વાસ્તુિનર્માણ- મયંક રાવલ / વ્યક્તિત્વ અને વાસ્તુને શું સંબંધ?

article by mayankrawal

Divyabhaskar.com

Dec 26, 2019, 04:30 PM IST
વાસ્તુિનર્માણ- મયંક રાવલ
ક્યારેક નાની તો ક્યારેક મોટી અથડામણો કે કાયદાકીય ગૂંચવણોના લીધે જીવન ચકડોળે ચડતું લાગે અને ઈચ્છા ન હોય તો પણ વિવાદ થઇ જાય ત્યારે આ સમસ્યા વાસ્તુ આધારિત તો નહીં હોય ને? એવો વિચાર આવે. વાસ્તુના પરિપ્રેક્ષ્યમાં વિચાર કરીએ તો દક્ષિણ અને પશ્ચિમ વચ્ચેની દિશા એટલે કે નૈઋત્ય દિશાના કારણે આવું થઇ શકે. માણસનો સ્વભાવ ગભરું છે. પછી તો જેટલા માથા એટલા વિચારો અને એટલાં જ સૂચનો પણ ખરા. કોઈ કહે કે તમે વડવાને સુખ નથી આપ્યું એટલે જ આવું થાય છે. એક તો માણસ ભયભીત હોય અને એમાં આવા સૂચનો વધારે ભય ઊભો કરે. મોટા ભાગે નૈઋત્ય દિશાનું વર્ણન બિહામણી દિશા તરીકે જોવા મળે છે. હા, આ દિશાને સાવ એવી રીતે જોવાની જરૂર પણ નથી. દરેક દિશાના સારા અને નરસા પાસા હોય છે. નૈઋત્ય મક્કમતાની દિશા છે. અહીં ભેદ માત્ર નકારાત્મક અને સકારાત્મક ઊર્જાનો જ જોવા મળે છે. કોઈ પણ દિશાની સારી અને ખરાબ અસરો તે જગ્યાની ઊર્જાને આધારિત ગણાય.
જો દિશાઓ મૂળ દિશાઓથી ત્રાંસી હોય તો? આવો સવાલ ઉદ્ભવે એટલે ફરી ભય ઉત્પન્ન થાય. નૈઋત્યનો દોષ આવી દ્વિધા ઊભી કરી શકે. એક માણસને ઘર બનાવવું હતું. આ જ રીતે દિશાઓ ત્રાંસી હતી, પણ એ જે મકાનમાં રહેતા હતા ત્યાં નૈઋત્યનો દોષ હતો. મકાનમાલિકના મનમાં શંકા કુશંકાઓ આવવા લાગી. મકાનનું કામ બંધ થઇ ગયું. નવું કામ કરતી વખતે ગણતરી ઊંધી આવી અને નકારાત્મક મકાન બની ગયું. નૈઋત્યની નકારાત્મકતા વિના કારણે શંકાશીલ બનાવે છે. માણસ સતત ભયમાં રહીને પોતાનુ જ કામ બગાડે છે. આવી નકારાત્મકતા વાણી પણ બગાડે છે. જેના થકી સંબંધો ખરાબ થાય અને પછી એ જ વ્યક્તિ ફરિયાદ પણ કરતી જોવા મળે કે અમારી સાથે કોઈ સંબંધ રાખતું નથી. નૈઋત્યની નકારાત્મકતા માણસને ભૌતિકતાવાદની હદ સુધી લઇ જાય છે. કયારેક આવા લોકો અન્યને છેતરતા જોવા મળે છે. જો માણસ વારંવાર જાણી જોઇને પોતાના સ્વાર્થ માટે ખોટું બોલતો નજરે ચડે તો તેના મકાનમાં નૈઋત્યનો દોષ હોવાની સંભાવના વધી જાય છે. ક્યારેક વિચાર આવેને કે વ્યક્તિત્વ અને વાસ્તુને શું સંબંધ? વાસ્તુ એ ઊર્જાનું વિજ્ઞાન છે અને વ્યક્તિની ઊર્જા એના વ્યક્તિત્વનું ઘડતર કરે છે. જેમ સારી માતા અને સારા સંસ્કાર સારી પેઢી આપી શકે છે તેમજ.
નૈઋત્ય અને બ્રહ્મનો દોષ એકસાથે હોય તો માણસને હતાશા આવી શકે અથવા તો શંકાશીલ સ્વભાવ ઉદ્ભવે. આવા સંજોગોમાં એ માણસ અન્યના નામે પોતાની ખોટી વાત ચલાવવા પ્રયત્ન કરે છે અને સાચી વાત સામે આવી જશે, એના ભયમાત્રથી ત્રાગાં અને તોફાનો કરતા જોવા મળે છે. આવી વ્યક્તિઓથી છૂટકારો પામનાર વ્યક્તિનો આનંદ સમજી શકાય તેવો હોય છે, પણ કોઈના પરિવારમાં આવી ઊર્જા હોય તો? જો નૈઋત્યની ઊર્જા સકારાત્મક હોય તો માણસનો સ્વભાવ ઠાવકો બને છે. એમના પોતાના વિચારો અને વ્યક્તિત્વ જ તેમની ખાસિયત બને છે. એમને માન માગ્યા વિના માનપાન મળે છે.
[email protected]
X
article by mayankrawal

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી