સાહિત્ય વિશેષ- રઘુવીર ચૌધરી / હિન્દી લેખિકા ડૉ. સુધા શ્રીવાસ્તવની બે વાર્તાઓ

article by raghuvir chaudhari

Divyabhaskar.com

Aug 12, 2019, 06:32 PM IST

સાહિત્ય વિશેષ- રઘુવીર ચૌધરી
શૈક્ષણિક કે વહીવટી ક્ષેત્રે કામ કરી નિવૃત્ત થનાર મહાનુભાવો અમદાવાદમાં સ્થાયી થયા હોય એવું બનતું રહ્યું છે. કોઇક અભ્યાસીએ આનો સર્વે કરવા જેવો છે.
ગુજરાતમાં રહેવા કરતાં પોતાની માતૃભાષાના વિસ્તારમાં વસવાટ કરવાથી લેખકોને પ્રકાશન અને આવકારની વધુ તકો રહેતી હોય છે. છતાં ગુજરાતમાં રહી લેખન કરતાં રહેલાં લેખક-લેખિકાઓની સંખ્યા મોટી છે. એમાંનાં એક છે ડો. સુધા શ્રીવાસ્તવ. એ પ્રતિષ્ઠા પામ્યાં છે.
ડો. સુધા શ્રીવાસ્તવે હિન્દી કવયિત્રી ‘મહાદેવી વર્માની કવિતામાં કલ્પનનું નિરૂપણ’ વિષય લઇને પીએચ.ડી.ની પદવી મેળવી હતી. ઉછેર અને શિક્ષણ હિન્દીભાષી પ્રદેશમાં. માધ્યમિક કક્ષાથી જ લેખનમાં રુચિ. એમના પતિશ્રી અવિનાશ શ્રીવાસ્તવના કવિતાસંગ્રહ પ્રગટ થયા છે. બંને સાહિત્ય પ્રવૃત્તિઓમાં ઊંડો રસ ધરાવે. પોતાના નિવાસે પણ અયોજન કરે.
સુધાજીની ચાર નવલકથાઓ, બે વાર્તાસંગ્રહો અને એક કાવ્યસંગ્રહ પૂર્વે પ્રગટ થયેલાં છે. ત્રીજો વાર્તાસંગ્રહ ‘કહીં કુછ નહીં બદલા’ અમદાવાદના રાહુલ પ્રકાશન દ્વારા પ્રગટ થયો છે. એમાં અઢાર વાર્તાઓ છે. જેના પરથી સંગ્રહની નામ આપ્યું છે એ વાર્તા આરંભે મૂકેલી છે: ‘કહીં કુછ નહીં બદલા.’ સમય સાથે ઘણું બધું બદલાય છે, પણ મધ્યમવર્ગ અને શ્રમજીવીઓના ઘરસંસારમાં શું નથી બદલાયું એ આ વાર્તાનો વિષય છે. એ માટે લેખિકાએ ત્રણ યુગલનું સમયના ક્રમમાં નિરૂપણ કર્યું છે. 1. ચાચા-ચાચી, 2. નન્હા-તુલસી અને 3. શંકર અને એની પત્ની.
પ્રથમ બે યુગલના ઝઘડાનું કારણ પતિની જોહુકમી, મારપીટ અને સંતાનોની-એમાંય દીકરીઓની વધતી સંખ્યા છે. કામુક પતિનો ત્રાસ અને દીકરીઓને જન્મ આપવા બદલ મેણાં, એ વીતેલા સમયની વાત લાગે, પણ ત્રીજું યુગલ તો આજનું છે. શંકર ત્રણ વાર નાપાસ થયા પછી માંડ પાસ થયો છે. જ્યારે એની પત્ની પ્રથમ વર્ષમાં બી.એ. થઇ છે. સુશીલ છે, ઘરનું કામ કરે છે, બાળકો ઉછેરે છે, પણ શંકરનું માનસ અગાઉની બે પેઢીઓના પુરુષ જેવું જ છે. પત્નીને ત્રાસ આપવા છતાં એ જીવે એમ ઇચ્છે છે, તેથી વાર્તાકથક મહિલાને એ વિનંતી કરે છે: દવાખાને લઇ જાઓ. વાર્તાકથક મહિલા કહે છે: ‘એક શરતે લઇ જાઉં. આજ પછી કદી તું એના પર હાથ નહીં ઉપાડે અને તારાં સંતાનોની ટીમ અંગે હું એનો વાંક નહીં કાઢે. ભણેલોગણેલો છે, ઓપરેશન કેમ નથી કરાવતો?’
‘હું મારું...’ ‘હા, તું તારું ઓપરેશન કરાવી લે, એમાં શું ખોટું છે?’
‘ના ના, હું મરદની જાત છું, હું નહીં કરાવું. હા, આ વખતે એની ઓપરેશન કરાવી લેવાની સલાહ જરૂર આપીશ.’
એની મૂઢતા પર મને હસવું આવ્યું. શંકર પ્રત્યે મને કશી સહાનુભૂતિ ન હતી, પણ એની પત્ની પ્રત્યે મને ઊંડી મમતા હતી. મારાં પગલાં એના દરવાજા ભણી વળ્યાં.’ (પૃ. 10)
બીજી વાર્તા ‘ભીડ’ વાચકને આગળ વાંચવા પ્રેરે એવું રહસ્યનું તત્ત્વ ધરાવે છે. ‘નંદિતા મૂવીઝ’ના માલિક રાજાના મુખે વાર્તા કહેવાઇ છે. શહેરમાં કરફ્યૂ છે. રાજા ઓફિસે પહોંચે છે તો એક કર્મચારી સિકંદર રાહ જોતો બહાર બેઠો છે. ફિલ્મની રીલ કલોલ પહોંચાડવી જરૂરી છે એમ સમજીને સિકંદર નદી પાર કરીને કરફ્યૂથી બચીને ઓફિસે પહોંચ્યો છે. એણે ખેડેલા આ જોખમ વિશે જાણીને રાજા ગુસ્સે થાય છે, પણ સિકંદર ફરજ બજાવવા મક્કમ છે. કલોલ જાય છે, સમય થવા છતાં પાછો આવતો નથી. તપાસ કરતા રાજાને જાણવા મળે છે કે સિકંદર તો રીલ આપીને તરત પાછો વળી ગયો હતો. ફિલ્મનું નામ પણ લેખિકાએ આપ્યું છે: ‘જેસલ તોરલ.’
સમય વીતી રહ્યો છે. છેલ્લે સિકંદરનો દીકરો બશીર આવી પહોંચે છે. રાજા બંશી આદિ કર્મચારીઓને લઇને પોલીસ સ્ટેશને પહોંચે છે, ત્યાંથી હોસ્પિટલ. ગઇ કાલે માર્યા ગયેલા અગિયાર લોકોની લાશો મૂકવામાં આવી હતી, જ્યારે છાપાએ તો કુલ સાતની જાણ કરી હતી. આમ કેમ? વાચક વિચારશે.
હવે પ્રશ્ન સિકંદરના કુટુંબની જીવાદોરીનો છે. એમાં બંશીનું પાત્ર ઊપસે છે. સિકંદરની પત્ની હુશ્નાને પોતાની નોકરી મળે, પોતાની કુટીર પણ મળે એવો આગ્રહ રાખે છે. એ પોતે પોતાનું રાંધેલું જ ખાય છે, પણ હવે એ હુશ્નાબહેનનું રાંધેલું ખાશે. એ કહે છે: ‘મરને કે બાદ આદમી એક હો જાતા હૈ. પ્રાણ ગયે નહીં કિ હિન્દુ-મુસલમાન કા ચોલા યહીં પડા રહ ગયા. હુશ્ના કા બનાયા ખાને સે ક્યા મૈં હિન્દુ નહીં રહ સકૂંગા?’ (પૃ. 17)
સુધાજીની નવલકથા ‘ચાંદ છૂતા મન’ની બે આવૃત્તિઓ થઇ છે. એનો ગુજરાતી અનુવાદ પ્રગટ થયો છે. ‘બિયા બાન મેં ઉગતે કિંશુક’નું નાટ્ય રૂપાંતર ભજવાયું છે. પોતે અભિનયમાં પણ રસ ધરાવે છે. કાવ્યસંગ્રહ ‘સોનજુહી’ની ઘણી રચનાઓ આશા અને ઉત્સાહ જગવે એવી છે. સુધાજી એંશી વર્ષે સક્રિય છે. એકલતા એમની સર્જકતાને રૂંધતી નથી.

X
article by raghuvir chaudhari

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી