રે જિંદગી- રાજ ભાસ્કર / શાન ન ઇસકી જાને પાયે

article by rajbhaskar

Divyabhaskar.com

Aug 12, 2019, 06:41 PM IST

રે જિંદગી- રાજ ભાસ્કર
15 ઓગસ્ટનાે દિવસ હતો. આખું ગામ દુલ્હનની જેમ સજાવાયું હતું. આજે ગામમાં રાજ્યના એક મોટા પ્રધાન નવી શાળાના ઉદ્‌ઘાટન માટે પધારવાના હતા. આખું ગામ રાષ્ટ્રધ્વજોથી છલકાઈ ઊઠ્યું હતું. ગામનાં ઝાડ-પાન, રસ્તા, મકાન, ખેતર બધે એક જ રંગ પથરાઈ ગયો હતો, દેશભક્તિનો રંગ.
પ્રધાનજીની ગાડી ગામના પાદરમાં પ્રવેશી. પાદરથી શાળા લગભગ દોઢેક કિલોમીટરના અંતરે. એ આખાયે રસ્તાની બંને બાજુ નાનકડાં ભૂલકાંઓ હાથમાં રાષ્ટ્રધ્વજ લઈ, ‘હિન્દુસ્તાન અમર રહો’ના નારા સાથે નેતાજીનું સ્વાગત કરતાં ઊભાં હતાં. નેતાજી ગદ્્ગદ થઈ ગયા.
નેતાજી શાળાના દ્વારે પહોંચ્યા. ગાડીમાંથી ઊતર્યા કે તરત જ એમના પર ફૂલોનો વરસાદ થયો. એમણે ચિક્કાર મેદનીમાં નજર ઘુમાવી. ત્રિરંગાના ત્રણેય રંગો ઊડીને એમની આંખમાં અંજાઈ ગયા. તેઓ બે હાથ જોડીને બધાનું અભિવાદન ઝીલી રહ્યા હતા. ત્યાં જ એમની નજર દૂર ઊભેલા એક મેલાઘેલા માણસ પર પડી. એના હાથમાં એક નાનકડો ત્રિરંગો હતો. એમાં કંઈક ખાવાનું ભર્યું હતું. આજુબાજુ શું થઈ રહ્યું છે એનું એને જરાય ભાન નહોતું. બસ, એ ત્રિરંગાના પડીકામાંથી ઝાપટવામાં વ્યસ્ત હતો. નેતાજીનું મગજ ફાટ્યું. ત્રિરંગાનું આવું અપમાન? એમણે ઈશારો કરી સરપંચ અને આજુબાજુ ઊભેલા બીજા બે-ચાર માણસોને એ દૃશ્ય બતાવ્યું, પછી બબડ્યા, ‘અહીં નાનો ટાબરિયો પણ ત્રિરંગાની આમન્યા જાળવીને બેઠો છે, ત્યાં આ ઢાંઢો ત્રિરંગાનું આવું અપમાન કરી રહ્યો છે. સરપંચજી એક વાત યાદ રાખજો કે એક સડેલી કેરી આખા સૂંડલાને બગાડે. ત્રિરંગાનું આવું અપમાન કરનારને કડક સજા થવી જોઈએ.’
બસ થઈ રહ્યું, ‘સમજદાર કો ઈશારા કાફી હૈ’. સરપંચે તરત જ બાજુમાં ઊભેલા બે જણને ઈશારો કર્યો અને એ લોકો કડિયાળી ડાંગ લઈને પેલા પુરુષ તરફ દોડી ગયા. તરત જ નેતાજીએ પણ એમની સાથેના બે પોલીસ જવાનોને હુકમ કર્યો, ‘જોઈ શું રહ્યા છો, આપણા રાષ્ટ્રધ્વજનું આવું હળહળતું અપમાન કરનારને ખો ભુલાવી દો. એને બરાબર ઠમઠોરીને પછી જેલભેગો કરી દો. જેથી સમાજમાં દાખલો બેસે કે અમારા રાજમાં દેશનું અપમાન જરાય સાંખી નહીં લેવાય.’ જવાનોએ તાત્કાલિક હુકમનું પાલન કરી બતાવ્યું.
પછી તો એ મુદ્દો આખાય સમારંભ માટે ચર્ચાનો વિષય બની ગયો. નેતાજીએ પોતાના પ્રાસંગિક ઉદ્‌બોધનમાં પણ એ જ મુદ્દાની વાત કરી અને પોતે કે પોતાનો પક્ષ હવે સમાજમાંથી આવી તમામ બદીઓ નાબૂદ કરી દેશે એવું ભાષણ ઠોકી દીધું. ગામલોકોએ એમને તાલીઓના ગડગડાટથી વધાવી લીધા. ઘણા સમયે કોઈની પણ સાડાબારી રાખ્યા વગર સમાજ અને દેશની રક્ષા કરનારો એક નેતા મળ્યો એ વાતનો આનંદ ગામલોકોની જીભે એ નેતાનાં વખાણ રૂપે વ્યક્ત હતો.
નેતાજીનું ભાષણ પૂરું થયું પછી સરપંચ એમનું ભાષણ કરી રહ્યા હતા. હવામાંથી હજુ તાળીઓના ને નેતાજીનાં વખાણના પડઘા વિલીન થયા નહોતા. વચ્ચેની ખુરશીમાં બેઠેલા નેતાજી મેદની પર નજર ઘુમાવતાં ઘુમાવતાં સરપંચને કાનસરો દઈ રહ્યા હતા. ત્યાં જ અચાનક ઉપરથી એક કાગડો ચરક્યો. સાથળના ભાગેથી નેતાજીનું આખું પેન્ટ બગડી ગયું. ભારે શરમ સાથે નેતાજીએ આજુબાજુ જોયું, કોઈનું ધ્યાન નહોતું. નેતાજીએ હાશકારા સાથે ખિસ્સામાં હાથ નાંખ્યો, પણ પાછું ટેન્શન આવી ગયું. ઉતાવળમાં આજે એ હાથરૂમાલ ઘેર જ ભૂલી ગયા હતા. એ આકુળવ્યાકુળ થઈ ગયા. આસપાસ કોઈ જ એવી ચીજ નહોતી જેનાથી ગંદકી સાફ કરી શકાય. ભારે મનોમંથનના અંતે એમણે કોઈને પણ ખબર ન પડે એમ હળવેકથી ટેબલ પર પડેલો નાનકડો ધ્વજ ઉઠાવી લીધો અને ફટાફટ પેન્ટ પરની ગંદકી સાફ કરી ડૂચો વાળી નીચે ફેંકી દીધો. પછી તરત જ ઊભા થયા અને સમગ્ર જનમેદની સાથે ઝંડાગીતમાં સૂર પુરાવ્યો, ‘વિજયી વિશ્વ ત્રિરંગા પ્યારા, ઝંડા ઊંચા રહે હમારા! શાન ન ઈસકી જાને પાયે, ચાહે જાન ભલે હી જાયે.’
[email protected]

X
article by rajbhaskar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી