મસ્તી-અમસ્તી- રઈશ મનીઆર / ક્લાસરૂમ બ્લૂઝ : હસુભાઈના વ્યૂઝ

article by raeesh maniar

Divyabhaskar.com

Dec 09, 2019, 01:01 PM IST
મસ્તી-અમસ્તી- રઈશ મનીઆર
હસુભાઈ કાયમ કહે છે, ‘સ્કૂલલાઈફમાં તમારા જેવા તેજસ્વીઓએ બહુ જવાબ આપ્યા, પણ એ જવાબો તમે માંડ પરીક્ષા સુધી યાદ રાખી શક્યા અને અમારા જેવા ડફોળોએ ભોળાભાવે જે જવાબ આપેલા, તે આખા ક્લાસને જીવનભર યાદ રહી ગયા છે.’
એમની વાત સાચી હતી. ભારતભરમાં ફેલાયેલા હસુભાઈઓની બુદ્ધિમત્તાના ચિરંજીવ નમૂના જુઓ, આ રહ્યા.
ટીપુ સુલતાનનું મૃત્યુ કયા યુદ્ધમાં થયું હતું?
‘એમના છેલ્લા યુદ્ધમાં.’
ગંગા કયા સ્ટેટમાં વહે છે?
‘લિક્વિડ સ્ટેટમાં!’
મહાત્મા ગાંધીનો જન્મ ક્યારે થયો હતો?
‘એમના બર્થડેના દિવસે.’
દિવાળી કેવી રીતે ઊજવવામાં આવે છે?
‘સેલિબ્રેટ કરીને!’
4 લોકો વચ્ચે 3 કેરી સરખા ભાગે કેવી રીતે વહેંચાય?
‘કેરીનો રસ બનાવીને!’
રાજા રામ મોહન રાય વિશે શું જાણો છો?
‘ચારે પાકા મિત્રો હતા.’
સત્તરમી સદીના વૈજ્ઞાનિકો વિશે શું જાણો છો?
‘તેઓ બધા મરી ગયા છે.’
મોગલોએ ક્યાંથી ક્યાં સુધી રાજ્ય કર્યું?
‘ઇતિહાસનાં 21થી 63 પાનાં સુધી’
હવે હસુભાઈએ જાતે આપેલા કેટલાક જવાબો સાંભળો.
શિક્ષક- બોલ! કાશ્મીર ક્યાં આવેલું છે?
હસુ- સર, ખબર નથી.
શિક્ષક- (ગુસ્સામાં) બેંચ પર ઊભો રહી જા.
હસુ- (બેંચ પર ચડી ઊંચો થઈ) સર, બેંચ પરથી પણ કાશ્મીર દેખાતું નથી.
શિક્ષક- હવે અંગૂઠા પકડ!
હસુ- સર, એક ક્લુ તો આપો. કાશ્મીરની નીચે કયું સ્ટેટ છે?
શિક્ષક- પંજાબ!
હસુ- બસ તો! આવડી ગયો જવાબ, કાશ્મીર પંજાબની ઉપર આવેલું છે!
શિક્ષક- સાત તાલી કેટલા?
હસુ- (ગણીને) દસ
શિક્ષકે સોટી હાથમાં લઈ ટ્રાયલરૂપે ટેબલ પર ફટકારી.
આખો ક્લાસ- સર! હસુને એક બીજો ચાન્સ આપો!
હસુ- (નમ્રતાથી) ના સર! ચાન્સ બીજાને આપો!
શિક્ષક- તું જ આપશે જવાબ. (સોટી વીંઝી) સાત ગુણ્યા ત્રણ?
હસુ- ઓ.કે? શેનો દાખલો છે?
શિક્ષક- ગુણાકારનો!
હસુ- એમ કહો ને!
મનમાં ગોખેલો ઘડિયો બોલતાં બ્રેક જરા મોડી લાગી એટલે જવાબ આપ્યો, ‘અઠ્ઠાવીસ!’
શિક્ષકે સોટી ઉગામી. આખો ક્લાસ ચિત્કારી ઊઠ્યો, ‘સર! હસુને એક વધુ ચાન્સ આપો!’
બીજગણિત ભણાવતા પહેલાં આંક પાકા કરાવવા પડ્યા તેથી શિક્ષક અત્યાર સુધી શોલેના ગબ્બર બની ચૂક્યા હતા, ‘આઠમા ધોરણમાં સાત ગુણ્યા ત્રણ નહીં આવડે તો તારું શું થશે હસિયા!’
હસુભાઈ કાલિયાની જેમ ધ્રૂજતા ધ્રૂજતા ભારોભાર શંકા સાથે બોલ્યા, ‘એકવીસ!’
આખો વિદ્વાન ક્લાસ ફરી ચિત્કારી ઊઠ્યો, ‘સર! હસુને એક વધુ ચાન્સ આપો!’
હવે સર પાસે આખા ક્લાસ માટે મશીનગન નહોતી. એટલે સૌ બચી ગયા. પછી તો કાળક્રમે અમારો એ આખો ક્લાસ સેટલ થઈ ગયો. હવે સૌ પોતાનાં બાળકોને કેવી રીતે અભ્યાસ કરાય એની સોનેરી સલાહો આપે છે.
હસુભાઈના એકવાર (સદ્્નસીબે) 35 માર્ક આવેલા. ટીચરે ઉત્તરવહી આપતાં કહ્યું, ‘આવા અક્ષર? માંડ તપાસ્યું અને તું માંડ પાસ થયો.’ હસુભાઈ મારા કાનમાં ધીરેથી બોલ્યા, ‘ગૂંચળાં કાઢ્યાં એટલે જ પાસ થયો. બાકી સારા અક્ષરે લખ્યું હોત તો પપેટું (ઝીરો) આવ્યું હોત!’
હસુભાઈએ બોર્ડની પરીક્ષા પહેલાં સ્ટ્રેસ રિલીવ કરવા ખૂબ ફિલ્મો જોઈ હતી. જ્યારે હિન્દીનું પેપર આપવા બેઠા ત્યારે હજુ ક્વેશ્ચનપેપર વહેંચાય એ પહેલાં જ જવાબ લખવા માંડ્યા. તે ય અંદરના પાનેથી લખવાને બદલે પહેલા પાનાથી લખવા માંડ્યા. મેં ‘સીસ..સીસ’ કહી એમને ચેતવ્યા, ‘આ શું કરે છે?’
સુપરવાઈઝર હજુ પ્રશ્નપત્ર વહેંચી રહ્યા હતા. હસુભાઈએ ધીમેથી એમની ઉત્તરવહી મને બતાવવા માટે સરકાવી. ફિલ્મોની અસર હેઠળ હસુભાઈએ લખ્યું હતું, ‘ઇસ ઉત્તરવહી કે સારે ઉત્તર કાલ્પનિક હૈ ઔર ઉનકા કિસી ભી પાઠ્યપુસ્તક, અભ્યાસક્રમ, પ્રશ્નપત્ર યા પ્રશ્ન સે કોઈ લેનાદેના નહીં હૈ!’
હવે એક એપિક વાત. હસુભાઈની કોરી ઉત્તરવહી જોઈ શિક્ષકે કહ્યું, ‘ઉત્તરવહી કોરી કેમ છે? ઉત્તરો કેમ નથી લખ્યા?’
હસુભાઈ બોલ્યા, ‘મેં તો લખ્યું હતું, પણ ઉત્તર ‘વહી’ ગયા!’
એ પછી સમય વહી ગયો. હસુભાઈ હમણાં એકવાર હેમિશની સ્કૂલમાં પેરેન્ટ્સ મિટિંગમાં ગયા હતા. ત્યારે એક્ઝામગોઈંગ સ્ટુડન્ટ્સ માટે નાનકડી સ્પીચ આપી હતી, ‘અમારા વખતે એક્ઝામફોબિયા જેવી કોઈ વસ્તુ જ નહોતી.’ સ્ટુડન્ટ્સ અવાચક થઈ જોતા રહ્યા. હસુભાઈએ ચલાવ્યું, ‘માત્ર ક્લાસરૂમ ફોબિયા હતો, કેમ કે ક્લાસમાં ખોટા જવાબ આપવાથી માર પડતો, એક્ઝામમાં એવો કોઈ ડર હતો નહીં. હા, જોકે રિઝલ્ટ ફોબિયા હતો! ત્યારે બાપાનો માર પડતો. એ પણ માત્ર વાર્ષિક પરીક્ષામાં! હવે તો સેમેસ્ટર સિસ્ટમ આવી ગઈ. સાલમાં બે વાર પરીક્ષા આવે. પુત્રને ક્યારે ફટકારવો તેય સાલી ખબર પડતી નથી!’
એક છોકરી બોલી, ‘હવે એજ્યુકેશન ખૂબ આગળ વધી ગયું છે, અંકલ!’
હસુભાઈ બોલ્યા, ‘ખોટી વાત! પેટ્રોલ પાંચ રૂપિયે હતું, પંચોતેરનું થયું, ચોખા પાંચ રૂપિયે કિલો હતા, બાવનના થયા, પણ હજુ પાસ થવા માટે માત્ર 35 જ માર્ક જોઈએ છે! એ બાબતે નહેરુરાજ અને મોદીરાજમાં કોઈ ફરક નથી! પણ વિદ્યાર્થીમિત્રો! આવતી આઠ નવેમ્બરથી પાસિંગ માર્ક બદલાય તો કહેવાય નહીં!’ આમ, એક નવો ફોબિયા ઊભો કરી એમણે સ્પીચ પતાવી.
શિક્ષણના પછાતપણાથી હતાશ થઈ મેં હસુભાઈને પૂછ્યું, ‘આમ ને આમ સંસાર કેમ ચાલશે?’
હસુભાઈએ જવાબ આપ્યો, ‘વત્સ! ‘ઉત્તર’ ઉત્પન્ન ન કરી શકનાર નબળો વિદ્યાર્થી પણ ‘પુત્તર’ ઉત્પન્ન કરી શકે છે એટલે સંસાર ચાલતો જ રહેશે.’
[email protected]
X
article by raeesh maniar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી