તડ ને ફડ- નગીનદાસ સંઘવી / આપણે 14મીએ મળેલી આઝાદી 15 ઓગસ્ટે ઊજવીએ છીએ!

article by nagindas sanghvi

Divyabhaskar.com

Aug 14, 2019, 04:27 PM IST

તડ ને ફડ- નગીનદાસ સંઘવી
ભારતના કોંગ્રેસી આગેવાનો આઝાદીનો ઉત્સવ ઊજવવામાં ચોવીસ કલાક મોડા પડ્યા હતા. 14 ઓગસ્ટની મધરાતે મળેલી આઝાદી આપણે પંદરમી ઓગસ્ટે ઊજવીએ છીએ તે કાયદાના ધોરણે અને વાસ્તવિક હકીકત તરીકે સાચું નથી. બ્રિટિશ પાર્લામેન્ટે ભારત-પાકિસ્તાન આઝાદી કાયદો ઘડ્યો તેમાં 14મી ઓગસ્ટથી આઝાદી આપી દેવાયાનું ઠરાવાયું છે ને પાકિસ્તાન પોતાનો આઝાદી દિવસ 14મી ઓગસ્ટે જ ઊજવે છે.
ચૌદમી ઓગસ્ટની મધરાતે આઝાદી મળે તે અશુભ ઘડી છે અને તેનો સ્વીકાર કરવાથી ભારતનું રાજકારણ હંમેશ માટે ડામાડોળ રહેશે તેવી જ્યોતિષીઓની આગાહીના કારણે કોંગ્રેસના ઘણા વરિષ્ઠ અને બીજી શ્રેણીના આગેવાનો તેમાં રાજેન્દ્રપ્રસાદનું નામ પણ બોલાય છે, ઉગ્ર વિરોધ નોંધાવ્યો અને સરદાર પટેલે તેમને ટેકો આપ્યો. નેહરુએ નમતું જોખવું પડ્યું. બ્રિટિશ પાર્લામેન્ટે ચૌદમી ઓગસ્ટનો દિવસ પસંદ કર્યો તેનાં કારણ સમજવા જેવાં છે.
બીજું વિશ્વયુદ્ધ 1939માં યુરોપમાં શરૂ થયું, પણ એશિયામાં જાપાન આ યુદ્ધમાં 1941માં જોડાયું. યુરોપનું યુદ્ધ 1945માં પૂરું થયા પછી જાપાને પોતાની લડાઈ ચાલુ રાખી અને જાપાન સામેની લડાઈના સરસેનાપતિ પદે બ્રિટિશ રાજવંશના લોર્ડ માઉન્ટબેટન હતા. જાપાન પર ઓગસ્ટની 8-9 તારીખે નાગાસાકી અને હિરોશિમા પર અણુબોમ્બ ફેંકાયા પછી જાપાને ઓગસ્ટની 14મી તારીખે માઉન્ટબેટન સમક્ષ શરણાગતિ સ્વીકારી.
બ્રિટિશ પાર્લામેન્ટમાં ભારત-પાકિસ્તાનની આઝાદીનો કાયદો ઘડાતો હતો ત્યારે ભારતના વાઇસરોય લોર્ડ માઉન્ટબેટને પાર્લામેન્ટને આગ્રહ કર્યો કે જાપાનની શરણાગતિ આપણો વિજય છે તેમ સામ્રાજ્યનું સ્વેચ્છાએ વિસર્જન કરીએ છીએ તે પણ આપણો નૈતિક વિજય છે. બ્રિટનના રાજકારણમાં રાજવંશ છેલ્લાં ત્રણસો વર્ષથી કશી સત્તા વાપરતો નથી. બ્રિટનના રાજવંશની સત્તા કદી છીનવી લેવાઈ નથી અને બ્રિટિશ રાજા કે રાણી કાયદેસર રીતે હજુ બધી સત્તા ધરાવે છે. બેજહોટ નામના બંધારણ પંડિતે આ સત્તાની યાદી પોતાના ગ્રંથમાં દર્શાવી ત્યારે સહુ કોઈ ચોંકી ઊઠ્યા હતા.
સત્તા હોવા છતાં બ્રિટનનું શાહી કુટુંબ લોકશાહીને બેરોકટોક ચાલવા દે છે તેથી બ્રિટિશ પ્રજા અને પાર્લામેન્ટ રાજવી કુટુંબ પ્રત્યે અનેરો આદરભાવ ધરાવે છે, તેથી લોર્ડ માઉન્ટબેટને સૂચવેલી તારીખ પાર્લામેન્ટે સ્વીકારી લીધી અને ભારત-પાકિસ્તાન ઇન્ડિપેન્ડન્સ એક્ટમાં ઓગસ્ટની 14 તારીખે બંને સંસ્થાનોને આઝાદી આપવામાં આવી.
હજુ એક પેચ બાકી રહી જાય છે. ભારતે લોકશાહીની સાથે ગણતંત્ર (Republic) બનવાનો નિર્ણય કર્યો. 54 દેશોનો કોમનવેલ્થ સંઘ બ્રિટિશ રાજવી પ્રત્યે પોતાની વફાદારી જાહેર કરે છે, પણ ગણતંત્ર કોઈ રાજા કે રાજવંશને વફાદાર કે તાબેદાર હોવાનું સ્વીકારી શકે. ભારત કોમનવેલ્થના સભાસદ તરીકે ચાલુ રહે તેવી બ્રિટિશ સરકારની મનીષા હતી. ભારત સરકાર પણ બ્રિટિશ કોમનવેલ્થમાં રહેવા માટે આતુર હતું, પણ ગણતંત્રની બાબતમાં બાંધછોડ કરવા તૈયાર નહોતું.
તે વખતના ભારતના બ્રિટિશ હાઇકમિશનર વી.કે. કૃષ્ણમેનને રસ્તો કાઢી આપ્યો. ભારતે કોમનવેલ્થની એકતાના પ્રતીક તરીકે બ્રિટિશ રાજવંશના અનોખા સ્થાનને સ્વીકૃતિ આપી. ભારતની સાથોસાથ અથવા થોડા વખત પછી આઝાદ થયેલા સંખ્યાબંધ દેશોએ ભારતનું અનુકરણ કર્યું અને બ્રિટિશ કોમનવેલ્થનું ક્લેવર ભારતની આઝાદીના કારણે બદલાયું છે.
ભારત અને પાકિસ્તાનનું વિભાજન હિન્દુ-મુસ્લિમ કોમવાદના કારણે અને પરિણામે થયું છે, તેથી જે વિસ્તારમાં મુસ્લિમોની બહુમતી હતી તે વિસ્તારોનો સમાવેશ પાકિસ્તાનમાં થયો અને જે વિસ્તારોમાં હિન્દુઓની બહુમતી હતી તે વિસ્તાર હિન્દુસ્તાનમાં રહ્યો.
પાકિસ્તાનની સ્થાપના માટેની ચળવળ સૌથી ઉગ્ર સ્વરૂપે ઉત્તરપ્રદેશ, બિહાર અને મુંબઈમાં ચાલી. મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં આવી કોઈ ચળવળ ચાલી નથી. એટલું જ નહીં, પણ આ વિસ્તારોમાં મુસ્લિમ લીગનો રાજકીય પ્રભાવ શૂન્ય હતો. બંગાળમાં ફઝબુલ હક્કની સરકાર હતી. પંજાબમાં સર સિકંદર હયાત ખાનનો યુનિયનિસ્ટ પક્ષ સત્તા ભોગવતો હતો. વાયવ્ય સરહદના પ્રાંતમાં પઠાણી આગેવાન સરહદના ગાંધીના પ્રભાવના કારણે કોંગ્રેસની સરકાર હતી. સિંધમાં અલ્લાહબક્ષની સરકારમાં લીગનો એક પણ પ્રધાન ન હતો. પરિણામ એવું વિચિત્ર આવ્યું કે જે વિસ્તારમાં પાકિસ્તાનની સ્થાપના માટે ઉગ્ર આંદોલન ચાલ્યું અને કોમી હુલ્લડો થયાં તે બધા વિસ્તાર ભારતમાં રહ્યા અને પાકિસ્તાન સ્થપાયું તે પ્રાંતોમાં પાકિસ્તાનની સ્થાપના માટે કશી માગણી જ નહોતી.
14મી ઓગસ્ટના દિવસે ભારત-પાકિસ્તાનને આઝાદી આપવાનો ખરડો પસાર કરાવનાર વાઇસરોય બોર્ડ માઉન્ટબેટન થોડા વખત માટે ભારત-પાકિસ્તાન બંનેના ગવર્નર જનરલ તરીકે રહેવા ઇચ્છતા હતા. વાઇસરોય અને ગવર્નર જનરલ બે જુદા જુદા હોદ્દાઓ છે, પણ ભારતમાં અંગ્રેજી રાજવટ દરમિયાન આ બંને હોદ્દાઓ એક જ વ્યક્તિ ભોગવતી આવી છે. વાઇસરોય અંગ્રેજ રાજવીનો પ્રતિનિધિ છે. ગવર્નર જનરલ ભારતના વહીવટીતંત્રનું સર્વોચ્ચ પદ છે.
આઝાદી પછી રાજાનો પ્રતિનિધિ રહી શકે નહીં તેથી વાઇસરોયનો હોદ્દો નાબૂદ કરવામાં આવ્યો, પણ વહીવટીતંત્ર તો જેમનું તેમ રહેવાનું હોવાથી ગવર્નર જનરલનો હોદ્દો 15મી ઓગસ્ટ પછી પણ ચાલુ જ રહ્યો.
લોર્ડ માઉન્ટબેટનની ઇચ્છાને મુસ્લિમ લીગના પ્રમુખ મહમ્મદ અલી જિન્નાહે નકારી કાઢી અને પોતે પાકિસ્તાનના પહેલા ગવર્નર જનરલ બન્યા. ભારતમાં લોર્ડ માઉન્ટબેટન 15મી ઓગસ્ટ પછી પણ લાંબા વખત સુધી ગવર્નર જનરલ તરીકે રહ્યા. તેમની વિદાય પછી રાજગોપાલાચારી(રાજાજી) ગવર્નર જનરલ બન્યા. બંધારણમાં ગવર્નરનો હોદ્દો ચાલુ રહ્યો, પણ ગવર્નર જનરલના હોદ્દાને ભારતીય સંઘનો પ્રમુખ એવું નામ આપવામાં આવ્યું. 1950માં બંધારણ લાગુ થવાનું હતું ત્યારે ભારતના પહેલા પ્રમુખ બનવાની મનીષા રાજાજીએ દર્શાવી અને જવાહરલાલ નેહરુએ તેમની વરણીને ટેકો આપવાનું ઠરાવ્યું, પણ પટેલ જૂથના ગણાતા અને બંધારણસભાના પ્રમુખ તરીકેની કામગીરી બજાવનાર રાજેન્દ્રપ્રસાદ પણ પ્રમુખ બનવા ઇચ્છતા હતા. કોંગ્રેસ કારોબારીમાં આખરી ફેંસલો થવાનો હતો ત્યારે વલ્લભભાઈ પટેલે એવી દલીલ કરી કે 1941-42માં રાજાજીએ કોંગ્રેસને છોડી દીધી હતી અને પાકિસ્તાનની માગણીને ટેકો આપ્યો હતો, તેથી તેમને પ્રમુખ બનાવવા યોગ્ય નથી. કારોબારીમાં પ્રભુત્વ ધરાવતા સરદારના મતનો સ્વીકાર થયો.
નેહરુ વંશની વાતો કરનાર લોકોને નેહરુના સાથીઓના અભિગમનો ખ્યાલ નથી. 1957માં નવા પ્રમુખની પસંદગી થવાની હતી અને ઉપપ્રમુખ રાધાકૃષ્ણન પ્રમુખ બનવા ઇચ્છતા હતા, પણ રાજેન્દ્રબાબુએ પ્રમુખ તરીકે બીજી ટર્મ ચાલુ રહેવાની ઇચ્છા દર્શાવી અને કોંગ્રેસ કારોબારીએ નિર્ણય લેવાનો હતો. વડાપ્રધાન નેહરુએ રાધાકૃષ્ણનનું નામ રજૂ કર્યું, પણ મૌલાના આઝાદે રાજેન્દ્રબાબુની મનીષા જાહેર કરી અને કારોબારીનું વલણ રાજેન્દ્રબાબુ તરફી હતું. પોતે આ બાબતમાં રાધાકૃષ્ણનને વચન આપ્યું છે તેવી નેહરુની દલીલમાંથી મૌલાનાએ કહ્યું કે કોંગ્રેસ કારોબારીનો મત જાણ્યા સિવાય આવું વચન આપવાનો વડાપ્રધાનને કોઈ અધિકાર નથી. રાજેન્દ્રબાબુ ફરી નિમાયા. હજુ સુધી બીજા કોઈ પ્રમુખ પાંચથી વધારે વર્ષ રહ્યા નથી. રાજેન્દ્રબાબુ પહેલો અને હજુ સુધીનો છેલ્લો અપવાદ છે.
આઝાદી દિને ભારતનો હવાલો સંભાળી લેનાર કોંગ્રેસ પક્ષના ખમીર અને આંતરિક લોકશાહીનો આ નમૂનો આજે તો કશે જોવા મળતો નથી. એટલું જ નહીં, પણ ભારતના રાજકીય પક્ષોની સ્વાયત્તતા એટલી નાશ પામી છે કે પોતાના સર્વોચ્ચ આગેવાનને નકારી કાઢવાની શક્તિ કોઈ રાજકીય પક્ષમાં રહી નથી.
[email protected]

X
article by nagindas sanghvi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી