ચેતનાની ક્ષણે- કાંતિ ભટ્ટ / શ્રદ્ધાનું બળ મોટું છે અને તે છૂપું પડ્યું છે

article by kanti bhatt

Divyabhaskar.com

Aug 12, 2019, 06:05 PM IST

ચેતનાની ક્ષણે- કાંતિ ભટ્ટ
‘ગૈબ સે જો હર મદદ હોતી હૈ,
હિમ્મત-ધીરજ ચાહિયે,
મુસ્તઈદ રહિએ મુકદ્દર આજમાને કે લિયે.
- શાયર જોહર મુન્શી
શાયર જોહર મુન્શીની ઉપરની ટૂંકી શાયરી વાંચીને તમે શ્રદ્ધાવાન બનવા જોઈએ. જો તમે સાચા રસ્તે ચાલતા હો તો શરૂમાં તકલીફો પડે છે, પણ પછી ધીરજ અને શ્રદ્ધા રાખીને તમારું કાર્ય કરતા રહો તો એક દિવસ તમારા જ પુરુષાર્થ થકી બંધાયેલું તકદીર તમને મદદ કરશે. ઉપરની શાયરીમાં ગૈબ શબ્દ છે. ‘ગૈબ’ એટલે કે છૂપી મદદ-ઈશ્વરી મદદ! આ ઈશ્વરી મદદ માટે તમારે સતત થાક્યા વગર અને ધીરજ ખોયા વગર પુરુષાર્થ કરવો પડે છે. શરૂમાં કે ટૂંક સમયમાં અમેરિકન પ્રમુખોને પણ પુરુષાર્થ મદદ કરતો નહોતો, પણ ઘણી વખત અડધો ડઝન વખત નિષ્ફળ જઈ પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે. તમારે તકદીર ખુલવાની રાહ જોવી જોઈએ. ક્રિકેટર ઈમરાન ખાનને સપને પણ ખ્યાલ નહીં હોય કે ક્રિકેટના મેદાનમાં તે બેટ વડે ચોક્કા અને છક્કા મારીને વિરોધ ટીમના છક્કા ઉડાવી દેતો હતો. હવે રાજકીય ક્ષેત્રે છક્કા મારે છે.
મહેનત અને પ્રામાણિકતાનું ફળ મોડે મોડે પણ મળે છે. આ જિંદગીમાં માણસે પુરુષાર્થની ‘મેરેથોન દોડ’ કરવાની હોય છે. પુરુષાર્થની દોડ માનવી માટે લખેલી પડી જ છે. અતિ ભાગ્યશાળી હોય અને પૂર્વ જન્મનાં સારાં કર્મો હોય તો તેવા જૂજ લોકોને તકદીરનો અને અનુકૂળ સંયોગોનો સંગાથ આ ‘મેરેથોન દોડ’માં તરત મળે છે. બાકીના મારા-તમારા જેવા લોકોએ તો પાછું વળીને જોયા વગર દોડવું જ લખ્યું છે. આ લેખક તરીકે હું (કાન્તિ ભટ્ટ) પોતે જિંદગીભર પુરુષાર્થ કર્યો તે પછી સિત્તરની ઉંમરે તકદીરે માંડ માંડ સામે જોયું. આજે 88ની ઉંમરે તકદીરે મારા સામે મર્યાદિત દૃષ્ટિ રાખી છે. તમને ગ્રીક દેશનો દાખલો આપું, એ દાખલો જરા જુદી જાતનો છે.
આજથી લગભગ 2500 વર્ષ પહેલાં પર્શિયાના રાજા ડેરિયલે ગ્રીસ દેશને જીતી લેવાનો સંકલ્પ કરેલો. 26 માઈલ જેટલું અંતર દોડીને કાપ્યું. તેના દેશના લોકો નિરાશ હતા, પણ તેને સંદેશો મળ્યો કે આપણો દેશ મેરેથોન-યુદ્ધ લડીને આખરે જીતી ગયો છે. ગ્રીસ દેશના લોકોમાં ચેતન આવ્યું. તે દિવસથી ઓલિમ્પિકની રમતમાં લાંબી દોડને ‘મેરેથોન દોડ’ કહે છે. આ મેરેથોનનો ભાવાર્થ છે કે હજારો લોકોને આશા આપવા હંમેશાં પોઝિટિવ સમાચાર વાંચે. મેરેથોનની દોડ થકી ગ્રીસને જિતાવનાર હીરોનું નામ ફિડિપાઈડ્ઝ હતું.
બીજી પણ એક પ્રેરણાદાયી વાત છે. આ વાત આપણા આ સંસારના કોમનમેનને ઉપયોગી છે. કેટલીક વખત જુદા પ્રતિકૂળ સંયોગોમાં તમને, મને, લેખકને, તંત્રીને, કોઈ કંપનીના ચીફ એક્ઝિક્યુટિવને, ઉદ્યોગપતિને ભવિષ્ય નિરાશામય દેખાય છે. ઘણો બધો પુરુષાર્થ કર્યો, પણ પરિણામ મળ્યું નથી. એટલે ઘણા થાકીને પુરુષાર્થ છોડી દે છે- જીવન હારી જાય છે. જીવનમાં હારી જવાથી કામ નહીં ચાલે. માણસ વિજય માટે જન્મ્યો છે. તેણે વિજય મેળવીને જ જંપવું જોઈએ-વિરમવું જોઈએ. એવે વખતે માણસે વધુ પડતું ગેરદિશામાં ઉરબળ કરવાને બદલે એકાદ સપ્તાહનો વિરામ લેવો જોઈએ. મોરારિબાપુ જેવી મહાન વ્યક્તિએ પણ તેમનાં પ્રવચનો કે રામકથામાંથી વિરામ લઈને શરીર અને મનની શક્તિને પાછી સુગઠિત કરવા-એકત્રિત કરવા મૌન કુટિરમાં એકાંત સેવ્યું, તેવું એકાંત-પ્રવૃત્તિહીન એકાંત જોઈએ. આજે શરીરની આપણે માત્ર દસ-પંદર ટકા શક્તિ જ વાપરીએ છીએ. બાકીની શક્તિ રિઝર્વમાં પડી રહે છે તે શક્તિને જગાડવા માટે મનને અને માનસિક સ્થિતિને ફરી બળથી પોષવા જોઈએ. જોહાનિસ બ્રાહ્મ નામના મહાન જર્મન સંગીતકારના જીવનમાં એવો તબક્કો આવ્યો કે તેને કોઈ નવું સંગીત સૂઝતું નહોતું. ખૂબ મથામણ કરી છતાં નવંુ સંગીત કે નવી તરજો સૂઝતી નહોતી. સર્જનશક્તિ જાણે ડૂલ થઈ ગઈ હતી. ઘણા લેખકો અને કવિઓની પણ આવી દશા થાય છે. સર્જનશક્તિ વહુકી જાય છે. ‘વહુકી જવું’ એ ગામડાના ગોવાળો અને દૂઝણાં ગાય-ભેંસ રાખનારા ખેડૂતોનો શબ્દ છે. ગાયને દૂઝતી રાખવા તે જ્યારે વહુકી જાય ત્યારે તેને વધુ સાચવવી જોઈએ. અમુક સમય ગાય કે ભેંસ કે બકરીઓએ વહુકવું પડે છે. એ ‘વહુકવાના કાળ’ દરમિયાન બળ સંગઠિત કરીને વધુ દૂધનો પ્રાહવો મૂકવો પડે છે.
આપણે સંગીતકાર જોહાનિસ બ્રાહ્મની વાત કરતા હતા. જોહાનિસ બ્રાહ્મે એકાંત જંગલમાં જઈને મેડિટેશન કર્યું અને નવું બળ મેળવ્યું. તેને તેની સર્જનશક્તિને થોડોક થાકોડો આપ્યો, એટલે નવી શક્તિ જે રિઝર્વમાં પડી હતી તે મળી. તે સંગીતકાર નવી તરજો લઈને શ્રોતા સમક્ષ આવ્યો ત્યારે મિત્રોએ પૂછ્યું, ‘કેમ ભાઈસાહેબ, તમે તો જાહેર કરી દીધેલું કે હવે કોઈ નવી સંગીતની તર્જ આપવાના નથીને? તો આ નવું સંગીત ક્યાંથી આવ્યું?’ ત્યારે સંગીતકારે કહ્યું, ‘તમારી વાત સાચી છે, પણ હું થોડો સમય એકાંતમાં રહ્યો. જંગલમાં જઈને મેડિટેશન કરીને નવું બળ મેળવ્યું. નવો આત્મવિશ્વાસ આવ્યો અને તકદીરે મદદ કરી તેમજ નિરાશા ખંખેરીને નવું આત્મબળ જે મને એકાંત થકી મળ્યું તેવા આત્મબળથી નવી તરજો એકાએક ફૂલ ખીલે તેમ ખીલવા માંડી. હું આજે સ્પિરિચ્યુઅલ બળ મેળવીને ગાઉં છું.
મતલબ કે જ્યારે તમે થાકી જાઓ કે હારી જાઓ ત્યારે કદી જ હારણ થવું નહીં. એકાંત સેવીને મેડિટેશન કરીને નવું બળ મેળવવું જોઈએ, કારણ કે સર્જનશક્તિ માણસમાં અખૂટ-ભરપૂર પડી છે. એ સર્જનશક્તિને જગાડવી જોઈએ. સર્જનશક્તિ થોડીવાર સૂઈ જાય તો તમારે જાગતા રહેવું જોઈએ. અમેરિકા અને લેટિન અમેરિકામાં ફૂટબોલની રમત પાટે બેઠી છે. ડો. ન્યુર રોડની નામના ફૂટબોલના ખેલાડીના ગુરુએ કહ્યું ‘ફૂટબોલમાં એકલું શારીરિક બળ કામનું નથી. માનસિક બળ પણ મહત્ત્વનું છે. તેણે એક સૂત્ર આપ્યું,
‘વ્હેન ગોઈંગ ગટ્સ ટફ,
ધ ટફ ગેટ્સ ગોઈંગ’
જ્યારે પ્રતિકૂળ સંયોગો થકવી નાખે ત્યારે થાકવું ન જોઈએ- તમારે વધુ ‘ટફ’ થવું જોઈએ. તમારી રિઝર્વ શક્તિની અને ઈશ્વરની મદદ પણ માગવી જોઈએ. ઓલિમ્પિક્સની લાંબી દોડ, ક્રિકેટ, હુતુતુ, હોકી અને તમામ રમતમાં આ નિયમ લાગુ પડે છે.
‘વ્હેન ગોઈંગ ગટ્સ ટફ,
ધ ટફ ગેટ્સ ગોઈંગ.’
પ્રયાસ છોડવો ન જોઈએ. થાકીને પણ વધુ પાછું થાકવું જોઈએ. ઈમરાન ખાને એક વખત શારજાહમાં કહેલું કે ફાસ્ટ બોલિંગમાં હું થાકી જાઉં છું ત્યારે કોણ જાણે થાકેલા હાથમાં વધુ બળ આવે છે અને એ થાકેલા હાથની બોલિંગથી ધડાધડ વિકેટ પડે છે! સામાન્ય જીવનમાં થાક્યા વગર આપણે ‘વિકેટો’- પ્રતિકૂળ સંયોગો સામે લડવાનું હોય છે, તો સતત લડો. - તથાસ્તુ.

X
article by kanti bhatt

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી