માનો યા ના માનો- રાજ ભાસ્કર / એક એવું ગામ, જ્યાં છે ઘરે ઘરે બાઉન્સર!

article by rajbhaskar

Divyabhaskar.com

Jul 31, 2019, 05:33 PM IST

માનો યા ના માનો- રાજ ભાસ્કર
જીવનમાં દરેક વ્યક્તિનું એક સપનું હોય છે કે એ કંઈક બને. કોઈને ડોક્ટર બનવું હોય, કોઈને એન્જિનિયર, કોઈને હીરો તો કોઈને બીજું જ કંઈક, પણ વ્યક્તિએ વ્યક્તિએ, ઘરે ઘરે જુદાં જ સપનાંઓની દુનિયા હોય છે. પણ ભારતમાં એક એવું ગામ છે જ્યાંના દરેક યુવાનને બાઉન્સર જ બનવું છે. દિલ્હીથી ખૂબ જ નજીક આવેલું અસોલા ફતેપુર બેરી નામનું ગામ એ માટે જાણીતું છે કે આ ગામના દરેક ઘરનો એક યુવાન બાઉન્સર બને છે. અત્યાર સુધી આ ગામના 1000થી વધારે યુવાનો બાઉન્સર બની ચૂક્યા છે અને હજુ લાઈનમાં પણ ઘણા છે.
અસોલા ફતેપુર બેરી ગામમાં સૌથી પહેલા બાઉન્સર બન્યા વિજય પહેલવાન. તેમની અત્યારે એક મોટી સિક્યુરિટી કંપની છે. વિજયની સફળતા પછી તો ગામના યુવાનોમાં બાઉન્સર બનવા માટે રીતસરની હોડ લાગી ગઈ, પણ બધાને બાઉન્સર બનવું છે શા માટે? આ સવાલનો જવાબ આપતાં વિજય પહેલવાન કહે છે કે, ‘અમારા ગામમાં ભણતરનો અભાવ હતો. ભણતરના અભાવે સારી નોકરી મળે નહીં. ફોર્સમાં જવા આડે ય અક્ષરજ્ઞાનનો અભાવ નડ્યો. હું 2000ની સાલમાં બાઉન્સરની લાઈનમાં આવ્યો. ધીમે ધીમે સિક્યુરિટી કંપની શરૂ‚ કરી. સારા પૈસા પણ મળ્યા અને માનપાન પણ. આથી ગામના યુવાનો પણ આ લાઈનમાં જોડાઈને ઈજ્જતની રોટી કમાવા માટે આગળ આવી રહ્યા છે.’ હા, કોઈ લોકો વ્યવસાય તરીકે બાઉન્સરની જોબ સ્વીકારે છે તો કોઈ વળી માત્ર પોકેટમની માટે, તો કોઈ માત્ર શોખ ખાતર બાઉન્સર બને છે. યુવાનો કહે છે બાઉન્સર બનવું એ તો અમારા ગામની આન, બાન અને શાન છે.
ગામના બાઉન્સરો કહે છે કે, ‘બાઉન્સરની જોબ જરાય આસાન નથી. પોતાની જાતને ફિટ રાખવી પડે, પેશન રાખવું પડે છે. મોટાભાગે બાઉન્સરો ડ્યૂટી કરીને રાત્રે એક કે બે વાગ્યે આવે અને વહેલી સવારે પાંચ વાગ્યે તો એક્સરસાઈઝ માટે ઊઠી જાય. બપોરે થોડો આરામ કરી સાંજે ફરી એક્સરસાઈઝ કરે અને પછી ડ્યૂટી પર જાય.’
સામાન્ય ખ્યાલ એવો છે કે બાઉન્સરો મારામારી કરે, પણ આ બાઉન્સરો ફોડ પાડતાં કહે છે કે, ‘અમે મારામારી કે ઝઘડા કરવા માટે નથી, એનો નીવેડો લાવવા માટે, લોકોને સુરક્ષા પૂરી પાડવા માટે છીએ. હા, તોફાનીઓ ન માને તો એને ક્યારેક સીધા ય કરી દેવાય છે ખરા!’
[email protected]

X
article by rajbhaskar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી