Back કથા સરિતા
નગીનદાસ સંઘવી

નગીનદાસ સંઘવી

રાજકીય વિશ્લેષણ (પ્રકરણ - 75)
લેખક વરિષ્ઠ રાજકીય વિશ્લેષક છે. ‘દિવ્ય ભાસ્કર’માં પ્રકાશિત ‘તડ ને ફડ’ કોલમથી તેઓ રાજકારણની આંટીઘૂંટીઓ યથાતથ પીરસવા માટે જાણીતા છે.
પ્રકરણ-59

‘માનવજાત વાનર નહીં, પણ ઋષિઓનું સંતાન છે!’

  • પ્રકાશન તારીખ29 Jul 2019
  •  

પરિક્રમા- નગીનદાસ સંઘવી
ભાજપ માટે અને લોકસભા માટે સત્યપાલસિંહ જેવા સાંસદ કલંકરૂપ છે. માનવ અધિકારપંચોની પુનર્રચનાના ખરડાની ચર્ચામાં ભાગ લઇ રહેલા આ સાંસદે ડાર્વિનના ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંતને નકારી કાઢ્યો છે અને માનવજાત વાનર નહીં, પણ ઋષિઓનું સંતાન છે તેવું જાહેર કર્યું છે. સદ્્ભાગ્યે બીજા સાંસદોએ તેમને નકારી કાઢ્યા છે. સત્યપાલસિંહ અગાઉ કેળવણી ખાતાના-માનવવિકાસ ખાતાના પ્રધાન હતા અને તે વખતે પણ તેમણે શાળા-કોલેજોના અભ્યાસક્રમમાં ફેરબદલ કરીને ડાર્વિનને ભૂંસી નાખવાની હિમાયત કરી હતી. આવા સાંસદોની સંખ્યા નહીંવત્ છે તે ભારત દેશનું સદ્્ભાગ્ય છે.
ભારતની લોકસભામાં કે પાર્લામેન્ટમાં આવા બકવાસ કરવાથી ડાર્વિનનો પ્રસ્થાપિત સિદ્ધાંત નકારી કાઢી શકાય તેમ નથી. ડાર્વિનની વિચારસરણીમાં નોંધપાત્ર ફેરફારો વિજ્ઞાનશાસ્ત્રીઓએ કર્યા છે અને હજી પણ થવાની સંભાવના છે, પણ આ ફેરફારો મુખ્ય સિદ્ધાંતની બાબતમાં નથી. દુનિયાભરમાં રખડી રઝળીને હજારો લાખો પશુપક્ષીઓ-માનવોનાં હાડપિંજરોના અભ્યાસના તારણરૂપે ડાર્વિન ઉત્ક્રાંતિવાદનો ખ્યાલ રજૂ કર્યો અને દુનિયાએ તેનો સ્વીકાર કર્યો છે. થોડા જડસુ લોકો તેને નકારી કાઢે તેનાથી કશું વળવાનું નથી.
આવી મૂર્ખાઇનો ઇજારો આપણને મળે તેમ નથી. સોએક વરસ અગાઉ (1935માં) અમેરિકાના ટેનેસી રાજ્યમાં ડાર્વિનના ઉત્ક્રાંતિવાદ પર શાળા-કોલેજોમાં પ્રતિબંધ મુકાયેલો. સૃષ્ટિ સર્જન અંગે બાઇબલના કથાનકને નકારી કાઢનાર ડાર્વિનનો સિદ્ધાંત ભણાવવાથી ખ્રિસ્તી બાળકો ધર્મ વિરોધી બની જશે તેવી દલીલ કરવામાં આવી.
પણ આ કાયદાને તરત જ પડકાર ફેંકાયો. ટેનેસી રાજ્યના ડેટાઉન નામના નાનકડા ગામડાના વિજ્ઞાન શિક્ષકે પોતાના વર્ગમાં આ સિદ્ધાંતની વાત કરી. ઊકળી ઊઠેલા ખ્રિસ્તી ધર્માંધોએ આ શિક્ષક જ્હોન સ્ક્રોપને નોકરીમાંથી કાઢી મૂકવા માટે અદાલતમાં દાવો દાખલ કર્યો અને આ કેસ અમેરિકામાં ખૂણેખૂણે ગાજી ઊઠ્યો. ખ્યાતનામ વકીલો બંને બાજુ આ કેસ લડવા ઊતરી આવ્યા અને આ કેસને વાંદરા ખટલો - Monkay Trialનું નામ મળ્યું. નીચલી અદાલતે શિક્ષકનો સો ડોલરનો દંડ ફરમાવ્યો. તે જમાના પ્રમાણે આ દંડ ભારે બોજારૂપ હતો, પણ ઉપલી અદાલતે આ ચુકાદો
ફેરવી નાખ્યો.
ખ્રિસ્તીઓની ધાર્મિક સંસ્થાઓ જે નિશાળો ચલાવે છે તેવી અમેરિકાની શાળાઓમાં આજે પણ ડાર્વિનનો સિદ્ધાંત શીખવવાની મનાઇ છે તેનો અમલ થતો નથી. ધર્માંધ ખ્રિસ્તીઓ હજુ આજે એકવીસમી સદીમાં પણ ડાર્વિનને નકારી કાઢે છે. પ્રાણીશાસ્ત્રનાં પ્રાધ્યાપિકા અને મારા સાથી બહેન (જીવે છે તેથી નામ આપવું ઠીક નથી) હંમેશાં કહેતાં કે નોકરી કરીએ છીએ તેથી ડાર્વિનની વાત કરવી પડે છે. તેમાં ધર્મદ્રોહ તો છે જ, પણ આજીવિકા માટે કરવું પડે છે.
સત્યપાલસિંહનો વિરોધ પણ થયો અને ટીકાકારોએ તેમની રજૂઆતને ગેરબંધારણીય હોવાનો ઉલ્લેખ કર્યો. આપણા બંધારણમાં ઇન્દિરા ગાંધીએ ઘુસાડેલી કલમમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ કેળવવો તે નાગરિકની ફરજ હોવાનું કહેવામાં આવ્યું છે. લોકશાહી રાજ્યોના બંધારણમાં લોકોના હક(Rights)ની કલમ રાખવામાં આવે છે, પણ લોકોની ફરજ અંગેની કલમ માત્ર તાનાશાહીઓમાં જ જોવા મળે છે. આ કલમ આપણા બંધારણમાં ઉમેરવામાં આવી ત્યારે દેશમાં તાનાશાહી જ હતી.
ભારતીય નાગરિકોની ફરજની એક કલમમાં અગિયાર પેટા કલમ છે અને તેમાં ભાતભાતની ફરજ કહેવામાં આવી છે. બંધારણ અને કાયદાઓ પાળવા, સરકારી માલમિલકતને નુકસાન ન કરવું. આઝાદીની લડતના ઉચ્ચ આદર્શોનું પાલન કરવું. ભારતની વિરાસતની સારસંભાળ રાખવી અને વૈજ્ઞાનિક અભિગમ કેળવવો. પોતાનાં છોકરાંછૈયાંઓને ભણાવવાં જેવી ઠેકાણા વગરની કલમ પણ તેમાં સામેલ કરવામાં આવી છે.
આવી શબ્દાડંબરી કલમોને ભારતના બંધારણમાં પ્રવેશ આપનાર પાર્લામેન્ટના સભાસદોની બુદ્ધિ માટે બહુમાન ઊપજે તેવું નથી, પણ અત્યારે જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે વૈજ્ઞાનિક અભિગમ તો તદ્દન અર્થ વગરનો શબ્દ છે. વૈજ્ઞાનિક અભિગમ એટલે કે તર્કશુદ્ધ વિચારધારા-આ શબ્દના જે અર્થ કરવા હોય તે થઇ શકે છે. આયુર્વેદ અને હોમિયોપથીને એલોપથીના ડોક્ટરો નર્યું ગપ્પાષ્ટક સમજે છે ત્યારે વૈકલ્પિક ઉપચાર પદ્ધતિઓ-લોહચુંબકીય સારવારનું તો શું કહીએ? ગાંધીજી નેચરોપથીમાં શ્રદ્ધા ધરાવતા હતા તે વૈજ્ઞાનિક અભિગમ ગણાય? પ્રચલિત ધર્મવિધિમાં શ્રદ્ધા ધરાવનાર માટે આ વિધિ વૈજ્ઞાનિક છે. હાથની આંગળીઓની મુદ્રાઓ કરવાથી રોગ જાય તેવું માનવું તે વિજ્ઞાન છે કે નર્યું ધતિંગ છે? દરેક માણસ પોતાની અગડંબગડં માન્યતાઓને પણ પૂરેપૂરી સાચી અને વિજ્ઞાનસિદ્ધ જ ગણતો હોય છે.
[email protected]

x
રદ કરો

કલમ

TOP