રે જિંદગી -રાજ ભાસ્કર / જોઈ લીધીને મારી મર્દાનગી?

article by raj bhaskar

Divyabhaskar.com

Jul 22, 2019, 12:26 PM IST

રે જિંદગી -રાજ ભાસ્કર
‘જો કસુંબી, એક વાત કાન ખોલીને સાંભળી લે, તું મને પ્રેમ ન કરે તો કાંઈ વાંધો નહીં, પણ કોઈ બીજાને પ્રેમ કરીશ એ હું સાંખી નહીં લઉં.’
‘જા જા હવે, બહુ જોયા તારા જેવા. તને તો મારી જૂતીએ પ્રેમ ન કરે અને એક વાત તું યે કાન ખોલીને સાંભળી લે, હું પ્રતાપને ચાહું છું અને એની સાથે જ પરણવાની છું. બહુ મર્દાનગી ઉછાળા મારતી હોય તો એકવાર પ્રતાપના સામો થાજે.’
‘કસુંબી, હું મારી મર્દાનગી બતાવીશ તો તારે જીવવું અબખે પડશે હોં! હજુય કહું છું માની જા. તને વિધવાના વેશમાં મારે જોવી નથી અને બીજાની સુહાગણ તરીકે જોઈ નહીં શકું.’
ખીમો એટલે લોકોના જીવનનો વીમો. ગામ આખું એના નામ માત્રથી થરથર કાંપે. બત્રી દુ ચોસઠ લક્ષણો ખીમો ગામની કપાતર વેજામાંનો રાજા. હમણાંથી એને ગામમાં જ રહેતી કસુંબાના ઘેન જેવી કસુંબી સાથે એને પ્રેમ થઈ ગયો, પણ કસુંબી ચાહતી હતી ગામના પ્રતાપસિંહ ઝાલાને. ખીમાએ એડીચોટીનું જોર લગાવી દીધું, પણ કસુંબીએ ખીમાને દાદ ન દીધી તે ન જ દીધી. એ પ્રતાપસિંહને પરણી ગઈ. આખા ગામમાં ખીમાની ઈજ્જતના વાવટા ફરકી ગયા. લોકો એના પર હસવા લાગ્યા. એણે એ જ દિવસે પાણી મેલ્યું, છ મહિનાની અંદર કસુંબીને કાં રાણી કરું, કા રંડાપો ના આલું તો હું પારકાનું પાણી.
ખીમો યોગ્ય મોકાની શોધમાં હતો. આખરે પાંચ મહિના પછીની તક મળી. એક અષાઢી રાત હતી. આખું ગામ પાણીમાં તરબોળ. રાતના સાડા અગિયાર વાગી રહ્યા હતા. ગામતરે ગયેલાં પ્રતાપસિંહ અને કસુંબી ગામમાં પાછાં ફરી રહ્યાં હતાં. ગામ બે જ કિલોમીટર દૂર હતું ને બાપુની ગાડીએ જવાબ દઈ દીધો. બાપુ અને કસુંબીએ ગાડી ત્યાં જ મૂકીને પગપાળા પ્રવાસ ચાલુ કર્યો. માંડ દસેક ડગલાં ચાલ્યાં હશે ત્યાં જ અચાનક ઉઘાડી તલવાર લઈને ખીમો પ્રકટ થયો, બંનેની સામે જોઈ હસ્યો, ‘બહુ રાહ જોવડાવી, પણ કાંઈ વાંધો નહીં. મારી પ્રતિજ્ઞા પૂરી થાય ઈ પે’લાં આવી ગ્યાં એટલે બઉં.’
‘એય ખીમા, હાલતીનો થા.’ પ્રતાપસિંહે ત્રાડ પાડી ત્યાં જ ખીમો એમના પર લપક્યો. બંને હાથ પાછળ દાબી ગળા પર તલવાર મૂકી.
‘બોલ કસુંબી, મારી રાણી થાવું છે કે આની રાં...?’
બાપુ નિહથ્થા હતા અને કસુંબી લાચાર. કસુંબી કાંઈ ન બોલી. ખીમાએ તલવારનું દબાણ વધાર્યું. અંધારામાં પણ કસુંબીને કળાયું કે બાપુના ગળેથી લોહીથી ટશર ફૂટી હતી. ખીમાએ ફરી પૂછ્યું, ‘જલદી બોલ, રાણી કે...’
‘રાણી’ કસુંબીએ પળનાય વિલંબ વગર જવાબ દઈ દીધો. બાપુની આંખમાં અંગારા રોપાયા અને ખીમાના ગળામાં હાસ્ય, ‘જોજે હોં ફરી નો જાતી.’
‘ફરું તો બે બાપની. કાલે હવેલી આવીને મને લઈ જાજે, પણ અત્યારે એમને છોડી દે.’
ખીમો હસ્યો, ‘જોઈ લીધીને મારી મર્દાનગી? મેં કીધું’તું ને કે આ ખીમાનો વીમો નો ઊતરે. જાવ બાપુ, આજની રાત રંગીન કરી લ્યો. કાલથી તમારા શયનખંડની રોશની આ મરદની રાત અજવાળશે.’
‘ખીમા તારી ભૂલ થાય છે.’ કસુંબીએ એને ટપાર્યો, ‘કાલથી મારે મરદની નહીં એક બાયલાની રાત અજવાળવી પડશે. તું એમ ના સમજતો કે તારી મર્દાનગી પર હું વારી છું, હું તો મારો પત્નીધર્મ નિભાવી રહી છું. મારો ચૂડી ચાંદલો અખંડ રાખવા હું જાત વેચી રહી છું. જા બાયલા, કાલે જીવતી લાશ લેવા આવી જાજે અને હા, અંધારાનો અંચળો ઓઢી નિહત્થા પર વાર કરે એને મરદ ના કે’વાય!’
ખીમાના હાથમાંથી તલવાર પડી ગઈ. એ ફાટી આંખે કસુંબીને તાકી રહ્યો. કસુંબી જોરથી થૂંકી અને પ્રતાપસિંહનો હાથ પકડી ખેંચી ગઈ. વરસાદ ધોધમાર વરસી રહ્યો હતો અને ખીમો પણ. અચાનક પ્રતાપસિંહે કસુંબીના હાથમાંથી હાથ ખેંચી લીધો. પાછા ફરી ખીમાના પગમાં પડેલી તલવાર લીધી અને કસુંબી કંઈ વિચારે એ પહેલાં જ ખીમાનું માથું ધડથી અલગ કરી નાખ્યું.
મૂંછે તાવ દેતાં બાપુએ કસુંબીનો હાથ પકડ્યો.
‘ચાલ કસુંબી, મગતરું મરી ગયું. મર્દાનગી આને કે’વાય.’ ત્યાં જ કસુંબીએ ઝાટકાથી હાથ છોડાવી લીધો, ‘જાવ સ્વામી, આજથી તમારે ને મારે કાંઈ નહીં. એક મરેલાને મારીને તમારે મર્દાનગી સાબિત કરવી છે? એક નિહત્થાને મારીને? તો પછી તમારામાં ને એનામાં ફર્ક શું? જાવ, અફસોસ તો એ છે કે જિંદગીમાં પ્રેમી અને પતિ બેય નામર્દ નીકળ્યા.’
[email protected]

X
article by raj bhaskar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી