Back કથા સરિતા
મધુ રાય

મધુ રાય

સમાજ, સાંપ્રત (પ્રકરણ - 37)
‘ગગનવાલા’ મધુ રાય અમેરિકાથી ‘નીલે ગગન કે તલે’ કોલમ લખે છે. એમના તરકશમાં નવલકથા, નવલિકાઓ અને લેખોનાં તીર સજ્જ રહે છે.

બે દેવલોકની કહાણી

  • પ્રકાશન તારીખ28 Aug 2019
  •  

નીલે ગગન કે તલે- મધુ રાય
યુરોપના
દેશ પોલેન્ડમાં વોર્સોની માફક બીજું એક મોટું શહેર છે ખ્રાકોવ, જે શહેરના બે સામાન્યજન આજે સાચેસાચા દેવની જેમ પૂજાય છે, એક ઓસ્કાર શિન્ડલર (1908 –1974) નામે ખ્રિસ્તી જર્મન ઉદ્યોગપતિ જેણે જીવના જોખમે ને વેપારધંધાને હોડમાં મૂકીને 1200 યહૂદીઓને હિટલરના ગેસ ચેમ્બરમાં મરતા બચાવેલા, જેના નામની વિખ્યાત ફિલ્મ બની છે ‘શિન્ડલર્સ લિસ્ટ’.
કોઈ અકળ સંજોગથી ગગનવાલા બે દિવસ પોલેન્ડના ખ્રેકોવ નગરમાં ફરતાં ફરતાં શિન્ડલરની ફેક્ટરીના મ્યુઝિયમમાં અસંખ્ય ફોટા, શિલ્પો, ચિત્રો જુએ છે ને તેનું ધ્યાન ખેંચાય છે, એક સોહામણા પોલીસ નૌજુવાન કેરોલ જુઝેવ વોજતિવા(1920–2005)ના ફોટા તરફ, કેમ કે તે કવિ હતા! અને અરે? નાટકકાર હતા! ને એક્ટર પણ હતા!
તેમનો ઘેરો કંઠસ્વર, પ્રતિભાશાળી બાંધો અને અભિનયનો આત્મા એમને મહાન અદાકાર બનાવશે એવું કહેવાતું, પણ આ ન કોઈ સાથે હળતોમળતો કે નહોતો બાલિશ જોક્સ કહેતો.
તે જટિલ આત્મા ખ્રાકોવમાં ધર્મશાસ્ત્ર ભણતા હતા. જર્મનોએ પોલેન્ડ ઉપર ચઢાઈ કરી અને યુનિવર્સિટીને તાળાં લગાડ્યાં, તથા દરેક સક્ષમ યુવાનને કામ કરવાનું ફરજિયાત થતાં વોજતિવાને એક લાઇમસ્ટોનની ખાણમાં કાળી મજૂરી કરવા મોકલેલા. તે કપરા કાળમાં વોજતિવાએ ખ્રાકોવના આર્ચબિશપ દ્વારા સંગઠિત જર્મન–વિરોધી અન્ડરગ્રાઉન્ડ ચળવળમાં પોતાની તથા બીજા વિદ્રોહી કવિઓના કાવ્યપાઠ કર્યા, નાટકો ભજવ્યાં. જેમાં એવું કહેવાતું થયેલું કે રીડિંગમાં આપણને ખ્યાલ ન આવે તેવા બારીક અર્થઘટન કેરોલ તખતા ઉપરથી બોલે ત્યારે સમજાતા.
તે પછી અચાનક જર્મનોના દરોડામાં 6 ઓગસ્ટ, 1944ના ‘બ્લેક સન્ડે’ના રોજ 8000 પોલીસ પુરુષોને ગેસ્ટાપો પકડી ગયેલા ત્યારે વોજતિવા તેના કાકાના ભોંયરામાં છુપાયેલા અને ત્યાંથી નાસીને આર્ચબિશપની કોઠીમાં સંતાઈ રહેલા. પરાજય પછી જર્મનો પોલેન્ડ છોડી ભાગ્યા તે પછી વોજતિવા શહેરનાં સંડાસોમાં થીજી ગયેલા મળ સાફ કરવા, ખ્રાકોવ શહેરને ફરી વસાવવા સ્વયંસેવક બન્યા. ઇડીથ નામે એક યહૂદી કિશોરી કોન્સેન્ટ્રેશન કેમ્પમાંથી નાસી આવેલી, તે એક રેલવે સ્ટેશને બેભાન થઈ પડેલી, તેને વોજતિવાએ ઉપાડી ખ્રાકોવ લઈ આવ્યા અને તેને જિવાડી.
વોજતિવાની કલ્યાણ પ્રવૃત્તિઓ અને ધર્મશાસ્ત્રની લાલીમ થકી તેમને પાદરીપદ અપાયું. ત્યાર બાદ તેમણે રોમની સેન્ટ ટોમસ એક્વિનાસ યુનિ.માં ધર્મશાસ્ત્રનો અભ્યાસ કર્યો. 1958માં તે ખ્રાકોવ નગરના બિશપ પદે અને 1963માં ખ્રાકોવના આર્ચબિશપ પદે નિમાયા અને એમ 1978માં ખ્રિસ્તીઓના કેથલિક પંથના સર્વોપરી વડા પોપ ઓફ ધ કેથલિક ચર્ચ અને સોવરિન ઓફ વેટિકન સિટી ‘પોપ જોન દ્વિતીય’ તરીકે ગાદી ધારણ કરી, જે જવાબદારી એમણે 2005 સુધી આમરણાંત ધર્મબોધ થકી નિભાવી.
એમના અમલ દરમિયાન ખ્રિસ્તી, યહૂદી અને મુસ્લિમ લોકો વચ્ચે ઝેરી વૈમનસ્યના સ્થાને એખલાસ બંધાય એવો ધર્મોપદેશ આપ્યો અને સતત પરસ્પર સંપર્ક બધાયેલા રહે તે માટે કાર્યશીલ રહ્યા. કેથલિક પંથના 2000 વર્ષના ઇતિહાસમાં ઇટાલીના નાગરિક ન હોય તેવા આ પ્રથમ પોપ હતા. તે બાર ભાષાઓ બોલી શકતા હતા, જે તમામનો ઉપયોગ એમણે પોતાના વિશ્વભરમાં ફેલાયા અનુયાયીઓ સાથે તેમજ અન્ય ધર્મના ધર્મનિષ્ઠો સાથે વાગ્વ્યવહારમાં સફળતાથી કરેલો.
પોતાના ખ્રાકોવ નિવાસ દરિયાન વોજતિવાએ પોલેન્ડના અગણિત યહૂદીઓને ગેસ ચેમ્બરનો ભોગ થતા બચાવેલા. એક ખ્રિસ્તી પોલીસ પરિવારમાં એક યહૂદી કુટુંબ સંતાયેલું, પરંતુ અંતે એમાંથી ફક્ત એક શિશુ જીવેલું. તે શિશુના યહૂદી કુટુંબીઓએ વોજતિવા સાહેબને કહ્યું કે તે શિશુને ખ્રિસ્તી ધર્મના સંસ્કાર આપો તો વોજતિવાએ કહેલું કે તેનાં મા-બાપ યહૂદી હતાં તેથી તેને યહૂદી ધર્મના સંસ્કાર અપાય તે જ સાચા સંસ્કાર કહેવાય.
સન 2005માં તેમના દેહવિલય પછી ઇઝરાયેલની સરકારે પોપ મહોદયની સ્મૃતિમાં ‘સકલ ધર્મના વિશ્વબંધુ ચંદ્રક’ની સ્થાપના કરી છે. તે ચંદ્રક તેવા ગેરયહૂદીઓને અપાય છે, જેમણે હિટલરના આતંકમાંથી બહોળી સંખ્યામાં યહૂદીઓને તાર્યા હોય. સર્વધર્મ પ્રતિ સમાદરની નીતિના કારણે ખ્રેકોવ નગરના એરપોર્ટનું નામ આજે છે પોપ જોન પોલ સેકન્ડ એરપોર્ટ.
આ સમયમાં આકાશમાં ધર્મઝનૂનના વિષવાળાં વાદળ ઘેરાઈ રહ્યાં છે. પૃથ્વી ઉપર ધર્મઝનૂને ચડેલા કેટલાક ધર્માંધ લોકોના ઝેરી શ્વાસોશ્વાસથી જાણે લીલોતરી પણ ઝાળઝાળ થાય એવું ભાસે છે. તે વખતે ધર્મોમાં ભેદ શા છે તેને બદલે ધર્મોમાં સર્વોચ્ચ સમાન શું છે તેના દિવ્ય ઉદાહરણ રૂપ બે મનખા અવતારોના આ શહેર ખ્રાકોવમાં વિચરતા ગગનવાલા દીનતા, વિનમ્રતા અનુભવે છે. જય શ્રીકૃષ્ણ!
[email protected]

x
રદ કરો
TOP