નીલે ગગન કે તલે- મધુ રાય / સોશિયલની સાસુ કાંદા ખાય

article by madhu rye

Divyabhaskar.com

Dec 04, 2019, 04:28 PM IST
નીલે ગગન કે તલે- મધુ રાય
ગગનવાલા બહુ ભોળા, યુ નોવ? કોઈ મફત બોલપેન આપે કે કોફી પીવાનો કપ આપે કે કોઈબી ટુ–ફોર–વન પિઝાની ઓફર આપે તો તે લઈ લે. માનો કે પેટના દુખાવાની ગોળી બી આલે તો નરવા પેટે ખઈ લે, આલીને જાય છે ને ક્યાં લઈને જાય છે.
ને ગગનવાલાએ ફેસબુક ઉપર પન્ના આન્ટીની પોસ્ટ જોઈ, કે એમને અમુક એરલાઇનની બે ટિકિટો ગિફ્ટમાં મલી છે, ને તમને હૌ મલી સકે, કેમ કે તે એરલાઇનની 34મી જન્મસાલ ઊજવાઈ રહી છે. પન્ના આન્ટી સહેજે ભોળાં નથી, ને એમના મિસ્ટર નટવર ગાંધી તો ડબલ ડિપ્લોમેટ જેટલા બાહોશ છે. એટલે આપણે બી એરલાઇનને ક્લિક કીધું ને એરલાઇન કહે કે પહેલાં ફેસબુકમાં લખો કે ‘મને પણ બે ટિકિટ મળી છે’ તે બી લખ્યું, પણ તે પછી એરલાઇન કહે કે ઇલ્લે ઇલ્લે. મતલબ કે કોઈ લુચ્ચા સોએઅન્ડસોએ અમને લલ્લુ બનાવ્યા.
એવામાં એએઆરપી નામની વૃદ્ધસંસ્થાની પત્રિકામાં સોશિયલ મીડિયા વિશે લેખ આવ્યો કે નેટ ઉપર કોઈના એકાઉન્ટ ક્લોન કરવા અઘરા નથી અને પન્ના આન્ટીની પોસ્ટ તેમજ એરલાઇનની ઓફરનું તરકટ કોઈ ત્રાહિત હેક્કરે આચર્યું હોય એમ બને. તે વાંચી અમારા મોંમાંથી જે શબ્દો બોલાઈ ગયા તેમાંના થોડાક આ લેખના શીર્ષકમાં
મૂકેલ છે.
}ફેસબુક: ગગનવાલાને તાજ્જુબ છે કે કેમ એમના નામના બબ્બે ફેસબુક ખાતાં છે? ને અચાનક કઈ રીતે અમારા 5000 જેટલા ફ્રેન્ડ થઈ ગયા છે! પત્રિકા કહે છે કે તમે ગમે તેણીને ફ્રેન્ડ બનાવો તો તેણી બીજી વાર ફ્રેન્ડ રિક્વેસ્ટ મૂકે ને તમે ઓટોમેટિકલી સ્વીકારો એટલે થઈ જાય તમારા માથે ઇલેક્ટ્રોનોકલી મૂંડો. તમે હોંશે હોંશે મૂકેલી તમારી પોસ્ટો, ડાટા, ફોટા ને તમારી ટોટલ પર્સનલ ઇન્ફો લાધી જાય તેણીને ને તે પછી તમારી બાબરી તેણીના હાથમાં. તેણી તમારી સાથે ચેટિંગમાં લારીલપ્પા કરે ને અમુક ‘નાતો’ બંધાયા પછી જણાવે કે તેણીની માતાને કેન્સર છે ને ઓપરેશન માટે થોડા પૈસા ના મોકલે, ડિયર? માટે ફેસબુક કે કોઈપણ સોશિયલ મીડિયામાં તમારી પર્સનલ વાતો મિનિમમ લખો ને ફ્રેન્ડ બનાવતા પહેલાં બે વાર વિચાર કરો. કોઈ પણ કશોય મફત લાભ દેખાડે તો રામ રામ કરો ને કોઈ અજાણી તેણી તમને હેન્ડસમ કહે તો અરીસામાં મોઢું જોઈ આવો.
}ઇન્સ્ટાગ્રામ: આ પ્લેટફોર્મમાં ઘણું કરીને લોકો પોતાના મનગમતા હીરો હીરોઇનના કે પોતાના જેવા શોખ ધરાવતા લોકોના ફોટા તેમજ વીડિયો મૂકે છે. તેના ઉપરથી તમારી માનીતી હીરોઇનના નામે તમને બનાવટી ડાયરેક્ટ મેસેજીસ (DMs) મોકલે. અથવા માનો કે તમે હેશટેગ #Spain, ફોલો કરતા હોવ તો તમને માદ્રિદ કે બાર્સેલોનની સસ્તી કે મફત ટિકિટ મોકલવાનો ડીએમ કરે! આ સઘળી તમારા પૈસા પડાવવાની ચાલબાજી છે. કોઈ અજાણી ઓફરને અડકવું નહીં ને કોઈ સેલિબ્રિટીનો ડાયરેક્ટ મેસેજ આવે તો ફક્ત વાઇફને બતાવીને હસી પડવું. સહેજ પણ શંકા જાય તો જવાબ આ–પ–વો? નહીં.
}ગૂગલ હેન્ગાઉટ: આ પણ લાઇન ઉપર મિત્રો સાથે ગામગપાટાની સાઇટ છે, પણ તેમાં વળી તમને અણધારી કંપનીમાંથી ફક્કડ જોબનો ઇ-મેઇલ આવે; સાથે સ્પેશિયલ કુરિયરથી પહેલા પગારનો ચેક પણ આવે, ફક્ત તમારે તે નોકરી સ્વીકાર કરવા અમુક રજિસ્ટ્રેશન ફી મોકલવાની. સાવધાન! કોઈ શેઠ પહેલો પગાર એડવાન્સમાં ન આપે. ચેક બાઉન્સ થાય ને તમે નોકરી વિના હંસતે ભી રહે રોતે ભી રહે.
ઘણા લોકોને પોતાના વિશે દુનિયા વધુ ને વધુ જાણે તે બહુ ગમે છે ને પોતાનાં ઘર, વતન, નોકરી, બાળકો ને જાતની જાણે મિનિટે મિનિટની સેલ્ફીથી ફેસબુક કે બીજા પ્લેટફોર્મ ઉપર કથકલી કર્યા કરતા હોય છે. ‘મને જુઓ, લુક એટ મી, લુક એટ મી.’ હાલાંકિ ગગનવાલાને ફક્ત ફેસબુકનું જ એકાઉન્ટ છે, જે તદ્દન ફળાહારી છે. બિલકુલ અસ્થિપિંજર જેટલી જ માહિતી છે તેમાં. તો પણ કોઈએ બે અલગ એકાઉન્ટ કરી શી ખબર ક્યાંથી 5000 ફ્રેન્ડ ટિંગાડી દીધા છે. કોઈ જાણભેદુ ફેસબુકિસ્ટ જરા સમજ પાડે તો ગગનવાલા આયના સામેથી ઊભા થાય. હવે સહેજ ઉંમર દેખાય, પણ 5000 ફ્રેન્ડ્ઝો કહે તે સાચું, યાહ? જય પુષ્પકેતુ!
[email protected]
X
article by madhu rye

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી