Back કથા સરિતા
રઘુવીર ચૌધરી

રઘુવીર ચૌધરી

સાહિત્ય (પ્રકરણ - 34)
‘અમૃતા’થી જાણીતા રઘુવીર ચૌધરી ‘જ્ઞાનપીઠ પુરસ્કાર’ વિજેતા લબ્ધપ્રતિષ્ઠિત કવિ, નવલકથાકાર અને વિવેચક છે.

‘સાથે હોવું’- કોની? ક્યાં? ક્યારે?

  • પ્રકાશન તારીખ09 Dec 2019
  •  
સાહિત્ય વિશેષ- રઘુવીર ચૌધરી
અજય સરવૈયા વિદ્વાન છે, મિલાન કુન્દેરાના ટેકેદાર છે, ભાષાવિજ્ઞાનના અદ્યતન પ્રવાહોના અભ્યાસી છે, પુસ્તકો એમનાં સજીવ પ્રેમી છે. પ્રત્યક્ષ જગત ઉપરાંતની બીજી વાસ્તવિકતાની એ વાર્તાઓ લખે છે. એમના સમકાલીન ભાવક માટે આ પૂરતું હતું, ત્યાં એમનાં કાવ્યો સામે આવતાં ગયાં. એ કાવ્યોનું ‘સાથે હોવું’ એટલે આ સંગ્રહ.
સાથે હોવું- કોની? ક્યાં? ક્યારે? એના સગડ અહીં મળી શકે એમ છે. અહીં, અત્યારે, વાસ્તવમાં, કલ્પનામાં, અર્થમાં, અવાજમાં, અર્થાન્તરમાં, ભાવકને થતા સ્પર્શમાં- પ્રત્યેક વિકલ્પમાં શક્ય છે સાથે હોવું અને સકલ વિકલ્પોના સમાસમાં સાથે હોવું પણ શક્ય છે. ન હોવું, સાથે કે એકલા ન હોવું એ ઇલાકો ભલે પ્રબોધ પરીખ જેવાઓ માટે અકબંધ રહે. અહીં વાત હોવાની છે. આ હોવાપણાનો સ્વીકાર મને હૂંફ આપે છે. મિલાન કુંદેરાનો મને હજી બહુ ઓછો પરિચય છે, પણ આટલું સમજાય છે કે અજયને કુંદેરાનો સત્સંગ ફળ્યો છે.
છેલ્લે અજયે ઉપસંહાર કર્યો લાગે છે. ‘આમ હોવું-કોઇની ધારણા જેવું, કવિતાની વાચના જેવું, કથા જેવું, કથામાં કથા જેવું.’ આ વિકલ્પોમાં ધારણા અને વાચના કેન્દ્રમાં છે.
એટલે આ હોવું
એટલે એક સાથે ઘણે બધે હોવું
ઘણા બધામાં હોવું
ઘણા બધા હોવું
એટલે આ છે તે નથી.
છેલ્લી પંક્તિનો અર્થવિસ્તાર કરીએ તો ‘આ છે તે નથી- ઘણું છે, સમગ્રપણે, સર્વકાલે.’ મનુષ્ય સ્વસ્થ ચિત્તે, તટસ્થ ભાવે જીવે નહીં તો બીજી રચનામાં કહેવાયું છે એમ-
‘ખોટાં સપનાં સાચા દિલાસા, ધૂંધળી સ્પષ્ટતા સમૂળી નિરાશા.’
કથામાં કથાની વાત કરતાં અજય વિવેચકની ભૂમિકાએ પહોંચે છે.
ને આ વંશ, આ જાત, આ જમાતનું વળગણ,
કરેલાની માયા,
રચેલાનું મમત્વ,
છૂટેલાના અભરખા,
છોડેલાનો વસવસો
શું બચે છે?
કેટલી સભ્યતાઓ ગરકી ગઇ?
જગત સ્વયંસંપૂર્ણ નથી માટે કલાની-કલાકારની જરૂર છે, કાર્યની હોય તો પૂર્ણતાની પ્રતીતિ થાય. જગતમાં કાર્યની પૂર્ણતા નથી, કળામાં છે. કળામાં છે કેમ કે વિવિધ વાચનાઓની શક્યતા છે.
હોવું-કહેવું આ સંગ્રહના બે મુખ્ય આધાર છે, પણ શેને વિશે કહેવું એની કોઇ મર્યાદા નથી. અજયની કવિતા માત્ર નવરસરુચિરા નથી. પ્રેમ વિશે પંદર કાવ્યો લખ્યાં, ‘અંધારું’ નામે બે, ‘નદી’ અંતર્ગત પાંચ, ‘ઘાસ’ વિશે પાંચ-આ બધું તો થતું આવ્યું હતું, પણ પુસ્તકો વિશે ત્રણ, લાઇબ્રેરી વિશે બે ઘટકમાં મળીને સાત, પછી કવિતા-કવિ-સમય, આમ હોવું અને રઝળપાટ. હોવું અને સજળવું પરસ્પર વિરોધી લાગે, પણ નિશ્ચિત અર્થ એક-બે ડગલાંમાં મળી જતો નથી, તેથી રઝળવાનું રહે છે. આમ કરવાનું હતું એની પણ પહેલાંથી ખબર નથી હોતી, પણ આ ન પહોંચ્યાની સચ્ચાઇનો સ્વીકાર છે. ભાવક માટે વચ્ચે વચ્ચે વિસામા મળી રહે છે:
ક્યારેક હથેળીની રેખાઓમાં ઘાસ ફૂટે છે,
પછી છાતીમાં પવન ફૂંકાય છે,
પછી આંખોમાં વાદળ ઊતરે છે,
ઊંઘ ઘેરાય તેમ સપનાં બંધાતાં જાય છે.
પછી કયા જનમના ખીલા કયા જનમમાં
ખોડાય છે, કોણ જાણે?(પૃ. 28)
અજયની કવિતામાં પ્રયોજાતા ઇન્દ્રિયવ્યત્યય દૂરાકૃષ્ટ નથી. છાતીને શ્વાસ સાથે જીવંત સંબંધ છે તેથી પવનનું ફૂંકાવું સ્પર્શે છે. વાદળ અને આંખ બંનેને જળ સાથે સંબંધ છે તેથી આંખોમાં વાદળ ઊતરે છે એ સ્વીકારતા વાર થતી નથી.
આમ, અજયની મોટાભાગની કવિતા જેટલી નવી છે, એટલી અઘરી નથી, આ ઘટકની પાંચમી રચના ઘાસ અને કવિતાના અર્થની લીલા ઓછામાં ઓછા શબ્દોમાં વ્યક્ત થઇ છે.
ઘાસમાં જેમ પવન છે
કવિતામાં તેમ અર્થ છે.
ઘાસમાં બે તરણાંની વચ્ચે અને પ્રત્યેક તરણામાં પવન અર્થાત્ અર્થ છે.
લાઇબ્રેરી-વિષયક રચનાઓ અરૂઢ છે. ‘લાઇબ્રેરી માત્ર તમારી એકલતાને સ્વીકારે છે.’ લાઇબ્રેરીમાં ‘તમારો ખૂણો’ પ્રત્યક્ષ થાય છે. લાઇબ્રેરીની ઘેરી ચમકતી મેજ પર પડેલા પુસ્તક માટે પ્રયોજાયેલાં સાદૃશ્યો ધ્યાન ખેંચે છે.
કોઇથી ન વંચાયેલું પુસ્તક કેવું ભાસે છે?
વર્ષોથી, વણસ્પર્શ્યુ, એમ ને એમ,
ખરીને પડી રહેલા બાળપણના કોઇ દુ:ખની જેમ,
પહેલા પ્રેમની સ્મૃતિની જેમ,
ઉનાળામાં ઊપસી આવતા અવસાદની જેમ,
વીસરાઇ ગયેલા કોઇ સંજોગની જેમ. (પૃ. 41)
‘બાળપણનું દુ:ખ’ અને ‘પ્રથમ પ્રેમની સ્મૃતિ’ના નિર્દેશમાં રંગદર્શિતાની ઝાંય વરતાય, પણ પછીની પંક્તિમાં ઉનાળાના અવસાદથી સમતુલા સધાય છે અને અરૂઢતાની ખાતરી થાય છે. લાઇબ્રેરી વિશે લખવાનું અગાઉ કોઇ કવિને આવડ્યું કેમ નહીં?
x
રદ કરો

કલમ

TOP