Back કથા સરિતા
નગીનદાસ સંઘવી

નગીનદાસ સંઘવી

રાજકીય વિશ્લેષણ (પ્રકરણ - 75)
લેખક વરિષ્ઠ રાજકીય વિશ્લેષક છે. ‘દિવ્ય ભાસ્કર’માં પ્રકાશિત ‘તડ ને ફડ’ કોલમથી તેઓ રાજકારણની આંટીઘૂંટીઓ યથાતથ પીરસવા માટે જાણીતા છે.
પ્રકરણ-58

ગુરુની વંદના કઈ રીતે કરવી જોઈએ?

  • પ્રકાશન તારીખ22 Jul 2019
  •  

પરિક્રમા - નગીનદાસ સંઘવી
વર્ષાઋતુના શરૂઆતના મહિનાની પૂર્ણિમાનો દિવસ ગુરુપૂર્ણિમા તરીકે આખા ભારતના તમામ હિન્દુ સંપ્રદાયો અને પંથોમાં ઊજવાય છે. પોતપોતાના ગુરુનાં દર્શન કરવા, તેમની વંદના કરવા અને યથાશક્તિ રકમ ગુરુદક્ષિણા રૂપે ચૂકવવાનો દિવસ તે ગુરુપૂર્ણિમા. આ દિવસે મઠોમાં અને ગુરુના સ્થાને માનવમેદીની ઊમટે છે અને ગુરુઓ પણ ભક્તો પાસેથી મળેલી મોટી રકમથી બાકીના આખા વર્ષ દરમિયાન પોતાનું ગુજરાન આસાનીથી ચલાવી શકે છે.
ભારતીય પરંપરા અનુસાર શિક્ષણ આપવા માટે કશી નિશ્ચિત રકમ ઠરાવવામાં આવતી નથી, પણ શિષ્યો પોતપોતાના ગજાસંપત અને મોટાભાગે ખેંચાઈ-તણાઈને બને તેટલી મોટી રકમ ગુરુઓનાં ચરણમાં ધરે છે. મફત શિક્ષણનો જમાનો એકાદ દોઢ સદી અગાઉ પૂરો થઈ ગયો છે અને અત્યારના શિક્ષણજગતમાં શિક્ષણ માટે શાળાઓએ ઠરાવેલી રકમ શરૂઆતમાં જ ચૂકવી આપવી પડે છે. શિક્ષણની પવિત્રતા નાણાંના ધોધમાર પ્રવાહમાં ક્યારનીયે નેસ્તનાબૂદ થઈ ચૂકી છે અને ગુરુઓ-શિક્ષકો માટેનો પૂજ્યભાવ પણ ઝડપભેર ભૂંસાતો જાય છે, પણ સાપ ગયાને લિસોટા રહ્યા તેમ શિક્ષણની પવિત્રતા અને ગુરુઓ માટેનો આદરભાવ હજી પણ ઠેર-ઠેર જોવા મળે છે.
ગુરુ શબ્દ આપણા પ્રાચીન સાહિત્યમાં શિક્ષણ સાથે જ સાંકળી લેવામાં આવ્યો છે અને છેક વેદકાળ સુધી આ પરંપરા વિસ્તારી શકાય તેમ છે. ઉપનિષદમાં મોટાભાગના સંવાદો ગુરુ અને શિષ્ય વચ્ચેની ચર્ચારૂપે રજૂ થયા છે. આ ચર્ચાઓ મોટાભાગે તત્ત્વજ્ઞાન અને આધ્યાત્મ જગત સાથે સંકળાયેલી છે, પણ ગુરુઓ અંગેની આજની ધાર્મિક વિભાવના ઉપનિષદોમાં નથી અને ત્યાર પછીના ભારતીય આધ્યાત્મ ગ્રંથોમાં પણ ગુરુઓના ઉલ્લેખ જવલ્લે જ જોવા મળે છે. સૌથી વધારે જાણીતા અને બહોળા પ્રમાણમાં વેચાતા ગ્રંથ ગીતામાં તો ગુરુ શબ્દ કશે વપરાયો નથી, પણ જ્ઞાની માણસો, વિદ્વાનો, વિચારકોની વંદના અને સેવા કરવી અને તેમની પાસે જઈને વારંવાર સવાલો પૂછીને જ્ઞાન મેળવવું જેવી સલાહ આપવામાં આવી છે, પણ ગુરુની કૃપાથી બધું આપોઆપ થઈ જાય, ગુરુના આશીર્વાદ સિવાય બીજા કશાની જરૂર નથી. ગુરુ એક નજરના પ્રતાપે તમારું તમામ અજ્ઞાન દૂર કરી શકે છે અને ગુરુનો સ્પર્શ અગણિત ચમત્કારો સર્જી શકે છે. અમીર ખુશરોએ પોતાના એક પદમાં લખ્યું છે તેમ ગુરુએ મારું બાવડું પકડીને મને બહાવરો બનાવી દીધો છે. ગુરુની ચરણરજ લેવાથી બધું અજ્ઞાન આપોઆપ નાશ પામે છે. ગુરુની વંદના બધાં પાપનો નાશ કરે છે. આવી કલ્પના કે વિચાર આપણા શાસ્ત્રગ્રંથોમાં નથી. સંત સાહિત્યમાં અને ભજનોમાં વારંવાર વાપરવામાં આવતો સદ્્ગુરુ શબ્દ તો કશે શોધ્યો પણ જડતો નથી. આ પ્રકારના ગુરુની કલ્પના સૌથી પહેલાં તાંત્રિક ગ્રંથોમાં દેખાય છે. ગુરુ, સદ્્ગુરુ શબ્દનો ફેલાવો અને તેનું મહત્ત્વ આપણા આધ્યાત્મ વિચારમાં તંત્રશાસ્ત્રનો પ્રભાવ દર્શાવે છે.
ગુરુની પૂજા-અર્ચના કરવી, તેમની વંદના કરવી, આ બધું ભૌતિક અને ખાસ કરીને આર્થિક સાધના દ્વારા કરવામાં આવે છે, પણ ગુરુની વંદના સાચી રીતે કરવી હોય તો તેમણે કહેલા ઉપદેશ અથવા શિખામણને આપણા જીવનમાં પ્રત્યક્ષ રીતે ઉતારવા જોઈએ. કોઈ પણ માણસના કહેવા પ્રમાણે ચાલવું તે તેની સૌથી મોટી પ્રતિષ્ઠા છે. ગુરુ માટે જે વિશેષણો વપરાય છે, ગુરુ પાસેથી અથવા ગુરુ દ્વારા જે કાંઈ અપેક્ષાઓ રાખવામાં આવે છે તે બધું કોઈ માનવી માટે શક્ય નથી. બીજી રીતે કહીએ તો ગુરુ કદી માનવ સ્વરૂપે આપણને મળવાનો નથી. જેની પાસેથી કશું શીખીએ-જાણીએ તે આપણો ગુરુ તેવી ભાવનાનું મૂર્તિ સ્વરૂપનો સર્વોત્તમ દાખલો દત્તાત્રેયનો છે. કહેવાય છે કે દત્તાત્રેયે પોતાના ગુરુઓની સંખ્યા 24 હોવાનું કહ્યું છે અને તેમાં પશુઓનો પણ સમાવેશ કરવામાં આવે છે. પશુ-પંખીઓનાં વર્તાવ પરથી પોતે ઘણું શીખ્યા તેવું દત્તાત્રેયનું વલણ છે. આ વલણ સ્વીકારીએ તો સમજદાર માણસ માટે શીખવા જોવાનું કદી પૂરું થતું નથી. સમજદાર માણસ માટે આખી દુનિયા આચાર્ય છે, આખી દુનિયા અને તેનો અનુભવ માણસનું ઘડતર કરે છે. દુનિયામાંથી ઘણું શીખવા જેવું છે અને શાળા-કોલેજોમાં જે જાણવા મળતું નથી તે જિંદગીના અનુભવો આપણને શીખવાડી શકે છે. શરત આપણી પોતાની સાવધાની
હોવી જોઈએ.
આ રીતે જોઈએ તો શીખવાની વૃત્તિ અને તૈયારી શિષ્યત્વ ભાવ ઘણો વધારે જરૂરી છે. ગુરુઓ વગર ચાલી જાય, પણ શિષ્યો વગર, શીખનાર વગર ચાલવાનું નથી.
[email protected]

x
રદ કરો

કલમ

TOP