વાસ્તુિનર્માણ - મયંક રાવલ / અગ્નિ તત્ત્વ વિશ્વસુંદરી બનાવી શકે

article by mayank raval

Divyabhaskar.com

Jul 18, 2019, 12:44 PM IST

વાસ્તુિનર્માણ - મયંક રાવલ
ભારતમાં વિવિધ વ્યક્તિઓને વિવિધ તત્ત્વો સાથે જોડવાની એક અલગ રીત જોવા મળતી હતી. સીતાનો જન્મ ભૂમિમાંથી થયો હતો. તેથી તેમનાં વ્યક્તિત્વમાં પણ ભૂમિ તત્ત્વની અસર દેખાય છે. લક્ષ્મી સમુદ્રપુત્રી છે, એટલે તેમનાં વ્યક્તિત્વમાં જળ તત્ત્વની અસર દેખાય છે. દ્રૌપદીનો જન્મ અગ્નિમાંથી થયો હતો. તેથી તેમનાં વ્યક્તિત્વમાં અગ્નિ તત્ત્વની અસર દેખાય છે. ખૂબ જ વિચક્ષણ, દૃઢ અને જિદ્દી. લાંબા સમય સુધી પોતાનો મત પકડી રાખનાર. આકર્ષક. અગ્નિ તત્ત્વની હકારાત્મકતા વ્યક્તિને બાહ્ય સુંદરતાની સ્પર્ધામાં તો મદદ કરે જ, પરંતુ વિશ્વસુંદરી પણ બનાવી શકે.
ગ્લેમર માટે અગ્નિ તત્ત્વને કારક ગણી શકાય. કેટલીક વ્યક્તિઓને જોવાથી તે સુંદર લાગે, પરંતુ તેની અંગત વ્યક્તિઓને તેમનાથી તકલીફ હોય તેવું બને ત્યારે તેમના રહેણાકના પૂર્વથી અગ્નિનો ભાગ તપાસવો ખૂબ જ જરૂરી બને છે. અગ્નિ તત્ત્વની નકારાત્મકતા વ્યક્તિને વરણાગિયાપણું આપી શકે છે. આવી વ્યક્તિઓને પોતાના દેખાવ માટે સતત ચિંતા રહેતી હોય છે. અગ્નિની દિશા ઊર્ધ્વ હોય છે. તેથી આવી વ્યક્તિઓ ખૂબ જ મહત્ત્વાકાંક્ષી હોય તેવું બને. અગ્નિનો પ્રસાર કોઈ પણ દિશામાં હોઈ શકે. વળી, તેની ઝડપ પણ જે તે પદાર્થના ગુણધર્મને અનુલક્ષીને જોવા મળે છે. અગ્નિ તત્ત્વથી પ્રભાવિત વ્યક્તિને જો યોગ્ય પ્લેટફોર્મ મળે તો તે ખૂબ જ ઝડપથી આગળ આવવા પ્રયત્નશીલ રહે છે. પ્રચાર પ્રસારમાં અને અન્યને પ્રભાવિત કરવામાં તેઓ માહેર હોય છે.
અગ્નિ જ્યાં સુધી કંટ્રોલમાં છે ત્યાં સુધી તેના લાભ જોવા મળે છે. પછી તે ઘાતક પણ બને. અગ્નિ તત્ત્વ અન્ય માટેની ઈર્ષા પણ આપી શકે. વધારે આકર્ષક વ્યક્તિઓમાં ક્યારેક આવી પ્રકૃતિ પણ જોવા મળે છે. સુંદરતા જ્યારે ભપકા સાથે જોડાઈ જાય ત્યારે તે લોકનજરમાં ઝડપથી આવે છે, પણ કુદરતી સુંદરતા જેટલી સહજ તે નથી તેની પ્રતીતિ પણ થાય જ છે. અગ્નિ તત્ત્વની નકારાત્મક અસર વ્યક્તિને સતત કેન્દ્રમાં રહેવા પ્રેરે છે. તે ક્યારેક એવા નિર્ણયો લે છે જે લાંબા ગાળે તેને નુકસાન કરી શકે છે. અગ્નિમાં પાણી આવતું હોય ત્યારે ઘરમાં રહેતી મુખ્ય બે જાતિઓ શારીરિક કે માનસિક રીતે અલગ થવા લાગે તેવું બને. એમાં જો અગ્નિમાં વાયુનું પ્રતીક આવતું હોય અને ઉત્તરનો દોષ હોય તો વ્યક્તિને ક્યારેક પોતાના નિર્ણયો માટે ભવિષ્યમાં અફસોસ થાય તેવું બને. દક્ષિણ અને પશ્ચિમના અક્ષથી બનતો ત્રિકોણ જ્યારે નકારાત્મક હોય ત્યારે આવી સ્થિતિ ઉદ્ભવી શકે છે. જળ તત્ત્વ અને અગ્નિ તત્ત્વ બંનેથી પ્રભાવિત વ્યક્તિ બુદ્ધિશાળી હોય છે. તેનામાં સાત્ત્વિક આકર્ષણ જોવા મળે, પણ તે ખોટું ક્યારેય સહન નહીં કરે. આવી વ્યક્તિઓનો પ્રભાવ હૃદય અને આત્મા સુધી પહોંચી શકે છે. પણ આવી વ્યક્તિઓ ગ્લેમર વર્લ્ડમાં વધારે સફળ ન થઇ શકે તેવું બને.
અવકાશ તત્ત્વ અને અગ્નિ તત્ત્વથી પ્રભાવિત વ્યક્તિનું વ્યક્તિત્વ પણ વિશાળ હોય છે. તેઓ પણ સુંદર હોય છે, પણ સરળતા તેમનો ગુણધર્મ હોય છે. વાસ્તુને સમજી અને નિયમાનુસાર વ્યવસ્થા હોય આવે તો ગ્લેમર વર્લ્ડમાં સફળ થઇ શકાય છે.
[email protected]

X
article by mayank raval

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી