તડ ને ફડ- નગીનદાસ સંઘવી / નાગરિકત્વની તપાસના નામે ફફડાટ ફેલાવાનું કામ!

article by nagindassanghvi

Divyabhaskar.com

Dec 12, 2019, 02:59 PM IST
તડ ને ફડ- નગીનદાસ સંઘવી
ભારત સરકારે લીધેલું એક પગલું અને લેવા ધારેલું બીજું પગલું એકબીજા જોડે કશો સંબંધ ધરાવતું નથી તેવી દલીલ ગમે તેટલા જોરશોરથી કરવામાં આવે, પણ તેના સંદર્ભ એકબીજા સાથે જોડાયેલા છે. ભારત સરકારે લોકસભામાં ભારતીય નાગરિકત્વ અંગેનો સુધારા ખરડો પેશ કર્યો છે. પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં ભોગવવા પડતા ત્રાસથી ભાગી છૂટેલા નિરાશ્રિતો ભારતમાં આશરો લેવા આવે ત્યારે તેમાંથી જે નિરાશ્રિતો હિન્દુ, શીખ, ઇસાઇ કે જૈન હોય તેને તાબડતોબ ભારતનું નાગરિકત્વ આપી શકાશે. આ યાદીમાં મુસલમાનોનો સમાવેશ નથી, કારણ કે આ ત્રણ દેશો મુસ્લિમ રાષ્ટ્રો જ છે.
ભૂતકાળમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશમાંથી સંખ્યાબંધ હિન્દુ નિરાશ્રિતો ભારતમાં આવી વસ્યા છે. તેમાંથી મોટાભાગના લોકોને નાગરિકત્વ મળી ચૂક્યું છે અને
અત્યારે કોઇ નિરાશ્રિતો અાવતા હોય તેવા સમાચાર કશે સાંપડતા નથી.
અફઘાનિસ્તાનમાં સતત અને અવિરત ચાલતાં ધીંગાણાંમાં ખુદ મુસલમાનોએ જ ત્રાસ ભોગવવો પડે છે, કારણ કે આ આંતરવિગ્રહ ઉગ્રપંથી અને સામાન્ય મુસલમાનો વચ્ચેનો જંગ છે. ધાર્મિક ભેદભાવને સ્વીકૃતિ આપતો આવો કાયદો ભારતના સેક્યુલર રાજકારણ જોડે મેળ બેસતો નથી.
ભારત સરકારે લેવા ધારેલાં બીજાં પગલાં અંગે ભારતના ગૃહમંત્રી અમિત શાહ વારંવાર બોલી ચૂક્યા છે અને ભારતનાં તમામ રાજ્યોમાંથી ઘૂસણખોરોને શોધી શોધીને તેમની હકાલપટ્ટી કરવા માટે આખા દેશ માટે નાગરિકોનું દફતર (NRC) તૈયાર કરવાનું કામ 2024ની ચૂંટણી અગાઉ પૂરું કરી નાખવામાં આવશે તેવી જાહેરાત તેમણે પાર્લામેન્ટમાં પણ કરી છે. ઘૂસણખોરોની શોધ ધાર્મિક ધોરણે નહીં થાય તેવી હૈયાધારણ તેમણે ઉચ્ચારી છે, પણ મુસલમાન સમાજને તેમના વચન પર ભરોસો નથી. કાનડી અખબારોના જણાવ્યા મુજબ કર્ણાટકમાં મોટી વસ્તી ધરાવતા મુસલમાનોના તમામ ફીરકાઓએ પોતપોતાની મસ્જિદોના વિસ્તારમાં રહેતા મુસલમાનો ઘૂસણખોરો નથી, પણ ભારતીય છે તેવા પુરાવા અને દસ્તાવેજો તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે.
ફરિયાદીએ આરોપ સાબિત કરવો પડે તેવા કાયદાશાસ્ત્રના સર્વસ્વીકૃત સિદ્ધાંતનો ભંગ કરીને પોતે ઘૂસણખોર નથી તે દરેક આરોપીએ સાબિત કરવું પડશે. આ માટેના દસ્તાવેજી પુરાવા એકઠા કરવાનું કામ ગામડાના ગરીબ, અભણ નાગરિકો માટે લગભગ અશક્ય છે. અંગત રીતે કહું તો હું ગરીબ, અભણ કે ગામડાવાસી નથી અને ભારતમાં લગભગ સો વરસથી રહું છું, પણ હું ભારતવાસી છું તેમ સાબિત કરવાનો કોઇ દસ્તાવેજી પુરાવો મારી પાસે નથી અને હું જેમને ઓળખું છું તેમની પાસે પણ નથી.
આ કામ આવતાં પાંચ વરસમાં પૂરું કરી નાખવામાં આવશે તેવી ગૃહમંત્રીની ગણતરી ગળે ઊતરે તેવી નથી. આસામમાં આવા ઘૂસણખોરોની યાદી તૈયાર કરવામાં વીસ વરસ લાગ્યાં છે અને 19 લાખ ઘૂસણખોરોની યાદી તૈયાર હોવા છતાં એક ય ઘૂસણખોરને ભારત બહાર મોકલાયો નથી.
ઘૂસણખોરોનો મતાધિકાર છીનવી લઇ શકાય અને તેમની અટકાયત કરી શકાય તે માટે કેટલાં અટકાયત કેન્દ્રો ઊભાં કરવાં પડે તેવા સવાલના જવાબમાં નાયબ ગૃહમંત્રીએ પાર્લામેન્ટમાં જવાબ આપ્યો છે કે આ કામ રાજ્ય સરકારોનું છે. ઘૂસણખોરોની આશરે અંદાજિત સંખ્યા વિશે ભારત સરકાર પાસે કશી માહિતી નથી.
એકલા આસામમાં જ 19 લાખ ઘૂસણખોરો હોય તો ભારતમાં તેમની સંખ્યા કરોડોની હોવી જોઇએ તેવું અનુમાન લગાવી શકાય. કરોડોની અટકાયત માટે કેટલાં જેલખાનાં ઊભાં કરવાં પડે અને તેમને જેલમાં રાખવાનો ખર્ચ કેટલો ગંજાવર થઇ પડે તેની કલ્પના કરવી અઘરી નથી.
ઘૂસણખોરોને ભારતની બહાર ધકેલી દેવાનું શક્ય નથી, કારણ કે આવા ધકેલી દેવાયેલા નિરાશ્રિતોને સ્વીકારવા કે આશરો આપવા કોઇ દેશ તૈયાર નથી. લાખો લોકોની અટકાયત કરવામાં આવે તો યુનોનું માનવ અધિકારપંચ ભારતને ઊધડો લીધા સિવાય રહે નહીં અને યુનોમાં બદનામ ભારતની બીજાં રાષ્ટ્રો આર્થિક નાકાબંધી કરે તો આપણું અર્થતંત્ર સદંતર ભાંગી પડે.
વળી, લાંબા સમયથી ભારતમાં રહેતા ઘૂસણખોરોનાં છૈયાંછોકરાં ભારતમાં જન્મ્યાં હોવાથી ભારતના નાગરિકો છે. મા-બાપ ઘૂસણખોર તરીકે અટકાયતમાં હોય, પણ સંતાનો નાગરિક હોવાથી તેમને હાથ લગાડી શકાય નહીં.
અખિલ ભારતીય ધોરણે નાગરિકોનું દફતર તૈયાર કરવું પડે અને ઘૂસણખોરોને ભારતમાંથી બહાર હડસેલી મૂકવાની વાત તદ્દન અલેલટપુ જેવી દેખાય છે.
ભારત સરકારના આ ઇરાદાને સંખ્યાબંધ વિદ્વાન નિરીક્ષકોએ નર્યું પાગલપણું ગણાવ્યું છે, પણ આ પાગલપણા પાછળ એક વ્યવસ્થિત આયોજન છે.
ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની કે જાહેર કરવાની મનીષા સંઘ પરિવારે વારંવાર બોલી બતાવી છે અને સરસંઘચાલક મોહન ભાગવતે પણ તેનો પુનરોચ્ચાર કર્યો છે. નિરાશ્રિતોમાંથી બિનમુસ્લિમોને જ અપનાવવા અને ભારતમાં વસતા મુસલમાનોમાં નાગરિકત્વની તપાસના નામે ફફડાટ ફેલાવવો તે કદાચ આ પગલા પાછળનું કારણ હોઇ શકે. બહુમતી હિન્દુઓના મુસ્લિમ દ્વેષનો રાજકીય લાભ ઉઠાવવાની ગણતરી તેની પાછળનું પ્રેરકબળ છે તેવું પણ કહેવાયું છે.
બિનભાજપી રાજવટ ધરાવતાં રાજ્યો આવું દફતર તૈયાર કરવામાં સાથ આપવાના નથી અને છેલ્લા દોઢ વરસમાં ભાજપનો વિજયરથ પાંચ રાજ્યોમાં ખોરવાઇ પડ્યો છે. ઝારખંડનું પરિણામ થોડા વખતમાં આવશે. કર્ણાટકની પંદર ચૂંટણીમાંથી ભાજપ આઠ બેઠક મેળવે તો જ કર્ણાટકમાં ભાજપી મુખ્યમંત્રી યેદ્દીયુરપ્પાની સરકાર સુરક્ષિત
રહી શકે.
વધારે રસપ્રદ વાત એ છે કે ભાજપી રાજવટ ધરાવતાં ઇશાની રાજ્યો - ત્રિપુરા, મણિપુર, અરુણાચલે આવું દફતર તૈયાર કરવાનો નનૈયો ભણ્યો છે. ભાજપ પોતાના પક્ષને હિન્દુઓનો પક્ષ ગણાવે છે, પણ ભારતના 82 ટકા મતદારોમાંથી નરેન્દ્ર મોદીને માત્ર 37 ટકા મત મળ્યા છે અને કથળતા અર્થતંત્રની હાલત વધારે બગડે તો ભાજપી આગેવાનો માટે ચૂંટણીઓ જીતવાનું કામ કપરાં ચઢાણ
થઇ પડે.
સત્તા ભોગવનાર માણસ અને પક્ષ હંમેશાં ખુશામતખોરોથી ઘેરાયેલા રહે છે. મહાભારતમાં વિદૂરે કહ્યું છે તેમ કડવી પણ સાચી વાત કહેનાર કદાચ મળી આવે, પણ સાંભળનાર શોધવા મુશ્કેલ છે. (વક્તા શ્રોતા ચ દુર્લભ:) ભાજપી આગેવાનો અમારી ટીકા સાંભળવા કે સમજવા તૈયાર નથી તેવું બજાજેને કહ્યા પછી બીજા ઉદ્યોગપતિઓએ પણ મોઢું ખોલ્યું છે. પોતાની ટીકા કરનારને ગાળાગાળીથી તોડી પાડવા માટે ભાજપી આગેવાનોએ ટ્રોલરોની પગારદાર ફોજ ઊભી કરી છે તેવું કહેવાય છે. આનો કશો પુરાવો નથી, પણ સહેજસાજ ટીકા કરનાર પર જે ઝનૂનથી શાબ્દિક ને શારીરિક હલ્લા થાય છે તે આ અફવાને વધારે મજબૂત બનાવે છે.
સત્તા પાસે શાણપણ નકામું છે તેવી ગુજરાતી કહેવત સાચી છે, કારણ કે સત્તાધીશ બધી બાબતમાં પોતાનું ધાર્યું કરી શકે છે. જૂના જમાનાની રાજાશાહીમાં આ કહેવત વધારે ધારદાર ગણાય, કારણ કે રાજાને બદલવા-પછાડવાનું કામ અતિશય અઘરું અને જોખમી હતું, પણ લોકશાહીએ આ કામ અતિશય સહેલું બનાવી મૂક્યું છે. ઇન્દિરા ગાંધી જેવાં સમર્થ નેતાને ધૂળ ચાટતા કરનાર ભારતીય લોકશાહી ધર્મઝનૂનના કારણે કદાચ થોડી ખોખરી થઇ હોય, પણ તેનું ઓજસ હજી પરવાર્યું નથી અને પચાસ વરસ સુધી સત્તામાં રહેવાના દિવાસ્વપ્ન જોવાનું ભાજપી નેતાઓ જેટલું વહેલું છોડે તેટલું તેમના જ હિતમાં છે. લોકશાહી સતત પરિવર્તનશીલ રાજવટ છે. તેમાં કોઇ પક્ષ કે આગેવાન લાંબો વખત ટકી શકતો નથી.
ભારતમાં કોંગ્રેસ પક્ષની સત્તા સતત ચાલીસ વરસ ટકી શકી તેનો દાખલો આપવો તે ભારતીય લોકશાહીને અન્યાય કરવા જેવું છે. 1947માં ભારત આઝાદ થયું અને લોકશાહી રાજ્ય બન્યું ત્યારે ભારતમાં એક જ પક્ષ કોંગ્રેસ હતો. બીજા પક્ષો હતા જ નહીં. આજે પરિસ્થિતિ પલટાઇ ગઇ છે. ભાજપ મજબૂત પક્ષ છે, લોકપ્રિય પક્ષ છે, પણ એકમાત્ર પક્ષ નથી અને રાજકારણમાં હવે કોઇની ઇજારાશાહી ચાલે તેમ નથી.
[email protected]
X
article by nagindassanghvi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી