માનો યા ના માનો- રાજ ભાસ્કર / કોણ છે પ્લાસ્ટિકમેન?

article by rajbhaskar

Divyabhaskar.com

Aug 14, 2019, 05:02 PM IST

માનો યા ના માનો- રાજ ભાસ્કર
પ્લાસ્ટિક જનજીવન અને પ્રકૃતિ બધા જ માટે અત્યંત નુકસાનકારક છે, કારણ કે તેનો યોગ્ય નિકાલ કરવાની વ્યવસ્થા પણ નથી અને તેનો વરસો સુધી નાશ પણ થતો નથી. ભારતમાં એક મહાનુભાવ એવા ય છે જેમણે પ્લાસ્ટિકના આ ખતરાથી દૂર થવા માટે એક અનોખો આઈડિયા લગાવ્યો છે.
તમિલનાડુના મદુરાઈમાં રાજગોપાલન વાસુદેવન નામની વ્યક્તિએ વેસ્ટ પ્લાસ્ટિકમાંથી સડક બનાવી છે. એ પણ પોલ્યુશન ફેલાવ્યા વગર. એના કારણે જ દેશભરમાં તેઓ પ્લાસ્ટિકમેનના નામે ઓળખાય છે. વર્ષ 2001માં તમિલનાડુની ત્યાગરાજન યુનિવર્સિટીના કેમેસ્ટ્રીના ડિન અને પ્રોફેસર રાજગોપાલને પોતાની લેબોરેટરીમાં એક એક્સપરિમેન્ટ કર્યું હતું. જેમાં એમણે નોંધ્યું કે ડામર અને પ્લાસ્ટિકનું મિશ્રણ રોડને વધારે મજબૂત બનાવી શકે છે. આ સંશોધનને અંતે તેમને રોડના ઉપયોગમાં વેસ્ટ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાનો આઈડિયા આવ્યો.
સિંગલ લેનનો એક કિલોમીટરનો રોડ બનાવવા માટે નોર્મલી 10 ટન ડામર વપરાય છે, પરંતુ આપણા આ પ્લાસ્ટિકમેન નવી ટેક્નોલોજીથી રોડ બનાવવા માટે માત્ર 9 ટન ડામર અને 1 ટન પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે. 1 ટન પ્લાસ્ટિક એટલે 10 લાખ કેરીબેગ (પ્લાસ્ટિકની થેલીઓ). જે પ્લાસ્ટિક ડિ-કમ્પોઝ થવામાં 1000 જેટલાં વર્ષ લાગી જાય. તે જ વેસ્ટ પ્લાસ્ટિકનો સદુપયોગ કરીને રોડ બનાવી શકાય છે અને પર્યાવરણની રક્ષા પણ કરી શકાય છે.
પ્લાસ્ટિકનો રોડ બનાવવાની પ્રોસેસ બહુ જ સિમ્પલ છે. સૌથી પહેલાં જેમાંથી રોડ બને છે એ પથ્થરને 170 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરવામાં આવે છે. પછી વેસ્ટ પ્લાસ્ટિકના ઝીણા ઝીણા ટુકડાઓ કરીને તેમાં ભેળવવામાં આવે છે. તેથી પ્લાસ્ટિક માત્ર 30 જ સેકન્ડમાં પીગળીને ગરમ પથ્થરો સાથે મિક્સ થઈ જાય છે. તેમાં 160 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરેલો ડામર ઉમેરી દેવામાં આવે છે અને પછી એમાંથી તૈયાર થાય છે પ્લાસ્ટિકનો રોડ.
પ્લાસ્ટિક રોડના અનેક ફાયદાઓ છે. સૌથી પહેલો ફાયદો તો એ કે રોડ વધારે વાહનોનો ભાર ખમી શકે છે. તે પાણીનો પ્રતિકાર કરે છે અને તેમાં ખાડા પણ નથી પડતા અને સૌથી મોટો ફાયદો તો એ કે દર એક કિલોમીટરના સિંગલ રોડમાં 1 ટન જેટલો ડામર બચે છે અને જેનો પર્યાવરણને સૌથી વધુ ખતરો છે તેવા 1 ટન પ્લાસ્ટિકનો નિકાલ પણ સરળતાથી થઈ જાય છે. આજે ભારતનાં 11 રાજ્યો જેવાં કે તમિલનાડુ, કેરળ, કર્ણાટક, ગોવા, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઝારખંડ, મેઘાલય, દિલ્હી અને હિમાચલપ્રદેશમાં 1 લાખ કિલોમીટરથી વધુના પ્લાસ્ટિક રોડ રાજગોપાલનજીના સુપરવિઝનમાં બની ચૂક્યા છે અને એક લાખ ટન કરતાં પણ વધારે પ્લાસ્ટિક કચરાનો નિકાલ થઈ ગયો છે.
રાજગોપાલનજીએ આ ટેક્નોલોજીને પોતાની યુનિવર્સિટીના નામે પેટન્ટ પણ કરાવી લીધી છે અને આ ઈન્વેન્શન ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયાને ફ્રી ઓફ કોસ્ટ આપી દીધું છે. આ અનોખા પ્લાસ્ટિક મેનની ઉંમર અત્યારે 73 વર્ષની છે અને તેમને વર્ષ 2018માં સરકારે પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કર્યા છે.
[email protected]

X
article by rajbhaskar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી