Back કથા સરિતા
મેઘા જોશી

મેઘા જોશી

સ્ત્રી-સાંપ્રત (પ્રકરણ - 36)
લેખિકા સ્ત્રીવિષયક મુદ્દાઓ પર કલમ ચલાવે છે.

સહનશક્તિને પેલે પાર શાંતિ અને સન્માન છે

  • પ્રકાશન તારીખ07 Jan 2020
  •  
વુમનોલોજી - મેઘા જોશી
આ જે પોલીસના ચોપડે ન નોંધાતા હોય એવા ગુના કે દવાખાનાના બિસ્તર સુધી ન પહોંચી શકતા હોય તેવા દર્દ અને ન્યાયાલયના કઠેડામાં ન પહોંચી શકતા હોય એવા કેસની વાત કરવી છે. ઘરની ચાર દીવાલો વચ્ચે અફળાતા અવાજ અને ક્યારેક માત્ર અને માત્ર બાઝેલા ડૂમામાં બંધાઈ જતા અજન્મા સિસકારા ભાગ્યે જ દહલીઝ વટાવે છે. પરિવારની આમન્યા અને સમાજના કલ્પિત ભયને કારણે આજે પણ ઘરેલુ હિંસા અને વૈચારિક જોહુકમી સામાજિક દૂષણમાં મોખરે છે. દહેજપ્રથા કે દીકરીનાં જન્મ માટે સ્ત્રીઓને થતી મારઝૂડ હવે આપણને ઈતિહાસ લાગે છે, પરંતુ વૈશ્વિક અને રાષ્ટ્રીય વાસ્તવિકતા આપણી આસપાસના વાતાવરણ પર નહીં, બહુમતી વર્તન પર નક્કી થાય છે. અભ્યાસ, આર્થિક સ્વાવલંબન અને સામાજિક સન્માનના અભાવે પરિવારમાં સ્ત્રીઓ પર થતી દાદાગીરીનો ખરો આંકડો ક્યારેય બહાર નહીં આવે. ભારતમાં 31 ટકા પરિણીત સ્ત્રી ઘરેલુ હિંસાનો ભોગ બને છે. 50 વર્ષ સુધીની વયમર્યાદામાં કુલ 30 ટકા સ્ત્રીઓએ અમાનુષી વર્તન અને હિંસાનો અનુભવ પરિવારના સભ્યો દ્વારા જ કર્યો હોય છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે કે લૈંગિક સમાનતાના વિભાગ દ્વારા થતા સંશોધન, તેના આંકડા અને તે અંગેના પ્રોજેક્ટ તો સત્તાવાર નોંધાયેલ હિંસા કે જોહુકમી છે, પણ વસવસા, સમસમીને બેઠી રહેતી અકળામણ અને જાત કે જીવન પ્રત્યેની નફરત અંગે કોઈ જ ફાઈલો નથી બની શકતી. આધુનિક જીવન અને આધુનિક વિચારધારાની આડઅસર એ થઇ કે આપણને પારકી ચિંતા, પળોજણ કે સમસ્યામાં પડવું ગમતું નથી. આપણે આપણા જ પરિવાર કે મિત્રવર્તુળમાં પ્રદૂષિત વિચારધારા સાથે અમાનવીય વર્તન કરનારને કંઈ જ કહેતાં નથી. દુ:ખી થતી સ્ત્રીને જોઇને બહુ બહુ તો દુ:ખી થઇએ છીએ. કોઈ પણ પરિવારની સમસ્યા એમનો અંગત મામલો છે, કહીને છુટા થઇ જવું સરળ છે. એમાં ઝંપલાવીને અપમાન સહેવું એ નાદાની છે અને કોઈની અંગત જિંદગીમાં દખલ ન કરવી તે મેનરિઝમ છે, એવું આપણે શીખી ગયાં છીએ.
ફૂટપાથ પર કંતાન અને કોથળાંથી બનાવેલા કાચા ઘરમાં ગાળા-ગાળી કે ચીસાચીસના અવાજ આવતા હોય તો તમે શું કરો? આ પ્રકારની વસ્તીમાં મારપીટ કે ગાળા-ગાળી એટલી સાહજિક લાગે કે પસાર જ થવાનું રહે. એનાથી બિલકુલ બીજા અંતિમ પર મેટ્રોના બહુમાળી મકાનના આઠમા માળે બંધ બારણાંમાંથી કોઈ યુવતીનો રડવાનો અવાજ આવતો હોય તો શું કરો? એ એપાર્ટમેન્ટમાં રહેતા પરિવારની અંગત બાબત છે એમ કહી આપણે પણ ઘરના બારણાં બંધ કરી દઈએ છીએ. જે ઘરેલુ હિંસા હેલ્પ લાઈન કે પોલીસ સ્ટેશન સુધી પહોંચે એમાં પણ સમજૂતી માટે જ પ્રયત્ન થાય છે. સહનશક્તિની સીમા ઓળંગીને કોઈ મહિલા મદદ માટે દોડે છે, ત્યારે પણ નજીકનો સમાજ ઘરની ગરિમા અને સુખ-શાંતિની દુહાઈ આપીને એને ફરી ‘ઘરભેગી’ કરે છે. કંઈકેટલાય અપમૃત્યુ, જીવલેણ રોગ અને આત્મહત્યા પાછળ સ્ત્રી પર થતી ઘરેલુ હિંસા જવાબદાર હોય છે. જ્યાં શારીરિક હિંસા નથી થતી ત્યાં સ્ત્રીનો અવાજ અથવા સ્ત્રીના નિર્ણયને ગોંધી દેવાની વૃત્તિ પણ જોવા મળે છે, જેનો કોઈ જ રેકોર્ડ મેળવવો શક્ય નથી. આપણા હાથમાં માત્ર અને માત્ર બે જ મુદ્દાઓ છે. એક, અસ્વીકૃત વર્તનને મક્કમતાથી વખોડીને સામનો કરવો અને બીજું, જે બહેનો આજે પણ મૂંગા પ્રાણી જેવી સ્થિતિમાં રહીને સહન કરે છે તેને મદદ કરવી. અમુક અમાનુષી વર્તનને શરૂઆતમાં જડમૂળથી ઉખેડી લઈએ તો બળાત્કાર કે હત્યા જેવા ગુનાને રોકી શકાય.
x
રદ કરો

કલમ

TOP