Back કથા સરિતા
જ્વલંત નાયક

જ્વલંત નાયક

(પ્રકરણ - 21)
લેખક વિજ્ઞાન કટાર લેખક છે.

વિશ્વનો સૌથી ઊંચો પર્વત અને એના માથે TMT પ્રોજેક્ટ

  • પ્રકાશન તારીખ02 Dec 2019
  •  
સિમ્પલ સાયન્સ- જ્વલંત નાયક
દુનિયાનો સૌથી ઊંચો પર્વત કયો? માઉન્ટ એવરેસ્ટ! આપણે આ પ્રશ્નનો જવાબ એટલી બધી વખત ગોખી ચૂક્યા છીએ કે ઊંઘમાંથી ઉઠાડીને કોઈ પૂછે કે દુનિયાનો સૌથી ઊંચો પર્વત કયો તોપણ કહી દઈએ કે ‘માઉન્ટ એવરેસ્ટ’! અને આ જવાબ ખોટો છે! જી હા, દુનિયાનો સૌથી ઊંચો પર્વત માઉન્ટ એવરેસ્ટ નથી. વિદ્વાનો કહે છે કે સત્ય હંમેશાં સાપેક્ષ હોય છે. અહીં પણ એ જ વાત ધ્યાનમાં રાખવાની છે.
હવે જરા વિચારો કે અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્રને સાથે ઊભા રાખીએ તો કોણ ઊંચું દેખાય? ડેફિનેટલી અમિતાભ, પણ જો ધર્મેન્દ્ર જમીન પર ઊભા રહે અને બચ્ચનબાબુને જમીનમાં 2 ફીટ ઊંડો ખાડો ખોદીને ઊભા રખાય તો? તો ધરમ પાજીનું માથું ભલે બિગ બીના માથા કરતાં ઊંચું દેખાય, પણ આખરે તો પગના અંગૂઠાથી ખોપરીના મથાળા સુધીની લંબાઈ વધુ હોવાને કારણે બિગ બીને જ લાંબા ગણવા પડે. બસ આ જ નિયમ પર્વતની ઊંચાઈ માપતી વખતે લાગુ પાડીએ તો માઉન્ટ એવરેસ્ટનો નંબર પહેલા નહીં પણ બીજા ક્રમે આવે. પહેલો નંબર આવે હવાઈ ટાપુઓમાં આવેલા મોના કીઆ (Mauna Kea) પર્વતનો.
માઉન્ટ એવરેસ્ટ દરિયાની સપાટીએથી 29,029 ફીટ ઊંચો છે. અહીં ‘દરિયાની સપાટી’ શબ્દ સૌથી મહત્ત્વનો છે. મોના કીઆ પર્વત તળિયેથી ટોચ સુધી ગણીએ તો પૂરા 33,000 ફીટ ઊંચો છે! માઉન્ટ એવરેસ્ટ કરતાં ચારેક હજાર ફીટ વધુ. પણ મોના કીઆનું શિખર ‘દરિયાની સપાટી’ કરતાં માત્ર 13,803 ફીટ ઊંચું જ છે, કારણ કે આ પર્વતનો મોટો હિસ્સો આશરે 20,000 ફીટ જેટલો દરિયાની અંદર આવેલો છે! આવી ભૌગોલિક પરિસ્થિતિને કારણે મોના કીઆ પર્વત વધુ ઊંચો હોવા છતાં ‘દરિયાની સપાટીએ’થી સૌથી ઊંચા શિખર તરીકે માઉન્ટ એવરેસ્ટ ઓળખાય છે. મોના કીઆ પર્વત સમુદ્રની અંદર આવેલો છે, એ ઉપરાંત પણ એની બીજી કેટલીક ખાસિયતો છે. જેમ કે, આ એક જ્વાળામુખી પર્વત છે, જે હવાઈ ટાપુઓની ‘હવાઈઅન એમ્પરર સી-માઉન્ટ ચેઈન’ તરીકે ઓળખાતી પર્વતમાળાનો હિસ્સો છે. આ આખી પર્વતમાળાનો બેઇઝ સમુદ્રના તળિયે આવેલો છે. હવાઈ ટાપુઓના વિસ્તારમાં મોના કીઆની ઊંચાઈ સૌથી વધુ છે. વળી, એની ટોચે, એટલે કે દરિયાની સપાટીએથી આશરે 14,000 ફીટની ઊંચાઈએ સૂકી અને સ્થિર હવા ધરાવતું વાતાવરણ હોય છે. વાદળો પણ મોના કીઆના શિખર કરતાં ઓછી ઊંચાઈએ હોય છે. પરિણામે અહીંથી સ્વચ્છ આકાશ જોઈ શકાય છે. વાતાવરણીય પ્રદૂષણ પણ અહીં ગેરહાજર છે. ઉપરાંત, પાંખી વસ્તીને કારણે રાત્રિ સમયે અહીં સંપૂર્ણ અંધારું (extreme darkness) હોય છે. આ બધી પરિસ્થિતિઓ અને લાક્ષણિકતાઓને કારણે મોના કીઆ પર્વતના શિખરને આકાશનો અભ્યાસ કરવા માટેનું શ્રેષ્ઠ સ્થળ ગણવામાં આવે છે.
મોના કીઆની આ બધી લાક્ષણિકતાઓને કારણે એ એસ્ટ્રોનોમર્સ માટે ફેવરિટ સ્પોટ ગણાય છે. અહીં ઇ.સ. 1960માં પહેલવહેલી સમિટ ઓબ્ઝર્વેટરી, એટલે કે પર્વતના શિખર ઉપરથી આકાશદર્શન માટેની વ્યવસ્થા ઊભી કરવાના પ્રયત્નો શરૂ થયા. આજ સુધીમાં અહીં 13 જેટલી જુદી જુદી ઓબ્ઝર્વેટરી સ્થપાઈ ચૂકી છે અને હવે અહીં સૌથી મોટી ઓબ્ઝર્વેટરી સ્થાપવાની શક્યતાઓ ઊજળી થઇ છે.
TMT પ્રોજેક્ટ : ખગોળશાસ્ત્રીઓને અહીં પૂરા 30 મીટર લાંબું ટેલિસ્કોપ ગોઠવવાની ઇચ્છા છે. આકાશદર્શન માટે શ્રેષ્ઠ ગણાય એવી જગ્યાએ શ્રેષ્ઠ સાધનો પણ હોવાં જ જોઈએ ને! આ માટે જે પ્રોજેક્ટ ડિઝાઈન કરાયો છે, એને ‘થર્ટી મીટર લોંગ ટેલિસ્કોપ’ એટલે કે ‘TMT’ નામ અપાયું છે. જો ખરેખર આટલું લાંબું ટેલિસ્કોપ કાર્યરત થશે તો ખગોળશાસ્ત્રીઓને જલસો થઇ જવાનો છે. વિજ્ઞાનીઓના મતે મહાકાય ગણી શકાય એવા આ ટેલિસ્કોપને કારણે ધરતી પર બેઠાં બેઠાં જ અવકાશમાં ઊંડે સુધી આપણી નજર પહોંચશે. અવકાશમાં તરતા અનેક ઓબ્જેક્ટ્સ વધુ સ્પષ્ટ રીતે જોઈ શકાશે, એમની મૂવમેન્ટ અંગે રીડિંગ લઇ શકાશે અને ભવિષ્યમાં ત્રાટકનારી અવકાશી આફત અંગે પણ આગોતરી જાણ મેળવી શકાશે. આશાવાદી ખગોળશાસ્ત્રીઓ તો એમ પણ કહે છે કે અનેક ટેક્નિકલ ખૂબીઓને કારણે આ ટેલિસ્કોપ વડે બ્રહ્માંડમાં પ્રથમ તારો અને ગેલેક્સી કઈ રીતે અસ્તિત્વમાં આવ્યા, એ વિશે પણ સચોટ અનુમાન લગાવી શકાય એટલું જ્ઞાન મળશે! પૃથ્વી તરફ ધસમસી આવતા ધૂમકેતુઓ અંગે પણ તેના દ્વારા વેલ-ઇન-એડવાન્સ જાણ થઇ શકશે.
જોકે, TMT પ્રોજેક્ટ આપણે ધારીએ છીએ એટલી આસાનીથી પાર પડે એમ નથી, કેમ કે અહીં ટેક્નિકલ ચેલેન્જીસ સહિતની બીજી પણ કેટલીક સમસ્યાઓ ઊભી થઇ છે. સૌથી મુખ્ય સમસ્યા એ છે કે માત્ર હવાઈ જ નહીં, પણ બીજા પ્રદેશોના પણ અનેક લોકો મોના કીઆ પર્વતના શિખરને પવિત્ર સ્થળ માને છે. તેઓ નથી ઇચ્છતા કે અહીંના પવિત્ર એકાંત અને શાંતિનો ભંગ થાય. દુનિયાભરમાંથી પ્રકૃતિની ચિંતા કરનારા સંખ્યાબંધ લોકોએ આવીને મોના કીઆ ઉપર આકાર લેનારા TMT પ્રોજેક્ટનો સજ્જડ વિરોધ કર્યો છે. પરિણામે કેટલાંક વર્ષ આ પ્રોજેક્ટ ઘોંચમાં પડી રહ્યો. છેક હમણાં, 2019ના ઓગસ્ટ મહિનામાં સ્થાનિક તંત્રને લોકોને સમજાવવામાં સફળતા મળી છે અને કામ ફરી શરૂ કરવામાં આવ્યું છે.
આશા રાખીએ કે આ પ્રોજેક્ટ ઝડપથી સાકાર થાય!
[email protected]
x
રદ કરો

કલમ

TOP