ભાગ્યના ભેદ- ડાે. પંકજ નાગર, ડો. રોહન નાગર / ધન રાશિના ગુરુનું ગોચર ભ્રમણ કોને લાભ? કોને નુકસાન?

article by pankajnagar

Divyabhaskar.com

Oct 17, 2019, 04:10 PM IST
ભાગ્યના ભેદ- ડાે. પંકજ નાગર, ડો. રોહન નાગર
ગુરુ એટલે વંદનીય-માનનીય. ગુરુ એટલે વિનય અને સંસ્કારનો પર્યાય. ગુરુ એટલે જ્ઞાનનો કુબેરભંડાર. જ્યાં ગુરુ હોય ત્યાં જ્ઞાનનું તેજ હોય અને ઉન્નતિનો અવકાશ-પ્રગતિનું આકાશ હોય. જે માનદ, મહાન, શુભ અને પવિત્ર હોય ઉપરાંત જ્યાં શિક્ષણ અને સંસ્કારનો વાસ હોય ત્યાં ગુરુનો અવશ્ય રહેવાસ હોય. બ્રહ્માંડમાં ગુરુ માત્ર એક એવો ગ્રહ છે કે જે જાતકના શુભત્વ સાથે સંકળાયેલો છે અને જન્મકુંડળીની પ્રતિકારાત્મક શક્તિ છે. જન્મકુંડળીમાં ગુરુનું ગોચર ભ્રમણ ચંદ્ર પરથી અગર ચંદ્રથી નવમે કે પાંચમે થાય ત્યારે બાર કે તેર મહિનાનો ગાળો જાતક માટે શ્રેષ્ઠ સમય આવે છે. ધન રાશિમાં ગુરુનું ભ્રમણ 4 નવેમ્બર, 2019થી શરૂ થશે. કેન્દ્ર સરકારમાં સ્થિરતા અને લયબદ્ધતા આ ગુરુ લાવી શકશે. ગતાંકમાં આપણે કન્યા રાશિના જાતકો સુધી ચર્ચા કરી. હવે બાકી રહેલી રાશિઓની વાત કરીએ.
તુલા: તમારી રાશિથી આ ગુરુનું ભ્રમણ ત્રીજે થતાં તેની દૃષ્ટિ ભાગ્યસ્થાને પડશે. આથી વિદેશ યાત્રા ઉપરાંત લાંબી અને ધાર્મિક યાત્રાઓ આ ગુરુ તમને કરાવશે. ભાઇ-ભાંડુઓ થકી લાભ અને પાડોશીઓ સાથેના સંબંધો સુધરે. આ ગુરુનો સંકેત છે. કુંવારા જાતકો માટે લગ્નનો મોટો પૈગામ આ ગુરુ આપે છે, માટે તૈયાર રહેજો. ભાગીદારીયુક્ત સાહસોમાં આ ગુરુ તમને લાભ આપશે. ભાગ્યની નવી દિશા અને તક માટે તૈયાર રહેજો, કારણ કે આ ગુરુ એટલે તમારું નસીબ પરિવર્તન.
વૃશ્ચિક: ગુરુનું ધન રાશિમાં ભ્રમણ વૃશ્ચિક રાશિના જાતકોના બીજા ધન સ્થાનમાં થશે. આ ભ્રમણ આ જાતકોની આર્થિક પરિસ્થિતિમાં સુધારો લાવશે. કુટુંબમાં બાળકનો જન્મ થાય અને તે દ્વારા કુટુંબનું કદ વધે. અગાઉ કોઇને ઉધાર આપેલાં નાણાં પરત આવે. ગુરુનું આ ભ્રમણ તમને મિતભાષી બનાવે. સમાજ તેમજ સંસ્થામાં તમારા સંબંધો મીઠા બનાવે. પરિવારમાં સંપ અને એકતાનો અહેસાસ કરાવે. નાણાકીય દૃષ્ટિએ લાભ આપશે.
ધન: આપની રાશિમાં જ ગુરુનું ભ્રમણ કોઇ આપને મનની શાંતિ અને તનની તંદુરસ્તી આપશે. ઉપરાંત આપ અત્યાર સુધી બારમા ગુરુના ભ્રમણમાં હતા તેમાંથી પણ મુક્તિ મળશે. ગુરુનું આ ભ્રમણ તમારા લગ્ન (દેહ) સ્થાને થતાં વિવાહ પ્રસ્તાવો અને લગ્નના સંજોગો પણ ઊભા થશે. ઉપરાંત જો આપ પ્રેમલગ્ન કરવાની ખેવના ધરાવતા હોવ તો ગુરુ તમને મદદ કરશે. તમારાં સંતાનો માટે અતિ પ્રગતિશીલ અને આનંદ આપનારો હશે. ભૂતકાળમાં કરેલાં રોકાણો અહીં ફળશે અને નવી તક દ્વારા ભાગ્યના દરવાજા ખૂલશે. ધાર્મિક પ્રસંગો અને ધાર્મિક મુસાફરીઓ આ ગુરુનો શુભ સંકેત છે.
મકર: ગુરુનું આ ભ્રમણ તમને બારમા ગુરુના બંધનમાં મૂકશે. નાહકની દોડાદોડી અને વ્યર્થ ખર્ચા આ ગુરુનો અનિવાર્ય સંદેશ છે. આથી આવક પર ધ્યાન કેન્દ્રિત કરવું. ગુરુ બારમે ભ્રમણ કરશે ત્યારે તમારા ચોથા સુખ સ્થાન પર દૃષ્ટિ કરશે. આથી નવા વાહન કે મકાનના શુભ યોગ ઊભા થશે. હૃદયરોગની કોઇ જૂની બીમારી હશે તો તેમાં રાહત આપશે. ગુરુની છઠ્ઠા સ્થાન પર દૃષ્ટિ તમને ક્યારેક અપયશ અપાવે કે કોઇ અપમાનભરી સ્થિતિનું નિર્માણ કરે. નોકરીના સ્થળે ખાસ ધ્યાન રાખવું. મિશ્ર ફળ આપનારો ગુરુ પોતાના આ ભ્રમણ દરમિયાન તમને સુખ કરતાં દુખનો અહેસાસ વધારે કરાવશે. વહેલી સવારે ગુરુના શાસ્ત્રોક્ત મંત્રની એક માળા પરિસ્થિતિમાં રાહત આપશે.
કુંભ: આ રાશિના જાતકો માટે રાહતના શ્વાસ અને અહેસાસની અનુભૂતિ છે, કારણ કે તમારી રાશિથી ધનનો ગુરુ લાભ સ્થાને ભ્રમણ કરશે. સ્ત્રીમિત્રોથી લાભ અને અણધાર્યા આવકના સ્રોત તમને આશ્ચર્ય પમાડે તો નવાઇ નહીં. શેરબજારનાં જૂનાં રોકાણો અહીં તમને વળતર આપશે. જો પ્રેમ પ્રણયના ચક્કરમાં હશો તો તેમાં નક્કરતા આવશે અને સંબંધો પરિણામલક્ષી બનશે. સંતાનપ્રાપ્તિ માટે ગુરુનું આ ભ્રમણ શ્રેષ્ઠ કહી શકાય. નવી તક, વિદેશ યાત્રાના પ્રયત્નોમાં સફળતા સાથે નવી દિશા સાથે તમારી દશા સુધરશે અને પ્રગતિના આસમાનમાં ઊડશો તે વાત નક્કી છે.
મીન: તમારી રાશિથી દસમે ગુરુ તમારા ધંધા વ્યવસાય કે નોકરીમાં મનગમતો બદલાવ આપશે. તમારા કર્મની ગતિ સવળી થશે અને મનની મતિને સજ્જનતાનો અહેસાસ થશે. આ ગુરુ તમને કોઇ ઉચ્ચ પદવી કે રાજકીય હોદ્દો આપે તો નવાઇ નહીં. અલબત્ત, ગુરુ દસમે જાતકને વધારે મહેનત કરાવે તેવું અમારું સંશોધન છે. આથી ગુરુના આ ભ્રમણ દરમિયાન તમારે વધુ મહેનત કરવાની છે તેવું વિચારીને થાક્યા વિના પરિશ્રમ કરશો તો તેનું ફળ પણ શ્રેષ્ઠ હશે. પિતાની તંદુરસ્તી અને તેમના તમારા પર આશીર્વાદ એ આ ગુરુનો હકારાત્મક અર્ક છે.
[email protected]
X
article by pankajnagar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી