પરિક્રમા- નગીનદાસ સંઘવી / ધર્મ અને ધાર્મિકતા વચ્ચેની ભેદરેખા અતિશય પાતળી છે

article by nagindas sanghvi

Divyabhaskar.com

Jan 06, 2020, 05:21 PM IST
પરિક્રમા- નગીનદાસ સંઘવી
ટોળાશાહી સામે સરસેનાપતિ બિપીન રાવતે કરેલી ટીકા તેમની લશ્કરી શિસ્તને અનુરૂપ નથી, પણ ભારતમાં છેલ્લાં સિત્તેર વરસમાં જેટલાં આંદોલનો થયાં-ધાર્મિક આંદોલન હોય, કોમવાદી સંઘર્ષ હોય કે પછી લોકશાહીમાં સામાન્ય ગણાય તેવું આંદોલન હોય, પણ બધાં આંદોલનોમાં હિંસાખોરી, તોડફોડ અને આગજની સર્વસામાન્ય તત્ત્વ છે. ભારતમાં લોકશાહીની સ્થાપના થઇ છે, પણ આમ જનતા કે નેતાગીરી લોકશાહીની શિસ્ત પાળવા તૈયાર નથી અને ટેવાયેલા પણ નથી.
ટોળાશાહી આપણા સમાજમાં સામાન્ય છે. માત્ર આશંકાના આધારે માણસોને ઘાતકી રીતે રહેંસી નાખવાની ઘટનાઓ આપણા દેશમાં જેટલી બને છે તેટલી ભાગ્યે જ બીજા કોઇ દેશમાં બનતી હશે. લાંબા વખતથી ભોગવવી પડતી કારમી ગરીબી, નોકરી-ધંધા અને રોજીરોટી રળવામાં વેઠવી પડતી અગવડોના પરિણામે આવેલી હતાશા અને ભાવિ જીવતરની અનિશ્ચિતતાને કારણે ભારતીય સમાજમાં મનોરોગીઓનું પ્રમાણ વધતું જાય છે. બ્રિટનના સુપ્રસિદ્ધ દાક્તરીશાસ્ત્રના સામયિકે કરેલા સર્વેક્ષણના આધારે કહેવાયું છે કે ભારતમાં દર સાત માણસે એક મનોરોગી છે. ટકાવારી કાઢીએ તો ભારતમાં મનોરોગીની સંખ્યા કુલ વસ્તીના 12 ટકા જેટલી થાય અને વખત વીતતો જાય છે તેમ તેમ આવા મનોરોગીઓની સંખ્યા વધતી જાય છે, કારણ કે આર્થિક વિકાસ થયો હોવા છતાં આમ જનતા માટે જીવતર વધારે ને વધારે દોહ્યલું બનતું જાય છે. વ્યાપારી ઔદ્યોગિક ઉત્પાદન વધવા છતાં તેના પ્રમાણમાં નોકરીઓની સંખ્યા વધતી નથી. આવા આર્થિક વિકાસનો લાભ મુઠ્ઠીભર શ્રીમંતોને મળે છે અને ભારતમાં ગરીબો અને શ્રીમંતો વચ્ચેની ખાઇ વધારે ને વધારે ઊંડી ઊતરતી જાય છે. ગરીબી વેઠવી મુશ્કેલ છે, પણ એક બાજુ અંબાણીઓ હોય અને બીજી તરફ જીવતા નરક જેવી ઝૂંપડપટ્ટીઓમાં માનવજંતુઓ ખદબદતા હોય તે પરિસ્થિતિ વધારે અજંપો ઉપજાવે છે અને હતાશાથી ભોંયભેગા થનાર લોકો મનોરોગીઓની સંખ્યામાં ઉમેરણ કરતા રહે છે.
લાગ મળે ત્યારે ટોળાબાજી પર ઊતરી આવનાર લોકો શાંત પરિસ્થિતિમાં પોતાના મનને શાંત પાડવા માટે ધરમનો આશરો લેતા હોય છે. ધર્મ અને ધાર્મિકતા વચ્ચેની ભેદરેખા અતિશય પાતળી છે, પણ ભેદરેખા તો છે જ અને લોકો પોતાના માનસિક વિકાસ માટે ધર્મનો ઉપયોગ કરવાને બદલે ધાર્મિકતાના બાહ્ય ઓઠાને પકડે છે. મંદિરોમાં અબજો રૂપિયાનાં દાન અપાય છે, કહેવાતા ધર્મગુરુઓના આશ્રમો અને મઠો ધમધોકાર ચાલે છે અને ગમે તેટલા દુરાચારી લોકો પણ ધર્મધૂરંધર બનીને પૂજાય છે. ધર્મના આવા પાખંડીઓ માટે આપણા વિચક્ષણ વિચારક પ્રકાશ ન. શાહે ધર્મધૂરંધર, પરમ પૂજ્યને ટૂંકાવીને ધધુપપુ જેવો નવો શબ્દ બનાવ્યો છે. માણસ પશુમાંથી માનવી બન્યો ત્યારથી ધર્મ તેના જીવતર સાથે જોડાયો છે, પણ અત્યારે ધર્મ ઘટ્યો છે, ધર્મનો આડંબર વધ્યો છે અને લોકોની શ્રદ્ધા વધારે ને વધારે આંધળી બનતી જાય છે.
આ સંદર્ભમાં આયુર્વેદના ગણમાન્ય આચાર્ય ચરકે પોતાની ચરક સંહિતામાં એક નવા પ્રકારના મનોરોગનો ઉલ્લેખ કર્યો છે. ધર્મ, ધાર્મિક વિધિ અને ધાર્મિક પૂજાપાઠમાં અતિશય ઊંડો ડૂબેલો માણસ પોતાની સામાજિક અને સાંસારિક જવાબદારીઓ ભૂલી જઇને કેવળ ધરમનું પૂછડું પકડે તેવા માણસને આયુર્વેદાચાર્ય ચરકે રોગિષ્ઠ ગણાવ્યો છે અને આ રોગનું નામ તેમણે ‘દેવગ્રહ’ પાડ્યું છે. ભારતને ભૂત વળગે તેમ દેવ ભગવાન પણ વળગે તેવો માણસ પોતાના કુટુંબ કે સમાજ માટે નકામો થઇ ગયો છે.
આ વાત ભારત જેવા ખાસ કરીને ગુજરાતી જેવા લોકોને અતિશય અપ્રિય થઇ પડે, પણ ચરક જેવા અનુભવી અને વિચક્ષણ વિચારકે કરેલી વાત તદ્દન કાઢી નાખવા જેવી નથી. ભૂવા, જતી કે ગુરુઓના પ્રભાવથી આંધળાભીંત બનેલા માણસોના કિસ્સાઓ અખબારોમાં રોજબરોજ છપાય છે. અને અને પંજાબના સચ્ચા સૌદાના મઠાધીશનો કિસ્સો તો કાળજુ કંપાવે તેવો છે. બળાત્કાર, અત્યાચાર અને ધન કે માલમિલકત હડપ કરી જનાર આવા ઢોંગીઓને અદાલતો સજા ફરમાવે તોપણ તેના શ્રદ્ધાળુ અનુયાયીઓની આંખ ઉઘડતી નથી. દરેક
ધર્મના કેન્દ્રસ્થાનો આજે પાપ અને દુરાચારના અડ્ડાઓ બની ગયા છે. ત્યાગ અને અપરિગ્રહનો ઉપદેશ આપનારા લોકો જાતે જ અઢળક ધન એકઠું કરે છે. આજ દોઢસોથી બસો વરસ અગાઉ આવા ધાર્મિક અનાચાર સામે ઉગ્ર જેહાદ ચલાવનાર, આર્ય સમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતીએ આ જેહાદમાં પોતાનો જીવ ખોયો, પણ તેમની શહીદી અત્યારે તો એળે
ગઇ હોય તેવું દેખાય છે. સામ્યવાદી વિચારધારાના સ્થાપક કાર્લ માર્ક્સે કહ્યું છે તેમ સમાજના આર્થિક અને રાજકીય આગેવાનો ધર્મનો ઉપયોગ અફીણ તરીકે કરે છે અને ધર્મશ્રદ્ધાના કારણે લોકો બેહોશ બનીને પોતાના સાનભાન ગુમાવે છે. રશિયામાં સામ્યવાદી ક્રાંતિ થઇ 1917-18માં, ત્યાર પછી સામ્યવાદી આગેવાનોએ લોકોને ધર્મના ફાંસલામાંથી મુક્ત કરવા માટે ધર્મસંસ્થાઓ અને ધાર્મિક કેન્દ્રોનો નાશ કર્યો. કહેવાય છે તેમ લેનિનના જમાનામાં રૂસી ચર્ચનો ઉપયોગ ઘોડા બાંધવાના સ્થાન (ઘોડાર) તરીકે થતો રહ્યો.
ધર્મ અંગેની અંધશ્રદ્ધા જેમ એક અંતિમ બિંદુ છે તેમ નાસ્તિકતાનો વધારે પડતો જલદ વપરાશ પણ સામી બાજુનું અંતિમ બિંદુ છે. આપણા વડીલોએ શિખામણ આપી છે તેમ અતિ સર્વત્ર વર્જયતે. દરેક બાબતમાં અંતિમને પડતું મૂકવું અને બની શકે તેટલું મધ્યમાં રહેવાની કોશિશ કરવી. જે ધર્મ માણસને પોતાની ફરજ ચૂકાવે, મા-બાપ અને સમાજનું ઋણ ચૂકવવાને બદલે સંસારત્યાગની સોહામણી વાતોથી લોકોને લલચાવીને ગેરમાર્ગે દોરી જાય તેને ધર્મવિચારનો દુરુપયોગ ગણાવો જોઇએ. સંસાર ત્યાગી સંન્યસ્તની બાબતમાં થાઇલેન્ડના બૌદ્ધ માર્ગીઓએ અપનાવેલો તરીકો સૌથી ઉત્તમ. થાઇલેન્ડમાં દરેક પુરુષે સંન્યાસી થવાનું-પ્રવન્યા લેવાનું ફરજિયાત છે, પણ આ સંન્યાસી જીવન- આ પ્રવન્યા ઠરાવેલા સમય માટેની હોય છે. પ્રવન્યા લેનાર બે દિવસ, અઠવાડિયું, મહિનો કે બે-ચાર મહિના અથવા વરસ માટે પ્રવન્યા લે છે અને પછી પાછો રાબેતા મુજબના સંસારમાં જોડાઇ જાય છે. આપણા દીક્ષાર્થી ધર્મો-જૈન, હિન્દુ-સ્વામિનારાયણ જેવા ધર્મો થાઇલેન્ડનો દીક્ષા માર્ગ અપનાવે તો સેંકડો લોકોના જીવતર ધૂળધાણી થતાં અટકે અને ધર્મજગતની બદનામી થતી પણ અટકે.
[email protected]
X
article by nagindas sanghvi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી