તડ ને ફડ- નગીનદાસ સંઘવી / ‘સબકા સાથ, સબકા વિકાસ’નું સૂત્ર ભ્રામક ઠર્યું છે!

article by nagindassanghvi

Divyabhaskar.com

Jan 01, 2020, 03:38 PM IST
તડ ને ફડ- નગીનદાસ સંઘવી
ભારતીય સમાજમાં કોનો સમાવેશ કરવો અને દેશમાં ગેરકાયદેસર વસવાટ કરનાર ઘૂસણખોરોની ઓળખ મેળવીને તેમને કેવી રીતે દેશનિકાલ કરવા, આ બે મુદ્દા પર ભારત સરકારે ભરેલાં ત્રણ પગલાં અંગે દેશભરમાં શાંત અને હિંસક બંને પ્રકારનો દાવાનળ ભભૂકી રહ્યો છે. ભાજપ હિન્દુત્વવાદી નથી, પણ વિકાસલક્ષી પક્ષ છે અને તેથી અનોખો પક્ષ છે તેવું પુરવાર કરવાના નરેન્દ્ર મોદીના પ્રયાસો સફળ થયા નથી. ‘સબકા સાથ, સબકા વિકાસ’નું સૂત્ર ભ્રામક ઠર્યું છે અને વિકાસ કરતાં હિન્દુત્વ વધારે જોરદાર પરિબળ સાબિત થયું છે. હિન્દુત્વવાદીનું લેબલ ભાજપને વધારે સજ્જડ રીતે ચોંટ્યું છે અને તેથી ભારતીય રાજકારણ એક નવા અને વધારે સ્ફોટક સંક્રાંતિ કાળમાંથી પસાર થઈ રહ્યું છે. ભાજપી મોરચાના સૌથી વધારે કોમવાદી પક્ષો- શિવસેના અને અકાલીદલ ભાજપથી વધારે વિમુખ થઈ રહ્યા છે તે ઘટના ભારતીય રાજકારણની વિચિત્રતા દર્શાવે છે. હિન્દુ કોમવાદનો ગઢ ગણાતા હતા તેવા હિન્દીભાષી પ્રદેશોમાં ભાજપી રાજવટને દેશવટો મળી રહ્યો છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને છેલ્લે ઝારખંડમાં ભાજપને વધારે અને વધારે જોરદાર પરાજયો ભોગવવા પડ્યા છે અને 2020માં દિલ્હી-બંગાળની તોળાઈ રહેલી ચૂંટણીઓનાં પરિણામ ભાજપની તરફેણમાં આવે તેવી સંભાવના ઓછી દેખાય છે.
ભારતીય સમાજનું સ્વરૂપ બદલી નાખવું, દેશમાંથી મુસલમાનોની સંખ્યા શક્ય હોય તેટલી ઘટાડવી અને લઘુમતીઓને બીજા દરજ્જાના સમાજ બનાવવા તેવો ભાજપના આગેવાનોનો હેતુ અને પ્રયાસ વધારે ને વધારે સ્પષ્ટ થતો જાય છે. ભારતમાં વર્ષો અને દાયકાઓથી રહેલા મુસ્લિમ દેશોમાંથી આવેલા શરણાર્થીઓ વચ્ચે ધાર્મિક ભેદભાવ કરનાર નાગરિકતા કાયદા (CAA) સામે આસામમાં શરૂ થયેલો વિરોધ ભારતમાં અનેક રાજ્યોમાં ફેલાયો છે. આ વિરોધને સમજીને તેનો ઉકેલ અાણવાના બદલે ભારત સરકાર તેની અભિવ્યક્તિ કરનાર સભાસરઘસો, રેલીઓની પરવાનગી નકારી કાઢે છે. રોગનાં ચિહ્્નો કે લક્ષણોને દબાવી દેવાથી રોગ મટતો નથી. રોગનાં કારણોનો ઉપચાર થવો ઘટે છે.
ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની દિશામાં દોરી જનાર ત્રણ પગલાં CAA, NRC અને NPRમાંથી પહેલું પગલું લેવાઈ ગયું છે. મુસ્લિમ નિરાશ્રિતોને નાગરિકતા ન આપવી અને પરિણામે તેમણે ઘૂસણખોર તરીકે જીવવું પડે તેવા CAA સામે મુસ્લિમો અને ડાબેરીઓ ઉગ્ર આંદોલનો ચલાવી રહ્યા છે. આ આંદોલનોની ઉગ્રતા ઓછી-વધતી થયા કરે છે, પણ આ મુદ્દા અંગેની ધૂણી હજુયે ધખધખે છે. આ કાયદાનો વડાપ્રધાને જોરદાર બચાવ કર્યો છે, પણ દેશમાં અને પરદેશમાં ભાજપની પ્રતિષ્ઠા તેના કારણે ઘટી છે તેમાં શંકા નથી. મુસ્લિમોની બહુમતી ધરાવતા દેશોએ- પાકિસ્તાન મુસ્લિમ રાષ્ટ્રની પરિષદ, યુરોપીય સંઘ, યુનો, અમેરિકા, રશિયા, તુર્કી ને મલેશિયાએ પોતાનો અણગમો દર્શાવ્યો છે. 5 વર્ષની સખત જહેમત તથા સતત પ્રવાસ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુનિયાભરમાં મેળવેલી લોકપ્રિયતામાં ઓટ આવી છે. પરદેશી રાષ્ટ્રોનો વિરોધ ને ભારતનાં ઘટક રાજ્યોમાં મળેલી પછડાટના કારણે નરેન્દ્ર મોદીની રાજવટને ઊની આંચ આવવાની નથી, પણ ભાજપની બદનામીમાં ઉમેરો થઈ રહ્યો છે.
ભારતમાં દર દાયકાના આરંભે વસ્તી ગણતરી થાય છે અને દરેક ભારતીયની વ્યક્તિગત, બૌદ્ધિક, કૌટુંબિક, આર્થિક હાલતનો હેવાલ તૈયાર થાય છે. દેશના વિકાસ માટે રાજનીતિના ઘડતર માટે અને ભારતના વિકાસ કે અવનીતિ અંગે માપણી કરવાનું સૌથી મોટું અને સૌથી વધારે ખાતરીલાયક સાધન વસ્તી ગણતરી ગણાય છે, પણ બે દાયકા પહેલાં ભારતીય નાગરિકો અંગેની માહિતી વધારે ઝડપથી મેળવવા માટે નાગરિકો અંગે નવી ગણતરી શરૂ કરવામાં આવી તેનું મૂળાક્ષરી નામ NPR છે. આ ગણતરી વસ્તી ગણતરીથી અલગ છે અને તેમાં ઓછી વિગતો એકઠી કરવામાં આવે છે. 2021માં વસ્તી ગણતરીનું કામ શરૂ થયા અગાઉ થવાનું છે. આ કામ પૂરું થયા પછી આવતા વર્ષે વસ્તી ગણતરીનું ભગીરથ કામ થશે અને 2024ની સાલ સુધીમાં ત્રીજી ગણતરી થશે અને નાગરિકોનું રાષ્ટ્રીય દફતર (NRC) તૈયાર કરવામાં આવશે તેવી જાહેરાત ગૃહમંત્રી અમિત શાહ વારંવાર અને જોરશોરથી કરી ચૂક્યા છે. રાષ્ટ્રીયતાના દફતર અંગે હજુ કશું નક્કી થયું નથી, તેની ચર્ચા-વિચારણા પ્રધાનમંડળમાં પણ થઈ નથી તેવું વિરોધી વિધાન વડાપ્રધાને કર્યું છે. રાષ્ટ્રીયતાનું દફતર તમામ પક્ષકારો જોડે અને રાજ્ય સરકારો જોડે મસલત કર્યા પછી જ કરવામાં આવશે તેવું કર્ણાટકના ભાજપી આગેવાનો કહી રહ્યા છે. સામા પક્ષે મોદી સરકાર વિરોધી આંદોલન કરનારને એક કલાકમાં પતાવી દેવાનું કામ થઈ શકે છે તેવી ધમકી ભાજપના હરયાણવી ધારાસભ્ય લીલારામ ગુર્જરે આપી છે. ભારત દેશ હવે ગાંધીનો દેશ મટીને નરેન્દ્ર મોદીનો દેશ બન્યો છે તેવું તેમણે સોઈ ઝાટકીને કહી નાખ્યું છે. આ હિટલરી જાહેરાતને કોઈએ હજુ સુધી નકારી કાઢી નથી. આ જાહેરાતને હિટલરી વિશેષણ આપવાનું કારણ એ છે કે 1933ની ચૂંટણી જીત્યા પછી હિટલરે પોતાના સ્વયંસેવક દળ (SS) મારફતે પોતાના 2000 વિરોધીઓની હત્યા એક રાતમાં કરાવી હતી. ‘માનનીય શ્રી’ ગુર્જર સાહેબ જેવા ધારાસભ્યો ભાજપમાં હોય તે નરેન્દ્ર મોદી માટે કાળી ટીલી છે, પણ આવા નાચીઝને મહત્ત્વ આપવાનો કશો અર્થ નથી.
આ વખતનું NRP વધારે ઘાતક છે અને વધારે ચિંતાજનક છે. અત્યાર સુધી આવા દફતર માટે નાગરિકોએ 15 સવાલના જવાબ આપવાના હતા, તેમાં 6નો ઉમેરો કરવામાં આવ્યો છે અને મા-બાપની જન્મતારીખ, જન્મસ્થળ અંગે માહિતી એકઠી થવાની છે. આ નવું NRP અને વસ્તી ગણતરીની વિગતોને એકબીજા સાથે જોડવામાં આવે તો અમિત શાહે ધારેલું રાષ્ટ્રીયતા દફતર ભારત સરકાર સહેલાઈથી તૈયાર કરી શકે. તેથી તેનો પણ વિરોધ થઈ રહ્યો છે. ભારતના સૌથી વધારે વિવાદાસ્પદ લેખિકા અરંુધતી રોયે લોકોને ખોટાં નામ અને ખોટાં સરનામાં લખાવવાની સલાહ આપી છે.
ભારતીય બંધારણે સ્થાપેલા સમવાય સંઘમાં એક વહીવટી ખામી રહી ગઈ છે. આપણા સમવાય સંઘમાં મહત્ત્વના વિષયો અંગેના કાયદા ઘડવાની અને તેનો અમલ કરાવવાની સત્તા કેન્દ્ર સરકારને આપવામાં આવી છે, પણ ઘણા ખરા કાયદાનો સીધો અમલ કરાવવા માટેનું વહીવટી તંત્ર સંઘ સરકાર પાસે નથી. કેન્દ્રના કાયદાનો અમલ રાજ્યના અધિકારીઓ કરે છે. તેથી સંઘ સરકારે આ બાબતમાં રાજ્યો પર આધાર રાખવો પડે છે. કોઈની ધરપકડ કરવી હોય તો રાજ્ય સરકારની પોલીસ મારફતે કરવી પડે છે.
આ પરિસ્થિતિનો લાભ ઉઠાવીને ભાજપ વિરોધી રાજવટ ધરાવતાં રાજ્યો- રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, બંગાળ, કેરળ અને હવે ઝારખંડે કેન્દ્રનાં કાયદાનો અમલ કરવાનો ઇન્કાર કર્યો છે. નાગરિકતા પ્રદાન કાયદો (CAA) થઈ ચૂક્યો છે અને ગુજરાતે તેનો અમલ કરવાની શરૂઆત કરી છે, પણ CAA અને NRCનો અમલ અમારા રાજ્યમાં કરવામાં નહીં આવે તેવું કહ્યું છે. આ ઇન્કાર સમવાય સંઘના સિદ્ધાંતની વિરુદ્ધ છે અને વિરોધી રાજ્યોના વલણના કારણે ભારતને ઘણું નુકસાન થાય, પણ અત્યારના ઉકળતા વાતાવરણમાં વિરોધ પક્ષ આ વાતની ઉપેક્ષા કરે છે.
ઉફાળે ચડેલા આ વાતાવરણમાં આર.આર.એસ.ના સરસંઘ સંચાલક મોહન ભાગવતે કરેલું નિવેદન સમજવું કે સમજાવવું અઘરું થઈ પડે તેવું છે. ભારતમાં રહેનાર તમામ 130 કરોડ લોકોને અમે હિન્દુ જ ગણીએ છીએ તેવું તેમણે કહ્યું છે. સંઘ તો ભાજપની માતૃસંસ્થા છે. બધા હિન્દુ જ હોય તો ભાજપી સરકારે નિરાશ્રિતોના કાયદામાં મુસલમાનનો પણ સમાવેશ કરવો જોઈએ. બધા હિન્દુ જ હોય તો ભારત આપોઆપ હિન્દુ રાષ્ટ્ર જ બની જાય છે. મોહન ભાગવતનું નિવેદન સંઘ પરિવારના પૂજનીય ગુરુજી (ગુરુ ગોળવેળકર)નો છેદ કાપી નાખે છે. મહત્ત્વના આગેવાનો આવાં નિવેદનો બહાર પાડીને લોકોને ગુમરાહ કરે છે તે આપણા રાજકીય રાજકારણની સૌથી મોટી સમસ્યા છે અને સૌથી વિઘાતક નબળાઈ પણ છે.
[email protected]
X
article by nagindassanghvi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી