માનો યા ના માનો- રાજ ભાસ્કર / ઓકિગહારા : સેકન્ડ મોસ્ટ સ્યુસાઈડ સ્પોટ

article by raj bhaskar

Divyabhaskar.com

Aug 28, 2019, 05:37 PM IST

માનો યા ના માનો- રાજ ભાસ્કર
‘કંઈ પણ કરતા પહેલાં ધ્યાનથી તમારાં બાળકો, પરિવાર અને તમારા જીવન વિશે વિચારો. જીવન તમારાં માતા-પિતાએ આપેલી અણમોલ ભેટ છે.’ આવી ચેતવણીનું બોર્ડ જાપાનના ઓકિગહારા જંગલના પ્રવેશદ્વાર પર જ લગાવવામાં આવેલું છે, કારણ કે આ જંગલ સમગ્ર જાપાનનું ફર્સ્ટ અને સમગ્ર દુનિયાનું સેકન્ડ મોસ્ટ સ્યુસાઈડ સ્પોટ છે. જાપાનની રાજધાની ટોકિયોથી માત્ર બે કલાકના અંતરે આવેલા આ જંગલનું નામ ઓકિગહારા છે. આ સ્યુસાઈડ ફોરેસ્ટ માઉન્ટ ફુજીની તળેટીમાં નોર્થ ઈસ્ટમાં આવેલું છે અને 35 ચો. કિ.મી.માં ફેલાયેલું છે. આ જંગલમાં સામૂહિક અને વ્યક્તિગત આત્મહત્યાની અનેક ઘટનાઓ બની છે. વર્ષ 2003માં આ જંગલમાંથી 105 લોકોની આત્મહત્યા કરેલી લાશો મળી હતી. જંગલ ખૂબ જ ગીચ હોવાના કારણે અનેક લોકો ખોવાઈ પણ ગયા છે. મુશ્કેલીની વાત એ છે કે આ જંગલમાં આવતા જ મોબાઈલ, જીપીએસ કે કંપાસ વગેરે મોડર્ન ટેક્નોલોજીનાં સાધનો કામ કરતાં નથી. વૈજ્ઞાનિકો કહે છે કે જંગલની માટીમાં મેગ્નેટિક આયર્ન હોવાથી આવું થાય છે. ટેક્નોલોજી ચાલતી ન હોવાથી જે લોકો જંગલમાં ફરવા આવે છે તે લોકો પ્લાસ્ટિકની રંગીન ટેપનો ઉપયોગ કરે છે. જેમ આગળ વધતા જાય તેમ ટેપ ઝાડ સાથે વીંટતા જાય અને એના સહારે જ પાછા આવે.
કહેવાય છે કે 1960માં એક જાપાનીઝ લેખકે ‘બ્લેક સી ઓફ ટ્રીઝ’ નામની નવલકથા લખી હતી. તેના અંતમાં બે પ્રેમીઓ આવા જ જંગલમાં જઈને આત્મહત્યા કરી લે છે. તે નવલકથા એટલી લોકપ્રિય થઈ કે નિષ્ફળ પ્રેમીઓ ઓકિગહારામાં આવીને આત્મહત્યા કરવા લાગ્યા. 1993માં બીજું એક પુસ્તક આવ્યું, ‘ધ કમ્પ્લીટ સ્યુસાઈડ મેન્યુઅલ’ જેમાં લખાયું કે જાપાનનું ઓકિગહારા નામનું જંગલ આત્મહત્યા માટે સૌથી શ્રેષ્ઠ જગ્યા છે. આ પુસ્તકે લોકોના દિમાગ પર એવી અસર કરી કે ઓકિગહારામાંથી મળેલી અનેક લાશો પાસે આ પુસ્તક મળી આવ્યું હતું.
અહીં આત્મહત્યા કરનારાઓની આત્મા ભટકતી હોવાનું પણ કહેવાય છે. જાપાનીઝ લોકો એને વ્હાઈટ સ્પિરિટ કે યુરીઝ કહે છે. એટલે કે જે લોકોનું અકુદરતી મૃત્યુ થાય છે તેમનો આત્મા. અનેક યાત્રીઓને ભયાનક ચીસો ય સંભળાય છે. આજે પણ આ જંગલમાંથી દર અઠવાડિયે ઓછામાં ઓછી બે લાશો મળે છે.
[email protected]

X
article by raj bhaskar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી