રે જિંદગી / જનુ મહારાજનું અણધાર્યું મોત

article by raj bhaskar

‘તમ જેવા પાખંડી હવે આ ગામમાં નો ખપે, વે’તા થાવ તમારા પાપનો ભારો લઈને.’ પંચ ફેંસલો સંભળાવીને ઊભું થઈ ગયું. નભા મહારાજે અડધી રાતે ગામ મૂકવું પડ્યું.

રાજ ભાસ્કર

Apr 28, 2019, 05:04 PM IST

કુંભકર્ણ જેમ ઘોરતા નભા મહારાજને પત્ની શાંતાગૌરીએ વહેલી સવારે ચાર વાગ્યે હલબલાવી નાંખ્યા. ‘કહું છું સાંભળો છો, જલદી ઊઠો, જનુભાઈને એરું આભડ્યો છે. ઈ પાસા થ્યા!’
નભા મહારાજ આ એક જ વાક્યથી ઊઠી ગયા. ‘હેં! શું વાત કરે છે? જનુ વિયો ગ્યો! ઈયે એરું આભડવાથી? હે રામ! હવે તો...’ નભા મહારાજ આગળ ન બોલી શક્યા. ડરના માર્યા એ થરથર કાંપવા લાગ્યા. બંનેની આંખ સામે ગઈ કાલે બપોરે પાદરે ખેલાયેલું યુદ્ધ તરવરી ઊઠ્યું.
‘જનુડા, અભિમાન સારું નહીં હોં!’
‘આમાં અભિમાન ક્યાં આયું? મને ઈ સામેથી નોતરું દેવા આયા છે તો હું તો જાવાનો.’
‘પણ તને ખબર છે ને, ઈ ગામમાં દર વરસે મારા હાથે જ ધજા ચડે છે.’
‘ઈ જે હોય ઈ, હું તો મને નોતરું દીધું એટલું જાણું.’
‘ગયો છે તો ખેર નથી તારી.’
‘અરે વાહ! તમને નોતરું નો દીધું ને મને દીધું એમાં મારો કંઈ વાંક? તમે મોટા મહારાજ હશો તો તમારા ઘરના, આમ અમ જેવા ગરીબને ધમકી નો આલશો બાપ!’
બન્યું હતું એવું કે બાજુના ગામવાળાને નભા મહારાજ સાથે કંઈક વાંકું પડ્યું હશે એટલે આ વરસે જનુ મહારાજને ધજા ચઢાવવા બોલાવ્યા હતા. નભા મહારાજને આ ન ગમ્યું. એણે જનુ મહારાજને પણ જવાની ના પાડી દીધી, પણ જનુ મહારાજ ન માન્યા. વાતવાતમાંથી ઝઘડો થઈ ગયો ને પાદરે શાબ્દિક ધીંગાણું ખેલાયું.
‘જનુડા, હજી કહું છું માની જા, નહીંતર સારાવાટ નંઈ રહે હોં!’
‘અરે! જા જા. કંઈક જોયા તારા જેવા, તું મારું શું ઉખાડી લેવાનો છે.’
‘તો જો બેટા તુંય!’ નભા મહારાજે અંગારા જેવી આંખો કરી શિખાને ગાંઠ મારતાં પાણી મેલ્યું, ‘કાલ્ય સાંજ સુધીમાં જો તને એરું નો અભડાવું તો હુંય બામણના પેટનો નહીં.’
અને ખરેખર એવું જ થયું. બપોરે ઝઘડો થયો. સાંજે સાત વાગ્યે જનુ મહારાજ વાળુ કરીને સૂતા ને મળસકે સાડા ત્રણે એમને એરું આભડ્યો. ગામ આખું ચોંકી ઊઠ્યું. નભા મહારાજની મંત્રશક્તિથી આખું ગામ વાકેફ હતું, પણ નાનકડી વાતમાં કોઈનો જીવ લઈ લીધો એ વાત જરાય ન રુચિ.
જનુ મહારાજ પંચમહાભૂતોમાં વિલીન થઈ ગયા. એ જ સાંજે એમના ભાઈઓ અને દીકરાઓએ પંચ બોલાવી નભા મહારાજને ગામ બહાર મૂકવાની વાત કરી. પંચ ભેગું થયું. નભા મહારાજને આડે હાથે લીધા. ‘મા’રાજ તમને શરમ નો આવી?’
‘પંચ પરભુ મેં કાંઈ નથી કર્યું!’
‘રે’વા દ્યો મા’રાજ, રે’વા દ્યો, બામણ તો ધરતી પરનો ભગવાન કે’વાય, ઈ જ ઊઠીને જીવ લેવા માંડશે તો ધરતી રસાતાળ જાશે.’
‘ના બાપ ના, હું મારા ગામમાં એવું કરતો હોઈશ.’
‘તમ જેવા પાખંડી હવે આ ગામમાં નો ખપે, વે’તા થાવ તમારા પાપનો ભારો લઈને.’ પંચ ફેંસલો સંભળાવીને ઊભું થઈ ગયું. નભા મહારાજે અડધી રાતે ગામ મૂકવું પડ્યું. ગામમાં શાંતિ થઈ ગઈ. સૌથી વધુ શાંતિ જનુ મહારાજના ઘરવાળાને થઈ. છ મહિના પાણીના રેલાની જેમ વીતી ગયા. જનુ મહારાજનો કિસ્સો ભુલાઈ ગયો.
⬛ ⬛ ⬛
‘એલા ખીમા, આજ તો તને એક ખાસ વાત કરવી છે. તું મારો જિગરજાન ભેરુ.’ ચોમાસાની એક રાત્રે દારૂની ચૂસકી લેતાં ગામના ઉતાર જેવા દેવાએ એના ખાસ ભાઈબંધ ખીમાની પીઠમાં ધબ્બો મારતાં કહ્યું.’
‘બોલને, શું કહેવું છે?’
‘છ મહિના પે’લા ઓલા જનુ મા’રાજને એરું આભડ્યો તો યાદ છે?’
‘હા, ઈ તો કેમ ભુલાય! ઓલા જનુ મા’રાજના તંતરમંતરનો બોલતો પુરાવો છે.’
‘ના, તુંય ગામલોક જેમ સાચું નથી જાણતો. જનુ મા’રાજ મારી પાંહે પાંચ હજાર માંગતા’તા. તે દી’ નભા મા’રાજે પાદરમાં એમને એરુંની ધમકી આલી અને બંદાએ લાભ લઈ લીધો. રાત્રે મદારી પાંહેથી ઝેરી એરું લાવી જનુ મા’રાજની ઓરડીમાં છૂટો મેલી દીધો. તીર બરાબર નિશાના પર લાગી ગયું. પાંચ હજાર બચી ગયા અને આરોપેય નભા મા’રાજ પર દે તાલ્લી!’
દેવાએ તાલી માટે હાથ લંબાવ્યો, પણ ખીમો એમાં તાલી પાડે એ પહેલાં જ દેવો ઢળી પડ્યો. ખીમાએ એને હલબલાવ્યો, પણ દેવાના મોઢામાંથી શબ્દોને બદલે ફીણ સરી પડ્યું. ખીમાએ બારીમાં નજર કરી. એક પાંચ હાથનો એરું હળવેકથી બહાર સરકી રહ્યો હતો.
[email protected]mail.com

X
article by raj bhaskar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી