરી છોડી દીધી.’
તમારાં લગ્ન થઈ ગયાં હોય ને તમે મુંબઈ જેવા મોંઘાદાટ શહેરમાં રહેતા હો ત્યારે આર્થિક સલામતી પૂરી પાડતી નોકરી છોડવા માટે જિગર જોઈએ! હવે શરૂ થઈ સ્ટ્રગલ. નીરેને થોડું થોડું લખવાનું તો જોબ ચાલતી હતી ત્યારે જ શરૂ કરી દીધું હતું. તેમણે ટીવી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકોને મળવાનું શરૂ કર્યું. તેઓ કહે છે, ‘મેં પાંચેક ફિલ્મોની સ્ક્રિપ્ટ્સ લખી હતી. હું ડિરેક્ટરોને મળું, સ્ક્રિપ્ટ અપ્રૂવ થાય, પણ આ પાંચમાંથી એકેય સ્ક્રિપ્ટ પરથી ફિલ્મ ન બની. સિરિયલોમાં પણ એવું. કાં તો વાત પાઇલટ એપિસોડથી આગળ ન વધે યા તો આખેઆખી ચેનલ જ બંધ થઈ જાય! મેં ઉમેશ શુક્લના ડિરેક્શન હેઠળ ‘રિટર્ન ટિકિટ’ નામનું કમર્શિયલ નાટક પણ લખ્યું, પણ એના પહેલાં શોમાં ટેક્નિકલ ગરબડને કારણે મ્યુઝિક જ ન વાગ્યું!’
દરમિયાન ટીવી પર થોડું થોડું કામ મળવું શરૂ થયું. ‘ઓફિસ ઓફિસ’ની સિઝન-થ્રી, ‘યે કાલી કાલી રાતેં’ નામનો ભયંકર વિચિત્ર સમયે ટેલિકાસ્ટ થતો હોરર શો, ‘ભાઇ ભૈયા બ્રધર’, ‘સાવધાન ઇન્ડિયા’ વગેરે જેવી સિરિયલોમાં લખાતું ગયું. ‘સાવધાન ઇન્ડિયા’ને કારણે સારો આર્થિક ટેકો રહેતો હતો. 2012માં ‘તારક મહેતા કા ઊલટા ચશ્મા’ની રાઇટિંગ ટીમમાં સામેલ થયા. 2013માં ‘બે યાર’ લખી ને અંગ્રેજીમાં કહે છે તેમ, રેસ્ટ ઇઝ હિસ્ટ્રી! 2018માં નીરેનની પહેલી હિન્દી ફિલ્મ રિલીઝ થઈ – ‘લવરાત્રિ’. સલમાન ખાને આ ફિલ્મ દ્વારા પોતાના બનેવીને મોટા ઉપાડે હીરો તરીકે લોન્ચ કરવાની કોશિશ કરી હતી, પણ આ કોશિશ જરાય કામિયાબ ન થઈ. 2019માં પહેલાં ‘મેઇડ ઇન ચાઇના’ (સંવાદલેખન) આવી અને ત્યાર બાદ આવી સુપરહિટ ‘બાલા’.
નીરેન કહે છે, ‘ઊભરતા ફિલ્મલેખકોને ટિપ્સ આપી શકવાના સ્તર સુધી હજુ સુધી હું પહોંચ્યો નથી, પણ તોય કોઈ મારી પાસે સલાહ લેવા આવે ત્યારે સૌથી પહેલાં તો હું તેમને ડિસકરેજ કરતો હોઉં છું, કેમ કે આ ક્ષેત્રમાં ટકી રહેવા માટે તમારામાં જબરદસ્ત હિંમત જોઈએ, ગાંડપણની હદ સુધીનો આત્મવિશ્વાસ હોવો જોઈએ. એક વાત યાદ રાખવાની કે ફિલ્મરાઇટરને કોઈ રિબીન કાપવા નહીં બોલાવે, કોઈ તમારો ફોટોગ્રાફ કે ઓટોગ્રાફ લેવા નહીં આવે. ગ્લેમરને કારણે નહીં, પણ જો તમને લખવાની પ્રોસેસમાં મજા આવતી હોય તો જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવવાનું વિચારવું જોઈએ.’
ફિલ્મલેખક બનવા માગતા ઉત્સાહીઓને નીરેન સૌથી પહેલો સવાલ એ કરે કે દોસ્ત, તમે શું શું વાંચ્યું છે? ઉત્તમ વાચક બન્યા વગર લેખક શી રીતે બની શકાય? નાનપણથી જ આપણા ઉત્તમોત્તમ સાહિત્યકારોનું શબ્દસાંનિધ્ય કરનારા નીરેન કહે છે, ‘જોબ ચાલુ હતી ત્યારે હું રોજ અઢાર-અઢાર કામ કરતો, છતાં પણ મારું પુસ્તકોનું વાંચન બંધ નહોતું થયું. કોઈને ગીતકાર બનવું હોય એમને પણ હું આવો જ સવાલ પૂછતો હોઉં છું. આ ઉત્સાહીઓએ ન તો રમેશ પારેખને વાંચ્યા હોય, ન મરીઝ વિશે કંઈ જાણતા હોય. ઉશનસ્ જેવા કવિઓની તો વાત જ નહીં કરવાની.’
‘બાલા’ની સફળતા માણી રહેલા નીરેન ભટ્ટે લખેલી બે વેબસિરીઝ ટૂંક સમયમાં સ્ટ્રીમ થવાની છે. અરશદ વારસીને ચમકાવતી ‘અસૂર’ એક ફોરેન્સિક થ્રિલર છે, જે ડિજિટલ પ્લેટફોર્મ વૂટ પર આવવાની છે, જ્યારે ફરહાન અખ્તરના પ્રોડક્શન હાઉસ એક્સેલે બનાવેલી ‘ઇનસાઇડ એજ’ની બીજી સિઝન આ લેખ તમારા હાથમાં આવશે ત્યાં સુધીમાં એમેઝોન પ્રાઇમ પર સ્ટ્રીમ થઈ ચૂકી હશે.
‘ફિલ્મ કે ટીવી સિરિયલ લખવી એક વાત છે, જ્યારે એક-એક કલાકના દસ-દસ એપિસોડની પાંચ-સાત સિઝન ચાલે એટલું કોન્ટેન્ટ લખવું એ તદ્દન જુદી વાત છે,’ નીરેન ભટ્ટ સમાપન કરે છે, ‘પાંચસો મિનિટનું કન્ટેન્ટ શી રીતે લખવું? પશ્ચિમના લેખકો આ કામ સરસ રીતે કરી રહ્યા છે, પણ આપણે ત્યાં આ કોડ હજુ સુધી કોઈએ ક્રેક કર્યો નથી, પણ એક વાત નિશ્ચિત છે, આવનારા ડિજિટલ યુગમાં હીરો તો લેખક જ હોવાનો.’ ટચવૂડ!
[email protected]
X
article by shishir ramavat

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી