Back કથા સરિતા
રઈશ મનીઆર

રઈશ મનીઆર

(પ્રકરણ - 22)
વ્યવસાયે તબીબ હોવા ઉપરાંત ગીત, ગઝલ, હાસ્ય, નાટ્યલેખન જેવા વિવિધ લેખનપ્રકારોમાં એમણે સફળ ખેડાણ કર્યું છે.

વરસાદમાં પલળતી યૌવનાને જોઈને...!

  • પ્રકાશન તારીખ22 Jul 2019
  •  

મસ્તી-અમસ્તી- રઈશ મનીઆર
જેની બહુ રાહ જોવાતી હતી એ પહેલો વરસાદ પડ્યો. વરસાદની વાછટ બારી ખુલ્લી હોય તો જ આવે, પણ હસુભાઈ અડકાવેલું બારણું ખોલીને ટપક્યા,
‘શું વિચારો છો કવિરાજ?’
‘રોમેન્ટિક માણસો વરસાદ જોઈને પોતાની યુગચેતના અનુસાર ઝીનત અમાન કે શ્રદ્ધા કપૂરને યાદ કરે, પણ મારા જેવા રોમરોમ એન્ટિક માણસો કાલિદાસને અને મેઘદૂતને યાદ કરે.’
હસુભાઈ ઉત્સાહથી થનગનતા હતા, ‘આજે સવાર-સવારમાં મારા ઉપર વરસાદમાં પલળતી એક યૌવનાનો ફોટો આવ્યો છે. જોવો છે?’
‘ના!’ સામાન્ય રીતે પત્ની વીસ મીટરના પરિઘમાં હોય ત્યારે હું મારી ઈમેજ બગડે એવી ઈમેજ જોતો નથી.
‘અરે! ‘ગમતાનો કરીએ ગુલાલ’!’ એમ કહી એમણે ઇમેજ બતાવી. ટાઈટ શોર્ટ્સ પર ઢીલું ટોપ પહેરેલ કન્યા વરસાદમાં રોડ પર મસ્તીથી ભીંજાતી ભીંજાતી દોડી રહી હતી. લગભગ અમારી સોસાયટીની બહારનો જ એરિયા લાગતો હતો.
‘વરસાદમાં પલળતી આ યૌવનાને જોઈ તમને શો વિચાર આવે છે?’
‘યૌવના પ્રેમમાં પડી લાગે છે. મારાં કાવ્યો એને મદદરૂપ થઈ શકે.’ અમારા જેવાનું જ્યારે ગજું ન રહે ત્યારે સ્વભાવ પરગજુ થઈ જાય છે.
હું ફોટો જોવામાં રત હતો એ દરમ્યાન શ્રીમતીજી ક્યારે પાછળ આવીને ઊભા રહી ગયાં એ ખબર ન પડી, ‘હું પણ ક્યારેક આવી જ મુગ્ધા હતી, પણ આમની સાથે પરણી પછી...’ એમ કહી મને ઝાટક્યા પછી સોફા ઝાટકવા માંડી.
હસુભાઈએ આ ઈમેજ સોસાયટીના વોટ્સએપ ગ્રૂપમાં પોસ્ટ કરી દીધી અને સહુને એ જ સવાલ પૂછ્યો, ‘વરસાદમાં પલળતી યૌવનાને જોઈ તમને...’ હું કહેવા જતો હતો કે બાંગ્લાદેશીઓને યુ.એસ. વિઝાનો ફોટો બતાવવા જેવું આ કૃત્ય છે, પણ ઈમેજ પોસ્ટ થઈ જ ગઈ.
થોડીવારમાં ગ્રૂપ ગુલાબી-ગુલાબી થઈ ગયું. સેમ્પલોએ જે જવાબોનો વરસાદ વરસાવ્યો, એનાં અમુક સેમ્પલ અહીં મૂક્યાં છે.
પ્રેરણાડી:
આ છોકરીનું તાજુંતાજું બ્રેકઅપ થયું લાગે છે. એનો પ્રેમી જળો કે પાટલા ઘો જેવો ચીટકુ હશે. લાગે છે, એનાથી છૂટીને મુક્તિના શ્વાસ લઈ રહી છે.
હેમિશ:
અરે! એ એકલી કેમ છે? બ્રેકઅપ થયું હોય તો સિમ્પથી બતાવાય અને ન થયું હોય તો કમ સે કમ લંગર તો નાખી જ શકાય!
ધનશંકર:
આ કન્યાને કાલે સો ટકા શરદી થવાની. એણે આજે રાતે શીતોપલાદિ ચૂર્ણ લેવું જોઈએ.
કાંતાબહેન(ધનશંકરનાં વાઈફ):
આજકાલની છોડીઓને ભજિયાં બનાવતા આવડે નહીં, એટલે ભરવરસાદમાં આમ ભજિયાં લેવા દોડવું પડે.
પ્રેરણાડી:
@મમ્મી-પપ્પા, આવું ટોપ તો પેલા મૉલમાં મળે છે. સસ્તું છે. 3000નું જ છે. બાય-ટુ-ગેટ-વન-ફ્રી છે. એટલે 2000માં જ પડશે.
હેમાબહેન:
આયહાય! આની મમ્મી કપડાં કેવી રીતે સૂકવશે?
બાબુ બાટલી:
લાગટું છે એને નાચવા, કૂડવા અને ગાવાનું મન ઠટું છે. પહેલા વરસાદ પછી ડેડકા-ડેડકીઓ આવું જ કરે, પન ટમે બઢા ફોટો જોઈ ડેડકાની જેમ ડ્રાંઉ-ડ્રાંઉ ન કરો, કેમ કે એનો ડેડકો પોટે જ હૂટિંગ કરટો લાગે છે.
હસુભાઈ:
મન થાય છે કે... મન થાય છે કે... એને કહી દઉં... કે એને કહી જ દઉં, ભલે કોઈને અવિચારી લાગે, ભલે અજુગતું લાગે, પણ મનમાં જે થયું છે તે એને કહી જ દઉં કે બહાર નીકળી જ છે તો મારા માટે... મારા માટે પણ અઢીસો ભજિયાં લઈ આવજે!
ભગુ ભાજપી:
તસવીરમાં ન્યૂ વાઈબ્રન્ટ ઈન્ડિયા ધબકે છે. છેલ્લાં આઠ વરસમાં મફત કન્યાકેળવણી, ટ્રિપલ તલાકનો કાયદો, સામાજિક વનીકરણ, માર્ગ નવીનીકરણ, સ્વચ્છતા અભિયાન વગેરે વિવિધ પગલાંઓને કારણે કન્યાઓમાં વધેલો હેપીનેસ ઈન્ડેક્સ જોવા મળે છે.
કનુ કોંગ્રેસી:
ધ્યાનથી જુઓ! કન્યા ઉદાસ છે, બેરોજગાર છે, દલિત છે, એનો પ્રેમી મોબલિચિંગનો ભોગ બન્યો છે. મોંઘવારીને કારણે દેશની છત્રીથી વંચિત સ્ત્રી ખરેખર રડી રહી છે. વરસતા વરસાદમાં એટલા માટે રડી રહી છે જેથી એનાં આંસુ કોઈને ન દેખાય. દેશવાસીઓ લખી રાખજો, આ 2019ની 8 નવેમ્બરથી પછી રડવા પર પણ જી.એસ.ટી...
મનસુખ સટોડિયો:
ધ્યાનથી જુઓ, ખૂણામાં એક નાનો કાગડો દેખાય છે? ચોગડા આકારનો કાગડો?(એને બધે આંકડા જ દેખાય) એની છત્રી કાગડો થઈ ગઈ છે. બોલો લાગી શરત?
ધનશંકર:
છત્રી ‘કાગડી’ થઈ ગઈ એમ કહેવાય. છત્રીનું સજીવીકરણ અને છત્રીનું લિંગપરિવર્તન બે ચમત્કારો એકસાથે થાય એ અજુગતું લાગે છે!
કુ. કુમુદબહેન નારીમુક્તિવાળાં:
કાગડી તો વ્યવસ્થિત અને સુઘડ હોય, વિકૃત થયેલી છત્રી માટે ‘કાગડો’ નામ જ બરાબર છે!
સોસાયટીમાં રહેતા મ્યુનિસિપાલિટી કર્મચારી પરાગ મફતભાઈ (જેને બધા પગાર મફતભાઈ કહે છે):
આમ આંખ મીંચી ભીંજાવું જાનલેવા બની શકે છે. રસ્તે ભરાયેલા પાણીની નીચે ખાડા હોઈ શકે છે. રાહદારીઓએ પોતાની આંખ ખુલ્લી રાખવી, કેમ કે વરસાદ પહેલાં અમે આંખ ખુલ્લી નહોતી રાખી.
સોસાયટીમાં નવા રહેવા આવેલા હવામાન ખાતાના વડા:
કન્યાનો પડછાયો જોતાં લાગે છે બપોરના સમયે તડકામાં વરસાદ પડ્યો છે. છાંટાની દિશા અને પાણીનું પ્રમાણ અને આ વરસના રેકર્ડ પ્રમાણે ગયા શુક્રવારે આ મુજબનો વરસાદ પડ્યો હતો. અરે! આ તો મારી દીકરી હોય એમ લાગે છે, પણ ગયા શુક્રવારે તો એની પરીક્ષા હતી!
યૌવના:
@પપ્પા! એ તો મમ્મીએ ફોટોશોપ કરી એફ.બી પર પોતાના પ્રોફાઈલ પિક તરીકે મૂક્યો છે.
[email protected]

x
રદ કરો

કલમ

TOP