Back કથા સરિતા
મહેબૂબ દેસાઈ

મહેબૂબ દેસાઈ

ધર્મ (પ્રકરણ - 19)
લેખક ઈસ્લામ ધર્મના મર્મજ્ઞ છે.

ઇબ્ન કથીર ઇસ્લામિક વિદ્વાન

  • પ્રકાશન તારીખ12 Jul 2019
  •  

-રાહે રોશન- ડો. મહેબૂબ દેસાઇ
તાજમાનિયા યુનિવર્સિટીના ગ્રંથાલયમાં ઇસ્લામના જાણીતા વિદ્વાન ઇબ્ન કથીરની કુરાને શરીફની તફસીરના દસ વોલ્યુમો ઉપલબ્ધ છે. ઇસ્લામના ઇતિહાસમાં હઝરત મહંમદ સાહેબના જીવન ચરિત્ર અર્થાત્ સીરતના લેખન માટે ઇતિહાસકાર ઈબ્ન હિશામની જાણીતા છે, તેમ જ કુરાને શરીફની તફસીર અર્થાત્ તેના અર્થઘટન માટે ઇબ્ન કથીર ( ઈ.સ 1300 થી 1373) જાણીતા છે. તેમનું પૂરું નામ ઇબ્ન અલ ફિદા ઈસ્માઈલ બિન ઉમર બિન કતીર હતું અને તેમનું માનવાચક નામ ઇમાદ અદ્ દિન અર્થાત શ્રદ્ધાનો સ્તંભ હતું. તેમનો જન્મ બસરા (દમાસ્કસ-સીરિયા)ના નાનકડા ગામ મિજડાલમાં ઈ.સ. 1300, હિજરી સન 701માં થયો હતો. તેમણે ઇબ્ન તયમિય્યા અને અલ દહાલી જેવા વિદ્વાન ગુરુઓ પાસેથી શિક્ષણ લીધું હતું. તેમના નિકાહ સીરિયાના વિદ્વાન અલ મિઝીની પુત્રી સાથે થયા હતા. અભ્યાસ પૂર્ણ થતા જ ઈ.સ. 1341માં તેમની નિયુક્તિ ધર્મના અર્થઘટન માટેની સમિતિના સભ્ય તરીકે સીરિયા સરકારે કરી. ઇ.સ.1345માં તેમના શ્વસુરના ગામ મિઝીમાં બનેલી મસ્જિદમાં ધર્મ પ્રચારક તરીકે તેમણે કામગીરી આરંભી. ઈ.સ. 1366માં તો દમાસ્કની મુખ્ય મસ્જિદમાં તેમને ઉત્તમ વિદ્વાન તરીકે સ્થાન પ્ર્રાપ્ત થયું હતું. તેમણે ઇસ્લામી ઇતિહાસ, કુરાને શરીફની તફસીર અને ઇસ્લામી ન્યાય અંગે લખેલા ગ્રંથો આજે પણ ઇસ્લામી વિદ્વાનોમાં ઉત્તમ આધારભૂત ગ્રંથો તરીકે સ્થાન અને માન ધરાવે છે. વાંચન અને લેખનના સતત કાર્યને કારણે જીવનના અંતિમ તબક્કામાં તેઓ અંધ થઇ ગયા હતા.ઈ.સ. 1373, હિજરી સન 774, ફેબ્રુઆરી માસમાં તેમનું દમાસ્કસમાં અવસાન થયું પણ તેમણે લખેલા ગ્રંથોએ તેમને આજે પણ ઇસ્લામિક ઇતિહાસમાં જીવંત રાખ્યા છે.
કુરાને શરીફની તફસીરનું કાર્ય આજે પણ વિદ્વાનો માટે અત્યંત કપરું છે. કુરાને શરીફની આયાતોના શબ્દો અને વાક્યોનું અર્થઘટન કરવાનું કાર્ય ઇસ્લામના બહુ જૂજ વિદ્વાનોએ કરવાનો પ્રયાસ કર્યો છે. તેમાંના એક અને અગ્ર ઇબ્ન કથીર આજે પણ તેમની કુરાને શરીફની તફસીર માટે જાણીતા છે. તેમણે “તફસીર અલ કુરાન અલ અઝીમ’ના નામે ચાર મોટા વોલ્યુમોમાં લખેલો સંશોધન ગ્રંથ “તફસીર ઇબ્ન કથીર’ તરીકે જાણીતો છે. ઇજિપ્તના વિદ્વાન અહેમદ મુહંમદ શાકિર (૧૮૯૨-૧૯૫૮)એ ઇબ્ન કથીરના ગ્રંથનો ‘ઉમ્દત અત્ તફસીર’ના નામે ઇજિપ્શિયન ભાષામાં અનુવાદ કર્યો હતો.
એ પછી તેનું મોટા પાયે અંગ્રેજીમાં પ્રકાશન દારુસલામે રિયાધ, હ્યુસ્ટન, ન્યૂયોર્ક અને લાહોરથી ઇ.સ. 2000ના માર્ચમાં દસ મોટા ગ્રંથોમાં કરેલું છે. તેના પ્રકાશક અબ્દુલ મલિક મુજાહિદ ગ્રંથના આરંભમાં લખે છે, ‘દારુસલામ પ્રકાશન સંસ્થાની નીતિ મુજબ અમે કુરાને શરીફની ઇબ્ન કથીરની કુરાને શરીફની તફસીર આધારભૂત હદીસો દ્વારા ઉજાગર કરાવના હેતુથી આ પ્રકાશન હાથ ધર્યું છે. તેમાં ઇબ્ન કથીરના મૂળ અરેબિક લખાણને અંગ્રેજીમાં અનુવાદિત કરવા શેખ અબુ અલ અશબલ, અહેમદ શગીફ (મક્કા), શેખ સફી ઉર રહેમાન અલ મુબારકપુરી( હેડ ઓફ રિસર્ચ કમિટી, દારુસલામ) સાથે બીજા દસ જેટલા ઇસ્લામી વિદ્વાનોએ બે વર્ષની સખત મહેનત પછી ઇબ્ન કથીરના મૂળભૂત અરેબિક ગ્રંથ ‘તફસીર અલ કુરાન અલ અઝીમ’નું અંગ્રેજીમાં રૂપાંતર કર્યુ છે. તે‘તફસીર ઇબ્ન કથીર’ના નામે અમે પ્રકાશિત કરી રહ્યા છીએ.’
મૂળભૂત રીતે અરેબિક ભાષામાં 3200 પૃષ્ઠો અને ચાર મોટા ગ્રંથોમાં લખાયેલા આ સંશોધનમાં ઇબ્ન કથીરે ઇસ્લામના આધારભૂત સાહિત્ય અને હદીસોના આધારો લઇ કુરાને શરીફની એક એક આયાતનું સુંદર અને અર્થસભર અર્થઘટન કરેલ છે. તેમના સંશોધનની વિશિષ્ટતા એ છે કે તેમણે કુરાને શરીફના એક એક શબ્દનું તેના આગળ પાછળના સંદર્ભો સાથે અર્થઘટન કરવાનો પ્રયાસ કરેલો છે. વળી, ઇસ્લામની કેટલીક નબળી હદીસો અંગે પણ પોતાની તફ્સીરમાં પ્રકાશ પાડ્યો છે અને તેમના સર્જન અને અર્થઘટનના મૂળ શોધવાનો પ્રયાસ કર્યો છે. કુરાને શરીફની પ્રથમ આયાત ‘અલ ફાતિયાહ’ને ‘ઉમ્મા ઉલ કિતાબ’ અથવા ‘ઉમ્મા ઉલ કુરાન’ અર્થાત્ કુરાને શરીફની માતા કહે છે. તેમાં 25 શબ્દો અને 113 અક્ષરો આવેલા છે. બુખારી શરીફની હદીસ મુજબ, ‘આ આયાતને ‘ઉમ્મા ઉલ કિતાબ’ એટલા માટે કહે છે કે કુરાને શરીફનો આરંભ આ આયાતથી થાય છે.’ આમ, ઇબ્ન કથીરે એકમાત્ર ‘અલ ફાતિયાહ’ આયાતનું અર્થઘટન 93 પૃષ્ઠો પર વિસ્તૃત વિવરણ સાથે કરેલ છે. તે તેમની વિદ્વતા અને અભ્યાસની ગહનતા વ્યકત કરે છે. ઇબ્ન કથીરનું એક અન્ય પુસ્તક પુસ્તક ‘અલ ફીતન’ છે. અર્થાત્ ‘અંતિમ કલાક’ પુસ્તકનું વિષયવસ્તુ તેમના સમયના રાજકારણને ઉજાગર કરે છે. સૌ પ્રથમ તેનું સંપાદન 1932 થી 1939 દરમિયાન કેરોમાં થયું હતું. આ સિવાય ઇબ્ન કથીરના બીજા બે ગ્રંથો ‘અલ-સિર અલ-નબીવ્ય્યા’ અર્થાત્ ‘મહંમદ સાહેબનું જીવન’ અને ‘ક્યુસાસ અલ-અન્બિયા’ અર્થાત્ ‘પયગમ્બરોની કથા’ પણ જાણીતા છે.
73વર્ષની જૈફ વયે ઇસ્લામના આ વિદ્વાનનું અવસાન થયું ત્યારે તેઓ અંધ બની ગયા હતા પણ તેમણે દુનિયાને આપેલ કુરાને શરીફની તફસીર આજે પણ માનવ સમાજને દૃષ્ટિ આપતી રહી છે અને રહેશે. Á
www.mehboobdesai.blogspot.com

x
રદ કરો

કલમ

TOP