સાહિત્ય વિશેષ- રઘુવીર ચૌધરી / ઊંડી સૂઝ ધરાવતા યજ્ઞેશ દવેના ઉમદા લેખો

article by raghuvir chaudhari

Divyabhaskar.com

Aug 05, 2019, 06:26 PM IST

સાહિત્ય વિશેષ- રઘુવીર ચૌધરી
ડૉ. યજ્ઞેશ દવે મૂળ વિજ્ઞાનના વિદ્યાર્થી. ઇકોલોજી-જીવસૃષ્ટિ સંતુલન શાસ્ત્રમાં પીએચ.ડી. થયેલા. અધ્યાપક થયા પછી આકાશવાણીમાં જોડાયા. સર્જકો અને વિદ્વાનો સાથે ઘરોબો કાયમનો.કવિ તો એ એમની રીતના એકલા જ છે. દીર્ઘ-સુદીર્ઘ કાવ્યોમાં પુરાકલ્પનો અને વૈશ્વિક સંદર્ભોનું સંયોજન અધિકારી ભાવકની અપેક્ષા રાખે. પછી વળી લઘુકાવ્યો લખ્યાં. છતાં દીર્ઘ કવિતાના સર્જક તરીકે પુન: પ્રગટ થયા.
વિવિધ ક્ષેત્રના મહાનુભાવોની એમણે લીધેલી મુલાકાતો વાંચતાં લાગે કે પ્રશ્ન પૂછનાર કૈં ઓછું જાણતા નથી. વળી, જે કંઇ લલિત નિબંધો એમની પાસેથી મળ્યા છે એમાં ઉપરછલ્લા અલંકારો-કલ્પનોનો પ્રસ્તાર નથી. એ જે વસ્તુ જે વ્યક્તિના સંપર્કમાં આવ્યા છે એનો સ્પર્શ એમના લેખોમાં વરતાય છે. ‘લેખાવલિ’ સને 2018માં ડિવાઇન દ્વારા પ્રકાશિત બાવીસ લેખોનો સંગ્રહ છે. 1. ચિત્ર, શિલ્પ અને અન્ય કળાઓ, 2. ફિલ્મ, 3. સાહિત્ય, 4. દ્વિતીય વિશ્વયુદ્ધ, 5. પ્રકીર્ણ. સાહિત્ય વિભાગમાં સૌથી વધુ આઠ લેખો છે. એમાં પહેલા ક્રમે મુકાયેલો લેખ ‘છાપ તિલક સબ છીને રે’ વાંચ્યો ત્યારે મને મોરારિબાપુની કથાનું સ્મરણ થયું. અનેકવાર કથાના વૃંદમાને આ રચના ગાઇ છે. અમીર ખુસરોની આ રચના ગાતાં બાપુનો કંઠ પ્રભાવક બને છે, પણ યજ્ઞેશભાઇ પોતાના લેખમાં જુદા જુદા ગાયકો-સંગીતકારોના પ્રભાવની વાત કરે છે.
સૂફી કવિ અમીર ખુસરોની કવ્વાલી ‘છાપ તિલક સબ છીને રે’ ફિલ્મ ગીતરૂપે લતા-આશાના સૂરમાં સાંભળેલી, પણ એમાં ખુસરોની સૂફી દીવાનગી ઝલકતી ન હતી. એ જ રચના સૂફી ગાયિકા આબિદા પરવીનના કંઠે સાંભળી ત્યારે રોમેરોમ દીવા થઇ ગયા. અમીર ખુસરોનો આર્ત સૂફી પોકાર, આબિદાની ખુલ્લા ગળાની આહ, સહજ રીતે ત્રણ સપ્તકમાં રમતો અવાજ નાની-નાની હરકતોએ જાણે કામણ ઢોળ્યું. થાય કે સૂફીઓનો કલામ એટલે આ, શબ્દ-સૂરનું અનોખું સાયુજ્ય. (પૃ. 45, લેખાવલિ)
રચનાની પંક્તિઓ ટાંકીને કવિતા અને સંગીતનું સાયુજ્ય રચાતું માણવામાં ભાવકને ભાગીદાર બનાવ્યો છે. નિઝામુદ્દીન ગુરુ છે. એ ખ્વાજાના વેશમાં આવ્યા છે. ઈશ્વર કહો, ગુરુ કહો કે પ્રીતમ-આબિદાનું ઉન્માદિત ગાન સાંભળતાં સાંભળતાં આપણેય અંદર ઊતરતા જઇને પ્રેમના નશામાં લીન થઇ જઇએ. વૈજ્ઞાનિક દૃષ્ટિ ધરાવતા કવિ યજ્ઞેશ દવે અહીં ભાવાર્દ્ર થતા અનુભવાય છે, એમાં કવિતા, સંગીત અને સૂફી તન્મયતા નિમિત્ત બન્યાં છે.
‘અંદર ઉઘડતી વારતા’ લેખમાં વાંચેલી અને સાંભળેલી વિશ્વ સાહિત્યની વાર્તાઓની ચર્ચા છે. ધૂની પ્રોફેસર વિશેની કાર્લ ચેપકની વાર્તા ઉમાશંકરભાઈના મુખે સાંભળેલી. ‘મોરલો મરતલોકમાં આવ્યો’ એક લઘુનવલનો પરિચય આપે છે. મુખ્ય પાત્ર એન્ડ્રુ નામનો રોબોટ છે. યજ્ઞેશભાઇ નોંધે છે: ‘માનવીના યાંત્રીકરણની સાથે સાથે મશીનનું જે માનવીકરણ આપણે કરતા ગયા અને કેટલાક પાયાના પ્રશ્નો સામે આવીને ઊભા રહ્યા તેનો ચિતાર આપણને તેમાંથી મળે છે.’ (પૃ. 52)
‘જ્હોન મારિત્ઝને તમે ઓળખો છો?’ લેખનો આ ફકરો એકસાથે ઘણું કહે છે.
‘વર્ષો પહેલાં સુરેશ જોશી રાજકોટ આવેલા ત્યારે મારા મિત્ર અનામિકના ઘરે ગયેલા. તેના પિતા કાંતિભાઇ શાહે વર્ષો પહેલાં બીજા વિશ્વયુદ્ધની પશ્ચાદ્્ભૂમાં લખાયેલી રૂમાનિયન લેખક વર્જિલ ઘોદર્યુની નવલકથા ‘પચીસમો કલાક’નો અનુવાદ કરી રાખેલો. તેની વાત નીકળી. ભાગ્યે જ એવું જાણીતું પુસ્તક હોય જે સુરેશભાઇએ ન વાંચ્યું હોય. તેમણે પોણા સાતસો પાનાંની મહાનવલનો અનુવાદ કરી રાખેલો તે વાત બિરદાવી.’ (પૃ. 57)
અમરુશતક વિશે ત્રણ રસપ્રદ લેખો છે. યજ્ઞેશભાઇને બિહારી સતસઈ પણ ગમે.
‘બ્રોકબેક માન્ટેઇન’ અને ‘શીંડલર્સ લિસ્ટ’- ફિલ્મો વિશેના આ ટૂંકા લેખોમાં ફોટોગ્રાફ પણ છે. યુદ્ધમાં કે અન્ય રીતે સહન કરનારા મનુષ્યો પ્રત્યે અહીં કવિ સહજ સહાનુભૂતિ છે. શીંડલર યહૂદીઓને બચાવવા માટે જાણીતા છે. એનું ઋણ અહીં સૂચવાયું છે.
આ પુસ્તક લેખકના વાચનની ઝાંખી કરાવવાની સાથે એમણે અનુભવેલા શબ્દાર્થની-સંવેદનની વાત પણ કરે છે. લેખક જાણે આપણી સાથે વાતચીત કરતા હોય એવી સહજતા અહીં વરતાય છે. અઘરું અહીં સહેલું લાગે છે.

X
article by raghuvir chaudhari

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી