Back કથા સરિતા
લતા હિરાણી

લતા હિરાણી

કાવ્ય (પ્રકરણ - 35)
લેખિકા જાણીતાં કવયિત્રી અને ‘દિવ્ય ભાસ્કર’નાં કોલમિસ્ટ છે.

સાલમુબારક વ્હાલમુબારક

  • પ્રકાશન તારીખ07 Jan 2020
  •  
કાવ્યસેતુ- લતા હિરાણી
છૂટ આપું જાવ તાળાં જેમ ખુલી જાઓ
લાગણીભીના હૃદયથી કંઇ કબૂલી જાઓ
હા, પ્રસંગોપાત હળવાફુલ થાઓ
નવા વર્ષની સાથે ઝુલી જાઓ.- હર્ષવી પટેલ
વ ર્તન-વ્યવહારમાં આપણે આપણી સમજ પર કેટકેટલાં તાળાં લગાવી જીવીએ છીએ! ક્યાંક વેરનું, તો ક્યાંક ઝેરનું તાળું, ક્યાંક પૂર્વગ્રહનું, તો ક્યાંક દ્વેષનું તાળું, ક્યાંક માયા, તો ક્યાંક મૌનનું તાળું... મુસીબત એ છે કે ક્યારેક સમજવા છતાંય આ તાળાને આપણે ખોલી શકતા નથી, કેમ કે એની ચાવી બહાર શોધવા જવી પડે છે. કોઈક ગુરુ, કોઈક સંત, કોઈક સુવિચાર કે કોઈક સત્સંગ આ ચાવીઓ લઈને ચારે બાજુ વેરાયેલા છે. માણસ આમતેમ ફાંફાં મારે છે, પણ સત્ય એ છે કે આ ચાવી આપણી અંદર અને સાવ હાથવગી પણ હોય છે. હૃદયને લાગણીથી લથપથ કરી દઈએ, બીજાઓને માપવાની ફૂટપટ્ટી ક્યાંક ખીણમાં ફેંકી દઈએ, ‘ભૂલ તો સૌની થાય’ એમ વિચારી પોતાની જાતને માફ કરી દઈએ (એ જ ભૂલ નવેસરથી નહીં કરવાના નિર્ધાર સાથે) અને સૌનો, એ જેમ છે, જેવા છે એમ જ સ્વીકાર કરી લઈએ તો પછી મુશ્કેલી જ ક્યાં છે? અલબત્ત, આ જે લખાયું એ આચરવું અઘરું છે, પરંતુ શ્રીગણેશ ક્યાંકથી તો કરવાનાં. આના માટે નવું વર્ષ ઉત્તમ છે.
ઊઘડે બારી નવી એ રાહ જોઈ બેઠી છું,
સાવ નોખું સ્વપ્ન મારી આંખે પ્રોઈ બેઠી છું,
યુદ્ધ ના હો ભીતરે પ્રગટે નહિ કોઈ અગન,
એક શાંતિયુગના મંડાણ જોઈ બેઠી છું. - પ્રજ્ઞા વશી
કવયિત્રી પ્રજ્ઞા વશી નવા વર્ષે જાત અને જગત માટે એક નવું સ્વપ્ન જુએ છે.... સ્વપ્ન જોવાં એ જીવનનાં ઉમંગની નિશાની છે. એક સ્વપ્ન કેટલા નવા રસ્તાઓ, કેટલી નવી દિશાઓ ખોલે છે. જીવનમાં સ્વપ્ન, કોઈ લક્ષ્ય તરફ કદમ લઈ જાય છે, કદમને ગતિ આપે છે અને લક્ષ્ય મળી જાય છે એવું બનતું જ નથી, કેમ કે એની નજીક પહોંચતાં જ એ નવું સ્વરૂપ પકડી લે છે, પણ કશુંક પામવાની યાત્રાનો આનંદ જે માણી શકે છે એના માટે જીવન આનંદ અને સુંદરતાનો પર્યાય બની જાય છે. સરસ વાત એ પણ છે કે કવયિત્રી વાસ્તવથી ચીલો ચાતરતાં નથી. પોતાની ભીતર કે બાહર કોઈ અશાંતિ ન નીપજે એની માત્ર ખેવના જ નહીં, એ માટે પૂરા સજાગ છે કેમ કે આંખોમાં શાંતિનું કબૂતર ઘૂઘવી રહ્યું છે.... સ્વ અને સંસારમાં સર્વત્ર શાંતિ છવાય એવી ઝંખના કરવી એનાથી મોટી વાત બીજી કઈ હોઈ શકે.
મનને બધું જ ગમે છે. આનંદ ને આધ્યાત્મ, સ્વપ્ન ને સાધના આ સઘળું સાથેસાથે ચાલે એમાં જિંદગીની મજા છે. હળવા થવું ને હળવા રહેવું, ચાહે કોઈ પણ રીતે, એ બહુ જરૂરી છે તો નવા વર્ષની મજાની વાતોમાં કવિ મુકુલ ચોકસીની આ હળવી પણ સચ્ચાઈથી ભરેલી પંક્તિઓની મજા લઈએ. હું તમને વિશ કરું છું, તમે મને વિશ કરો.... દોસ્તો, હેપ્પી ન્યુ યર....
ટેસથી જીવી લે ને મોજથી ફરી લે
વર્ષ એક આખું આ શ્વાસમાં ભરી લે
ભૂલી જા બધું બસ રાખ આટલી ખબર
જીવવામાં કોઈ બાકી રહે ના કસર
હેપ્પી ન્યૂ યર, હેપ્પી ન્યૂ યર
હું તને કરુ છું, તું મને વિશ કર
હેપ્પી ન્યૂ યર, હેપ્પી ન્યૂ યર. - મુકુલ ચોકસી
[email protected] gmail.com
x
રદ કરો

કલમ

TOP