સિમ્પલ સાયન્સ- જ્વલંત નાયક / જો ક્યારેક તૂટતો તારો જુઓ તો...

article by jwalant nayak

Divyabhaskar.com

Aug 12, 2019, 06:54 PM IST

સિમ્પલ સાયન્સ- જ્વલંત નાયક
એક બાબતમાં આપણા બોલિવૂડના ફિલ્મ ડિરેક્ટર્સની અદ્્ભુત હથોટી છે. ગમે એ વિષયમાં તેઓ રોમાન્સનો એન્ગલ ઘુસાડી શકે છે. બોલિવૂડ મૂવીઝમાં શત પ્રતિશત વૈજ્ઞાનિક ગણાતી ઘટનામાં પણ મૂળ એન્ગલ તો રોમાન્સનો જ હોય, દાખલા તરીકે ખરતો તારો! હીરો-હિરોઈન અગાશીમાં ઈશ્ક લડાવતા હોય ને એવામાં આકાશમાં ખરતા તારાનો તેજ લિસોટો દેખાય, એટલે આ ઘટના પાછળની વૈજ્ઞાનિક હકીકત જાણ્યા વિના હીરો-હિરોઈન મંડે આંખો મીંચીને ઇચ્છાપૂર્તિ માટેની પ્રાર્થના કરવા! ખેર, ફિલ્મોમાં તો આવું જ હોવાનું, પરંતુ વાસ્તવમાં દરેક ખરતો તારો રોમેન્ટિક નથી હતો! બલ્કે કેટલાક તો આકાશમાંથી ખાબકતા બોમ્બ જેવા જીવલેણ નીવડી શકે છે!
આ લખાય છે ત્યારે ખબર છે કે એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ કરતાં પણ મોટા કદનો ખડક પૃથ્વી તરફ ધસમસી રહ્યો છે. આ ખડક 10 ઓગસ્ટે પૃથ્વીની નજીકથી પસાર થશે અને એ સમયે એની સ્પીડ હશે ‘માત્ર’ 16,740 કિલોમીટર પ્રતિ કલાક! આ ખડકનું નામ છે 2006 QQ23, જેનો ડાયામીટર છે 569 મીટર. આવો ઊંચો પહોળો ખડક જો પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે તો કેવી અફરાતફરી મચી જાય?! આ ખડકને ‘નિઅર અર્થ ઓબ્જેક્ટ’ તરીકે ઓળખવામાં આવે છે, એટલું જ નહીં પણ એને ‘પોટેન્શિયલી હેઝાર્ડ્સ ઓબ્જેક્ટ’ની કેટેગરીમાં મૂકવામાં આવ્યો છે. જોકે, ડરવાનું કારણ નથી, કેમ કે તમે આ લેખ વાંચવા હેમખેમ છો, એ જ બતાવે છે કે 2006 QQ23 પૃથ્વીને કોઈ પણ જાતનું નુકસાન કર્યા વિના બારોબાર નીકળી ગયો છે. છતાં આપણે આ પ્રકારના સંભવિત અવકાશી ‘હુમલાઓ’ વિશે જાણવું તો જોઈએ જ. પહેલાં તો થોડી ટર્મિનોલોજી સમજી લઈએ.
સૌરમંડળના ગ્રહો અને ઉપગ્રહો વચ્ચેનું અંતર માપવા માટે જે એકમ વપરાય છે, એને એસ્ટ્રોનોમિકલ યુનિટ - au તરીકે ઓળખવામાં આવે છે. એક એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે આશરે 93 મિલિયન માઈલ. હવે અવકાશીય ભ્રમણકક્ષાઓમાં ફરતા જે ખડકો સૂર્યથી 1.3 au કે એથી ઓછું અંતર ધરાવતા હોય, એ સ્વાભાવિક રીતે પૃથ્વીની પણ નજીક હોવાના. આ પ્રકારના ખડકોને નિઅર અર્થ ઓબ્જેક્ટ - NEO તરીકે ઓળખવામાં આવે છે. NEOની ભ્રમણકક્ષા ઘણીવાર પૃથ્વીની ભ્રમણકક્ષા સાથે ઓવરલેપ થતી હોય છે. આ NEO પૈકીના જે 0.05 au કરતાં પણ ઓછું અંતર ધરાવતા હોય, કદમાં 140 મીટર (460 ફીટ) કરતાં વધુ હોય, એમને પોટેન્શિયલી હેઝાર્ડ્સ ઓબ્જેક્ટ (PHO) - એટલે કે પૃથ્વી માટે ખતરારૂપ બની શકે એવા ઓબ્જેક્ટની કેટેગરીમાં મૂકવામાં આવે છે. આવા PHOમાં ઉલ્કાઓ, એસ્ટરોઈડ્સ અને ધૂમકેતુનો સમાવેશ થાય છે. હાલના તબક્કે અવકાશ વિજ્ઞાનીઓએ 20,000થી વધુ NEO અને 1,885થી વધુ PHOને વર્ગીકૃત કરવામાં સફળતા મેળવી છે. એમાંય 157 જેટલા PHO તો કદમાં એક હજાર મીટર કરતાં મોટી સાઈઝના છે! જરા વિચારો કે હજારો કિલોગ્રામ વજનનો આવડો મોટો ખડક છે...ક અવકાશમાંથી દેમાર સ્પીડે ખરીને પૃથ્વીના કોઈ વિસ્તાર ઉપર પટકાય તો એ વિસ્તારની શું વલે થાય?! અહીં ધરપત આપનારી વાત એ છે કે મોટા ભાગના PHOની ભ્રમણકક્ષા એ પ્રકારની છે કે આવનારાં 100 વર્ષ સુધી તેમની પૃથ્વી પર ખાબકવાની કોઈ શક્યતા જણાતી નથી! થેંક ગોડ! 10 ઓગસ્ટે પૃથ્વી નજીકથી પસાર થનાર PHOની પૃથ્વી સાથે ટક્કર થાય એવી કોઈ જ શક્યતા નથી. તેમ છતાં અવકાશ વિજ્ઞાનીઓ એની ગતિ પર ચાંપતી નજર રાખશે. વિજ્ઞાનીઓ માને છે કે ભવિષ્યનાં વર્ષોમાં આવો કોઈ બિન બુલાયે પૃથ્વીની મુલાકાતે આવી ચડેલો ‘મહેમાન’ જ સમગ્ર સજીવ સૃષ્ટિનું નિકંદન કાઢશે. વિજ્ઞાનીઓની ચિંતા અસ્થાને નથી જ.
જરા યાદ કરો, ડાયનોસોર કઈ રીતે નાશ પામ્યા? 65 મિલિયન વર્ષ પહેલાં ખાબકેલા એસ્ટરોઈડને કારણે જ સ્તો! હવે જો આજના સમયે આવી કોઈ ઘટના બને તો? ઇ.સ. 2028માં 1997XF11 નામનો અવકાશી ખડક પૃથ્વીની અતિશય નજીકથી પસાર થવાનો છે. જોકે, એ પૃથ્વી સાથે ટકરાય એવી કોઈ શક્યતા નથી, પણ ધારો કે કંઈક અવકાશી લોચો થાય અને 30,000 માઈલની ઝડપે ધસી રહેલો એકાદ માઈલ પહોળો આ ખડક પૃથ્વી સાથે ટકરાય તો એની અસરો માપવા માટે ભાગ્યે જ કોઈ બચે! આટલી ઝડપે થતી ટક્કરના પરિણામે એક મિલિયન મેગાટનનો બોમ્બ ફૂટવા બરાબર એનર્જી છૂટી પડે! આ આંકડો અતિશય મોટો છે, માટે કલ્પનાનું કદ જરા ઘટાડીએ. એક માઈલ પહોળા ખડકને બદલે એક સામાન્ય ઘરની સાઈઝનો ખડક આટલી ગતિએ ખાબકે તો 20 કિલોટનનો બોમ્બ ફાટવા જેવી અસર થાય! સરખામણી ખાતર જાણી લો કે હિરોશિમા પર ફેંકાયેલ બોમ્બ પણ 20 કિલોટન જેટલી જ એનર્જી ધરાવતો હતો. આવી ટક્કર દુનિયાના કોઈ પણ શહેરને સંપૂર્ણપણે તબાહ કરી શકે છે. તો ભાઈ મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ, હવે પછી કોઈ ખરતો તારો જુઓ તો હિન્દી ફિલ્મોની અસર હેઠળ હરખપદૂડા થઈને રોમેન્ટિક ઈચ્છાપૂર્તિને બદલે એવી પ્રાર્થના કરજો, કે આ તારો ખરીને આપણી વહાલી પૃથ્વી ઉપર ન ખાબકે!
[email protected]

X
article by jwalant nayak

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી