વુમનોલોજી- મેઘા જોશી / મૈં તુલસી મેરે આંગન કી...

article by megha joshi

Divyabhaskar.com

Aug 20, 2019, 03:19 PM IST

વુમનોલોજી- મેઘા જોશી
સેટલ થવું એટલે શું? એક લાંબા અરસા સુધી એમ માનવામાં આવતું હતું કે દીકરી ભણી લે અને યોગ્ય જીવનસાથી મળી જાય એટલે સેટલ થઇ ગઈ ગણાય અને દીકરો ભણીને કમાતો થઇ જાય, એ પછી એને અનુરૂપ પત્ની મળી જાય એટલે સેટલ. દીકરી માટેની નાનપણની તાલીમ, ઉછેર અને અભ્યાસક્રમ બધું જ પારકે ઘરે જવાવાળી વાસ્તવિકતાને અનુરૂપ નક્કી કરવામાં આવતું. જે પ્રકારના સામાજિક નિયમો હોય, જે સમાજ હોય અથવા એમાંની પેટા જાતિ હોય એના નક્કી કરેલા નિયમો પ્રમાણે દીકરીએ ઘરનું કામ કેટલું શીખવું, શું પહેરવું, વિવાહ બાદ એનાં જીવનમાં એને કઈ રીતે વ્યવહાર કરવાનો થશે એની ધારણા પહેલાંથી જ બાંધીને દીકરીને ભવિષ્ય માટેની એક આદર્શ પ્રોડક્ટ તરીકે તૈયાર કરવામાં આવતી.
સમયના દરેક ખંડમાં એમાં બદલાવ આવતો ગયો. દીકરીના ભણતરનું મહત્ત્વ પણ વધતું ગયું, માત્ર અક્ષરજ્ઞાનને બદલે એને શિક્ષણનો મૂળભૂત અધિકાર મળે અને તે પોતાની ઈચ્છા હોય ત્યાં સુધી ભણી શકે એવું વાતાવરણ મહદ્દંશે તૈયાર થવા લાગ્યું. ભણતરથી દીકરી આર્થિક સ્વાવલંબન મેળવી શકે, એ વિચારથી ધીમે ધીમે દરેક સમાજ અને પરિવારો દીકરી ઉચ્ચ શિક્ષણ મેળવી શકે એ માટે પ્રયત્નશીલ થયાં, પણ અગેઇન, દીકરીના શિક્ષણ અને વ્યવસાય પાછળ પણ મુખ્ય ઉદ્દેશ તો સારું ‘પાત્ર’ અને સારો પરિવાર મળે અને બધું ઠેકાણે એટલે કે સેટલ થઇ જાય, એ જ રહ્યો.
જેમ સામાજિક દૃષ્ટિએ બાવીસ-ત્રેવીસ વર્ષની યુવતીને લગ્ન માટે ‘ઉંમરલાયક’ ગણવામાં આવે છે, એ જ રીતે યુવા વયે પહોંચેલી દરેક છોકરીને પણ યુવાની પ્રેમ કરવાનો, કોઈના થઇ જવાનો અને માનસિક રીતે ‘સેટલ’ થઇ જવાનો સમયગાળો લાગે છે. વીસીમાં પ્રવેશેલી દરેક છોકરીને પોતાની સાથે પુરુષ પાત્રનું હોવું જાણે પૂર્ણ બનાવતું હોય એવી લાગણી થાય છે. કોલેજ લાઈફમાં બોયફ્રેન્ડ (પ્રેમી ) વગરની છોકરીને એકલી અને અપૂર્ણ માનવામાં આવે છે. કિશોરાવસ્થાના અંતે કે યુવાવસ્થાની શરૂઆતના તબક્કે ધારો કે કોઈ છોકરો યોગ્ય પાર્ટનર લાગતો હોય, એ કદાચ આગળ જતાં જીવનની મોટી ભૂલમાં પરિણમે એવું પણ બની શકે.
આ સમાજરૂપી રથના સ્ત્રી અને પુરુષ બે પૈડા છે. લગ્નસંસ્થા આ દેશ અને વિશ્વની સૌથી સફળ અને સક્ષમ સંસ્થા છે એ બધી વાત સાચી, પરંતુ એ માટે અભ્યાસ, ઓળખ અને આર્થિક સ્થિરતાને બાજુ પર ન મુકાય. ખાસ કરીને કાચી કે નાની ઉંમરે ખુદની પસંદગીના માપદંડ વિષે સ્પષ્ટતા ન હોય, ત્યારે આકર્ષણ કે દેખાદેખીને પ્રેમ માની લેવાની ભૂલ ન કરાય. નવી પેઢીને કોસતા વડીલો આ પેઢીની પોતાના જીવન માટેની સ્પષ્ટ વિચારધારા અને કંઇક અંશે સ્વાર્થી નિર્ણયોની હવે ઈર્ષ્યા કરે છે. આ પેઢીની દીકરી પાસે હવે સ્થાયી અને સ્થિર જીવન માટેની પોતાની શરતો છે, પોતાની પસંદગી છે અને તેમાં પણ એમણે પ્રાયોરિટી નક્કી કરેલી હોય છે. જીવનમાં સ્થાયી થવું એટલે કોઈ સાથે જોડાઈ જવું નહીં, પરંતુ જાત સાથે જોડાણ સાધવું.
એકલાં રહેવું એ હરગીઝ શરમજનક નથી, જીવનની શરૂઆતના તબક્કે સારું પાત્ર શોધવાની દોડને બદલે પહેલાં જાતને શોધવી, જીવવાનો એક ગમતો માર્ગ શોધવો, આગળ વધવા માટેની તક શોધવી વધુ મહત્વની છે. પસ્તાવાનો કોઈ ઉપાય નથી, એટલે જ કોઈ પણ પ્રકારની પસંદગીમાં હૃદય, મન અને મગજ પાસેથી એકસાથે કામ લેવું.

X
article by megha joshi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી