સાિહત્ય વિશેષ - રઘુવીર ચૌધરી / બાળવાર્તાકાર હરીશભાઈ 93 વર્ષેય સતત લખે છે

article by raghuvir chaudhari

Divyabhaskar.com

Jul 22, 2019, 12:17 PM IST

સાિહત્ય વિશેષ - રઘુવીર ચૌધરી
હરીશ નાયક 93 વર્ષની વયે પણ લખે છે. આશા રાખીએ કે બાળવાર્તા લખીને-કહીને જન્મ શતાબ્દી ઊજવે. હરીશભાઇ બધા પ્રકાશકોની માગને પહોંચી વળે એમ છે.
એમનાં બે તદ્દન નવાં પુસ્તકો વાંચ્યાં. ‘જય મૂષક દેવા’ અને ‘એક બિલાડી જાડી હવે ન પહેરે સાડી’. પહેલા પુસ્તકે પ્રશ્નો ઊભા કર્યા, બીજાએ એના સંતોષકારક ઉત્તર આપ્યા. ‘જય મૂષક દેવા’ના કેન્દ્રમાં ઉંદર અને પટેલ છે. વાર્તાના આરંભે પટેલ છે. તેની પાસે બે તલવાર છે, લાકડાની અને લોખંડની. ‘પટાબાજ પટેલને કોઇ જીતી ન શકે. તેનો રોફ ભારે, તેનો રુઆબ ભારે, તેનો દબદબો ભારે, તેનો મોભો ભારે, તેનો કડપ ભારે, તેનાે હાઉ ભારે.’
આવા પટેલે પોતાના પલંગમાં ઉંદર જોયો, ઉંદરોનો રાજા એનું શું કરવું? પટેલને વિમાસણ થઇ: આ ઉંદરથી ડરવું કે એને ડારવો?
એની સાથે લડવું કે એને મારવો?
એને ઠાર કરવો કે એને ઠારવો?
એને વળાવી દેવો કે એને વારવો?
બાળકોને પસંદ પડે એવી આ શબ્દરમત છે. એમાં લય પણ છે. હરીશભાઇ મૌખિક રજૂઆત કરતા હશે ત્યારે પોતાના અવાજથી પણ ભાવને ઘૂંટતા હશે.
આ ઉંદરને દૂર કરવા-મારવા પટેલની એકેય તલવાર સફળ થતી નથી. રાજા પાસે જાય છે. ડરપોક રાજા એક-બે નહીં, સો બિલાડીઓ છોડે છે. ઉંદર પકડાતો નથી. બિલાડીઓની અંદર-અંદર લડાઇ ફાટી નીકળે છે.
હવે વાર્તામાં પંડિત પ્રવેશે છે. કહે છે: ‘ઉંદર ન મરે તો પૂજા કરો. બળિયાને દેવ માનો. પોથીમાં એવું જ લખાણ છે.’- આ કટાક્ષ પુખ્ત વયના વાચકો માણી શકે. પંડિતે ગાયેલી આરતી પણ હરીશભાઇએ લખી છે: ‘જય મૂષક દેવા, તમને ખાવા દઇશું મલાઇ ને મેવા.’
તાળીછાપ વાતાવરણમાં એક ફકીર દાખલ થાય છે. એ સાંભળે છે: ‘ઉંદર દેવ બની ગયો. ‘જે ન મરે તે દેવ, જે બીજાને મારે તે દેવ.’- આ કટાક્ષ પણ મૂંઝવે એવો છે.
ફકીર પરિસ્થિતિ સમજીને પોતાની બિલાડી છોડી મૂકે છે. એ જોતજોતાંમાં મોઢામાં ઉંદર પકડીને બહાર આવે છે. ફકીર કહે છે: ‘તમે ભયને લીધે સફળ ન થયા. ’
રાજા આરતી ગાતા પંડિતજીને ચૂપ કરે છે. પંડિતજી ફકીરની આરતી શરૂ કરે છે. લોકો પહેલાં હસે છે, પછી ફકીરની આરતીમાં જોડાઇ જાય છે.
બાળકો-કિશોરો પણ આરતીમાં જોડાઇ જશે? ઉંદર અને બિલાડી પ્રત્યે એ કેવો ભાવ અનુભવશે? ઉંદર જીવી ન શકે?
બીજું પુસ્તક અહિંસક છે. ચંદ્રવદન મહેતાએ તો બિલાડીને મગરનો ખોરાક બનાવી દીધી હતી. હરીશ નાયક એને જિવાડવા હાથી લઇ આવ્યા છે. બિલાડીની વિનંતી સાંભળી હાથી દોડી આવે છે. મગરની પીઠ પર પગ મૂકે છે. મગરનું મોં ખૂલી જાય છે, બિલાડી છૂટી જાય છે. વાર્તા આગળ ચાલે છે. બિલાડી હવે સાડી પહેરતી નથી. શોર્ટ હોટ પેન્ટ પહેરે છે, ઊંચી સેન્ડલ પહેરે છે, ‘હવે તે લાગે મિસ બન્ડલ’, બન્ડલને બદલે બાઇકનું હેન્ડલ લાવી પ્રાસ સાચવી શકાયો હોત. હવે એ તરવા જતી નથી.
કસરત કરી તે નાજુક થઇ,
યોગ કરી તે પાતળી થઇ.
રંગીન ચિત્રોને કારણે બિલાડી બદલાતી અતિ આધુનિક થતી જોવી ગમે છે.
આ પુસ્તકમાં બીજી વાર્તા સમાવી છે: ‘વલીનો બકરો’ બકરી સુખી છે. ‘બકરો આખી રાત ઊંઘે, બકરી બીજી સવારે ઊઠે. શરૂ કરે ખાવાનું, રમવાનું, ઊંઘવાનું. જાડો થઇ ગયો છે. હવે એનો અંત નજીક છે. સમજી વાડો કૂદીને એ મુક્ત થઇ જાય છે. ભૂંડ મળે છે, બતક મળે છે, એને સમજાવે છે, વનમાં ઘર કરીને રહીશું, ચાલ. પછી કૂકડો મળે છે, ગભરુ ઘેટું મળે છે. બકરાની આગેવાનીમાં બધાં ચાલતા દેખાય છે.’ ચિત્રકાર રોનક રાવલની પીંછીએ બધાને જીવંત અને જીવવાલાયક બનાવ્યાં છે. બધાં મળીને વનમાં ઘર બનાવે છે. વનમાં હરિયાળી છે, લાકડું છે. ઘર બન્યું છે મજાનું અને મજબૂત. હવે વરુનું આક્રમણ થાય છે. પાંચેય મળીને સામનો કરે છે. વળતો હુમલો કરે છે. વાર્તા આ શબ્દોમાં પૂરી થાય છે.’
એવી ભાગી વરુની જોડ,
ભૂલ્યા જીવનભરની ખોડ.
આ બાજુ કદી જોયું નહીં,
આંસુથી મોઢું ધોયું નહીં.
બાકર મંડળી ભસી ઊઠી,
હામ હિંમતથી હસી ઊઠી.
(પૃ. 37)
બેં બેં કરતો બકરો
ભસે? ભલે ભસે.
આ પછી શુભસંદેશ છે: ‘શાકાહાર ને ફળાહાર, છે એ આહારનો આહાર.’
અહીં બધાં બચી જાય છે. ‘જય મૂષક દેવા’ના ફકીરની બિલાડી ઉંદરને ખાઇ જાય છે એવું કશું અઘટિત અહીં બનતું નથી. રાજા અને પંડિતનો વધુ પડતો ઉપહાસ થયો છે, ફકીર પાસે ચીપિયો, ધૂપ અને ઝોળી હોય, બિલાડી નહીં અને બહાદુર ઉંદરને જીવવા દીધો હોત તો એ ક્યારેક કબૂતરની જાળ કાપી શકત, પણ બીજા પુસ્તકની વાર્તાઓ અહિંસક છે, સુમેળ સૂચવે છે.

X
article by raghuvir chaudhari

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી