મસ્તી-અમસ્તી / ચૂંટણીમાં હારેલા કોઈ નેતાએ આજ સુધી આપઘાત કર્યો છે?

article by raeesh maniar

‘પણ વિદ્યાર્થી આપઘાત કરે! કેમ કે એની તો કરિયર ખલાસ થઈ જાય ને?’  ‘કરિયર ક્યાંથી ખલાસ થાય? કોંગ્રેસમાં હારેલો ભાજપમાં જાય, એમ સાયન્સમાં ફેલ થયેલા કોમર્સમાં જઈ શકે ને!’

રઈશ મનીઆર

Apr 28, 2019, 04:57 PM IST

ચૂંટણીઢંઢેરાના પેમ્ફ્લેટ જેવા હસુભાઈ ખરી ગયેલાં સૂકાં પાનની જેમ ફરફર ઊડતા મારા ઘરમાં આવ્યા અને સોફાની ડાળ પર, મારી અને પંખાની બરાબર વચ્ચે આવીને ગોઠવાયા, ‘હાશ! મોસમ પતી!’
‘ક્યાંથી? ઉનાળાની તો હજુ શરૂઆત છે!’ મેં હવાને બદલે અવાજ ઉત્પન્ન કરતા પંખા તરફ જોઈને ઊનો નિ:શ્વાસ નાખ્યો.
‘અરે! ચૂંટણી અને પરીક્ષાની ગરમીની મોસમ પતી એમ કહું છું!’
‘હા, ગરમી એટલે કેવી! નેતાઓ તો એમની એ.સી. કારમાંથી માત્ર લૂ (Loo – શૌચાલય) લાગે ત્યારે જ બહાર આવતા, તોય એમને લૂ (ગરમી) લાગી જતી.’
‘આ કાળઝાળ ગરમીમાં લોકો નેતાઓની રેલીમાં શેકાયા અને વાલીઓ પરીક્ષાખંડની બહાર તડકામાં શેકાયા. પરીક્ષા હો કે ચૂંટણી, આપણા ભાગે તો શેકાવાનું જ.’
‘હા, પરીક્ષા દર વર્ષે આવે, ચૂંટણી પાંચ વર્ષે આવે છે, એ મુખ્ય તફાવતને બાદ કરતાં ચૂંટણી અને પરીક્ષા વચ્ચે ઘણી સમાનતા છે.’
‘એક બેઝિક ફરક છે! ચૂંટણીમાં ઉમેદવારની પોતાની ડિપોઝિટ ડૂલ થાય છે, પરીક્ષાઓમાં ઉમેદવારના બાપાની!’ હસુભાઈની આંખો પાસબુકના ઝીરો બેલેન્સ જેવી તગતગવા લાગી.
‘નેતાઓનું ભાવિ હવે ઈ.વી.એમ.માં કેદ છે અને વિદ્યાર્થીઓનું ઉત્તરવહીમાં. એકમાં ‘ચોકડા’ની ગણતરી થશે, એકમાં ‘ખરા’ની. એ ગણતરી થાય ત્યાં સુધી.’
‘કેટલી શાંતિ લાગે છે!’ હસુભાઈ એવી રાહતથી બોલ્યા જાણે કોઈ ઉમેદવાર માટે પોતે ગળું ફાડી બરાડી રિક્ષામાં પ્રચાર કરી હમણાં જ પરવાર્યા હોય.
‘પહેલાં એનો ખુલાસો કરો કે હેમિશની પરીક્ષા પતવાથી રાહત લાગે છે કે લોકસભાનું મતદાન પતવાથી શાંતિ લાગે છે?’
‘બંનેમાં કાળું ટપકું જ છે! કોઈ ફેર નથી!’
‘હા હસુભાઈ! તમારા ઘરે તો હેમિશની પરીક્ષા પહેલાં હેમાબહેન રણચંડી બને છે, પરીક્ષાનું રિઝલ્ટ આવે પછી તમે રણબંકા બનો છો!’
‘હા, એ બે તવાઈની વચ્ચે સેન્ડવીચ થયેલી આ શાંતિ પણ શું ‘ચીઝ’ છે!’
‘પણ હેમિશનું રિઝલ્ટ આવશે એ દિવસે બેલ્ટ કાઢશો, નહીં?’
હસુભાઈએ પેન્ટ પહેરવાનું તો ક્યારનું છોડીને પાયજામો અપનાવ્યો છે, પણ બેલ્ટ હજુ આ ઉપયોગ માટે જ રાખ્યો છે. અમેરિકામાં સંતાનોને મેથીપાક આપી ન શકાય એ એકમાત્ર કારણથી હસુભાઈએ ગ્રીનકાર્ડ જતું કર્યું હતું.
‘તમારો ત્રણસો રૂપિયાનો બેલ્ટ વર્ષમાં એક જ દિવસ વપરાય છે. તોય પૈસા વસૂલ! નહીં? હેમિશે કદી તમને આ બાબતે નિરાશ નથી કર્યા!’
હસુભાઈને અચાનક આત્મસાક્ષાત્કાર થવા લાગ્યો, ‘તમને શું લાગે છે, હું રાક્ષસ જેવો વાલી છું?’
મેં કહ્યું, ‘અરે ના! દેશનાં અડધોઅડધ ઘરોમાં આવું હોય છે. જે પુત્રો ઓછા ગુણ લાવી પોતાના પિતાઓને દાદાનો વારસો જાળવવાની તક આપે છે એ જ સાચા અર્થમાં ગુણવાન પુત્રો ગણાય!’
‘જોકે, વારસો હવે જરા વીક થઈ ગયો. આપણા બાપાઓ માણી ગયા એ નેતરની મજા જુદી! વાર્ષિક કસોટી અને વાર્ષિક સોટીનો કેવો પ્રાસ બેસતો!’ હસુભાઈએ અસલનો જમાનો યાદ કરી નેતરની સોટી ગુમાવ્યાનો અફસોસ વ્યક્ત કર્યો.
સુદર્શન ચક્રથી નેતરની સોટી અને હવે છેક બેલ્ટ સુધી સંભવામિ યુગેયુગેની એક યાત્રા થઈ ગઈ હોય એમ એ ગીતાજ્ઞાન ઉચ્ચારવા લાગ્યા, ‘પરીક્ષા પતે અને રિઝલ્ટ આવે એ વચ્ચેના દિવસોમાં સુખ-દુ:ખ, આશા-નિરાશા, ભય-અભય, કર્મ-ફળ વચ્ચેનો ભેદ ઓગળી જાય છે!’ હસુભાઈ આવું નેતા માટે બોલ્યા કે વિદ્યાર્થી માટે એની ચોખવટ એમણે ન કરી.
મેં સૂર પુરાવ્યો, ‘ચૂંટણી હો કે પરીક્ષા, બન્નેમાં આશા અમર હોય છે! પણ બન્નેમાં, રિઝલ્ટ આવ્યા પછી નિષ્ફળ થયેલા દુ:ખી તો થાય જ ને!’
‘દુ:ખ-દુ:ખમાં ફરક હોય છે. બાબુમોશાય! ચૂંટણીમાં હારેલા કોઈ નેતાએ આજ સુધી આપઘાત કર્યો?’
‘પણ વિદ્યાર્થી આપઘાત કરે! કેમ કે એની તો કરિયર ખલાસ થઈ જાય ને?’
‘કરિયર ક્યાંથી ખલાસ થાય? જેમ કોંગ્રેસમાં હારેલો ભાજપમાં જાય, એમ સાયન્સમાં ફેલ થયેલા કોમર્સમાં જઈ શકે ને!’
‘પણ અગાઉ નાપાસ થયેલા વિદ્યાર્થીનું પરિણામ કોમર્સમાંય ખરાબ આવે તો?’
‘તો એને માટે રાજકારણમાં પ્રવેશીને ચૂંટણીની પરીક્ષા આપવાનો વિકલ્પ તો ખુલ્લો જ છે ને! અરે! શિક્ષણપ્રધાન સુધ્ધાં બની શકાય!’ હસુભાઈએ પોતાની કાચીપાકી ‘સ્મૃતિ’ના આધારે વિકલ્પ બતાવ્યો.
‘એટલે તમારી દૃષ્ટિએ આત્મહત્યા કરતાં પહેલાં રાજકારણ અજમાવી જોવું! ખરું ને?’
‘હા વળી! આમેય તમે એકલા આત્મહત્યા કરો તો ધરતી પરથી કેટલો બોજ ઓછો થાય? એના કરતાં તમે નેતા બની કિસાનો, બેરોજગારો, વિદ્યાર્થીઓ, સૈનિકો સહુને આત્મહત્યા માટે પ્રેરી શકો, એ રીતે ધરતી પરથી કેટલો બધો...’
‘સમજી ગયો, સમજી ગયો! પણ હવે મારો સવાલ એ છે કે નેતા ચૂંટણીમાં નિષ્ફળ જાય તો એણે ક્યાં જવું?’
‘બહુ વિકલ્પો છે! આલુની ખેતી કરવી, પકોડાની લારી ખોલવી, બેરોજગાર પેન્શન લેવું, ‘પંદર લાખ આવવાના છે’ કહી હૂંડીઓ લખી આપવી, બેન્કો ખોલવી, ચોકીદારી કરવી, શાહમૃગના ચામડાનાં જેકેટ વેચવાં, બહેનોની આઇ.પી.એલ ચાલુ કરવી, મોદી-માલ્યા-ચોક્સી ઇમિગ્રેશન સર્વિસની ફ્રેન્ચાઇઝી લેવી, બાંગ્લાદેશથી ‘ગિલોલ’ નામની મિસાઇલ આયાત કરી કમિશન લેવું, કાશ્મીર પ્રવાસનું એડવાન્સ બુકિંગ લઈ પછી ટૂર રદ કરવી!’
આટલા બધા વિકલ્પો જોઈ મને લાલચ થઈ આવી, ‘હું કવિ તરીકેનો વ્યવસાય છોડી, આમાંથી કોઈ ધંધો અપનાવી લઉં?’
‘તમે આમાં ન ચાલો, કવિરાજ! આમાંનો કોઈ પણ વ્યવસાય કરવા માટે છંદ નહીં, કુછંદ આવડવા જોઈએ. શબ્દોના ભાવની અને ગીતોના તાલની નહીં, માણસોના ભાવતાલની સમજ હોવી જોઈએ!’
[email protected]

X
article by raeesh maniar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી