કાવ્યસેતુ- લતા હિરાણી / એ જ પીડા શ્વાસમાં

article by lata hirani

Divyabhaskar.com

Aug 07, 2019, 04:09 PM IST

કાવ્યસેતુ- લતા હિરાણી
રોજ આખું શહેર પાછું સળવળે છે શ્વાસમાં,
ને પછી ભીતર બધું યે ટળવળે છે શ્વાસમાં.
આ ધધખતા રોજના લાવા મહીં જોયા કરું,
આગ ફેલાયા પછી શું ખળભળે છે શ્વાસમાં.
માર્ગ સઘળાં હાથ પકડી એક શ્વાસે પૂછશે,
રાહ પાછો ભીતરેથી બળબળે છે શ્વાસમાં.
એમ ક્યાં કોઈ મળે છે સગપણે સંબંધમાં,
તોય પાછી જ્યોત કેવી ઝળહળે છે શ્વાસમાં.
ચીસ મૂંગી નીકળી પણ સાંભળી ના કોઈએ,
ભીતરે વિદ્રોહ કેવો ચળવળે છે શ્વાસમાં.
- જિગીષા રાજ
આ એક સ્ત્રીનો વિદ્રોહ છે અને આખીયે કથાના અંતમાં એ પડદો ખોલી પ્રગટ થાય છે.‘ચીસ મૂંગી નીકળી પણ સાંભળી ના કોઈએ, ભીતરે વિદ્રોહ કેવો ચળવળે છે શ્વાસમાં!’ રોમેરોમમાં રઝળતો વિદ્રોહ ભલે ‘મૂંગી ચીસ’ જેવા જાણીતા પ્રતીકથી આલેખાયો હોય, પણ ‘ચળવળે છે શ્વાસમાં’ કહી એમાં એક અસરકારક અર્થગાંભીર્ય ઉપસાવાયું છે. ‘ચળવળ’ ઝીણી લાગે છે, પણ જો એના ઉપર ધ્યાન દેવામાં ન આવે તો એ ખતરનાક સ્વરૂપ ધારણ કરી શકે છે. એ આગ બીજાને ને ખુદનેય બાળી શકે. સરવાળે પૂરા સંબંધ માટે ભયજનક છે.
બંધિયાર પરિસ્થિતિમાં શ્વાસ લેવા પડે એ દુર્ઘટના છે. જે સ્ત્રીઓ માટે હજુ આજે પણ સામાન્ય છે. મીડિયા ભલે જુદું ચિત્ર બતાવે, પણ સત્ય જુદું જ છે. આંખ સામે ફેલાયેલું આકાશ અસહાય અવસાદ બની જાય, ત્યારે ભીતર માત્ર ટળવળે જ નહીં, ભડકે બળે. એ આગમાં સૂકા ભેગું લીલુંય બળે. શ્વાસ ચાલે પણ અંદરનું ધબકતું જીવન પેલી આગના લબકારામાં હોમાઈ જાય. રસ્તાઓ રણમાં ફેરવાઇ જાય અને વળી એકસામટા પ્રશ્નાર્થો બની સામે અફાટ પથરાઈ જાય. જવાબને બદલે શૂન્યાવકાશમાં આથડવાનું જ પ્રારબ્ધ બાકી રહે.
સમગ્રપણે વિષાદની વાસ્તવિકતાને લઈને આવેલી આખીયે રચનામાં માત્ર એક શેરમાં કંઈક આશાના ઉદ્ગાર સાંપડે છે.‘એમ ક્યાં કોઈ મળે છે સગપણે સંબંધમાં, તોય પાછી જ્યોત કેવી ઝળહળે છે શ્વાસમાં.’ વાત સ્પર્શી જતી હોવા છતાં એ મૂળ તંતુને છોડી પોતાનો અલગ ચોકો રચે છે એ સ્પષ્ટ દેખાય. આ એક શેર બાદ કરીએ તો આ રચનાને મુસલસલ ગઝલ કહી શકાય, પણ દરેક શેર પોતાનું અલગ અસ્તિત્વ ધરાવી શકે એ ગઝલનો મિજાજ છે.
ફરી સ્ત્રી-પુરુષના ભિન્ન વિશ્વનો મુદ્દો લાવવો પડે છે. એકની એક વાત, જ્યાં સુધી ખરા અર્થમાં પરિસ્થિતિ બદલાય નહીં ત્યાં સુધી કરવી પડે છે કે સ્ત્રીસમાનતાના નારા લગાવવાની કોઈ જરૂર નથી, કેમ કે સ્ત્રી પુરુષ કરતાં ક્યાંય ચડિયાતી છે. જે પુરુષ કરી શકે એ બધું જ સ્ત્રી કરી શકે એ તો સૌએ જોઈ લીધું છે અને એ પણ સનાતન સત્ય છે કે સ્ત્રી કરે છે એ પુરુષ કરી ન જ શકે. સત્ય સત્ય હોય છે અને એને સાબિત કરવાની જરૂર નથી હોતી. હા, એની ઉપર આવરણ ચડી જાય છે ત્યારે એને ફરી અનાવૃત કરવું પડે એ ખરું. માત્ર સ્નાયુબળ અને સંપત્તિબળના જોરે સ્ત્રીને નીચે ધકેલી દઈ સમાજે જે આધિપત્ય મેળવ્યું છે એની ચર્ચા કરવાનો આવી મૂંગી ચીસોને અબાધિત અધિકાર છે.
કોઈ કવિએ સરસ લખ્યું છે.
दिन की रोशनी ख्वाबों को बनाने मे गुजर गई,
रात नींद को मनाने मे गुजर गई।
जिस घर मे मेरे नाम की तखती भी नहीं,
सारी उमर उस घर को सजाने मे गुजर गई।
મધુમતી મહેતા એક આગ લાવે છે,
એક યુગ ઢંઢોળવામાં લાગશે,
પણ પછી એ રુદ્ર થઇ હંફાવશે.
કાલ માગી’તી ધરા પાસે જગા,
આજની સીતા જવાબો માગશે...
[email protected]

X
article by lata hirani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી