કાવ્યસેતુ / સ્ત્રીની પોતીકી ઓળખ મા

article by lata hirani

લતા હિરાણી

May 29, 2019, 01:07 PM IST

જગતભરના કવિઓએ પ્રશંસાના પુષ્પોમાં દાટી દીધી તને.
સુગંધના એ દરિયામાં તણાઇ ગઈ તું ને ભૂલી ગઈ કે તું માત્ર માતા નથી,
છે એક વ્યક્તિ જેનું કંઈક કર્તવ્ય છે પોતાની જાત પ્રત્યે.
તેમાંય ઋષિમુખે સાંભળ્યું,
‘કુપુત્રો જાયતે કવચિદપિ કુમાતા ન ભવતિ’
ત્યારે તો સાત જનમનો નશો ચડ્યો તને!
અન્યાય, અપમાન ને અવહેલનાની વર્ષા છો ને કરે સદાયે – ખમ્મા મારા લાલને!
‘સુમાતા’નું કાષ્ઠફલક ગળે લટકાવીને
કંગાલિયતથી જીવ્યા કરીશ સદાયે? કે ખોલીશ કદી નયન?
વયસ્ક સંતાનની માતૃનિર્ભરતા, નથી નથી એ પ્રકૃતિની દેણ,
છે જટિલ માનવસંસ્કૃતિની વધુ એક બેડી,
ચકચકિત, રૂપાળી, ચાંદીની, સોનાની તોયે બેડી!
રુધિરનો માર્ગ પણ એકમાર્ગી નથી, હોય તો જીવન અટકી જાય.
સ્નેહનો પ્રવાહ શા માટે એકમાર્ગી?
કેવી રીતે મળશે તને તારા આ બેવડા અપરાધની સજા?
કુપુત્રને જન્મ આપ્યો ને એના જુલ્મ સહી સહી એને કુપુત્ર જ રહેવા દીધો.
જગજ્જનનીના મંગલ સ્મિતની પેલે પાર દેખાય છે તીવ્ર પ્રકાશમય ત્રિશૂળ!
સ્પર્શી લે એને, પ્રગટાવ તારી જાજ્વલ્યમાન માતૃપ્રતિભા
જેના સંતાન કહી શકે સદા, સ્નેહાદરથી – આ છે મારી મા !
- ધીરૂબહેન પટેલ

સમાજમાં સ્ત્રીની ભૂમિકાને અને ખુદ સ્ત્રીને દિશા ચીંધતું કાવ્ય. જે સમાજમાં ‘નારી તું નારાયણી’ કહેવામાં આવ્યું, સ્ત્રીને ‘શક્તિ સ્વરૂપા’ ગણાવવામાં આવી, એ જ સમાજમાં એ ગુલામ કરતાંયે બદતર દશામાં મુકાઇ. અલબત્ત, આજે આ પરિસ્થિતિમાં પરિવર્તન આવ્યું છે, સ્ત્રી પોતાની જાત વિશે, પોતાની ઈચ્છાઓ, કારકિર્દી વિશે વિચારતી, એને અગ્રીમતા આપતી પણ થઈ છે, પરંતુ ટકાવારી તો હજુ ઓછી જ છે.
વિચારની દૃષ્ટિએ આ રચના સ્ત્રીની યુગોથી ચાલી આવતી ભૂમિકાને જડમૂળથી હલબલાવે છે. પોતાના પતિ, પુત્ર ને પરિવાર માટે સર્વસ્વ ખપાવી દેવું એ સ્ત્રીનો શાસ્ત્રો ચીંધ્યો આદર્શ છે. આ ભૂમિકા એટલી હદે એનાં લોહીમાં વણાઈ ગઈ છે કે આનાથી જુદું એ વિચારી ન શકે, વિચાર આવે તોય એ પોતાને ગુનેગાર સમજે. વત્તા-ઓછા અંશે એટલે કે સ્ત્રીની પોતાની સમજણ અને સ્વભાવ મુજબ એનું પાલન થતું રહ્યું છે.
સ્ત્રી સ્વતંત્ર્તાનો વાયરો પહેલાં વાયો, પછી ફૂંકાયો. સ્વતંત્રતા સાથે સ્વચ્છંદતા પણ આવી. પોતાના વ્યવસાય કે પ્રમોશનની લ્હાયમાં બાળકની સંભાળ લેવાની એની જવાબદારી એ ભૂલી ગઈ. ઘોડિયાઘરો ને ડે-કેરમાં બાળકો ઉછરવા લાગ્યા એ આત્યંતિક પાસું ગણાય. જ્યાં આર્થિક મજબૂરી છે અથવા વ્યવસાયની જરૂરિયાત છે ત્યાંય બાળકને આ પૃથ્વી પર લાવવું કે નહીં. એની તો મા-બાપને સ્વતંત્રતા છે જ અને જો લાવ્યા તો એના ઉત્તમ ઉછેરની માતા-પિતાની સંયુક્ત જવાબદારી બની જાય છે. જ્યાં જેણે જરૂર હોય એણે બાંધછોડ કરવી પડે.
ધીરૂબહેનની આ રચના સ્ત્રીનું ગુલામ માનસ બદલાય એ માટે છે. હજુ મોટો સમાજ એવો છે કે જ્યાં સ્ત્રી પોતાની માનસિકતા નથી બદલી શકતી. કોઈ ને કોઈ રીતે એ દબાયેલી જ છે. ઈચ્છા હોય તોય પોતાની મરજી પ્રમાણે નથી જીવી શકતી. આદર્શો કે લાચારીના પૂરમાં એ સ્વત્વ ખોઈ બેઠી છે. એમાંથી એને પાછું મેળવવાની આ વાત છે.
[email protected]

X
article by lata hirani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી