Back કથા સરિતા
રઘુવીર ચૌધરી

રઘુવીર ચૌધરી

સાહિત્ય (પ્રકરણ - 34)
‘અમૃતા’થી જાણીતા રઘુવીર ચૌધરી ‘જ્ઞાનપીઠ પુરસ્કાર’ વિજેતા લબ્ધપ્રતિષ્ઠિત કવિ, નવલકથાકાર અને વિવેચક છે.

અમેરિકન ગુજરાતીઓનાં ગુણદર્શી રેખાચિત્રો

  • પ્રકાશન તારીખ23 Dec 2019
  •  
સાહિત્ય વિશેષ- રઘુવીર ચૌધરી
મણિલાલ હ. પટેલે છેલ્લાં ત્રણેક વર્ષ દરમિયાન અમેરિકાનાં જુદાં જુદાં સ્થળે વસતા મૂળ ગુજરાતીઓને મળીને, પૂછીને મેળવેલી માહિતીને ઘાટ આપ્યો છે. એમાંથી 440 પૃષ્ઠનું પુસ્તક તૈયાર થયું છે: ‘અમેરિકામાં ગુજરાતી વસાહતીઓ સંઘર્ષ અને સિદ્ધિ.’ પ્રકાશક પાર્શ્વ. પ્રેરક પ્રો. મધુસૂદન કાપડિયા, વિવેચક.
ડો. મણિલાલ હ. પટેલ આ પુસ્તકને ઓરલ હિસ્ટ્રી પ્રકારનું કહે છે. ચરિત્રનિબંધ-રેખાચિત્ર રૂપે એ લખાયું છે. પ્રો. કાપડિયાએ આવું પુસ્તક તૈયાર કરવા વિખ્યાત લેખક જોસેફ મેકવાનને સૂચવ્યું હતું. એમનાથી વધારે ઉમદા રેખાચિત્રકાર કોણ મળે? જોસેફભાઇએ બીડું ઝડપ્યું હતું, પણ અમેરિકન કોન્સ્યુલેટે એમને બીજી વાર આવવાનો વિઝા ન આપ્યો. જોસેફભાઇ આ કામમાં જોતરાયા હોત તો કયા મહાનુભાવની કેટલી પ્રશંસા કરી હોત એ પ્રશ્ન છે. પ્રો. મણિલાલભાઇએ સાંભળેલું સ્વીકારીને ચાલવાનું હતું. તેથી એ ચોપન જેટલાં લખાણ આપી શક્યાં છે. એટલી જ મહત્ત્વની છે એમની પ્રાસ્તાવિક નોંધ. એમાં એમણે અમેરિકા વિશે એના આગંતુકો માટેના કાયદા વિશે, ગુજરાતીઓના માનસ અને એમનાં કુટુંબો વિશે તારણો આપ્યાં છે. અમેરિકન પ્રજા માટે આદર વ્યક્ત કર્યો છે.
પહેલો લેખ રાહુલ શુક્લ વિશે છે. એમના વિશે પુસ્તક પણ થઇ શકે. નટવર ગાંધી, અશોક મેઘાણી, રામ ગઢવી, સૂચિ વ્યાસ, આર. પી. શાહ, ભરત શાહ, બાબુ સુથાર, પન્ના નાયક એમની પ્રવૃત્તિઓ અને પ્રકાશનોથી ગુજરાતમાં જાણીતા છે. ડો. નવીન મહેતા સાહિત્યના સંવર્ધક છે.
અહીં મધુ રાય નથી, કૃષ્ણાદિત્ય-પ્રમોદ ઠાકર નથી, આદિલ મન્સૂરી નથી. કેમ નથી? સુશીલાબહેન વિશેનો લેખ પ્રો. કાપડિયા વિશેના લેખથી જુદો કેમ? આ બધા પ્રશ્નો ગૌણ છે. અહીં સમાજસેવા, ધર્મ-સંસ્કૃતિ, ઉદ્યોગ જેવાં ક્ષેત્રોમાં નામના ધરાવનારા છે. એકરોમાં ફેલાયેલા નિવાસોનાં વર્ણનો છે. વ્યવસાયમાં નહીં તો જીવનમાં સફળતા-સાર્થકતા અનુભવતા પ્રવીણ-ઉષા છે. ગૂર્જરી ડાયનેસ્ટના સંપાદક કિશોર દેસાઇ છે. કહી શકાય કે માત્ર મુલાકાતોની મદદથી રેખાચિત્રો લખવાના આ પ્રયાસમાં મણિલાલભાઇને સફળતા મળી છે.
આ પુસ્તક સમગ્રપણે અમેરિકા અને ભારત વચ્ચે સંવાદ સાધે છે. લેખકો-સંસ્કારસેવકોની આ પેઢી જે ઘરઝુરાપો અનુભવે છે, જે વતનપ્રેમ દાખવે છે એ એમનું અને વાચકોનું જમા પાસું છે. પ્રો. કાપડિયાની પ્રસ્તાવનામાં પણ આ મુદ્દો ઘૂંટાયો છે. આર. પી. શાહની સંવેદના પ્રભાવક રીતે વ્યક્ત થઇ છે: ‘અમેરિકાએ ઘણું આપ્યું, પણ એથી અદકેરું લઇ લીધું છે. ભીની આંખે અને નમ્ર અવાજમાં આર. પી. બોલે છે: મેં મારું વતન ખોયું છે. મારાં સગાંવહાલાં ખોયાં છે. મેં મારા મિત્રો તથા વહાલી માતૃભાષા ગુમાવ્યાં છે. અહીં મેં પેટનાં સંતાનોને પરાયાં થઇ જતાં અનુભવ્યાં છે. એમની દુનિયામાં આપણું સ્થાન નથી. આપણી મૂળ સંસ્કૃતિ-ઊજળા સંસ્કારો-પરંપરાઓમાં જીવવાની મઝા આવતી તે ગઇ, ઋતુઓ અને પર્વો-વાનગીઓ ગયાં. એ ભાઇચારો અને ખુલ્લાં બારણાંનું નિખાલસ જીવન ગયું. રજા લીધા સિવાય આખા ગામમાં ગમે તેને ઘરે જવાનું, આંબલી-જાંબુ-સિંગ-ચણા-દૂધી-પાપડી આપી કે લઇ શકાતાં. મજૂરનાં કે પાડોશીનાં પોતરાં સાથે પ્રેમથી જીવી શકાતું હતું. આવા અસલ જીવનનો સહજ આનંદ ગુમાવીને અહીં ફોર્મલ જીવવાનું નથી જ ગમતું, પણ ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે.’(પૃ. 17-મૂળ પૃ. 121)
શંકર પટેલ, નરેશ પટેલ, સુનીલ નાયક-એમની ગુજરાતલક્ષી પ્રવૃત્તિઓ માટે જાણીતા છે. ડો. ઉષાકાન્તનું રજવાડું ભૌગોલિક સૌંદર્ય વર્ણવે છે. એટલી વિશાળ જગામાં, એટલી સમૃદ્ધિ વચ્ચે કેવી રીતે જીવવું-મણિલાલભાઇને ત્યાં રહી જવાનું મન કેમ ન થયું? પછી ગામ જવાની જીદ છોડી દે જેવાં કાવ્યો લખવાની જરૂર રહેત ખરી?
નિવેદનમાંથી આ એક અવતરણ યાદ રહી જશે: ‘રિલ્કે રશિયન કવિને ટાંકે છે કે One should not visit the place again where you spent you childhood- જ્યાં તમે તમારું શૈશવ ગાળ્યું તે સ્થળે તમારે કદી ન જવું જોઇએ, કારણ કે તમે લોભી થઇને જોશો. ત્યાં જઇને તમે બધાને પૂછશો કે ભાઇ, અહીં બોરડીનું ઝાડ હતું તે ક્યાં ગયું?’
કૃષ્ણાદિત્યની પંક્તિઓ જુઓ:
વહાણાં વીત્યાં ને વળી, વરસો વહ્યાં ને
ત્યાં તો આવ્યો આ ગામનો સીમાડો
વહાલપનો ક્યાંય ના વિસામો.
કૃષ્ણાદિત્ય પાંચ દાયકા પછી પણ હમણાં સુધી અમેરિકન નાગરિક નહોતા થયા. રામભાઇ ગઢવી તો નથી જ થયા. ગ્રીન કાર્ડ છે અને ભાનુબહેન નાગરિક છે એ પૂરતું છે. રામભાઇ વરસે દહાડે ભારત આવીને ગુજરાત-સૌરાષ્ટ્રમાં ફરી વળે છે. નોર્થ અમેરિકાની સાહિત્ય અકાદમી દ્વારા ગુજરાતી સાહિત્ય અને સર્જકોનું સન્માન અને આગતાસ્વાગતા કરે છે. અશોક મેઘાણી વહેલા નિવૃત્ત થઇને અંગ્રેજીમાં અનુવાદ કરે છે.
x
રદ કરો

કલમ

TOP