રે જિંદગી- રાજ ભાસ્કર / એક સારો મિત્ર જ કાફી છે!

article by raj bhaskar

Divyabhaskar.com

Aug 05, 2019, 06:36 PM IST

રે જિંદગી- રાજ ભાસ્કર
‘દોસ્ત, પેલા 25 હજારની જો સગવડ થઈ જાય તો સારું?’ ધનંજયે હળવેકથી મને કહ્યું.
‘25 હજાર?’ હું ચોંક્યો, ‘કયા 25 હજાર?’
‘પેલા, બે વર્ષ પહેલાં મેં તને આપ્યા હતા એ.’
મેં ધડકતા હૃદયે કહ્યું, ‘હૃદયનાં પાટિયાં બેસી જાય એવી વાત ન કર. એ તો મેં તને ક્યારનાયે આપી દીધા છે.’
‘તું ઘરે જઈને જરા જોઈ લેજે. મને ખબર છે ત્યાં સુધી તેં મને એ રૂપિયા નથી આપ્યા.’ ધનંજય થોથવાતા સ્વરે બોલ્યો. જવાબમાં મેં ફક્ત ડોકું ધુણાવ્યું. થોડીવાર પછી અમે છૂટા પડ્યા. રોજ છૂટા પડતી વખતે લીંબુસોડા પીતા હતા, આજે ન પીધી. મોઢું એમ ને એમ જ ખાટું થઈ ગયું હતું.
એ રાત્રે હું ઊંઘી ન શક્યો. જો ધનંજયને પચીસ હજાર આપવાના બાકી હશે તો હું શું કરીશ? ક્યાંથી આપીશ? પચીસ હજારની રકમ મારા માટે ખૂબ મોટી હતી. મારી સ્મરણશક્તિ કહેતી હતી કે મેં ધનંજયને ચૂકવી દીધા છે, પણ જ્યાં સુધી લખાણ ન બોલે ત્યાં સુધી નકામું. મેં ધનંજયને પણ કીધેલું કે ઘરેથી હિસાબ જોઈને આવે.
સવારે ઊઠીને મેં સૌથી પહેલું કામ હિસાબ જોવાનું કર્યું, પણ હિસાબ લખેલી ડાયરી ન મળી. મારા ધબકારા ઔર વધી ગયા. એ આખો દિવસ મેં ડાયરી શોધવામાં બગાડ્યો, પણ ડાયરી ન મળી. આખરે બેન્કની પાસબુક જોઈ. છ મહિના પહેલાં પચીસ હજાર રોકડા ઉપાડેલા હતા અને પાસબુકમાં જ પેન્સિલ વડે ઝીણા અક્ષરે, ‘ધનંજય’ લખ્યું હતું. મારી આંખો ખુશીથી છલકાઈ ઊઠી. રાહતનો દમ ખેંચી હું ખુરશીમાં બેઠો અને પાણી પીધું.
રાત્રે પાસબુકને ખિસ્સામાં નાંખતો હું ધનંજયને મળવા પહોંચી ગયો. અમારી રોજની બેઠક પર એ આવ્યો તરત એને ખખડાવવાનું ચાલુ કરી દીધું. ‘સાલા, જો જો આ પાસબુકમાં ડોળા ફાડીને જો. એક્ઝેક્ટ 20મી ડિસેમ્બરે મેં તને પચીસ હજાર ચૂકવી દીધા છે. સાલ્લા, આ ન મળ્યું હોત તો મારી તો વાટ લાગી જાત.’ હું રડી પડ્યો.
મારી વાત સાંભળી ધનંજય ખડખડાટ હસતાં બોલ્યો, ‘મને તો ક્યારનીયે ખબર છે કે તેં મને પૈસા આપી દીધા છે. મારા ઘરે ડાયરીમાં પણ જમા બોલે છે, પણ આ તો થયું લાવો જરા તને હેરાન કરીએ. ઘણા દિવસથી તને રડતા નહોતો જોયો. હા હા હા...’ અને ધનંજય સાથે હું પણ હસી પડ્યો.…
⬛ ⬛ ⬛
આ ઘટનાને વરસ વીતી ચૂક્યું હતું. દિવાળીના દિવસોમાં ઘરની સાફસૂફી ચાલતી હતી ત્યાં જ જૂની પસ્તીમાંથી મને પેલી ડાયરી મળી ગઈ. એ સાથે જ મને પેલી ઘટના સાંભરી આવી. મેં ડાયરી હાથમાં લીધી અને એનાં પાનાં ઉથલાવવા લાગ્યો. એક પાનામાં હિસાબ લખ્યો હતો, નીચે નોંધ હતી, ‘ધનંજય પટેલ રૂપિયા પચીસ હજાર ચૂકવવાના બાકી.’ મને જબરજસ્ત આંચકો લાગ્યો. તો પછી બેન્કની પાસબુકમાં લખેલી ‘ધનંજય’ નામની નોંધનું શું? 20મી ડિસેમ્બરે કોને ચૂકવ્યા?
મેં ઝડપથી ડાયરી ઊથલાવા માંડી. બીજા પાનેથી બીજી નોંધ મળી આવી. ‘ધનંજય ઠાકર, રૂપિયા 25 હજાર રોકડા ચૂકવ્યા, તારીખ 20મી ડિસેમ્બર.’ આખીયે વાત સમજાઈ ગઈ. હું ઊભો થયો ઘરમાંથી પૈસા કાઢ્યા અને ધનંજય પાસે દોડી ગયો, ‘ભલા માણસ, આવું કરાતું હશે? મારી ડાયરી તો જુઠ્ઠું બોલી, પણ તારી ડાયરી તો સાચું બોલી હશે ને?’
‘એ તો સાચું બોલે!’ ધનંજય હસ્યો, ‘પણ એ સત્ય શું કામનું જે મારા મિત્રને રડાવી દે. મારે તને રડતો નહોતો જોવો દોસ્ત!’ અને હું રડી પડ્યો. પેલા પચીસ હજાર ખિસ્સામાંથી ન કાઢી શક્યો, કારણ કે કાઢત તો એ એની મિત્રતાની સરાસર તોહીન હોત અને આવા પ્યારા મિત્રનું અપમાન કરવાનું મને બિલકુલ પાલવે એમ નહોતું.
[email protected]

X
article by raj bhaskar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી