માનો યા ના માનો- રાજ ભાસ્કર / ભારતમાં આવેલું દુનિયાનું એકમાત્ર બેઠેલું મમી

article by raj bhaskar

Divyabhaskar.com

Dec 04, 2019, 05:01 PM IST
માનો યા ના માનો- રાજ ભાસ્કર
આમ તો મૃત્યુ બાદ શરીરમાં મસાલા ભરીને, શબ એટલે કે મમી સાચવી રાખવાની પરંપરા પ્રાચીન મિસ્ર સભ્યતામાં ખાસ જોવા મળતી હતી, પરંતુ આવી જ એક જગા ભારતમાં પણ છે, જ્યાં એક સંતના મમીને સાચવીને રખાયું છે. માન્યામાં ના આવે એવી વાત એ છે કે આ મમીના માથાના વાળ અને નખ પણ વધી રહ્યા છે.
આ અનોખું મમી ભારત અને તિબેટની સીમા પર હિમાચલ પ્રદેશના લાહૌલ સ્પિટી વિસ્તારના ગયુ ગામમાં છે. કહેવાય છે કે આ મમી પંદરમી શતાબ્દીના સંત સાંગલા તેનઝીનનું છે. આ બૌદ્ધ ભીક્ષુ વર્ષો પહેલાં તિબેટથી અહીં આવેલા અને ધ્યાનમાં બેઠેલા. એ પછી ધ્યાનમાં જ તેઓએ પોતાના પ્રાણ ત્યાગી દીધા.
આ મમીની વિશેષ વાત એ છે કે, દુનિયામાં જેટલાં પણ મમીઓ છે એ બધાને ખાસ પ્રકારના લેપ લગાડીને, મરી-મસાલા ભરીને, કેમિકલ લગાડીને રાખવામાં આવે છે, જ્યારે આ મમી પર એવા કોઈ જ પ્રકારનો પ્રયોગ કરવામાં આવ્યો નથી. ઉપરાંત દુનિયામાં જોવા મળતાં તમામ મમીઓ સૂતેલી અવસ્થામાં જોવા મળે છે, જ્યારે ભારતમાં આવેલું તેનઝીનનું આ મમી દુનિયાનું એકમાત્ર એવું મમી છે, જે બેઠેલી અવસ્થામાં જોવા મળે છે.
તિબેટથી માત્ર બે કિલોમીટર દૂર આવેલું ગયુ ગામ વરસમાં છથી આઠ મહિના સુધી બરફથી ઢંકાયેલું રહે છે. ઈ.સ. 1974માં અહીં એક ભયંકર ભૂકંપ આવ્યો હતો અને આ મમી જમીનમાં દફન થઈ ગયું હતું. ત્યારબાદ છેક 1995માં આઈ.ટી.બી.પી.ના જવાનો સડક બનાવી રહ્યા હતા ત્યારે ખોદકામ દરમિયાન આ મમી પાછું મળ્યું. ખોદકામ દરમિયાન આ મમીના માથા પર કોદાળીનો ઘા વાગતાં તેમાંથી લોહી વહેવા લાગ્યું હતું. કોદાળીનો એ ઘા મમીના માથા પર આજે પણ જોવા મળે છે. એ પછી વર્ષ 2009 સુધી આ મમી આઈ.ટી.બી.પી.ના કેમ્પસમાં જ રાખવામાં આવ્યું, પરંતુ ત્યાં એને જોનારા યાત્રિકોની સંખ્યા વધી જવાથી મમીને ફરીવાર એના મૂળ ગામ ગયુમાં સ્થાપિત કરી દેવામાં આવ્યું.
પેન્સિલ્વેનિયા વિશ્વવિદ્યાલયના વૈજ્ઞાનિક અને સંશોધનકારોએ આ મમી પર ખૂબ સંશોધન પણ કર્યું છે. તેમનું કહેવું છે કે આ મમી લગભગ 550 વર્ષ જૂનું છે. વૈજ્ઞાનિકો તેમના વાળ અને નખ વધવાનું કારણ પણ શોધી રહ્યા છે, પરંતુ હજુ સુધી કંઈ નક્કર કારણો પ્રાપ્ત થયાં નથી. તમે શિમલા અને મનાલી બંને જગ્યાએથી ગયુ ગામમાં પહોંચી શકો છો.
[email protected]
X
article by raj bhaskar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી