દૂરબીન- કૃષ્ણકાંત ઉનડકટ / ગર્લ્સને લાઇફ પાર્ટનર તરીકે ખૂબ જ હેન્ડસમ છોકરા નથી જોઈતા!

article by krishnakanty undkat

વધુ પડતા હેન્ડસમ છોકરા સાથે જીવન માંડતા છોકરીઓ ઇનસિક્યોરિટી ફીલ કરે છે. બધી છોકરીઓ એટ્રેક થાય એવા છોકરાથી દૂર રહેવું સારું!

Divyabhaskar.com

Jul 22, 2019, 12:41 PM IST

દૂરબીન- કૃષ્ણકાંત ઉનડકટ
કોઇ સામાન્ય દેખાવવાળો છોકરો કોઇ બ્યૂટીફૂલ છોકરીને પરણે ત્યારે લોકો લાઇટર ટોનમાં એવું કહેતા હોય છે કે, કાગડો દહીંથરું લઇ ગયો. આપણે મોટાભાગે છોકરા કે છોકરીને એના દેખાવ પરથી જ માપતા હોઇએ છીએ. કોઇના મેરેજમાં જઇએ ત્યારે વર અને વધૂને જોઇને એવું જ વિચારીએ છીએ કે, કોણ ખાટી ગયું? અમુક કપલમાં પત્ની ખૂબ જ સુંદર હોય અને પતિનો દેખાવ સામાન્ય હોય ત્યારે લોકો એવું પણ બોલતા હોય છે કે, આ છોકરીએ આનામાં શું જોયું હશે તે પરણવાની હા પાડી દીધી? આપણને કોઇને એવું ક્યારેય નથી થતું કે, છોકરીઓ કંઇ મૂરખ નથી કે, માત્ર મોઢું જોઇને પરણવાની હા પાડી દે. છોકરીઓ દેખાવ જુએ છે, પણ એ સાથે એવુંય વિચારે છે કે, આની સાથે જિંદગી જીવવાની મજા આવશે કે નહીં? જો બાકીનું બધું સારું હોય તો છોકરીઓ દેખાવ બાબતે કોમ્પ્રોમાઇઝ કરી લેતી હોય છે. એક માન્યતા એવી પણ છે કે, છોકરો જો અમીર હોય તો છોકરીઓ હા પાડી દે છે. સાવ એવું પણ નથી, ભાવિ ભરથારની આર્થિક સ્થિતિ ચોક્કસપણે મહત્ત્વની હોય છે, છતાં મોટા ભાગની છોકરીઓ એવું વિચારતી હોય છે કે, પતિ પ્રેમથી રહેવો જોઇએ. સોનાના પિંજરામાં રહેવાનો કોઇ અર્થ હોતો નથી. આપણે એવું પણ જોયું હોય છે કે, કોઇ અમીર ઘરાનાની છોકરીએ મધ્યમવર્ગના છોકરાને લાઇફ પાર્ટનર તરીકે પસંદ કર્યો હોય. તેનું એક કારણ એ પણ હોય છે કે, તેણે અમીર છોકરાઓનાં લખણ જોયાં હોય છે. છોકરીઓને દોસ્તી માટે બિન્ધાસ્ત, ટેટુ અને સ્ટાઇલિશ છોકરા ગમતા હોય છે, પણ અંદરખાને એ સમજતી જ હોય છે કે, આની સાથે જિંદગી ન નીકળે. મેટ્રિમોનિયલની વાત હોય ત્યારે છોકરી અને માતા-પિતા અનેક લોજિક કામે લગાડતા હોય છે.
છોકરીઓને કેવા છોકરા ગમે છે એ વિશે એક સંસ્થા દ્વારા અભ્યાસ કરવામાં આવ્યો હતો. એનાં પરિણામો બહાર આવ્યાં ત્યારે બધાને બહુ આશ્ચર્ય થયું. માત્ર સાત ટકા છોકરીઓએ કહ્યું કે, તેના માટે છોકરાનો દેખાવ મહત્ત્વનો છે. 93 ટકા છોકરીઓને ટોલ, ડાર્ક, હેન્ડસમ કે માચોમેન લાઇફ પાર્ટનર તરીકે જોતો નથી. છોકરીઓનું કહેવું હતું કે, વધુ પડતા સ્માર્ટ છોકરાઓ સાથે રહેવું અઘરું છે. એ પોતાની જાતને સમથિંગ સમજતા હોય છે. માણસે પોતાનાે દેખાવ નહીં, પણ પોતાની આવડત અને સમજણ પરથી પોતાની જાતને માપવી જોઇએ. બીજી વાત એ કે, વધુ પડતા દેખાવડા પતિથી પત્ની ઇનસિક્યોરિટી પણ અનુભવે છે. સીધી વાત છે કે, દેખાવડો હોય તો બધી છોકરીઓની નજર તેના પર પડવાની જ છે. દેખાવડા પુરુષો પણ બીજી સ્ત્રીઓને એટ્રેક્ટ કરવાનો મોકો છોડતા નથી. અમુક વિચિત્ર મગજના પુરુષો તો વળી એવું જતાવવાનો પણ પ્રયાસ કરતા હોય છે કે, મારી પાછળ તો ઘણી ફિદા છે. પત્નીઓને આવા પુરુષો કરતાં સામાન્ય દેખાવ ધરાવતા પુરુષો એટલા માટે પણ ગમે છે કે, એ પત્નીને પ્રેમ કરતા રહે. પુરુષને થાય કે, મારી પત્ની સુંદર છે એટલે મારે બીજે ફાંફાં મારવાની જરૂર નથી. અલબત્ત, આ પણ જે તે પુરુષની માનસિકતા પણ આધાર રાખે છે.
આ સર્વેમાં છોકરાઓના ગુણને આધારે 10 ગુણ નક્કી કરવામાં આવ્યા હતા. સાત ટકા છોકરીઓએ જ પરફેક્ટ ટેન પર પસંદગી ઉતારી હતી. બાકીની છોકરીઓએ પાંચથી છ ગુણવાળા છોકરા સારા હોય છે એવું કહ્યું હતું. આ અભ્યાસ અંગે એક ડેટિંગ એક્સપર્ટે કહ્યું હતું કે, છોકરીઓ લગ્ન જ નહીં, દોસ્તી પણ બહુ સમજી વિચારીને કરતી હોય છે. છોકરાની ઇમેજ એના માટે બહુ મહત્ત્વની હોય છે. એ એવા છોકરાની દોસ્તી જ પસંદ કરે છે જેની સાથે એ સેફ ફીલ કરે. જે માણસ તરીકે સારો હોય. અમુક છોકરીઓ અપવાદ પણ હોય છે, એ છોકરાના દેખાવ કે લાઇફસ્ટાઇલથી અંજાઇ જાય છે. જોકે, થોડા જ સમયમાં તેને રિયાલિટીનું ભાન થઇ જાય છે કે, આ માણસ કેવો છે. ધનવાન હોય અને સારા પણ હોય એવા છોકરાઓ છોકરીઓની પહેલી પસંદ હોય છે, એમાં પણ પ્રાયોરિટી તો એ માણસ કેવો છે, એનું ફેમિલી બેકગ્રાઇન્ડ કેવું છે એ જ હોય છે.
દાંપત્યજીવન માટે સૌથી મહત્ત્વની વાત તો છેલ્લે સમજણ, એકબીજા પ્રત્યેનો આદર, પોતાની વ્યક્તિની કદર, એકબીજા સાથેનું કમિટમેન્ટ અને સાથે જિંદગી જીવવાનાં સુંદર સપનાંઓ જ હોય છે. કજોડાં લાંબાં ટકતાં નથી. છોકરાઓ પણ છોકરીને પસંદ કરતી વખતે એનાે દેખાવ તો જુએ જ છે, સાથોસાથ એ વિચારે છે કે, આની સાથે ગાડું ચાલશે કે નહીં? આપણે એવા કિસ્સા પણ જોયા હોય છે કે, એવરેજ દેખાતા છોકરા એવું કહેતા હોય કે, આપણને તો સીધીસાદી છોકરી જોઇએ. ઇનસિક્યોરિટી તો છોકરાઓને પણ લાગતી જ હોય છે. સરવાળે એવું કહી શકાય કે, દેખાવ અને સંપત્તિ બધાને ગમતી હોય છે, પણ છેલ્લે તો વાત કેવો માણસ છે એના પર આવીને જ અટકતી હોય છે. એનું કારણ એ હોય છે કે, બધાને પોતાની જિંદગી સુખ, શાંતિ અને પ્રેમથી જ જીવવી હોય છે. લાઇફ પાર્ટનરની પસંદગી એટલે જ મોસ્ટ ચેલેન્જિંગ બનતી હોય છે.
પેશ-એ-ખિદમત
બેબસી ભી કભી કુર્બત કો સબબ બનતી હૈ,
રો ન પાયે તો ગલે યાર સે લગ જાતે હૈં,
દાગ દામન કે હોં કિ દિલ કે હોં કિ ચહેરે કે
‘ફરાઝ’ કુછ નિશાં ઉમ્ર કી રફ્તાર સે લગ જાતે હૈં
- અહમદ ફરાઝ
[email protected]

X
article by krishnakanty undkat

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી