નીલે ગગન કે તલે- મધુ રાય / નવા દશકામાં પ્રવેશ કરતાં

article by madhu rye

Divyabhaskar.com

Jan 01, 2020, 05:07 PM IST
નીલે ગગન કે તલે- મધુ રાય
ભારત અને પાકિસ્તાન પોણો સો વર્ષથી સામસામે ઘેલાં કાઢે છે ને તુમકો એટમબમ સે ઉડા દૂંગાના પોકારો કરે છે તેનું કારણ કદાચ આપણી કોહેલી આબોહવા છે, યાને કે આપણે શ્વાસ લેતાં લેતાં ફેફસાંમાં મુઠ્ઠી મુઠ્ઠી ઘેલછા ઓરીએ છીએ.
એક સર્વેક્ષણ કહે છે કે જગતના સૌથી વધુ વાયુ પ્રદૂષિત દેશો છે, મોંગલિયા, બોટસ્વાના, પાકિસ્તાન, સેનેગલ, સાઉદી અરેબિયા, ઇજિપ્ત, યુનાઇટેડ આરબ અમિરાત, ઇરાન, નાઇજીરિયા અને કુવૈત. યાને પાકિસ્તાન છેલ્લેથી ત્રીજા નંબરે છે. બીજા એક ‘હૂ’ (WHO) સંસ્થાનો અભ્યાસ કહે છે કે વાયુ પ્રદૂષણ કરતા 180 દેશોની યાદીમાં ભારતનો નંબર છે 177મો, યાને છેલ્લેથી ચોથો. મતલબ કે ભારત તેમજ પાકિસ્તાન કહોવાતી હવાથી ખદબદે છે અને હવે એક વૈશ્વિક તારણ જણાવે છે કે પ્રદૂષિત વાયુમાં શ્વાસ લેતી પ્રજામાં વિષાદ, ખિન્નતા અને આત્મહત્યાનું પ્રમાણ અતિ ઘણું હોય છે. વિજ્ઞાનિકો કહે છે ઝેરીલી હવાના કારણે માનસિક સંતુલન ડગમગે છે એવું લાગે છે, પણ હજી તે વાત સચોટ ખાતરીપૂર્વક પુરવાર થઈ શકી નથી.
ગાર્ડિયન દૈનિકમાં તેના પર્યાવરણ તંત્રી ડેમિયન કેરિંગ્ટન લખે છે કે યુરોપમાં છે તેવો પ્રદૂષણની લિમિટનો કાયદો આખી દુનિયામાં લાગુ કરી દેવાય તો લાખો લોકો વિષાદના શિકાર થતા બચે, પણ વાતાવરણમાં આ ઝેર ફેલાય છે ક્યાંથી? વાહનોમાં, ઘરઘરમાં ને ઉદ્યોગોમાં વપરાતા બળતણના ધુમાડાથી. બીજું એક રિસર્ચ કહે છે કે વાયુ પ્રદૂષણથી કિશોર–કિશોરીઓની બુદ્ધિમાં મંદી આવે છે, તથા વિચારોમાં ઉન્માદ, સ્મૃતિભ્રંશ અને પાગલપન પ્રસરે છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના વિજ્ઞાની ઇઝોબેલ બ્રેથવેઇટ કહે છે કે આ ઝેરી હવાથી ગુપ્ત રીતે થતી માનસિક હાનિ આજની એક જબરદસ્ત કટોકટી છે. વૈજ્ઞાનિકો જાણે છે કે આપણી હવામાં તરતા પ્રદૂષણના સૂક્ષ્મતમ ઝેરી કણો આપણા નાક દ્વારા પણ મગજમાં પ્રવેશે છે ને રક્તભ્રમણ દ્વારા પણ મગજની માંસપેશીઓને કનડે છે. એથી મગજના ચેતાકોષોને નુકસાન થાય છે અને મસ્તિષ્કમાં ત્રાસ સામે રક્ષણ આપતા ‘સ્ટ્રેસ હોર્મોન’ના ઉત્પાદનમાં ભંગાણ પડે છે. બ્રેથવેઇટના મત મુજબ જગતમાં 1640 લાખ લોકો માનસિક સંતાપથી પીડાય છે, અને હવા જેટલી ઝેરી, તેટલું પ્રજામાં હતાશા, નિરાશા, વિષાદનું પ્રમાણ વધુ અને તેવા લોકોમાં આપઘાતની શક્યતાઓ પ્રચંડ.
હવે આ બધાં વર્ણનોથી ને વિશેષણોથી આપણને ગભરાટ થાય, કદાચ આ વર્ણનોથી જ માનસિક સંત્રાસ વધે તે પણ સ્વાભાવિક છે, પરંતુ એકલા ભારતીયો અને પાકિસ્તાનીઓ જ ગાંડા થઈ ગયા છે, કે પાગલ થઈ જશે એવું નથી. ‘હૂ’ કહે છે કે દુનિયાના 90 ટકા લોકો પ્રદૂષણની જોખમી સપાટીથી વધુ ઝેરના શ્વાસ લેતાં લેતાં જીવે છે. અલબત્ત, તેમાં આપણા બે દેશોમાં ઝેરની સપાટી સૌથી વધુ ખતરનાક કહી શકાય તેવી ભીષણ છે.
પણ હવાના ઝેર અને મગજના ઝેર વચ્ચે કોઈ સંબંધ હોય તેની કોઈ પાકી ખાતરી ખરી? જી, એવી ખાતરી કરવી મુશ્કેલ છે, કેમ કે તેમ કરવા અમુક ‘દર્દી’ઓને વધતી જતી પ્રદૂષિત હવામાં શ્વાસ લેવડાવવાના પ્રયોગ કરવા ઘટે જે નૈતિક રીતે કોઈને સ્વીકાર્ય ન હોય.
અને હવાનું ઝેર એક કારણ હોઈ શકે તેમજ મિસીસનો સ્વભાવ, કે શેઠની લુચ્ચાઈ, માણસની આર્થિક સ્થિતિ, ભણતર, ધૂમ્રપાન, શરીરની મેદ વગેરે અને હવામાં ઝેર ફેલાવતાં વાહનોનો ધડધડાટ, ઉદ્યોગોનો કોલાહલ વગેરે સતત થતા રહેતા અવાજો પણ માણસોના માનસિક સ્વાસ્થ્ય ઉપર માઠી અસર કરે છે.
તો હવે? કરવું શું? બ્રેથવેઇટ કહે છે કે રિક્ષા કે ગાડીને બદલે સાઇકલ હાંકો. દરેક જણ પ્રદૂષણ ઓછું કરવા પોતાનાથી થાય એટલી ચીવટ રાખે અને સરકારો પોતાની નીતિ બદલે. પહેલાં કેટલાક લોકો માનતા હતા કે પૃથ્વી ગોળ નથી ને સપાટ છે; હવે કદાચ તેવા લોકો માને છે કે પોલ્યુશન ને પ્રદૂષણ ને આ બધાં ગપ્પાં છે ગપ્પાં. ખાઓ, પીઓ ને ચીવટ રાખવી હોય તો એટલી જ રાખો કે મીટરમાં જીરો જીરો કરીને રિક્ષામાં બેસો. એવા લોકોના મગજમાં સુખના સોજા આવી ગયા છે, આવતી કાલની પ્રજાનું શું થશે તેની તેમને પડી નથી. કે પછી ગગનવાલા ખોટા ખોટા વરતારા ને પરદેશી વિજ્ઞાનીઓના લવારા વાંચીને ગાલાવેલા થઈ ગયા છે. જય ગ્રેટા થુનબર્ગ!
[email protected]
X
article by madhu rye

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી