કાવ્યસેતુ- લતા હિરાણી / હૈયે નિવાસ તારો

article by lata hirani

Divyabhaskar.com

Dec 03, 2019, 03:25 PM IST
કાવ્યસેતુ- લતા હિરાણી
રોનક છે એટલે કે બધે તારું સ્થાન છે,
નહિતર આ ચૌદે લોક તો સૂનાં મકાન છે.
દીવાનગીએ હદ કરી તારા ગયા પછી,
પૂછું છું, હર મકાન પર, કોનું મકાન છે?
દિલ જેવી બીજે ક્યાંય પણ સગવડ નહીં મળે,
આવી શકે તો આવ, આ ખાલી મકાન છે.
થાશે તકાદો એટલે ખાલી કરી જશું,
કીધો છે જેમાં વાસ, પરાયું મકાન છે.
બાળે તો બાળવા દો, કોઈ બોલશો નહીં,
નુકસાનમાં છે એ જ કે એનું મકાન છે.
કોને ખબર ઓ દિલ, કે એ ક્યારે ધસી પડે,
દુનિયાથી દૂર ચાલ, કે જૂનું મકાન છે.
એને ફનાનું પૂર ડુબાડી નહીં શકે,
જીવન ‘અમર’નું એટલું ઊંચું મકાન છે.
}‘અમર’ પાલનપુરી
કો ઈ કોઈ રચનાઓ અમર થવા સર્જાયેલી હોય છે અને એમાંય એ જ્યારે સ્વરબદ્ધ થાય છે, ત્યારે સામાન્ય જનના હૃદયમાં પણ કોતરાઈ જાય છે. કવિ ‘અમર’ પાલનપુરીની આ ગઝલ તરન્નુમમાં ન સાંભળી હોય એવા ગુજરાતી કોઈ ભાગ્યે જ હશે! પ્રેમ વિશ્વનો શાશ્વત વિષય છે. પ્રેમપદારથથી અછૂતું કોઈ રહ્યું હોઇ શકે નહીં. એમાંય ગઝલની રજૂઆત આટલી સચોટ અને વેધક હોય ત્યારે કહેવું જ શું? ‘મકાન છે’ રદીફને કવિએ કેટલો વિશાળ બનાવી દીધો છે! મકાન જેવા શુષ્ક શબ્દના ઊર્મિલ અર્થવિસ્તારથી કવિતા ગહન અને ભાવપ્રધાન બની છે. પ્રેમમાં ડૂબેલ વ્યક્તિને પોતાના પ્રિયજનથી જ હોય બધું રૂડું, બાકી સૂનું સૂનું! ફૂલોમાં રંગ, અત્તરમાં સુગંધ, પાંદડામાં લીલપ કે ઘાસમાં સુંવાળપ પ્રિય વિના અનુભવવી ક્યાં શક્ય છે? ચૌદે લોક એટલે કે સમગ્ર બ્રહ્માંડને પ્રિયતમના અભાવમાં સૂના મકાન કહીને કવિએ પ્રેમને પરમ ઊંચાઈએ સ્થાપી દીધો છે. પ્રેમીનો વિયોગ માત્ર બાળતો જ નથી, પાગલ બનાવી દે છે. એની શોધમાં, પ્રિયની તલાશમાં દર-દર ભટકતા પ્રેમીની આંગળીઓ હરેક દ્વારે ટકોરા મારે છે અને નિરાશ થઈ પાછી ફરે છે. નાયકની સતત ઝંખના છે, પોકાર છે, આવવાનું ઇજન છે. તું આવ, મારા દિલ જેવી સગવડ તને બીજે ક્યાંય નહીં મળે! એટલું જ નહીં, એ માત્ર તારા માટે ખાલી છે. મત્લાના શેરમાં પૂરા બ્રહ્માંડને મકાનનું પ્રતીક અપાયું તો અહી દિલને મકાન સાથે જોડ્યું. પ્રેમ સાનભાન ભુલાવી દે છે.
શાયર પ્રેમના આસમાનમાં વિહરે છે પણ એના પગ ધરતી સાથે જોડાયેલા છે. કવિ સચ્ચાઈ જાણે છે. પોતાનો દેહ એ આખરે પરાઈ જણસ છે. સમય આવશે એટલે એને છોડીને જવાનું છે. એ સત્ય સ્વીકારતા કવિ કહે છે, ‘થાશે તકાદો એટલે ખાલી કરી જશું’ પ્રેમની તીવ્રતા એમાં જ વધે છે. પ્રેમીજનને એક જનમ ઓછો જ પડે! પ્રેમની અતિ વિહ્વળતા, જીવનની નાશવંત સ્થિતિ અને સામેથી મળતા આઘાતો-અભાવો બધું જ આ ગઝલમાં અદ્્ભુત રીતે આરોપાયું છે. પ્રેમની સામે પ્રેમ મળે અને હંમેશાં મળે એવું ઓછું બનતું હોય છે.
દુનિયાનો ભરોસો નથી. દુનિયાના લોકનો ભરોસો નથી. એ ક્યારે દિલ તોડી નાખે એ કહેવાય નહીં. દિલને સંભાળીને તારા માટે રાખ્યું છે પણ દુનિયાથી બચીને ચાલવું બહુ જરૂરી છે. આમ કહેતા કવિને પોતાના પ્રેમ પર વિશ્વાસ પણ જબરો છે. આંધી કે તોફાન, વાવાઝોડા કે વંટોળ એને નુકસાન નહી પહોંચાડી શકે. દિલમાં સ્થાપેલાં સિંહાસનને કોઈ ડગાવી નહીં શકે. કવિના જીવનનું મકાન એટલું ઊંચું, એટલું મહાન છે.
[email protected]
X
article by lata hirani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી