ક્રાઇમ સિક્રેટ / મારી બહેનને એણે બદનામ કરી એટલે મેં એને મારી નાખ્યો

article by raj bhaskar

રાનીનો 14 વર્ષનો દીકરો એક દિવસ સ્કૂલેથી આવીને રમવા જાય છે પછી પરત જ નથી આવતો

રાજ ભાસ્કર

May 22, 2019, 04:11 PM IST

ઉત્તર પ્રદેશના કાનપુરના રાજપુર કસ્બામાં રહેતા સુનીલ વિશ્નોઈ અને રાનીનો 14 વર્ષનો દીકરો એક દિવસ સ્કૂલેથી આવીને રમવા જાય છે પછી પરત જ નથી આવતો. આકાશની મમ્મી રાની પાડોશમાં જ રહેતા તેના જેઠ વિનોદ વિશ્નોઈના દીકરા શિવમને સાથે રાખીને બધે શોધ કરે છે, પણ આકાશ મોડી રાત સુધી ક્યાંય નથી મળતો એટલે પોલીસ કેસ કરે છે.
ઇન્સ્પેક્ટર નવીનકુમાર અને ઇન્સ્પેક્ટર દેશરાજસિંહ ટીમ બનાવી ઇન્વેસ્ટિગેશન કરે છે, પણ ત્રણ દિવસને અંતે કસ્બાના છેવાડે આવેલા એક નાળામાંથી આકાશની લાશ મળે છે. આકાશની લાશને પથ્થરો બાંધીને નાળામાં ફેંકી દેવાઈ હોય છે. પથ્થરો છૂટી જતાં લાશ ઉપર તરી આવી હોય છે. માસૂમ આકાશની લાશ જોઈને પરિવારજનો ભાંગી પડે છે. નવીનકુમાર તાત્કાલિક લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપે છે. સાંજ સુધીમાં પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવી જાય છે. આકાશ 21મી સપ્ટેમ્બર, 2018ના સાંજે પાંચ વાગ્યે ગાયબ થયો હતો. એ પછી એક જ કલાક બાદ એનું શ્વાસ રૂંધાઈ જવાને કારણે મોત થયું હતું. એના ગળા પર દબાણનાં નિશાન પણ હતાં. પોસ્ટમોર્ટમ બાદ આકાશની લાશને પરિવારજનોને સોંપી દેવાઈ અને એ જ દિવસે તેના અગ્નિસંસ્કાર થઈ ગયા.
રાજપુર કસ્બા જ નહીં, પરંતુ સમગ્ર કાનપુરમાં આ કેસ ચર્ચાવા માંડ્યો હતો. પોલીસ પર માછલાં ધોવાઈ રહ્યાં હતાં. આથી સુપ્રિટેેન્ડેન્ટ ઓફ પોલીસ રાધેશ્યામ વિશ્વકર્માએ નવીનકુમારને ઝડપથી આ કેસ સોલ્વ કરવાની તાકીદ કરી. સાથે સાથે એમની મદદ માટે એક મોટી પોલીસ ટીમની પણ નિયુક્તિ કરી. ઇન્સ્પેક્ટર નવીનકુમારે બે દિવસ બાદ ફરી રાની અને સુનીલને પોલીસ સ્ટેશને બોલાવ્યાં અને પૂછ્યું, ‘હું તને ફરી પૂછું છું કે તને કોઈના પર શંકા છે? તારા મિત્રો, પરિવારજનો વગેરે પર? કોઈ એવી ઘટના જે તને યાદ આવતી હોય.’
સુનીલે દિમાગ પર જોર નાખીને કહ્યું, ‘સર, પરિવારમાં તો મોટાભાઈ વિનોદભાઈ, ભાભી મંજુલાબહેન અને તેમનાં સંતાનો શિવમ્ અને મીરાં છે. અમારી વચ્ચે અપાર સંપ છે. શંકાનો સવાલ જ નથી, પણ હા, મને એક વાત યાદ આવે છે. એકાદ વર્ષ પહેલાં મારે રાજપુર કસ્બાના બે લુખ્ખાઓ જોડે ઝઘડો થયો હતો. એ વખતે એમણે મને જોઈ લેવાની ધમકી આપી હતી. બસ આનાથી વધારે કશું જ નથી.’
ઇન્સ્પેક્ટર નવીનકુમારે તરત જ એ બંને લુખ્ખાઓ રાજા અને પિન્ટુને પોલીસ સ્ટેશને બોલાવી ડંડાથી આગતા-સ્વાગતા કરી, પણ એમની પાસેથીયે કંઈ જ જાણવા ન મળ્યું. દસ દિવસ હવાની પીઠ પર સવાર થઈને ઊડી ગયા. પોલીસની સખત મહેનત છતાં કોઈ કડી મળતી નહોતી. નવીનકુમાર અને દેશરાજ પોલીસ સ્ટેશને બેઠા હતા ત્યાં જ એક ખબરી અંદર આવ્યો.
‘બોલ બહાદુર, શું ખબર લાવ્યો છે? નવીનકુમારે આશાથી પૂછ્યું.
બહાદુરે કહ્યું, ‘સર, ખબર તો નવી લાવ્યો છું, પણ તમને કેટલી ઉપયોગી થાય છે એ ખબર નથી.’
‘બોલ તો ખરો!’
‘સર, વાત એમ છે કે આકાશના મોટાબાપા એટલે કે સુનીલના મોટાભાઈ વિનોદકુમાર વિશ્નોઈની દીકરી મીરાંને બાજુના કસ્બામાં રહેતા રાકેશ જોડે પ્રેમસંબંધ છે. છએક મહિના પહેલાં આકાશ એમને કોઈ ખેતરમાં અશ્લીલ હરકત કરતાં જોઈ ગયો હતો અને એણે પોતાના ઘરે કહી દીધું હતું. એટલું જ નહીં એણે આખા કસ્બામાં પણ વાત ફેલાવી દીધી હતી અને મીરાંને બદનામ કરી હતી.’
‘વેરી ઇન્ટરેસ્ટિંગ! 14 વર્ષનો માસૂમ કહેવાતો બાળક આવી બાબતમાં સપડાયો એ પણ નવાઈ છે, પણ ઠીક છે! તું એ કહે કે એ પછી બંને પરિવારો વચ્ચે કોઈ ઝઘડો વગેરે થયું હતું!’
‘ના, સાહેબ! જાહેરમાં ઝઘડો તો નહોતો થયો, પણ બધા વાતો કરે છે કે અંદરોઅંદર થોડી ચડભડ થઈ હતી અને આકાશને સમજાવ્યો હતો કે આવું ફરી ન કરે.’
‘તો તારું શું કહેવું છે?’
‘મારું કશું કહેવું નથી. ઇન્વેસ્ટિગેશન તમે કરો છો. તમારે જોવાનું છે કે આ ઘટનાના તાર હત્યારા સુધી પહોંચે છે કે નહીં?’
ખબરી ચાલ્યો ગયો પણ એની ખબરે નવીનકુમારના દિમાગમાં તપાસના નવા તાર જોડ્યા હતા. એમણે સાથી ઇન્સ્પેક્ટર સાથે ચર્ચા કરી, ‘દેશરાજ, મને લાગે છે કે કદાચ વિનોદકુમારનો પરિવાર આમાં સંડોવાયો હોય. આપણી પાસે બધાના મોબાઇલ નંબર છે! એની ડિટેઇલ અને લોકેશન ચેક કરીએ, કદાચ કંઈ મળી આવે!’
‘યસ, મને પણ એમ લાગે છે!’
આખરે બધા નંબરના કોલ ડિટેઇલ અને લોકેશન ચેક કરવામાં આવ્યા અને સુરાગ મળી ગયો. વિનોદકુમારના દીકરા શિવમના મોબાઈલનું લોકેશન હત્યાના બીજા દિવસે એટલે કે 22મી સપ્ટેમ્બર- 2018ના દિવસે વહેલી સવારે ચાર વાગ્યે રાજપુર કસ્બાના છેવાડે દૂર આવેલા પેલા નાળા પાસેનું બતાવી રહ્યું હતું. એ જ નાળામાંથી શિવમની લાશ મળી હતી. બસ, ખેલ ખતમ થઈ ગયો. ઇ. નવીનકુમારે એ જ દિવસે શિવમને ઉઠાવી લીધો. પહેલાં તો શિવમ્ ન માન્યો. એટલે નવીનકુમારે એના બંને ઢીંચણો ડંડા મારી મારીને લોહીલુહાણ કરી નાખ્યા. આખરે એણે ગુનો કબૂલી લીધો. કબૂલાત પછી નવીન અને દેશરાજ સામે બેઠા. નવીનકુમારે પૂછ્યુ, ‘જે કર્યું હોય એ સાચેસાચું બકવા માંડ. જો એક શબ્દ પણ ખોટો બોલીશ તો ફરીવાર ડંડાનું વાવાઝોડું ત્રાટકશે, યાદ રાખશે.’
શિવમે બોલવા માંડ્યું, ‘સાહેબ, મારી બહેન મીરાંને બાજુના કસ્બાના રાકેશ સાથે પ્રેમ હતો. એક વખત આકાશ એને ખેતરમાં મળતા જોઈ ગયો. આકાશે મને વાત કરી ત્યાં સુધી વાંધો નહોતો, પણ એણે તો આખા કસ્બામાં વાત ફેલાવી દીધી અને અમારી બદનામી કરી. અમે કાકાને વાત કરી એને સમજાવવાનું કહ્યું. કાકાએ સમજાવ્યો, પણ તોયે એ ન સુધર્યો. એ હતો માત્ર 14 વર્ષનો પણ બહુ જ વિચિત્ર હતો. ખૂબ જ ગંદી વાતો કરતો હતો મારી બહેન વિશે. સાંભળીને મારા કાનના કીડા ખરી પડતા હતા. મીરાંએ ખોટું કર્યું હતું, અમે એને એની સજા પણ કરી હતી, પણ પરિવારની બદનામી તો ના જ કરાય ને. આકાશ જે રીતે બીભત્સ વાતો કરતો હતો એ સાંભળીને મને ખૂબ ગુસ્સો ચડતો હતો. મીરાં તો સુધરી ગઈ હતી. પેલા છોકરાને મળવાનું પણ બંધ કરી દીધું હતું. તેમ છતાં આકાશ વાતો ફેલાવ્યે રાખતો હતો. મારું કોલેજમાં જવાનું હરામ થઈ ગયું હતું. મને મિત્રો ખિજાવતા હતા. આકાશ સમજતો નહોતો કે મીરાં એની પણ બહેન છે. આવું ન કરાય. મેં એને અનેકવાર સમજાવ્યો પણ એ માન્યો નહીં, એટલે મેં એની હત્યા કરવાનું નક્કી કરી લીધું હતું. એ દિવસે સાંજે પાંચ વાગ્યે એ રમીને ઘરે જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં મને મળ્યો. હું એને કામનું બહાનું કરીને ઘરે લઈ ગયો. મા-બાપુ અને મીરાં એ વખતે ખેતરે હતાં. આસપાસના બીજા લોકો પણ ખેતરે અથવા કોઈ કામધંધે હતા. બધા છ વાગ્યા પછી જ ઘરે આવે છે એ મને ખબર હતી. રડ્યાખડ્યા વૃદ્ધો અને બાળકો ઘરે હતાં, પણ હું બધાની નજર ચુકાવીને આકાશને ઘરમાં લઈ ગયો. મેં જોઈ લીધું હતું કે આકાશને મારા ઘરમાં આવતા કોઈએ જોયો નહોતો. એને પાછળના અનાજ ભરવાના કોઠારમાં લઈ જઈને મેં એને ફરી સમજાવ્યો કે તું ખૂબ નાનો છે. બહેન વિશે ગંદી વાતો કરવાનું બંધ કર, પણ એ હસવા લાગ્યો અને બોલ્યો, ‘એ તો બંધ નહીં થાય. હજુ તો મારે છાપામાં આપવાનું છે કે મીરાં...’ એ એટલું ગંદુ બોલ્યો કે હું રહી ન શકયો. મેં જોરથી એનું ગળું દબાવી દીધું. એનો શ્વાસ રૂંધાઈ ગયો અને એ મરી ગયો. મેં એની લાશને અનાજ ભરવાના ખાલી ડબ્બામાં નાખી દીધી. સાંજે મા-બાપુ અને બહેન આવ્યાં એટલે મેં એમને જાણ કરી. એ ત્રણેય રડી પડ્યાં, પણ મને સાથ આપ્યા સિવાય છૂટકો નહોતો. બધાએ મૌન ધારણ કરી લીધું. એ દરમિયાન આકાશના ગુમ થવાની ખબર ફેલાઈ ગઈ હતી. મારાં કાકી મારા ઘરે જ તપાસ કરવા આવ્યાં હતાં. અમે પણ એમની સાથે શોધખોળમાં જોડાઈ ગયા. પોલીસ કેસ થયો. અમને ડર હતો ક્યાંક અમારા ઘરમાં તપાસ થશે તો મુશ્કેલી ઊભી થશે, પણ એવું કંઈ ન થયું એટલે વહેલી સવારે હું અને મારા બાપુ નાળા પાસે ગયા અને આકાશની લાશને પથ્થરો સાથે બાંધીને નાળામાં ફેંકી દીધી. બસ, આટલી જ વાત છે સાહેબ મારી.’
શિવમે વાત પૂરી કરી. એ રડી પડ્યો. ઇન્સ્પેક્ટર નવીનકુમાર અને ઇન્સ્પેક્ટર દેશરાજ કંઈ પણ બોલ્યા વિના બહાર નીકળી ગયા અને એસ.પી. તથા આકાશનાં માતા-પિતાને હત્યારો પકડાઈ ગયો હોવાના સમાચાર આપ્યા. ક્રાઈમનું સિક્રેટ ખૂલી ગયું હતું. આ સિક્રેટ સમાજની વરવી વાસ્તવિકતાની કાળી બાજુ દેખાડતું હતું. સમાપ્ત {[email protected]

X
article by raj bhaskar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી