રે જિંદગી- રાજ ભાસ્કર / ડૉક્ટર દોસ્તની દરિયાદિલી

article by rajbhaskar

​​​​

Divyabhaskar.com

Jul 29, 2019, 04:51 PM IST

રે જિંદગી- રાજ ભાસ્કર
ડો. ચેતને બંગલાના ઉંબરા બહાર પગ મૂક્યો અને ગાડી તરફ આગળ વધ્યા ત્યાં જ મોબાઈલ રણક્યો.
‘હલ્લો ડો. ચેતન સ્પીકિંગ!’
‘હા ભાઈ હા, ખબર છે હવે કે તું ચેતન દાગતર બોલે છે!’ ડો. ચેતન ડઘાઈ ગયા. ગુજરાતના એક નંબરના ડોક્ટરને આ કયો ગધેડો તુંકારે બોલાવી રહ્યો હતો. ભલભલા નેતાઓ પણ એમના નામ આગળ ‘સાહેબ’નું છોગું લગાડ્યા સિવાય વાત નહોતા કરતા.
‘હેલ્લો કોણ બોલો છો ભાઈ? કોનું કામ છે તમારે?’
‘અરે ભુલકણા! મનહર બોલું છું, તારું જ કામ છે.’
‘મનહ...અ...ર?’
‘મનહર મગન, સિક્કાવાળા!’
‘અરે! મનિયા તું!’ ઓળખાણ પડતાં ડો. ચેતન ગેલમાં આવી ગયા, ‘અરે ગાંડિયા! ક્યાં છે? તને છેક આટલાં વર્ષે યાદ આવી. બોલ કેમ છે તું?’
પ્રિય મિત્ર હજુ એને ભૂલ્યો નથી એ વાતે મનહરના ગળે ભીનાશ રોપી દીધી.
‘બસ થોડી દી’નો મે’માન છું. બાર મહિનાથી રિબાઉં છું. બીમારીએ પેટમાં ઘો ઘાલી છે. કો’કે અંદર એસિડ રેડી દીધું હોય એવી બળતરા થાય છે. અહીં હંધાય દાગતરુએ એમની જાદુગરી કરી જોઈ, પણ કોઈ ન ફાવ્યા.’
‘શું વાત કરે છે તું!’
‘હા,…આ તો ગામલોકોએ કીધું. તારો લંગોટિયો મિત્ર અમદાવાદમાં મોટા દાગતર છે. હાંભળ્યું છે કે ઈયે પેટનાં જ દરદ ઠીક કરે છે. એની પાંહે પુગી જા.’
‘તું ઝટ અમદાવાદ આવી જા. પછી બીજી વાત!’
બીજા દિવસે સાંજે મનહર ડો. ચેતનના આલિશાન બંગલામાં બાઘા જેમ બેઠો હતો. જામનગર પાસેના નાનકડા ગામ સિક્કામાં આ બંને ભાઈબંધોનું બાળપણ વીતેલું. બેય ભાંગેલા ખોરડાની ભીંતને અઢેલીને રાતોની રાતો વાતો કરતા. આજે મનહર તો ત્યાં જ છે, પણ ચેતનના બાપુ મરી ગ્યા પછી એની હાલત સાવ કંગાળ થઈ ગયેલી. ઘણીવાર મનહરના બાપુ ચેતનની સ્કૂલ ફી ભરી દેતા એ મનહરને હજુ યાદ હતું. ક્યારેક પોતાના ખિસ્સાના બે રૂપિયામાંથી બેય રૂપિયા-રૂપિયાનો ભાગ લેતા એય એને યાદ છે. પછી તો એક દિવસ અચાનક ચેતનની મા એને લઈને અમદાવાદ આવી ગઈ. એ વાતને આજે પંદર વર્ષ વીતી ગયાં. પંદર વર્ષમાં તો ચેતન ક્યાંનો ક્યાં પહોંચી ગયો. રંકમાંથી રાજા થઈ ગયો.
સાંજે ડો. ચેતન એમની નવીનક્કોર એસી ગાડીમાં મનહરને એમની હોસ્પિટલ પર લઈ ગયા. ફરીવાર મનહરની આંખો પહોળી થઈ ગઈ. એને પ્રશ્ન થયો, સાલુ કોઈ માણસ દોઢ દાયકાના ટૂંકાગાળામાં આટલું બધું ઐશ્વર્ય કેવી રીતે પ્રાપ્ત કરી શકે? પંદર વરસમાં આટલા બધા રૂપિયા તે વળી કેવી રીતે કમાવાય?
પછી મનહરની ટ્રીટમેન્ટ શરૂ થઈ. એક્સ-રે, સોનોગ્રાફી વગેરે! બે દિવસ આ બધું ચાલ્યું. આ બંને દિવસ દરમિયાન મનહરની આંખો વધુ ને વધુ પહોળી થતી ગઈ. ઐશ્વર્ય અને ધનદોલતથી ફાટફાટ થતી મિત્રની જિંદગી જોઈને વારંવાર મનહરને એક જ પ્રશ્ન થયા કરતો, સાલુ કોઈ માણસ પંદર વરસના ટૂંકા ગાળામાં આટલા બધા રૂપિયા કેવી રીતે કમાઈ શકે?
⬛ ⬛ ⬛
મનહરના પેટનું ઓપરેશન થઈ ગયું. મિત્રે પેટમાંથી એસિડ કાઢી જાણે ગંગાજળ રેડી દીધું હોય એવી ઠંડક પ્રસરી ગઈ. એક મહિનાના રાજાશાહી આરામ પછી સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયેલો મનહર પાછો પોતાના વતન જવા નીકળ્યો. એની આંખમાં આભારનાં આંસુ હતાં. એ આંખો મીંચીને મનહરને ભેટી પડ્યો, પણ આંખો ખોલી ત્યારે ડો. ચેતન હાથમાં એક કાગળ લઈને ઊભા હતા.
‘આ શું છે ભાઈ!’ મનહરે ભોળાભાવે પૂછ્યું.
‘દવાખાનાનું બિલ છે?’
‘કેટલું?’
‘માત્ર બે લાખ રૂપિયા! પણ તું ચિંતા ન કરીશ. શાંતિથી ઘરે જા અને મહિનામાં ભરી દેજે. તારા માટે ક્યાં એવું છે? અને સાંભળ, ગામમાં કોઈ પૂછે તો કહેતો નહીં. આ તો ફક્ત તારો ભાવ છે. બાકી બીજાના તો હું પૂરા ત્રણ લાખ રૂપિયા લઉં છું.’
મનહરની આંખમાંથી વહેતાં આંસુઓનું રૂપ બદલાઈ ગયું. દોઢેક મહિનાથી એના મનમાં ઘોળાતા પ્રશ્નનો જવાબ એને મળી ગયો કે, ‘માત્ર પંદર વર્ષમાં કોઈ માણસ આટલા બધા રૂપિયા કેવી રીતે કમાઈ શકે?’
[email protected]

X
article by rajbhaskar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી