સાિહત્ય વિશેષ- રઘુવીર ચૌધરી / ભારતીય કથાવિશ્વ ગુજરાતી ભાષાનું ગૌરવ

article by raghuvirchaudhari

Divyabhaskar.com

Dec 02, 2019, 12:06 PM IST
સાિહત્ય વિશેષ- રઘુવીર ચૌધરી
જાણીતા કવિ-વિવેચક અને સંસ્કૃતિચિંતક અશોક વાજપેયીએ કહ્યું કે હું નથી જાણતો કે બીજી કોઇ ભારતીય ભાષામાં કથાવિશ્વ જેવો મહાગ્રંથ હોય અને પોતે જાણે છે કે અન્ય ભાષાઓમાં આવો મહાગ્રંથ નથી. અશોક વાજપેયી મધ્યપ્રદેશના વહીવટી તંત્ર સાથે જોડાયેલા હતા ત્યારે અર્જુનસિંહનો ઊંડો સદ્્ભાવ અને વિશ્વાસ ધરાવતા હતા તેથી ભારતભવન જેવી સંસ્થા એ વિકસાવી શક્યા. એ પોતે બહુ કલાવિદ છે. કલાકારોના ચાહક છે. આજે એંસી વર્ષની ઉંમરે ‘ધ રમા ફાઉન્ડેશન’ દ્વારા એ સતત સક્રિય છે. પુસ્તક-પ્રકાશનમાં સહાયક થવા સાથે ‘સમાસ’ નામે ત્રૈમાસિક પત્રિકાનું પ્રકાશન પણ કરે છે.
શિરીષ પંચાલ અને એમના ‘સમીપે’ના સહયોગી સંપાદકો જયદેવ શુક્લ અને બકુલ ટેલર પણ સાહિત્ય અને કલા પ્રત્યે આવો સર્વગ્રાહી અભિગમ ધરાવે છે. તેથી એમણે ભારતીય કથાવિશ્વના પાંચ ખંડના લોકાર્પણ-સ્વાગત માટે અશોકજીને વિનંતી કરી. એ આવ્યા અને આગલા દિવસે ચંદ્રકાન્ત શેઠ સંપાદિત બાલ-વિશ્વકોશનું લોકાર્પણ કરી કથાવિશ્વની નવાજેશ કરી. અશોકજી કર્મશીલ સારસ્વત છે અને લોકશાહી મૂલ્યોના જતન માટે અવાજ ઉઠાવતા રહે છે.
પ્રો. શિરીષભાઇ વિશે પણ થોડુંક જાણવા જેવું છે. એમણે રાષ્ટ્રીય સન્માનો પણ સ્વીકાર્યાં નથી. સાહિત્ય અકાદમી દિલ્હીનો ઉત્તમ ગુજરાતી પુસ્તક માટેનો રાષ્ટ્રીય પુરસ્કાર ‘વાત આપણા વિવેચનની’ માટે જાહેર થયો હતો, એ લેવા ન ગયા. મળવાપાત્ર બધા પુરસ્કારો અને સન્માનો એમણે સ્વીકાર્યાં હોત તો એટલી રકમમાંથી ‘કથાવિશ્વ’નું પ્રકાશન થઇ શક્યું હોત, પણ હસમુખ શાહ અને ચીમનભાઇ મહેતા આ ગ્રંથશ્રેણી ઓછામાં ઓછી કિંમતે સુલભ થાય એ માટે સહાયક થયા. જેની કિંમત ઓછામાં ઓછી સાત હજાર હોઇ શકે એ માત્ર સાડા ત્રણ હજારમાં સુલભ થઇ શકી છે. સંવાદ પ્રકાશન શુભેચ્છક પ્રકાશકો દ્વારા વિતરણ કરે છે. કલાત્મક મુદ્રણ માટે શિરીષભાઇને પ્રો. ગુલામ મોહમ્મદ શેખ જેવા જાણકારોની મદદ મળતી રહી છે. સંસ્કૃતિની યાત્રા સહિયારી હોય એનું આ દૃષ્ટાંત છે.
વેદ, રામાયણ, મહાભારત, શ્રીમદ ભાગવત, પંચતંત્ર, હિતોપદેશ અને અન્ય ગ્રંથોમાં કથાઓનો અખૂટ ખજાનો છે. એ બધામાંથી કથાઓ તારવી તારવીને શિરીષભાઇએ આ પાંચ ગ્રંથોનું સંપાદન કર્યું છે. અનેક અનુવાદકો-વિદ્વાનોના સંશોધન-સંપાદનનો ઊંડો અભ્યાસ કરીને શિરીષભાઇએ આ કથાઓ તારવી છે. સર્વત્ર સૌજન્યનો સ્વીકાર કર્યો છે.
પ્રથમ ચાર ગ્રંથની કથાઓ વિશે સાહિત્યરસિકોમાં સીધી કે આડકતરી રીતે જાણકારી હોવાની. પાંચમો ખંડ અમુક અંશે જુદો પડે છે. બાર જેટલા વિદ્વાનો પ્રત્યે શિરીષભાઇએ આભારની લાગણી વ્યક્ત કરીને એમના સંપાદન-સંશોધનનો ઉલ્લેખ કર્યો છે. હસુભાઇ યાજ્ઞિકના પ્રદાનની કદર કરી છે. ભારતના વિવિધ પ્રદેશો, એમની ભાષાઓ અને બોલીઓમાંથી મળેલી લોકકથાઓ આ પાંચમા ખંડમાં આપવામાં આવી છે. પૂર્વ ભારતની મિઝો, ત્રિપુરા, મધ્ય ભારતની બુંદેલી, સિદી-કચ્છી, કાઠિયાવાડી જેવા વિભાગોમાં લોકથાઓ રજૂ કરી છે. બસ્તરની ત્રણ લોકકથાઓ અહીં સમાવેશ પામી છે. દુર્બલ, લોમડી અને ચિત્તાની દુશ્મની અને વનકન્યા.
‘દુર્બલ’ લોકકથા સારો એવો વિસ્તાર ધરાવે છે. ટૂંકમાં, વાત કરવી મુશ્કેલ છે છતાં પ્રયત્ન કરું.
લેડગા રાજાનો દીકરો છે. યુવાન થતાં એને શહેર જોવાનું મન થયું. પૈસા અને કપડાંલત્તાં સાથે નીકળ્યો. પૈસાની કોથળી ઘોડા પર લટકાવી, સાત ભાઇઓ રહેતા હતા એ ગામમાં ગયો. ઘોડાને પાછલા ભાગેથી પાણી પીવાનું કહે છે એ જોઇને સાત ભાઇઓની પત્નીઓએ એમના પતિઓને આ ‘મૂરખ’ વિશે વાત કરી. પેલા સાત ભાઇઓ આને લૂંટી લેવાની ગણતરીથી જમાઇરાજ કહીને એમને ત્યાં લઇ ગયા. અમારી બહેન સાથે તમારી સગાઇ થઇ છે એ વાત સાચી ન હોય તો અમને એક હજાર રૂપિયા આપવા પડશે.
લેડગા બોલ્યો: ‘સાવ સાચી વાત.’ પૈસોય આપ્યા વિના એમની બહેનને લઇને નીકળ્યો.
સાતભાઇઓ લેડગાને મારી નાખીને બહેનને પાછી લઇ આવવા કાવતરાં વિચારે છે. બોરડી હલાવવા, પૈસા પાડવા, નદીમાંથી માછલીઓ ઘેર મોકલવી, રાખ વેચવી, લેડગાને ખાટલે બાંધી નદીમાં નાખી દેવાનું કાવતરું કરવું-આ બધાંમાંથી એકેયમાં સાત ભાઇઓ સફળ થતા નથી. તું પાછો કેવી રીતે આવ્યો? એ પ્રશ્નના ઉત્તરમાં લેડગા કહે છે: ‘તમે મને નદીના છીછરા પાણીમાં ફેંક્યો હતો. જો ઊંડા પાણીમાં ફેંક્યો હોત તો વધારે ગાય-બળદ લઇને આવત.’
સાતે ભાઇઓએ કહ્યું, ‘એમ હોય તો તું અમને નદીમાં ફેંકી દે.’
એટલે લેડગાએ સાત ખાટલાની વ્યવસ્થા કરી અને બધાને નદીમાં ફેંકી દીધા. પછી બંને પતિ-પત્ની નિરાંતે મોજ કરવા લાગ્યાં.
(પૃ. 223, ભારતીય કથાવિશ્વ-5)
અહીં નીતિ-અનીતિના સંઘર્ષની વાત નથી, સાત ભાઇઓ છળકપટના જાણતલ છે અને એમને એકલો લેડગા પહોંચી વળે છે. સાત ભાઇ મરે છે એનું એમની બહેનને દુ:ખ થતું નથી, પણ એ અંગે પ્રશ્ન કરવા આ લોકકથા અવકાશ આપતી નથી. શેરને માથે સવાશેર એ કહેવત મુજબ પરિણામ આપતી ઘણી લોકકથાઓ પ્રચલિત છે.
જો નીતિ-અનીતિ અને માનવમૂલ્યની દૃષ્ટિએ કથાઓ પસંદ કરવામાં આવી હોત તો ઘણો મોટો ભાગ બાજુ પર રાખવો પડ્યો હોત. શિરીષભાઇ અહીં જે છે તેને જેમ છે તેમ રજૂ કરે છે. કેટલીક કથાઓ શિરીષભાઇએ ફરીથી લખીને અહીં મૂકી છે એમ જયદેવ કહે છે. સમગ્રપણે એવું તારવી શકાય કે પંચતંત્ર અને હિતોપદેશની પરંપરા વૈશ્વિક છે. દેશદેશની કથાઓમાં ઘટનાઓ અને તારણનું સામ્ય હોઇ શકે છે.
કહી શકાય કે ચોક્કસ સંદેશને બદલે ખુલ્લા અંતવાળી આ સામગ્રી છે અને એને ખંત અને જતનથી અહીં સુલભ કરવામાં આવી છે. માત્ર ભાવકો માટે નહીં, લેખકો માટે પણ આ પાંચ ગ્રંથ મૂડીરૂપ નીવડશે.
X
article by raghuvirchaudhari

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી