સાહિત્ય વિશેષ- રઘુવીર ચૌધરી / ઉમા પરમારની લઘુનવલ ‘અંતથી આરંભ’

article by raghuvir chaudhari

Divyabhaskar.com

Jul 29, 2019, 04:40 PM IST

સાહિત્ય વિશેષ- રઘુવીર ચૌધરી
‘અંતથી આરંભ’ ઉમા પરમારનું બીજું પુસ્તક છે. પ્રથમ પુસ્તક ‘વામા’ સ્ત્રીકેન્દ્રી વાર્તાઓનો સંગ્રહ છે. સુરતની મેડિકલ કોલેજમાં પ્રોજેક્ટ મેનેજર છે. અંગ્રેજી અને હિન્દી પણ જાણે છે. પ્રવાસ, ફોટોગ્રાફી, નૃત્ય રસના વિષયો. પદ્ધતિસર રુચિ કેળવી છે. શક્તિ ફાઉન્ડેશનના સ્થાનક ડો. સોનલ રોચાણી ઉમાબહેન વિશે લખે છે. ‘ઘર, પરિવાર, બાળકો, જોબ અને સામાજિક જવાબદારીઓ-આ બધાની વચ્ચે બેલેન્સ રાખવું અને વળી પોતાના લેખનના શોખ માટે પણ સમય કાઢવો.... સ્ત્રી એટલે એક વ્યક્તિ નહીં, પણ વિશ્વ, અને આ વિશ્વનાં કેટલાં બધાં વ્યક્તિત્વોને સાચવતાં-સાચવતાં પોતાનું એક નાનકડું વિશ્વ હોય એવું ઇચ્છે તો કૈં ખોટું તો નથી ને!’
ઉમાબહેનની આ લઘુનવલ ‘અંતથી આરંભ’ સાદી સીધી છતાં રસપ્રદ રજૂઆતને કારણે મનમાં વસી જાય એવી છે. પંડિતયુગના સર્જકો-વિચારકો જેને ‘સંસ્કારી સંયમ’ કહેતા હતા એ આ લઘુનવલની મુખ્ય મૂડી છે.
કથાના કેન્દ્રમાં બિંદુ છે. એના પતિ મહેશ બે વર્ષ પહેલાં ચાલ્યા ગયા છે. છે કે નહીં એની કશી ભાળ મળી નથી. બધી તપાસ એળે ગઇ છે. બિંદુ-મહેશનો પુત્ર વ્યોમ ભણે છે. બિંદુની મા નયના સાથે રહે છે. દીકરો અને મા બંને ઇચ્છે છે કે બિંદુ મહેશની રાહ જોવાને બદલે પોતાનું જીવન ગોઠવે. એની શક્યતા છે. એ આ વાર્તાનો વિષય છે.
બિંદુ અને મહેશનો મિત્ર આદિત્ય પણ ઇચ્છે છે કે બિંદુ પોતાના ભવિષ્યનો વિચાર કરે. લેખિકા ક્રમશ: અને પ્રતીતિકર રીતે આદિત્યની-આદિની લાગણીની સચ્ચાઇ વ્યક્ત કરે છે. પોતાના જન્મદિવસે આદિ બિંદુ-વ્યોમ-નયનાબહેન ત્રણેયને જમવા નિમંત્રે છે. વ્યોમ-દીકરો અને માતા નયના બિંદુ અને આદિને અંગત વાત કરવાની તક રહે માટે બહાનું કાઢી જમવા જતાં નથી.
આદિની પત્નીનું આઠ મહિના પહેલાં અકસ્માતમાં અવસાન થયું છે. દીકરી કીઆરા અગિયાર વર્ષની છે. આદિનું આખું કુટુંબ અમેરિકામાં સ્થિર થયું છે. કીઆરા પણ ત્યાં જઇ શકે. વાર્તા આગળ વધતાં એ ત્યાં જાય છે, તેથી આદિ પણ ત્યાં જાય છે.
આદિએ અગાઉ લગ્ન માટે બિંદુને પૂછ્યું હતું. હવે નવા સંજોગોમાં બીજી વાર પૂછે છે. બિંદુ આ વખતે પણ ના પાડે છે. આદિ વિસ્તારથી પોતાની મનોદશા રજૂ કરે છે:
‘તું જાણે છે કે હું પહેલાંથી જ તને ચાહતો હતો, પણ તને મહેશ પસંદ હોવાથી તેં મને ના પાડી હતી અને ક્યારેય આ વાત એને ય જણાવવાની ના પાડી હતી. પછી ત્રણેયની જિંદગીએ અલગ જ વળાંક લીધો અને બધાંના રસ્તા અલગ થઇ ગયા. આજે આટલાં વર્ષો પછી ફરી એક વાર જિંદગી બંનેને એક જ રસ્તા પર સાથે લઇ આવી છે તો તું શું કામ સામે ચાલવા તૈયાર નથી? મહેશનું શું થયું એ ખબર નથી અને એ જો બધું છોડીને જતો રહ્યો છે તો એણે શું તારી અને વ્યોમની સાથે કોઇ ન્યાય કર્યો છે?’ (પૃ. 18)
વ્યોમનું પાત્ર નાની વયે વિવેક અને ઊંડી સમજ ધરાવતું હોય એવું આલેખાયું છે. બિંદુ લગ્નની ના નથી પાડતી, પણ કાનૂની મુદ્દો જણાવે છે. મહેશ હયાત હોય અને છૂટાછેડા આપે તો જ આદિ-બિંદુ જોડાઇ શકે, પણ મહેશની ભાળ છેક સુધી મળતી નથી. દરમિયાન આદિ દીકરી અને પરિવાર પાસે અમેરિકા જાય છે.
અમુક પત્રો છે, જેને વ્યોમ જોવા છતાં સરનામું જાહેર થવા દેતો નથી. કદાચ એ સમજી ગયો છે કે શું શક્ય નથી.
કથાના અંત ભાગમાં આદિ અને બિંદુ, મહેશ રહે છે એ વિસ્તારમાં-દાર્જિલિંગ બાજુ ફરવા ગયાં છે. પહેલાં આદિ મહેશને બૌદ્ધ સાધુ રૂપે જુએ છે. જોઇને દુ:ખી થતો નથી, આનંદ પામે છે, પણ એને સંસારમાં પાછા લાવવાનો પ્રયત્ન કરવા જતાં બધું વેરવિખેર થઇ જશે એની ભીતિ જાગે છે. એ બિંદુને વાત કરતો નથી, પણ બિંદુ ખુદ મહેશને જોવા પામે છે: ‘ઘેરા મરૂન રંગનાં વસ્ત્રોમાં સજ્જ! ‘એણે એક વાર તો કીધું હોત કે હું હવે કોઇ બંધનમાં નથી રહેવા માગતો, અથવા કંઇ તો કહીને ગયો હોત!’
(પૃ. 60, અંતથી આરંભ)
લેખિકા પ્રસ્તાવનામાં નોંધે છે: ‘એક દિવસ અનાયાસ આફ્રિકા જતાં જતાં આ ઘટના યાદ આવી અને એમાં બીજા કાલ્પનિક રંગો ઉમેરી એક આકાર મનમાં જન્મ લઇ રહ્યો હતો અને એને જ આધાર બનાવી જે લખાયું તે આ, ‘અંતથી આરંભ.’’
અંત શેનો? લગ્નજીવનનો? કહો કે એક ઘટના પછીની શક્યતા. વાર્તાના આરંભે મહેશની વિદાય એના મૃત્યુની દહેશત જગવતી નથી અને એના હોવા-ન હોવાથી બીજાં પાત્રોના જીવન શક્યતા ગુમાવી દેતાં નથી. મહેશ બૌદ્ધ સાધુ થયો છે એ ઘટના આદિ અને બિંદુ વચ્ચે અંતર વધારવા સૂચવતી નથી. આદર સાથે ફરિયાદ રજૂ થઇ છે.
લેખિકા લઘુનવલમાં રહસ્યનું તત્ત્વ જાળવવાની કળા જાણે છે. પોતાના નોખા અનુભવોને એ કથારૂપે રજૂ કરશે તો એમને સહૃદયોનો સદ્્ભાવ પ્રાપ્ત થશે. વિક્રેતા બુક શેલ્ફ છે.

X
article by raghuvir chaudhari

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી