Back કથા સરિતા
નગીનદાસ સંઘવી

નગીનદાસ સંઘવી

રાજકીય વિશ્લેષણ (પ્રકરણ - 75)
લેખક વરિષ્ઠ રાજકીય વિશ્લેષક છે. ‘દિવ્ય ભાસ્કર’માં પ્રકાશિત ‘તડ ને ફડ’ કોલમથી તેઓ રાજકારણની આંટીઘૂંટીઓ યથાતથ પીરસવા માટે જાણીતા છે.
પ્રકરણ-62

આજની લોકશાહી રાજકીય પક્ષો વગર ચાલે તેમ નથી

  • પ્રકાશન તારીખ08 Aug 2019
  •  

તડ ને ફડ- નગીનદાસ સંઘવી
મે માસના છેલ્લા અઠવાડિયામાં જાહેર થયેલાં ચૂંટણી પરિણામોનો પ્રભાવ રાજકારણના પ્રવાહોમાં સ્પષ્ટ થતો જાય છે અને પાર્લામેન્ટની કામગીરી તેનો પુરાવો છે. લોકસભામાં મોદીએ મેળવેલી અભૂતપૂર્વ બેઠકોના કારણે લોકસભાનું કામકાજ વધારે ઝડપી અને વધારે કાર્યક્ષમ બને તે સ્વાભાવિક છે, પણ રાજ્યસભામાં બહુમતી ન હોવા છતાં ભાજપ સરકારે રજૂ કરેલા ખરડાઓ બહુમતીનો ટેકો મેળવી જાય છે અથવા તો વિરોધ પક્ષોએ વિરોધ કરવાનું માંડી વાળ્યું છે તેમ કહેવું વધારે સાચું છે. ચૂંટણી અગાઉની રાજ્યસભાએ તોડી પાડેલો ત્રિવાર તલાકનો ખરડો ચૂંટણી પછી તરત જ રાજ્યસભામાં પણ પસાર થયો તે ભારતીય રાજકારણમાં હવે પછી આવી રહેલા ફેરફારોની સૂચક નિશાની છે.
સૌથી મોટો અને સૌથી વધારે મહત્ત્વનો ફેરફાર ભારતના રાજકીય પક્ષોની પ્રણાલીમાં થયો છે. ભાજપના જ્વલંત વિજયનો ફટકો કોંગ્રેસ પક્ષે ખાવો પડ્યો તેની ચર્ચા સૌથી વધારે પ્રમાણમાં થાય છે, પણ આ ફટકો પ્રાદેશિક પક્ષોએ પણ સહન કરવો પડ્યો છે અને કેટલાક પ્રાદેશિક પક્ષોનું ભાવિ અધ્ધરતાલ તોળાઈ રહ્યું છે તેની નોંધ જોઈએ તેટલા પ્રમાણમાં લેવામાં આવી નથી. ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પક્ષ અને માયાવતીના બહુજન સમાજ પક્ષની હાલત જોવા જેવી થઈ છે. માંડ માંડ મળેલા આ બે જીવ તાબડતોબ છૂટા પડી ગયા છે. રાજકારણી આગેવાનો અને રાજકીય પક્ષો સત્તાની બહાર ફેંકાઈ જાય ત્યારે પાણી વગરના માછલાની જેમ તરફડે અને મોટાભાગે મરી જાય છે. આંધ્રમાં તેલુગુ દેશમ્ પક્ષની દશા પણ લગભગ આવી જ છે અને સત્તા વગર પાંચ વર્ષ ટકી રહેવું તેના માટે મુશ્કેલ છે. બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસનો પણ નાભિશ્વાસ ચાલી રહ્યો છે અને મમતા બેનર્જી સહિતના તેના આગેવાનો ઉજાગરે સૂવે છે.
બંગાળમાં ભાજપ માટે પણ કપરાં ચઢાણ છે. મુસ્લિમ મતદારોનું પ્રમાણ બંગાળમાં ઘણું મોટું છે અને બંગાળમાં પણ પ્રાદેશિક પક્ષોના શાસનની પરંપરા 1977થી આજ સુધી અખંડ ચાલતી આવી છે. તમિલનાડુમાં તો છેલ્લાં સાઠ વર્ષથી પ્રાદેશિક પક્ષો દ્રમુક-અન્નાદ્રમુક પક્ષો વચ્ચે ચડાઊતરી ચાલે છે, પણ રાષ્ટ્રીય પક્ષો, કોંગ્રેસ કે ભાજપને ત્યાં પ્રવેશ મળ્યો નથી. ઓડિશામાં બીજુ પટનાયકના પુત્ર નવીન પટનાયકે પોતાના પક્ષ (બીજુ જનતાદળ)ની સરસાઈ જાળવી રાખી છે. ભારતનાં અન્ય ઘણાં રાજ્યોમાં રાષ્ટ્રીય પક્ષો અને પ્રાદેશિક પક્ષો વચ્ચે સત્તાંતરો થયા કરે છે. કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સે લાંબો વખત સત્તા ભોગવી છે.
પ્રાદેશિક પક્ષોનું મહત્ત્વ સમજવું અને સ્વીકારવું ગુજરાતીઓ માટે અઘરું છે, કારણ કે ગુજરાતમાં પ્રાદેશિક પક્ષોની પરંપરા નથી. પરિસ્થિતિના કારણે ગુજરાતમાં કેટલાક પ્રાદેશિક પક્ષો સ્થપાયા હતા. રતુભાઈ અદાણીએ સ્થાપેલો રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ, ચીમનભાઈ પટેલનો કીમલોપ (કિસાન મજદૂર લોકપક્ષ)ના દાખલા આપી શકાય, પણ ગુજરાતી મતદારોએ પ્રાદેશિક પક્ષોને કદી આવકાર્યા નથી. મહારાષ્ટ્રમાં પણ હંમેશાં રાષ્ટ્રીય પક્ષોનું શાસન રહ્યું છે. શિવસેનાએ ચાર વર્ષ (1995-99) સત્તા ભોગવી તે એકમાત્ર અપવાદ છે.
ભારતનો સૌથી જૂનો, સૌથી માતબર, સૌથી વધારે પ્રતિષ્ઠિત પક્ષ માત્ર બે ફટકામાં તૂટી પડ્યો તેના આઘાતની કળ હજુ વળી નથી અને કોંગ્રેસ પક્ષ અત્યારે માથા વગરના ધડ જેવા ખવીસની હાલતમાં છે, પણ તેનું આંધળાપણું એટલું ઉગ્ર છે કે જે કારણસર, જે વંશવાદના લીધે પરાજય થયો તે જ વંશના ભાઈના બદલે બહેનને સિંહાસને બેસાડવાની પેરવી થઈ રહી છે. પ્રિયંકા ગાંધી રાહુલના જેટલા જ બલ્કે તેનાથી પણ ઊતરતી કક્ષાના આગેવાન છે. રાજકારણનો અથવા ચૂંટણી જીતવાનો તેમને કશો જ અનુભવ નથી. કોંગ્રેસના તળિયાના કાર્યકરો તો જવા દઈએ, પણ પ્રાદેશિક કક્ષાના આગેવાનોને પણ તેઓ ઓળખતા નથી અને તેમના પતિ ભ્રષ્ટાચારના ખટલામાં છેલ્લાં આઠ વર્ષથી સંડોવાયા છે. હરિયાણા કોંગ્રેસી મુખ્યમંત્રી હુડા પાસેથી જમીન મેળવવાનું કૌભાંડ તેમના નામે ચડ્યું ત્યારે કેન્દ્રમાં અને હરિયાણામાં કોંગ્રેસી સરકારો હતી. આ કૌભાંડ અખબારો અને સરકારી અધિકારી ખોસલાએ બહાર પાડ્યું. 1947થી સતત નબળા પડતા કોંગ્રેસ પક્ષનો સદંતર વિનાશ ઇન્દિરા ગાંધીના ફાળે જાય છે, કારણ કે તેમણે સંજય ગાંધીની મવાલીગીરીને સાંખી લીધી અને તેમને પ્રોત્સાહન આપ્યું.
પ્રાદેશિક પક્ષોની ચડાઊતરીથી ભારતીય લોકશાહીને ઝાઝું નુકસાન થતું નથી, પણ કોંગ્રેસ પક્ષ ભારતમાંથી ભૂંસાઈ જાય તો લોકશાહી માટે અને ભાજપ માટે પણ હિતકારક નથી. સંસદીય લોકશાહીના વિકાસ અને ટકાઉ માટે બે સમકક્ષ અને સમાન બળિયા રાજકીય પક્ષો અત્યંત જરૂરી છે. દુનિયાની ઘણી ખરી લોકશાહીઓને આ લાભ મળતો નથી, તેથી તેમણે મોરચા સરકારોથી કામ ચલાવવું પડે છે. મોરચા સરકારો મોટાભાગે અસ્થિર અને કમજોર હોય છે.
કોંગ્રેસમુક્ત ભારતની ઘોષણા નરેન્દ્ર મોદીએ લોકપ્રિય બનાવી છે અને તેને સાકાર પણ કરી છે, પણ આ પરિસ્થિતિ ભારતીય જનતા પક્ષ માટે જોખમરૂપ બની શકે છે, કારણ કે બીજો તુલ્ય બળિયો પક્ષ ન હોય તો કોંગ્રેસનો બધો કચરો ભાજપમાં ઠલવાય તેવો સંભવ છે. અત્યારે પણ ભાજપનું કોંગ્રેસીકરણ ઝડપથી થવા લાગ્યું છે. ક્ષણિક લાભ માટે પક્ષાંતરોને પ્રોત્સાહન આપવામાં આવે છે, કારણ કે રાજકીય આગેવાનોની નજર મોટાભાગે ટૂંકી હોય છે. લોકશાહીનો લાંબો અનુભવ ધરાવનાર અંગ્રેજો કહે છે તેમ રાજકારણીની નજર હંમેશાં બીજી ચૂંટણી પર હોય છે. માત્ર રાજપુરુષો જ આવતી પેઢીની ખેવના કરી શકે છે.
રાજકીય પક્ષોના સાહજિક દોષ અપરંપાર છે, પણ આજની લોકશાહી રાજકીય પક્ષો વગર ચાલે તેમ નથી. રાજકીય પક્ષોનાં દૂષણોથી ત્રાસી ગયેલા કેટલાક વિચારકોએ લોકશક્તિ દ્વારા વહીવટ ચલાવવાનાં સ્વપ્ન જોયાં છે. વિનોબા ભાવેએ પક્ષવિહીન લોકશાહીનો ખ્યાલ રજૂ કર્યો તેનો જયપ્રકાશ નારાયણે ઘણો પ્રચાર કર્યો અને તે માટેની પુસ્તિકા પણ તેમણે લખી છે. જીવનમાં આદર્શો હોય તે ઇચ્છવા જેવું છે, પણ રાજકારણ આદર્શ નહીં, પણ વહેવારની દુનિયા છે અને લોકો આદર્શવાદનાં વધામણાં કરે છે, પણ આદર્શોનું આચરણ કરતા નથી, તેથી લોકશાહીને ટકાવી રાખવા માટે અને લોકશાહીના વહીવટી અમલ માટે બે મોટા રાજકીય પક્ષોની જરૂર પડે છે.
ભારત જેવા વિશાળ અને સંકુલ રાષ્ટ્રમાં પ્રાદેશિક પક્ષોનાં સ્થાન અને જરૂરિયાત વિશે ચર્ચા થાય છે. ભારતમાં દરેક પ્રદેશમાં નિત નોખી પરિસ્થિતિ અને નિત નિરાળી સમસ્યાઓ હોય છે. વેશ, ભાષા, ખાનપાન, ખેતી અને વાહનવ્યવહાર અલગ અલગ હોય છે અને તેથી પ્રદેશની વાત રજૂ કરવા માટે પ્રાદેશિક પક્ષો જરૂરી બની જાય છે, પણ કેવળ પ્રદેશનું હિત જાળવનાર પક્ષો અતિશય બળવાન બને તો રાષ્ટ્રના જીવતર અને સલામતીના પેચીદા પ્રશ્નો ઊભા થાય છે. રાજકીય વિખવાદ અને પ્રદેશવાદના પરિણામે દેશની એકાત્મતા જોખમાય છે. ભારતને પ્રદેશહિતોની જાળવણી કરનાર પ્રાદેશિક પક્ષો વગર ચાલે તેમ નથી અને રાષ્ટ્રની એકાત્મતા હજુ પૂરેપૂરી સ્થપાઈ નથી, તેથી ભારતના ટુકડા કરવાની કારવાઈ કરનાર પ્રાદેશિક પક્ષોથી ભારતે ઘણા વિકટ પ્રશ્નોનો સામનો કરવો પડે છે. એંશીના દાયકામાં અકાલી પક્ષે સ્વતંત્ર ખાલિસ્તાનનો ઉત્પાત મચાવ્યો હતો. મિઝોરમે સ્વતંત્ર રાષ્ટ્ર બનવાની પેરવી કરી હતી. નાગાલેન્ડમાં સત્તર વર્ષથી આઝાદીની અશસ્ત્ર લડાઈ ચાલી રહી છે. આસામમાં થોડા વર્ષ માટે ‘ભારતનાં કૂતરાં અહીંથી ભાગો’ ભીંતસૂત્રો લખાયાં હતાં. કાશ્મીરમાં આજે પણ અલગતાવાદ મજબૂત છે. આ બાબતમાં બહુ ચિંતા કરવા જેવું નથી. દુનિયાના તમામ રાષ્ટ્રોએ આઝાદી પછી લઘુમતીઓના વિદ્રોહનો સામનો કરવો પડ્યો છે, પણ કાળક્રમે બધું થાળે પડી જાય છે.
[email protected]

x
રદ કરો

કલમ

TOP