Back કથા સરિતા
નગીનદાસ સંઘવી

નગીનદાસ સંઘવી

રાજકીય વિશ્લેષણ (પ્રકરણ - 75)
લેખક વરિષ્ઠ રાજકીય વિશ્લેષક છે. ‘દિવ્ય ભાસ્કર’માં પ્રકાશિત ‘તડ ને ફડ’ કોલમથી તેઓ રાજકારણની આંટીઘૂંટીઓ યથાતથ પીરસવા માટે જાણીતા છે.
પ્રકરણ-61

સમૃદ્ધિની મા મરે, પણ સમાજમાં વધારે સુખ ફેલાય તેમાં શંકા નથી

  • પ્રકાશન તારીખ05 Aug 2019
  •  

પરિક્રમા- નગીનદાસ સંઘવી
વહુને અને વરસાદને કોઇ દિવસ જશ મળે નહીં તેવી કહેવત અત્યારે સાકાર થઇ રહી છે. વરસાદ વધારે પ્રમાણમાં અને વધારે લાંબો વખત વરસે છે તે બાબતમાં રડારોળ થઇ રહી છે. વરસાદ ઓછો આવે, ન આવે, મોડો આવે ત્યારે દુકાળના ડરથી ફફડતા લોકો આટલો જ આક્રોશ ઠાલવતા રહે છે.
વધારે પડતા વરસાદથી નદીનાળાં છલકાઇ જાય, પૂર કે વીજળીના કારણે લોકોનાં અપમૃત્યુ થાય. મકાનો તૂટી પડે, વૃક્ષોનો ખો નીકળી જાય. ઉત્તરપ્રદેશ, બિહારમાં તો હજારો અને લાખો લોકો ઝૂંપડાં-ઘરવખરી ગુમાવીને નિરાશ્રિત અવસ્થામાં મુકાઇ જાય છે. દુષ્કાળમાં આ લોકો જ ભૂખમરાથી પીડાઇને અકાળ મરણ પામે છે.
આટઆટલા વરસાદ છતાં પાણીની ટંચાઇ તો ભારતને પજવતી જ રહે છે અને કેટલાક વિસ્તારોમાં તો આ વર્ષે પાણી પહોંચાડવા માટે ટ્રેનનો ઉપયોગ કરવો પડ્યો. આ બાબતમાં થોડી કડવી વિચારણા જરૂરી છે. ઇઝરાયેલના ટાંચા વરસાદી વિસ્તારમાં ભરચક પાક ઉતારનાર લોકો એવું કહેતા હોય છે કે જે વિસ્તારમાં વર્ષે પાંચ-છ ઇંચ વરસાદ પડે તે દેશને પાણીની ટંચાઇ અનુભવવી પડે તો તે દેશના રહેવાસીઓ બેવકૂફ છે કે આળસુ છે અથવા બંને દુર્ગુણો ધરાવે છે.
વરસાદી પૂરની તારાજીમાં દર વર્ષે કરોડો લોકો યાતના ભોગવે છે અને ગણી ગણાય નહીં તેટલી સંપત્તિનો નાશ થાય છે. છતાં આ બધું રોકવા માટે, પૂરના વહન માટેની કોઇ વ્યવસ્થા કરવામાં આવતી નથી. આ પાણીના ફેલાવા અંગે કશાક ઉપાય, યોજના શોધવાનું કે કરવાનું અશક્ય નથી અને જ્ઞાનવિજ્ઞાનના જમાનામાં અસંભવિત પણ ન હોઇ શકે, પણ ભારતના ભદ્ર સમાજને પોતાના ગરીબ લોકોનાં મરણ કે તેમણે દર વર્ષે સહન કરવી પડતી યાતનાની કશી દરકાર હોતી નથી.
ભારતમાં પાણીની ટંચાઇની સમસ્યા અંગે લાંબીચૌડી વાતો થાય છે, પણ નક્કર કામગીરીની બાબતમાં એક આંગળી પણ ઊંચી કરવામાં આવતી નથી. ભારતની સમૃદ્ધિ અને સમૃદ્ધ લોકોની સંખ્યા વધતી જાય છે તેમ પાણીનો વપરાશ ને વેડફાટ બંને વધતાં જાય છે.
નવા જમાનાની તરકીબો આપણે અપનાવતા નથી અને પાણી સંઘરવાની આપણી પરંપરાગત પદ્ધતિઓનો ઉપયોગ આપણે કરતા નથી. જૂનાં ઘરોમાં અને બૌદ્ધ વિહારોમાં પાણીના ટાંકાઓ પાણી સંઘરવા માટે વાપરવામાં આવતા. ભૂગર્ભમાં પાણીનો ટાંકો ન બાંધે તેવાં શહેરી ઘરો પર દસ ગણો વધારે ટેક્સ નાખવાનું મ્યુનિસિપાલિટીઓ માટે ફરજિયાત બનાવવામાં આવે તો એકાદ-બે વરસમાં દરેક ઘર વરસભરના વપરાશ માટે ટાંકા બંધાવે તેમાં શંકા નથી. આકરા રોગમાં આકરી દવાની ભલામણ ગેરવાજબી નથી અને પાણીની ટંચાઇ જેવો આકરો ગણાય તેવો બીજો કોઇ રોગ નથી.
પૂર નિયંત્રણ કે પાણી સંઘરાની વાતમાં શ્રીમંત, સુખી, શહેરી લોકોને રસ પડવાનો નથી, કારણ કે ધસમસતા પૂરમાં તેમનાં ઘર ધોવાતાં નથી અને દુકાળી ભૂખમરો તેમણે વેઠવો પડતો નથી. પાણી નિયંત્રણ અને પાણી સંઘરાથી ઉત્પાદન કે સમૃદ્ધિના આંકડા વધવાના નથી અને પાંચ ટ્રિલિયન અર્થતંત્રની સ્થાપનામાં કશી મદદ મળવાની નથી. સમૃદ્ધિની મા મરે, પણ સમાજમાં વધારે સુખ ફેલાય તેમાં શંકા નથી. સમૃદ્ધિ અને સુખ બે વચ્ચે પસંદગી કરવાની હોય તો હંમેશાં સુખની પસંદગી થવી જોઇએ કે જેથી આમ જનતા વધારે અને વધારે ગૌરવવંત જીવતર માણી શકે.
સરકારની બધી રાજનીતિઓ, રણનીતિ દેશના સૌથી કંગાળ માણસને ધ્યાનમાં રાખીને ઘડાવી જોઇએ તેવી ગાંધીજીની શિખામણમાં નીતિ કરતાં રાજકારણનું પ્રમાણ વધારે છે. આ શિખામણને અનુસરનાર સરકારને લોકો સામે ચાલીને ટેકો આપે, કારણ કે તદ્દન અભણ અને મંદબુદ્ધિનો માણસ પણ પોતાના સુખ માટે મથામણ કરનારને બરાબર ઓળખે છે અને કંગાળ માણસની સેવા કદી વ્યર્થ જતી નથી. આમ જનતા દરેક પ્રકારનું ઋણ યથાશક્તિ અને યથા સમય ચૂકવે જ છે, કારણ કે ભણેલા માણસની હરામખોરી અભણને અવડતી
નથી.
[email protected]

x
રદ કરો

કલમ

TOP