કાવ્યસેતુ - લતા હિરાણી / એક સવાલ મૈં કરું!

article by latahirani

Divyabhaskar.com

Jul 16, 2019, 04:36 PM IST

કાવ્યસેતુ - લતા હિરાણી
એય, તને મનમાં સમાવું તો ચાલશે?
રાતડીની નીંદર ને નીંદરમાં સપનાં ને સપનામાં આવુંય તો ચાલશે?
પ્રશ્નો પર પ્રશ્નો હું પૂછ્યા કરું ને બસ પૂછ્યા કરું છું એ જ ધૂનમાં
સૃષ્ટિમાં રોજ તને નીરખ્યા કરું ને બસ નીરખ્યા કરું છું તને તૃણમાં
એય, તને બોલાવું ત્યારે તું આવશે?
લાગણીના અણદીઠ્યા શ્વેત શ્વેત રંગ મહીં ઇંદ્રધનુષી એક વાત
સંબંધો જોડાવા ઇચ્છાઓ જન્મે ને ઈચ્છાઓ થામી લે હાથ.
એય, મારી ઇચ્છાનો બાગ હવે ફાલશે?
ઇચ્છાઓ જન્મે તો પૃચ્છાઓ જન્મે ને પ્રશ્નાર્થને સમજી તો લે
ચૂપ ચૂપ રહીને પણ કહેવું જરૂર, એ ભાવાર્થને સમજી તો લે
એય, સાથે રહેવું શું તને ફાવશે?
- આશા પુરોહિત
ક વિતામાં તરત ગમી જાય એવો શબ્દ છે ‘એય’! આમ તો એ સંબોધન છે અને એ સામાન્ય રીતે કાં તો સાવ પોતાનાં માટે વપરાય, કાં સાવ અજાણ્યા અને જેને માનથી બોલાવવાની જરૂર ન હોય એના માટે વપરાય. વ્હાલમને ‘એય’ કહી બોલાવી શકાય ને ચાની લારી પર કામ કરતાં છોકરાને ‘એય’ કહી બોલાવી શકાય. સાવ સામસામા છેડાની વાત છે ને? આ સંબોધન કવિતાની શરૂઆતથી જ ભાવકને પોતાની સાથે જોડી દે છે. નાયિકા પોતાના પ્રેમી સાથે લહેકાથી વાત કરે છે અને સાથે ભાવક પણ ઇન્વોલ્વ થઈ જાય છે.
આ ગીતમાં એક મુગ્ધાનો પ્રણય છે. પિયુને જોઈને જાગતા હૃદયના ઉછાળા છે. મીઠા મધુરા સંવેદનો છે. પરસ્પર પ્રત્યે સ્નેહથી છલોછલ નાયક કે નાયિકાને જાગે એવી ઊર્મિઓ છે. એકબીજામાં ખોવાઈ જવાની વાત, સૃષ્ટિમાં એને એકને જ ભાળવાની વાત, હાથ પકડીને હૃદયમાં હૂંફ ભરી લેવાની વાત, ઇચ્છાઓના મેઘધનુષી આકાશમાં વિહરવાની વાત, લથબથ લાગણીઓની વહેતી નદીમાં ભીંજાવાની વાત... શું નથી આ ગીતમાં, જે એક પ્રેમી ન ઝંખે? આમ જુઓ તો પ્રેમની ઝંખનાઓનું લિસ્ટ બનાવવા જાવ, તો અનંત સુધી પ્રસરે. બાકી બે-ચાર શબ્દોમાંય સઘળું સમેટાઇ જાય, કશું બાકી ન રહે!
આ પ્રીતગીતની રીત જોઈએ તો એના રંગથી મન રંગાઈ જાય એ ખરું! સવાલ પૂછતી નાયિકા આંખ સામે સાત રંગોની ચુનરી ઓઢીને ઊભેલી દેખાય છે. નાયિકા પ્રશ્નો એટલા ને એવા પૂછે છે કે નાયકને જવાબ દેવાને બદલે પ્રેમિકાને બાથમાં લઈને એના હોઠ પર હોઠોથી તાળું મારી દેવાનું જ ગમે!
પ્રેમ અને શૃંગાર એ કવિતાનું હૃદય છે, પણ પુરુષોની પ્રેમ કવિતામાં અને સ્ત્રીઓની પ્રેમ કવિતામાં અંતર વર્તાય છે. સ્ત્રીઓની કવિતામાં મુખ્યત્વે મન, હૃદય અને લાગણીનું પ્રાધાન્ય જોવા મળે છે. જોકે એના શારીરિક આવેગોની પ્રબળતા વ્યક્ત ન થઈ હોય એવું નથી. સદીઓ પહેલાંય ‘બોલ્ડ’ કવયિત્રીઓ હતી જ. અઢારમી સદીમાં ફૂલકુંવરબાઈએ લખ્યું છે, ‘ઓ વલ્લભજી, જુવતી જનના રસિયા ચરણે રાખો, મહારસલોભી અંગ સબંધી અંતરરસને ચાખો/અમો મહદ ભક્તને જાચીને, મારું અંગ સમર્પ્યું રાચીને.’ આવી કેટલીક બોલ્ડ કવયિત્રીઓ અને સામાજિક સંકોચથી ન લખી શકતી હોય એવી થોડીક કવયિત્રીઓને છોડી દઈએ તો પણ સ્ત્રીઓની રચનામાં હૃદયની અભિવ્યક્તિ અને લાગણી પામવાની ઝંખના વ્યક્ત કરતી કવિતાઓ વધુ જોવા મળે છે. જ્યારે પુરુષોની કવિતામાં મુખ્યત્વે રૂપ, સુંદરતા અને શારીરિક એષણાઓ વધારે પ્રગટે છે. એમાંય પુરુષોએ લખેલી સ્ત્રી સંવેદનામાં બહુધા સ્ત્રીના શારીરિક આવેગોની અભિવ્યક્તિ પ્રગટ થાય છે. સ્ત્રીને એક વ્યક્તિ તરીકે જોવામાં આવે તો એનું બાહ્ય વિશ્વ કદાચ નાનું છે, પણ એનું આંતરવિશ્વ કેટલું વિશાળ! એમાં ડોકિયું કરનારા કવિઓ છે, પણ બહુ ઓછા! એ સત્ય સ્વીકારવું રહ્યું.
[email protected]

X
article by latahirani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી